''ઓળખ'' માટેનાં જુગજૂનાં હવાતિયાં!

- જેને સંતપુરુષ કે ધર્મપુરુષની વાણી સ્પર્શી ગઈ હોય, તેને એ સંતપુરુષ કે ધર્મપુરુષનું લેબલ લગાડીને ફરવાની જરૂર ન પડે. 


'તમે તો  ફલાણા સંપ્રદાયના, કેમ?'

''નહીં. અમે એમનાથી જૂદા. એ લોકો સવારની પૂજા વખતે દીવો બે વાર ફેરવે, અમે ત્રણ વાર ફેરવીએ!''

ભારે રસદાયક મનોવૈજ્ઞાાનિક બાબત છે આ!

માણસ ભણે-ગણે, ઉચ્ચ કક્ષાનો બૌદ્ધિક બને, છતાં કેટલીક માર્મિક નબળાઈઓ છૂટતી નથી, અને ''ઓળખ''ના અબળખા આવી જ એક નબળાઈ છે. દાખલા તરીકે હું મારા પરિવારને વારસાગત, જન્મથી મહાવીરનો અનુયાયી ગણાવું ત્યારે એક ભયંકર અને છતાં નક્કર સત્ય એ છે કે મોટે ભાગે મહાવીરનું સત્ય તો ક્યાંય, જોજનો દૂર હોય છે, મારી ''ઓળખ'' જ મહત્ત્વની હોય છે.

બ્રિટનના લોકો આનુવંશિક રીતે મૂળ અમેરિકાના, પણ અમે ''બ્રિટિશ'' એવી ઓળખ માટેની તીવ્ર ભૂખ એ એમની મનોવૈજ્ઞાાનિક લાક્ષણિકતા. પરિણામે અમેરિકનોથી નાની નાની અતિક્ષુલ્લક બાબતોમાં પણ અલગ, આગવા, જૂદા દેખાવાના એમના સતત પ્રયાસ હોય. ડ્રાયવરની સીટથી માંડીને ઘરગથ્થુ ઈલેક્ટ્રિક સ્વિચબોર્ડ સુધી, અમેરિકનો કરતાં ઊંધું કરીને પણ ''ઓળખ'' જાળવવાનાં ફાંફાં મારે!

માણસ પશુતામાંથી ઉપર ઉઠીને દિવ્યતા તરફ આગળ વધે, આટલા સાદા હેતુ સિવાય ધર્મ કે અધ્યાત્મનો અન્ય શો હેતુ હોઈ શકે? અને ધાર્મિકતાનો દાવો કરતો દુનિયાનો કયો ફિરકો, કયો સંપ્રદાય આ હેતુ સિવાયનો અન્ય હેતુ ધરાવે છે? દુનિયાનો કયો ધર્મ કે સંપ્રદાય એમ છાતી ઠોકીને કહી શકે છે કે સત્ય, અહિંસા, સાધના, દિવ્યત્વ તરફનો પુરુષાર્થ - આ બધાં તત્ત્વો એની ''મોનોપોલી'' (એકાધિકાર) છે? દુનિયાની કઈ ઉપાસના-પદ્ધતિ એમ સાબિત કરી શકે છે કે આ તત્ત્વો એમની વારસાગત જાગીર હતી, અને આ તત્ત્વોનું એમણે 'પેટંટ' કરાવ્યું હતું?

જો કહેવાતી વૈરાગ્ય, મોક્ષ, સંયમ, વિશ્વપ્રેમ, સર્વવ્યાપી આત્મતત્ત્વની વાતોથી માણસમાં કમસેકમ સન્નિષ્ઠા અને વિશ્વસનીયતા પેદા થતાં હોત તો આપણો દેશ તો આવી વાતોના ગલીએ ગલીએ નાયગરાના ધોધ ધરાવે છે, તો દુનિયામાં સૌથી વધારે સન્નિષ્ઠ, વિશ્વસનીય સરળ નિર્દંભી લોકો આપણે ત્યાં હોત. આશ્રમો, કથાઓના શ્રોતાઓ આધ્યાત્મિક આન્દોલનોના ચુસ્ત, ઝનૂની અનુયાયીઓ તો અહિંસા, પ્રેમ, ત્યાગથી ઉભરાતા હોત, પણ તમારો જાત-અનુભવ શું કહે છે? એવું છે ખરું?

જેને સંતપુરુષ કે ધર્મપુરુષની વાણી સ્પર્શી ગઈ હોય, તેને એ સંતપુરુષ કે ધર્મપુરુષનું લેબલ લગાડીને ફરવાની જરૂર ન પડે. કોઈ જ ધર્મપુરુષ કોઈ લેબલ પકડાવવાની કે લેબલધારીઓની સંખ્યા વધારવાની વ્યર્થ વાસનામાં અણમોલ જિન્દગી બગાડે નહીં.

સમાજમાં ''ઓળખ''ની જરૂર દુન્યવી માણસોને પડે. પરમચેતનાના રસ્તે આગળ વધ્યા પછી ધાર્મિક-સાંપ્રદાયિક લેબલો બાળકોનાં રમકડાં લાગે. જેણે પરમચેતનની ઝાંખી કે ઓળખ મેળવ્યાં હોય તેને સાંપ્રદાયિક ઓળખ બતાવતા ફરવાનાં હવાતિયાં મારવાં પડે?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sD77AE
Previous
Next Post »