લગ્નજીવન બચી ગયું .

- 'તું મારી મજબૂરીનો લાભ લેવા માગે છે. હું અને મુન્ની સ્વતંત્ર રહી ગુજરાન ચલાવી શકીએ એમ છીએ'


'સુ લય આજે તારીખ તને યાદ છે ?' સુરીલીએ તૈયાર થતા પતિને પુછયું.

'હા, યાદ આવે છે, આજે આપણી મેરેજ એનિવર્સરી છે, હેપી એનિવર્સરી મને ઓફિસે જવાનું મોડુ થાય છે.' કહેતા સુલય બુટ પહેરવા લાગ્યો.

'ક્યાં જવાનું છે , સાંજે જમવા માટે ?' સુરીલીએ પ્રેમથી પુછયુ.આપણે બાઇક ઉપર મંદિરે દર્શને જઈશું 'સુલયે જવાબ આપ્યો.

'શું એક દિવસ પણ ડીનર પાર્ટી નહિ ? એજ જૂની પૂરાણી બાઇક ? એક નાની ગાડી પણ વસાવતો નથીત કહી સુરીલીએ મો મચકોડયું. સુલય નીચુ જોઈ ગયો. 

'સૂરીલી મારૂ પ્રોમોશન આવી જવા દે. પછી ગાડી અને હોટલનો વાંધો જ નથી'. 

'પ્રમોશન ક્યારે આવશે? ખોટાખોટા બહાના કરે જાય છે.' સુરીલીનો એનિવર્સરીનો જુસ્સો અને પ્રેમ ઓગળી ગયા. આખો દિવસ સુલય નિરાશામાં હતાશ થઈ ગયો. મલ્ટીનેશનલ કંપનીમાં તેની નોકરી સારી હતી. પગાર પણ ઓછો કહેવાય તેવો ન હતો. નાની છ વરસની દીકરીનો ખર્ચ પણ વધારે ન હતો. પણ સુરીલીને દરેક વખતે સુલયમાં જ કાઈને કાઇ ખામી લાગતી હતી.

તેની ઓફિસની સહકર્મચારી તન્વી સાથે તેને સારૂ બનતું. બન્ને સાથે લંચ કરવા કેન્ટીનમાં જતા. સુલયે કેન્ટીનનો પુલાવ મંગાવ્યોને તન્વીએ પુછયુ. 'ઘરેથી ટીફીન કેમ લાવ્યો નથી ?'  સુલય વિચારમાં પડી ગયો. સવારે લંચબોક્ષ માગતાં સૂરીલી બગડી હતી.

'સવારમાં મારે કેટલા કામ હોય છે. બેબીને તૈયાર કરવાની,રસોઈ કરવાની,સાફસફાઈ પણ પહોચાય ક્યાંથી ? એક બાઈ કેમ રાખતો નથી. ' સુરીલીએ ગુસ્સે થઈને કહયું હતુ.

ઝગડો ઉગ્ર થવાથી તે ટિફીન વગર જ નીકળી ગયો હતો. તન્વીના ઘરનું ટિફીન ખાઈ સુલય તેના તરફ આકર્ષાઈ રહ્યો હતો. સૂરીલી કોઈને કોઈ બાબતે તેની સાથે પૈસા, સુખ,સગવડ,સાધનો માટે ઝગડયા જ કરતી.

ઓફિસમાં તન્વી સાથે જમવા બેઠા ત્યારે તેણે સુંદર ટાઈ ભેટ કરી. અને બોલી, 'સુલય, મને તારી કંપની બહુજ ગમે છે.' સુલય તેના પ્રેમથી સંગાથથી ખુશ હતો. હવે તેને કાયમી સાથી બનાવવા તલસી રહ્યો હતો. સાંજે મોડો તે ઘેર પહોચ્ચો ત્યારે, સુરીલીનો કોલેજ ફ્રેન્ડ ધર્મેશ તેના ઘરે બેઠો હતો.

સુલયે કિટકેટ ચોકલેટ તેની મૂન્નીને ખુશ થઈને આપતા કહ્યું 'જો બેટા,તારા માટે ચોકલેટ લાવ્યો છુ.' તેને હતું કે મૂન્ની અને સૂરીલી ખુશ થશે. ત્યાં તો મૂન્ની બોલી 'પપ્પા, આ અંકલ મારે માટે કેડબેરીનો આખો ડબ્બો લાવ્યા છે.' અને સુલય તેની પત્ની અને દીકરી આગળ ભોંઠા પડી ગયો.

સુરીલીના જન્મ દિવસે તેણે મોંઘી ટાઇટન વોચની જીદ પકડી.બન્ને વચ્ચે ઝગડો વધી ગયો. ઓફિસમાં સુલયનું મન લાગતું ન હતું. ત્રણ દિવસથી તન્વી પણ ઓફિસ આવતી ન હતી. રોજની કચકચ થી કંટાળી તેણે અંતે સૂરીલી થી છૂટા પાડવાનું નક્કી કરી લીધુ. પહોચી ગયો વકીલની ઓફિસમાં અને છૂટાછેડાના કાગળ તૈયાર કરાવી દીધા. 

સાંજે ઘેર પહોચ્યો ત્યારે ધર્મેશ તેને ઘરે જ સૂરીલી માટે સુંદર ટાઇટન વોચ લાવ્યો હતો. સુલય રાત્રે હતાશ થઈ આખી રાત ઊંઘવા માટે પાસા પલટતો રહયો.  

બીજે દિવસે સુલય સવારે ડાઈવોર્સ પેપર્સ સુરીલીને આપી તન્વી પાસે તેના ઘેર પહોચી ગયો. 

 'કેમ આટલા દિવસથી નથી આવતી ઓફિસ ?' સુલયે પ્રેમ અને ચિંતાથી પૂછયુ. 

તન્વી તેને અંદર રૂમમાં લઈ ગઈ. પથારીમાં તેનો પતિ લાચાર અવસ્થામાં લકવા સાથે પડયો હતો.

'જો આ મારો પતિ રાકેશને ત્રણ મહિના પહેલા રોડ અકસ્માત થયો, તેની સેવા માટે રજા પર હતી.'

'તન્વી , તારી સાથે લગ્ન કરવા મે સુરીલીને ડાઈવોર્સ આપવાનું નક્કી કરેલ છે.'

સુલય, મે તને આવું કરવાનું ક્યાં કહ્યું હતુ.આતો મને તારી કંપની ગમતી હતી હું આવા અપંગ પતિને છોડવા નથી માગતી, પછી તેનું કોણ ?' તન્વીએ સમજાવતાં કહ્યું. સુલય છોભીલો પડી ગયો.

સાંજે ઘેર જઇ બેલ મારવા ગયો ત્યાં અંદરની વાતચીત સંભળાઇ.     

'ધર્મેશ,મને સુલય ડાઈવોર્સ આપવા માગે છે, મારે ને તેને વિવાદ થતાં હતા સુખ સગવડ માટે પૈસા માટે તે મહેનતુ છે,પણ મહત્વકાંક્ષાવાળો નથી તેથી વધારે પૈસા કમાય તેને માટે હું તેને ઉકસાવતી હતી.' સુરીલીએ રડતાં રડતાં કહ્યું.

'સૂરીલી, હું તારી તમામ જરૂરિયાતો પૂરી કરીશ મારી સાથે લગ્ન કરી લે પછી' કહી ધર્મેશ તેને બાહોમાં લેવા ગયો. સુરીલીએ ગુસ્સે થઇ લાફો ચોડતા કહ્યું.'તું મારી મજબૂરીનો લાભ લેવા માગે છે. હું અને મુન્ની સ્વતંત્ર રહી ગુજરાન ચલાવી શકીએ એમ છીએ. મારો પહેલો ને છેલ્લો પ્રેમ તો સુલય જ છે' જો હવે ક્યારેય આવતો નહિ. 

નીચી મુંડીએ ધર્મેશ જતાં સુલય તેની સામે તાકતા અંદર આવ્યો.'લે સુલય,આ ડાઈવોર્સ પેપર્સ સહી થઈ ગયા છે.'

સુલયે ડાઈવોર્સ પેપર્સ ફાડતા કહ્યું 'સોરી, સૂરીલી,હું તને સમજી ના શકયો. મારે સમજવું જોઈતું હતું કે આટલા ઓછા પગારમાં તું કઈ રીતે ઘર ચલાવતી હતી, હવે હું બીજી પાર્ટ ટાઈમ જોબ કરીશ.'

'સુલય, મારી પણ ભૂલ હતી, મારે તને વારે વારે ટોણાં મારીને માગણીઓ કરવા જેવી ન હતી. જે છે તેમાં સંતોષ રાખવો જોઈતો હતો. લગ્ન ટકાવી રાખવા એકબીજાને સમજવું જરૂરી છે.

ફાટી ગયેલો ડાઈવોર્સ પેપર્સ પણ ટુકડા થવા છ્તા ખુશ હતા. સ્કૂલેથી મુન્ની આવતા બન્નેએ ખુશ થઈ તેને ઉપાડી લીધી.   



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QThPVJ
Previous
Next Post »