ફાઈલ-ઉધઈનું એપી સેન્ટર

- ફાઈલો ઈન્ટરવ્યુ આપનાર ઉમેદવાર માટે ડીગ્રીનો અને કારકિર્દીનો દસ્તાવેજ બની જાય છે. રાજકારણમાં આવી ફાઈલો ચૂંટાયેલા મંત્રી, નેતા માટે રાજીનામાનો બાઉન્સર બની જાય છે


'જુ ગલબંદી'નું મૂળ શોધનાર શબ્દયાત્રીને કદાચ 'ફાઈલ-ઉધઈ'ની મેડીમાં વિસામો દેખાય. 'જ્યાં જ્યાં નજર મારી ઠરે, ફાઈલ પર ઉધઈ ફરે' કલાપી નંબર-૨ની ગઝલ-દર્શનમાં આવું અડફેટે ચડી જાય તો વિવેચકોને કલમને ખો આપવાની તાલાવેલી જાગે એ સ્વાભાવિક ગણવું.

ઓફિસે ઓફિસે તારા માળિયાં (યાદ આવ્યું? ડુંગરે ડુંગરે કાદુ તારાં પાળિયાં કે પછી જૂની ગુજરાતી ફિલ્મોમાં રાસ, ગરબા, કેડીયું ને ફાળિયાં!) ફાઈલોને સંબોધીને તો આ પ્રશસ્તિ પંક્તિ તો નથી લખાઈને? ખાસ કરીને સુધરાઈની કચેરીમાં કે વિધાનસભાના કાર્યાલયમાં લઈને જઈએ જૂની અરજી ત્યારે ટોલનાકે જોવી પડે છે હાજર(!) કારકુનની મરજી. 'ચશ્માની કરી નીચી દાંડી, બબડી... અણગમાનાં શબ્દો ભાંડી પછી જ એ બાબુએ વાત મારી માંડી' જેવું ભવાઈ દ્રશ્ય ભજવાતું થઈ જાય છે. ખુરશીની ઉપર, ટેબલની નીચે, પઠની પાછળ, ઓરડાનાં સંખ્યાબંધ માળિયે લાલ-પૂંઠા ઢીલી દોરીથી બાંધેલી, એકબીજાનાં ભારથી અધમૂઈ થઈ ગયેલી, ધૂળની થપ્પીઓ વચ્ચે હાંફતી... અને વરસો જૂની પેધી પડેલી બાંગ્લાદેશી ઘૂસણખોરો જેવી ઉધઈનાં ત્રાસથી પીડાતી ફાઈલો આ સ્ટોર-કીપરની વધેલી ફાંદ અને શરીરની ચરબી અને વાણીની કડવાસ માટે વરરાજાના અણવરની ભૂમિકામાં હોય છે.

'ફાઈલ-પુરાણ' આપણા જન્મ સાથે જ હોસ્પિટલ-ક્લીનીકનાં રિપોર્ટ, પ્રીસ્કીપ્શન બીલો સાથે વરસો વરસ પરમેનંટ થઈ જાય છે. શાળા-કોલેજનાં રીઝલ્ટ, સર્ટીફિકેટ્સ, સ્કૂલ લીવીંગ સાથેની ફાઈલ પાકાપૂંઠાની વી.આઈ.પી. ક્વૉટામાં આવી જાય છે. એલ.આઈ.સી.નાં પ્રીમીયમ, આર.ટી.ઓ.નાં બિલ્લા, ઈલેક્ટ્રીસીટી-ગેસનાં બીલોની ફાઈલ નોટિસોના મારા વચ્ચે ઢાલ-બખ્તરનું કામ કરે છે. સોસાયટીનાં ઘરનાં દસ્તાવેજોની ફાઈલ પર ઘરનાં વારસદારોનો ડોળો પીટ હોઈ લગભગ સલામત રહે છે. દેવા, ઉઘરાણીની તાકીદની નોટિસવાળી ફાઈલ બી.પી.ની ગોળીની બોટલ નીચેથી મળી રહે છે. શેરબજાર, બોન્ડ, મ્યુચલફંડવાળી ફાઈલો ગૃહિણીનાં ચાવીનાં ઝૂડા વગર પતિદેવોને મળવી આ ભવનું ભગીરથ કાર્ય કરે છે. ઈન્કમ-ટેક્ષની ફાઈલ બે નંબરી ગણવાનો રિવાજ છે. આ ફાઈલો ઈન્ટરવ્યુ આપનાર ઉમેદવાર માટે ડીગ્રીનો અને કારકિર્દીનો દસ્તાવેજ બની જાય છે. રાજકારણમાં આવી ફાઈલો ચૂંટાયેલા મંત્રી, નેતા માટે રાજીનામાનો બાઉન્સર બની જાય છે. વાંધાજનક સરકારી ફાઈલો ફાઈનલ ઓડીટીંગ થાય ત્યારે જ આપણને ફાઈલ સાથે ચોંટેલી ઉધઈની જુગલબંધીનો પારવાર પસ્તાવો થાય છે. નહિ?

મરી મસાલા : સૌથી મોટી નદીની યાદીમાં પ્રથમ 'નાઈલ' આવે છે, જીવનમાં દરેક કામ કરાવવામાં આગળ 'ફાઈલ' આવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dffCev
Previous
Next Post »