અહંકાર રૂપી મહાશત્રુને નાથવાના સાત ઉપાયો ક્યા?


- જિંદગીનાં આકાશને પોતાના રંગો બદલવાની આદત છે. તમારો અહંકારસભર રંગીન દિવસ ક્યારે અંધારી રાત બની જશે, એની કોઈને કલ્પના પણ નથી હોતી

એ ક અમીર માણસ કોઈ ધર્માત્માને મળવા જાય છે. પેલા સંતનો સેવક પૂછે છે: ''આપનું નામ ?''

અમીર માણસ ખિસ્સામાંથી વિઝિટિંગ કાર્ડ કાઢી તેને આપે છે. પેલો સેવક કાર્ડમાં લખેલું નામ વાંચવાની કોશિશ કરે છે. અમીર માણસ તેને અટકાવતાં કહે છે: ''આ કાર્ડ ઓર્ડિનરી માણસો માટેનું નથી. વી.આઈ.પી. માટેનું છે. તારે આ કાર્ડ વાંચવાની જરૂર નથી ! જા, તારા ધર્મગુરૂને કાર્ડ આપી આવ, જો એ અંગ્રેજી ભણેલા હશે તો વાંચી શકશે. વાંચ્યા પછી કે કોઈ પાસે વંચાવ્યા પછી તેમને ખ્યાલ આવશે કે તેમની મુલાકાત માટે એક મહાન માણસ આવ્યો છે. જા, હવે મોડું શું કામ કરે છે. મારી એક-એક મિનિટ લાખ્ખોની છે.''

ધર્મગુરૂનો સેવક ગુરૂ પાસે ગયો અને બનેલી સઘળી હકીકત કહી સંભળાવી તથા મોંઘુંદાટ વિઝિટિંગ કાર્ડ તેમના હાથમાં મૂક્યું.

ધર્મગુરૂ પેલા આગંતૂક અમીરનો ગર્વ જોઈ ચોંકી ઉઠયા. એમણે કહ્યું, ''જા, તેમને કહે કે આજે ધર્મગુરૂનો આમ ઈન્સાન એટલે કે સામાન્ય માણસને મળવાનો દિવસ છે. વી.આઈ.પી. માટે તેમણે કોઈ અલગ દિવસ રાખ્યો નથી ! એવો અલગ દિવસ ગોઠવશો ત્યારે આપને મળવા બોલાવશે.''

સેવકે તે મુજબનો સંદેશો પેલા અમીરને પાઠવ્યો. અહંકારી અમીરે કહ્યું: ''આ આશ્રમ માટે મેં જમીન દાનમાં આપી હતી. મને આ જમીન પાછી લઈ લેતાં વાર નહીં લાગે.'' - અમીર ધૂઆં-પૂઆં થઈ ચાલતો થયો.

અહંકાર, ગર્વ, અભિમાન, ઘમંડ દર્પનું રાજ્ય સદાકાળથી ચાલતું આવ્યું છે. યુગ બદલાય પણ ગર્વ નાબૂદ થતો નથી. અહંકાર હાહાકારી છે. એને મૌન રહેવાની આદત નથી. માણસ અહંકારનો સેવક બને ત્યારે સઘળો વિવેક ચૂકી જાય છે. દર્પ એ સર્પ છે. એ પોતાનું વિષ છોડવા ક્યારે તૈયાર થતો નથી. તમારું તન, મન, ધન, જીવન, બુદ્ધિ, સ્મરણશક્તિ, ચિંતન શક્તિ બધું જ કુદરતે 'ઈન્કમટેક્સ' ફ્રી દોલત રૂપે આપ્યું છે. 'ત્વમ્'નો વિચાર કરવા માટેની એ સંપત્તિ ભગવાનની કૃપાનું સ્મરણ કરવા માટે છે, 'મમ'ના મહાલયમાં રાચવા માટે નહીં. અહંકારને સદાય ભૂખ્યા રહેવાનું ગમે છે, તૃપ્ત થવાનું નહીં. અહંકારના એક બિન્દુમાંથી હજારો અહંકારી રાક્ષસો જન્મે છે. મદાંધતા અત્યાચારની આતંકભૂમિ છે, એક મદિરાલય છે, જે માણસને નશાબાજ બનાવે છે. અહંકાર પથ્થરના થાંભલા જેવો છે એ ઝુકવાનું નામ લેતો નથી એ અંતે એણે ધરાશાયી થવું પડે છે. રવીન્દ્રનાથ ટાગોર કહેતા કે ઘોડા કે હાથીના ચારા માટે ખર્ચ કરવું પડે છે પણ અહંકારને કશાય પુરાવાની જરૂર પડતી નથી.

અહંકારી માણસ બિનકદરદાન હોય છે. એ બીજાએ કરેલા ઉપકાર કે કૃપાને ધ્યાનમાં લેતો નથી. મનોમન એવો ગર્વ સેવે છે કે હું જેટલું પામવાને લાયક છું, તેટલું મને મળ્યું નથી ! અહંકારી માણસમાં રજોગુણ અને તમોગુણનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય છે. પ્રણય કે દામ્પત્ય પણ અહંકારના દુષ્ચક્રથી મુક્ત હોતાં નથી. એટલે જ્યાં સુધી અહંકારની બેડીમાંથી મુક્ત ન થવાય ત્યાં સુધી સાચાં- પતિ-પત્ની કે પ્રિયજન બની શકાતું નથી. જિંદગીના આકાશને પોતાના રંગો બદલવાની આદત છે. તમારો અહંકાર સભર રંગીન દિવસ ક્યારે ઘોર અંધારી રાત બની જશે, એની કોઈને પણ કલ્પના હોતી નથી. શરીર એ આત્મદેવના નિવાસનું તીર્થસ્થાન છે, એને અહંકારના કીચડથી મલિન બનાવવું એ જીવન દેવતાનું અપમાન છે.

માણસને સત્તાનું, ધનનું કે પદનું જ નહીં તપ અને ભક્તિનું પણ અભિમાન હોય છે. વિશ્વામિત્ર તપ કર્યા છતાં ગર્વિષ્ઠ રહ્યા એટલે રાજર્ષિથી આગળ ન વધી શક્યા પણ અભિમાન ત્યજ્યું એટલે બ્રહ્મર્ષિ તુલ્ય બની શક્યા.

અહીં એક તપસ્વીનું ઉદાહરણ ધ્યાનમાં લેવા જેવું છે. એક માણસ ઘોર તપ કરતો, તપના નિયમો પણ પાળતો પણ બધું જ તપ અહંભાવથી મૂલવતો. 'હું તપ માટે ખાસ્સાં કષ્ટ વેઠું છું, મારા જેવો ઘોર તપસ્વી બીજો કોણ હોઈ શકે' - એવા અહંકારી વિચારોમાં રાતદિવસ રાચ્યા કરતો. તપ કરતાં-કરતાં ઘણાં વર્ષો વીતી ગયાં. પોતાને ભગવાન મહાન તપસ્વીનું બિરુદ આપવામાં શા માટે વિલંબ કરે છે, એવા ગર્વમાં તે દુઃખી થતો હતો. એવામાં મહર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યાં પેલા તપસ્વીએ કહ્યું કે તમે ભગવાન પાસે જાઓ ત્યારે ભગવાનને પૂછતા આવજો કે મારું તપ ક્યારે ફળશે ? મને મુક્તિ ક્યારે મળશે ? ભગવાનના ભક્તોમાં મારું સ્થાન કેવું હશે ?

નારદજીએ કહ્યું: ''ભલે, હું આજે જ ભગવાન પાસે જવાનો છું... તમારી સઘળી હકીકત ભગવાનને જણાવી તમે જે કાંઈ જાણવા માગો છો એ પૂછતો આવીશ.''

નારદ ભગવાન પાસે ગયા. પોતાનાં કામો પતાવી પેલા તપસ્વીની વાત ભગવાન આગળ ચલાવી. ભગવાને કહ્યું: ''આ રહ્યાં ચોપડાં તમે જાતે જ તપાસી લો.''

નારદે ચોપડા ખાસ્સા તપાસ્યા પણ પેલા ભક્તનું નામ નજરે ન પડયું. નારદે ભગવાનને કહ્યું: ''દેવ, આપના દરબારમાં પણ અંધેર ચાલે છે ! પેલો માણસ મોટો તપસ્વી છે, છતાં તેનું નામ આપના ચોપડામાં નોંધાયું નથી !''

ભગવાને નારદના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું: ''માણસ ગમે તેવો પુણ્યશાળી કે તપસ્વી હોય પણ તે અભિમાની, અહંકારી અને ગર્વિષ્ઠ હોય તો મારા ચોપડામાં તેમનું નામ નોંધાતું નથી.''

નારદે પાછા ફરતાં પેલા તપસ્વીને ભગવાનનો સંદેશો સંભળાયો અને એ તપસ્વી અહંકાર ત્યાગનો માર્ગ અપનાવી આત્મકલ્યાણ સાધી શક્યો.

કુળ, ધન, જ્ઞાાન, રૂપ, પરાક્રમ, દાન અને તપને 'દર્પદલન'માં ક્ષેમેન્દ્રે મનુષ્યના અભિમાનની સાત વસ્તુઓ ગણાવી છે. તેઓ કહે છે કે કુળ સંબંધ અસ્થિર છે, વિદ્યા સદાય વિવાદપૂર્ણ છે, ધન ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે, એટલે આ બધી મોહજનક મહાભારતમાં વેદવ્યાસે આ અંગે વિસ્તારથી વાત કરી છે. તદ્નુસાર ઘડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણોનો, બીજામાં દોષ દ્રષ્ટિ રાખવાનું ધર્માચરણનો, કામ વાસના લજ્જાનો, નીચ માણસોની સેવા સદાચારનો અને ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે, પણ અભિમાન તો સર્વસ્વનો નાશ કરે છે. એટલું જ નહીં મને અભિમાન નથી એમ માનવું એ પણ એક પ્રકારનું અભિમાન છે. પંજાબીમાં બુલ્લેશાહે એક આંખ ઉઘાડનારી વાત કરી છે કે માણસ ગયા જઈને પિતૃતર્પણ કરી પિંડદાન કરે એનાથી કાંઈ વળતું નથી. પિંડદાન તો ત્યારે ફળીભૂત થાય છે જ્યારે ત્યાં ઉભો રહીને ''હું''નું બલિદાન આપી દે.

અહંકાર રૂપી વિનાશક મહાશત્રુને નાથવાના સાત ઉપાયો ક્યા ?

૧. ઈશ્વરે મને અહંકારના કીચડમાં મલિન થવા નહીં પણ અંતઃકરણની શુદ્ધિ માટે મોકલ્યો છે એવી ભાવના.

૨. જીવનમાં નમ્રતા અને ગર્વમુક્તિ માટે સદાય પોતાની વાણી, વર્તન અને આચરણને તપાસતા રહેવાની તૈયારી.

૩. ભક્તિ કરતી વખતે પણ હું ભગવાનનો મોટો ભક્ત છું એવા અહંકારનો ત્યાગ.

૪. ગૃહજીવન અને પ્રણયજીવનમાં 'હું'ને મહત્વ આપવાને સામેની વ્યક્તિની મહત્તાનો ઉદારતાપૂર્વક સ્વીકાર અને સ્વાગત.

૫. લોભ અહંકારનું પોષક બળ છે એટલે લોભ અને આત્મમોહથી અલિપ્ત રહેવું.

૬. પોતાને સૌથી મોટો નહીં પણ પોતાને સૌથી નાના માનવાની વિનમ્રતા.

૭. ધન, વૈભવ, સત્તાનો મોહ માણસને અહંકારી બનાવે છે એના પર નિયંત્રણ અને સંયમ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fhuwUo
Previous
Next Post »