પ્રકાર: આકાર, સાકાર, નિરાકાર

- વૈશ્વિક બજાર ભણી કળા અને સંસ્કૃતિની યાત્રા

- 'પરમાણુ' અંતર્ગત. બ્રહ્માંડને જળરંગે પ્લાવિત કરી દેતા આ ચિત્રોમાં મુક્તરેખાઓ અને અભિવ્યક્તિ સભર વિસ્ફોટ જેવું અનુભવાય છે....


એ ક સમય એવો હતો જ્યારે 'કળા ખાતર કળા' સૂત્ર અતિ લોકપ્રિય અને સર્વવ્યાપી હતું પરતુ રેનેસાંકાળ પછી કળા ક્ષેત્રે આવેલી ક્રાંતિ દરમ્યાન આધુનિક અને અતિ આધુનિક કળાના ખ્યાલમાં, વ્યાખ્યામાં, પ્રયોજનમાં, મહાવરામાં ખરીદ- વેચાણ પ્રક્રિયામાં અને સંગ્રહાલયોમાં એની ઉપર અનેકવિધ પુનઃવિચારણા થઈ અને એમાં એક નવો શબ્દ પ્રવેશ્યો: 'ઇકોલોજી'- પર્યાવરણ તેનું સંતુલન અને કળા સાથેનો તેનો અવિનાભાવિ સંબંધતથા સંપર્ક. આ વિષયે કળા ક્ષેત્રે અનેક નવી બારીઓ ખોલી આપી તેની ક્ષિતિજો વિસ્તરી અને પુખ્ત થયેલી કળા કુંવરી અતિ અત્યાધુનિક વાઘાં સાથે સજતી ચાલી. સુપર સોનિક યુગમાં કળા હવે એકલી નથી રહી. તેની સાથે કળાકાર - એના જનક ઉપરાંત તેને ક્યુરેટર મળ્યા છેેે.

તેનાં રખોપાં કરનાર રક્ષકો તેની પડખે છે. સંશોધનો તો અવિરત ચાલુ જ રહે છે. પણ કળાકૃતિઓને પરખનારા, જાણનારા, નાણનારા,, માણનારા તો ખરા જ- સમાંતરે કળાકૃતિઓને કળાબજારમાં માનપૂર્વક. પ્રેમથી યોગ્ય અને અનુરૂપ કિંમતોને શિખરે પણ સજાવવામાં આવે છે.

'ઑનલાઇન'ના નવયુગમાં કળાના વિવિધ સ્વરૂપો પૈકી ચિત્રો અને શિલ્પોની વિશાળ શ્રેણીઓ બન્ને પ્લેટફોર્મ પર પદ્ધતિસર ઉપલબ્ધ થઈ છે. અમદાવાદની 'ડી.આર.એસ. આર્ટ કંપની' અર્થાત્ ધન્વી રસીકલાલ શાહ આર્ટ કંપની ભારતની એવી અગ્રિમ કંપનીઓમાંની એક છે જે સમગ્ર કળાના સુચારૂ વહીવટ સાથે એનાં ઉજ્જવળ ભાવિના સોણલામાં રમમાણ રહે છે - એની ચિંતા કરે છે.

બ્રહ્માંડ થિયરી - પંચમહાભૂત વિષયક અનેકવિધ પ્રકારના ચિત્રો

ગ્રાફિક આર્ટીસ્ટ કશ્યપભાઈએ પ્રસ્તુત ચિત્રો સર્જ્યા એ પહેલાં એમણે ગ્લાસ પેઇન્ટિંગ ઉપર પણ ઘણું કામ કરી નામ, માન,અકરામ મેળવ્યા છે. 'પ્રકાર' નામધારી આ ચિત્રસંપુટમાં કલાકારોનો વર્તમાન સાથેનો નાતો, સંશોધન, સમકાલીન ટેક્નિક, વિવિધ વિષયો અને માધ્યમ છતા થાય છે. 

આધ્યાત્મિકતા અને માનવતા તરફ દોરી જતી કળામાં શક્તિ, કુદરત, વિકાસ એકબીજામાં ગૂંથાયેલા જણાય છે. વિષયોના નામ છે પરમાણુ, પ્રકૃતિ અને અવ્યક્ત રસિકોનાં અણુએ અણુમાં વ્યાપી જાય એવા ચિત્રો છે. 'પરમાણુ' અંતર્ગત. બ્રહ્માંડને જળરંગે પ્લાવિત કરી દેતા આ ચિત્રોમાં મુક્તરેખાઓ અને અભિવ્યક્તિ સભર વિસ્ફોટ જેવું અનુભવાય છે. જેમાં બિંદુઓ ગ્રહો જેવા લાગે છે. પડ પર પડ ચડાવેલા રંગો પારદર્શક બની સુંદર સંયોજનો કરે છે.

દર્શકો મધ્યમાં રહેલા અણુને તાકતા ભૌતિક દ્રવ્ય (મેટર)માં ગરકાવ થઈ જાય છે. અણુ- પરમાણુ એના સૂક્ષ્મ સ્વરૂપે દર્શકોની કલ્પના શક્તિને ખીલવે છે. તે આંખો ખોલી કાંઈ માણે, વિચારે તો થાય કે, 'હાલને ભેરૂ ભેળાં થઈ કળારસ્તે જઈએ રે...' પેપર ઉપર પરમાણુ નાયક થઈ વિલસે છે. અવકાશનું રંગીન સ્વરૂપ ઘેરા લીલા અને તે પછી આછા થતા જતા લીલા રંગની ઝાંયમાં પ્રતિબિંબિત થાય છે. વર્તુળમાં વિવિધરંગી વલયો સર્જાય છે. ગુલાબી, પીળો, વાદળી, જામલી અને વણઉકલ્યા ગૂંચળામાં રહસ્યોની માયાજાળ સર્જાય છે.

દરેક જીવમાં વસતું ગૂઢ રહસ્ય સમજવાની મથામણ અને તેની ફળશ્રુતિ સઘન અવકાશની ઘટ્ટતામાંથી નીતરે તો ? આ બધા ઘાટા ઘેરા લસરકા મધ્યબિંદુમાં જઈને મળે છે. અન્ય ચિત્ર કૈલાસ શિખરને અંજલિ કેનવાસ પર મિક્સ મિડીયા થકી આડી- ઊભી લકીરોયુક્ત ઊભા ચિપિયા જેવા આકારમાં પ્રકાશનો અણસાર જતાવે છે. ચળકતા છતાં મેટ ફિનિશ ઝાંખા રંગ પર પીળો ચળકતો સૂર્ય ન્યોછાવર થાય છે.

મૂળ કળાનું પ્રિન્ટ આર્ટ થકી સેરિગ્રાફમાં અવતરણ

ડી.આર.એસ.ના સર્વેસર્વા એવા ચૈત્ય શાહ, પિતા ધન્વીભાઈના માર્ગદર્શનમાં માર્વેલ આર્ટ ફાઉન્ડેશન અને ગેલેરીના નેજા હેઠળ કળાની જાળવણી અને તેની વૃદ્ધિ સારું સક્રિય છે. કલાગુરુઓ, કલાઉત્સુકો, કલાસંગ્રાહકો અને અલબત્ત કલાકારો તથા તેમની કલાકૃતિઓનું આ સંસ્થા અન્વયે સન્માન સહ સુસ્વાગતમ અહીં થાય ન માત્ર મૂળ કૃતિની આવરદાની તેઓ ચિંતા કરે છે પરંતુ એ કૃતિને જનસામાન્ય સુધી પહોંચાડવાના એમના પ્રયત્નોમાં તેઓ સેરિગ્રાફી ટેક્નિકને પણ વર્યા છે.

સાધન- સામગ્રી ઉપરાંત કુશળ હસ્ત વડે કારીગરો એને અદ્દલ સ્વરૂપ આપે છે. એક ચિત્રની અનેક આવૃત્તિઓ કિફાયતી ભાવે છતાં અસલ ચિત્ર સાથે જવાબદારીપૂર્વકનો નાતો સેરિગ્રાફી નિભાવી જાણે છે. 'નકલ' કે 'ઝેરોક્સ' સાથે ક્યાંય એ મળતી આવતી કળા નથી. એક સ્વતંત્ર કળા અને ટેક્નિક સાથે અત્યંત ઝીણવટભરી- કુનેહપૂર્વકની તકેદારી અને રખેવાળી એમાં છલકાય છે.

સુખ્યાત ચિત્રકારો ભાનુ શાહ, નટુ મિસ્ત્રી, જ્યોતિ ભટ્ટ, શાંતિ દવે, જોગેન ચૌધરી, શ્યામ શર્મા, રતન પરિમૂ, બસંત ભાર્ગવે આદિ અનેકના કલાકર્મો અહીં કુશળમંગળ છે. હવે તો કલાકારો સ્વયમ્ સીધા સેરિગ્રાફી થકી પણ ચિત્રસર્જન કરે છે. હા, એક બીજી વાત વરિષ્ઠ કલાકાર અને ક્યુરેટર શ્રી રતન પરિમૂનના ચિત્રો તો અહીં મહેમાન થાય જ છે પણ એ અંગે ચૈત્યે લખેલ 'ધ કંડક્ટર' પુસ્તક પણ આવકાર્ય છે.

હાલ આ સંગ્રહમાં એક નોખી ભાત પાડતી ચિત્રકળાની સુગંધ પણ માણવા જેવી છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીના એપ્લાઇડ આર્ટ શાખાના વરિષ્ઠ વ્યાખ્યાતા શ્રી કશ્યપ જયંત પરીખના ત્રિવિધ વિષયોની છણાવટ કરતા, આંખને અમી થાય એવાં ચિત્રો બન્ને પ્લેટફોર્મ પર પોતાની ઉંડી છાપ છોડી રહ્યા છે. કલાકાર પરિવારના આ ફરજંદે કળાની પરંપરા બખૂબી નિભાવી જાણી છે.

કલાના આકાશમાં મસ્ત બની ઉડતું પંખી

'પ્રકૃતિ' આદિવાસી કળાની યાદ અપાવતી પવિત્ર અને શક્તિશાળી અભિવ્યક્તિ છે. જોરદાર સંયોજનો પુખ્ત છે. જે ઉત્સવી થઈ રસિકોની આંખોને મિજબાની આપે છે. પારંપારિક રંગોની બિછાત અને સ્પષ્ટ આઉટલાઇન નયનરમ્ય બન્યા છે. રેખાનો શણગાર જ રંગ છે ને ! એમાં ઉંડા ગરકાવ થઈ સૂર્ય, ચન્દ્ર, માછલી, સર્પ, સ્ત્રી,ભાતયુક્ત કિનારો ઘેરા રંગમાં મહાલે ! ઑમ, કમળ, આંખ, વિસ્ફારિત નેત્રો આદિ પ્રતીકો ભારતની ઓળખ સમા ઘેરા રંગોની રંગોળી પૂરે છે. 'અવ્યક્ત' બધા રંગીન અહેસાસ ઉપર શુદ્ધ- શ્વેત- શ્યામની શાસ્ત્રીય આભા રેલાવવામાં મેદાન મારી જાય છે.

કલાના ઉંડાણમાં ગરકી શ્વેત કિનારમાં થઈને શ્યામ રંગમાં ડોકિયું કરીએ તો શક્તિશાળી ઊર્જા પ્રગટે, અપલક નેત્રે વાળ કે રેસાથી ય બારીક, નાજુક, કમનીય રેખાઓ ઉપર સંધાણ થાય. સ્તબ્ધ થઈને નિરખીએ - રેખા, આકાર, બિંદુ- બધુંપાતળી કોમલાંગી રેખાઓ અને બિંદુનો સુમેળ સર્જે.

કુદરતના ઝીણેરાં અવલોકનો માનવાકૃતિ કે અન્ય જીવસૃષ્ટિનો અભ્યાસ પણ કરાવે. સાગરની લહેરો જેવી લકીરો પર શ્વેતરંગી અમી છાંટણા વાયુ ઢાળતા વીંઝણા જેવા લાગે. બિંદુમાં સિંધુ હિલોળા લે. અતિ શ્યામલ આકાશમાં અગણિત તારલિયાનું એ પાત્રાલેખન જાણે ! કેટલું ઝીણું કાંતે છે કલાકાર ! અમૂર્ત છતાં મૂર્તિમંત થતા આ ચિત્રો એકમેકમાં સમાઈ આભાસ ઉભો કરે- કાળામાં ધોળું બિંદુ છે કે કાળા રંગમાં જગ્યા છોડી છે ! ભૌમિતિક આકારોનું નૃત્ય ભાવક પ્રમાણે દ્રષ્ટિ પ્રમાણે આકારો અને વિષયોને ઉજાગર કરે અને એ જ વ્યક્ત થાય !

લસરકો

ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં,

અંતે તો હેમનું હેમ હોયે !

- આદિ કવિ નરસિંહ મહેતા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3svz11s
Previous
Next Post »