વાર્તા વિશ્વ : ટ્રિમ્ડ લમ્પ


- મૂળ સર્જક - ઓ. હેન્રી     રજૂઆત-પરેશ વ્યાસ

- ઉચ્ચ સામાજિક સંસ્કારિતા અને સારા કૂળનાં તેજપુંજમાં ઝબોળેલા વાતાવરણમાં ઘેરાયેલી હોય ત્યારે એની ઊંડી અસરમાંથી મુક્ત થવાનું એના માટે અશક્ય હતું.

ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

(વહી ગયેલી વાર્તા: લાઉ ઉં. વર્ષ ૨૦  અને નેન્સી ઉં. વર્ષ ૧૯. બંને બે પાક્કી સહેલીઓ છે, જે  ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં રોજગાર અર્થે આવી છે. બંને મહેનતી  છે. લાઉ  લોન્ડ્રીમાં કામ કરે છે અને નેન્સી ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં. લોન્ડ્રીમાં પ્રમાણમાં વધારે મહેનતાણું મળે છે. સ્ટોર્સમાં ઓછું મળે પણ કામ થોડું ગ્લેમરસ તો ખરું. વળી કોઈ ઉચ્ચ કુંટુંબનો નબીરો કાંઇ ખરીદ કરવા આવે અને પ્રેમમાં પડી જાય, એમ પણ બને. એવું થાય તો નેન્સીને એવું ગમે. લાઉનું એવું નથી. એક વાર લાઉની લોન્ડ્રીમાં આવેલો એક યુવાન ડાન હવે લાઉનો મિત્ર ઠાઉ જાય છે અને એ રીતે નેન્સીનો પણ ઓળખીતો થઈ જાય છે. ડાન પણ સામાન્ય આર્થિક સ્થિતિનો યુવાન છે. નેન્સીનાં અરમાન અલબત્ત ઊંચા છે. કોઈ સપનાનો રાજકુમાર... એક સાંજે બંને બહાર નીકળે છે. ડાનની રાહ જુએ છે અને તે દરમ્યાન વાતો કરે છે. બે સહેલીઓ આપસમાં શેની વાત કરે? અલબત્ત વસ્ત્રોની જ તો વળી.. હવે આગળ) 

''લાઉ તું આવી કુર્તી કેવી રીતે પહેરી શકે?''  નેન્સીએ પોતાની આંખની ભારે પાંપણમાંથી લાઉની લાગણી દૂભવતી કુર્તી પર પોતાની મીઠી પણ તિરસ્કારભરી નજર દોડાવતા કહ્યું, ''આ સાવ ભંગાર લાગે છે.''

''આ કુર્તી?'' લાઉની આંખો રોષથી પહોળી થઇ ગઈ. એણે ચિલ્લાઇને કહ્યું, ''કેમ? મેં આ કુર્તીનાં સોળ ડોલર ચૂકવ્યા છે. આની કિંમત આમ તો પચ્ચીસ ડોલર હશે. એક મહિલા ઇસ્ત્રી કરવા આપી ગઇ અને લેવા માટે પાછી આવી જ નહીં. એટલે લોન્ડ્રીનાં માલિકે આ કુર્તી મને વેચી દીધી. એમાં યાર્ડનાં યાર્ડ જેટલાં લાંબા દોરાઓથી કેવું કલાત્મક ભરતકામ કર્યું છે, જો તો ખરી. અને હવે મારાં કપડાંની વાત બહુ થઈ. હવે આપણે આ તેં પહેરેલાં સાદાસીધા ઘાટઘૂટ વિનાનાં કપડાંની વાત કરીએ તો વધારે સારું.''

''આ મારું ઘાટઘૂટ વિનાનું સાદુસીધું કપડું,'' નેન્સીએ શાંતિથી કહ્યું, ''મિસિસ વાન એલ્સટીન ફિશરે પહેરેલા કપડાંની કોપી છે. અમારી સેલ્સગર્લ્સ કહે છે કે ગયા વર્ષે એ મહિલાનું સ્ટોરનું બીલ અધધ બાર હજાર ડોલરનું હતું. આ મારો ડ્રેસ મેં મારી જાતે જ સીવ્યો, જે મને માત્ર દોઢ ડોલરમાં પડયો. દસ ફૂટ દૂરથી જુએ તો કોઈ એવું કહી જ  ન શકે કે એનો ડ્રેસ આ મારા આ જાતે સીવેલાં ડ્રેસ કરતા જુદો છે.''

''ચાલો સારું,'' લાઉએ સારી રીતે કહ્યું,  ''તારે હવા પર જ જીવવું હોય અને ભૂખે જ મરવું હોય તો પછી એમ જ કર.  પણ હું તો મારી આ નોકરી ચાલુ રાખીશ. સારું કમાઇશ અને નોકરીનાં બાદનાં કલાકોમાં મને કંઇક આકર્ષક,  કંઇક ફેન્સી પહેરવા મળે એટલે ઘણું, એવું જે મને પોષાય,એવું જે હું ખરીદી શકું.''

આ વાત ચાલતી હતી બસ ત્યારે જ ડાન આવી ગયો.  ડાન એક ધીરગંભીર રેડીમેઇડ નેકટાઇ પહેરેલો યુવક હતો.  શહેરની છેલબટાઉ બાલિશતાથી વેગળો હતો. એ એક ઇલેક્ટ્રીશ્યન હતો જે અઠવાડિયાનાં ત્રીસ ડોલર કમાતો હતો. એણે રોમિયોની ગમગીન આંખોથી લાઉ પર નજર ઠેરવી.  લાઉની એમ્બ્રોઇડરી કરેલી કુર્તી ડાનને એવા કરોળિયાનાં જાળા જેવી દેખાઇ કે જેમાં ફસાઇ જવામાં કોઇ પણ માખીને મઝા જ આવે.

''આ છે મારા મિત્ર મિસ્ટર ઓવેન્સ.. મિસ ડાનફોર્થ સાથે હાથ તો મિલાવ,'' લાઉએ સહેલીની ઓળખાણ કરાવતા કહ્યું

''તમને મળીને મને ખૂબ જ આનંદ થયો, મિસ ડાનફોર્થ,'' ડાને પોતાનો હાથ લંબાવતા કહ્યું, ''લાઉ તમારા વિષે વારંવાર એટલી બધી વાતો કરે છે કે..'' 

''આભાર,'' નેન્સીએ પોતાની ઠંડી આંગળીઓનાં છેડાથી ડાનની આંગળીઓને અડતા કહ્યું, ''મેં પણ એને તમારા વિષે વાત કરતા સાંભળી છે,  ક્યારેક ક્યારેક'' અને લાઉ ખી ખી કરતી હસી પડી.

'નાન્સ, આ હસ્તધૂનનની કળા તું પેલી ધનાઢય મહિલા મિસિસ વાન એલ્સટીન ફિશર પાસેથી શીખી છે?'

''જ્યાંથી શીખી હોઉં ત્યાંથી, તું ચોક્કસ મારી નકલ કરી શકે છે!'' નેન્સીએ કહ્યું.

''ઓહ, હું નહીં કરી શકું, જરાય નહીં.  મારા માટે એ વધારે પડતું સ્ટાઇલીશ છે. હાથમાં હીરાજડિત અંગૂઠીઓ પહેરી હોય એનો દેખાડો કરવા આવી રીતે હાથ ન મિલાવાય. બસ થોડી રાહ જો.  મને થોડી વીંટીઓ મળી જાય ને તો હું ય તારી જેમ હાથ મિલાવતા શીખી જઇશ.''

''પહેલાં શીખી લે.'' નેન્સીએ શાણપણથી કહ્યું, ''તો તને વીંટીઓ  મળવાની શક્યતા વધી જશે.''

''ચાલો હવે આ ચર્ચા અહીં જ પૂરી કરીએ.'' ડાને એનું સુલભ ખુશમિજાજી સ્મિત રેલાવતા કહ્યું, ''મારી પાસે એક મસ્તીનું આયોજન છે. અને વાત જાણે એમ છે કે મારે તમને બન્નેને આમ તો ટીફની શૉમાં લઇ જવા જોઇએ પણ એની ટિકિટો મને પોષાય તેમ નથી. તો પછી  નાનકડા નાટક જોવા વિષે તમે શું કહો છો? મારી પાસે એની ટિકિટો છે. હવે જ્યાં સુધી આપણે સાચા હીરા સાથે હાથ મેળવી શકીએ તેમ ન હોઇએ ત્યાં સુધી તખ્તાનાં હીરાઓ પર નજર ઠેરવીએ તો કેવું? શું લાગે છે?''

તો પછી એ બે સન્નારીઓનાં વફાદાર સેવકે ફૂટપાથનાં રસ્તા તરફનાં છેડે પોતાનું સ્થાન લીધું, પોતાના ચળકતા સુંદર વસ્ત્રોમાં નાનકડી ઢેલ જેવી શોભતી લાઉ એની બાજુમાં ગોઠવાઇ અને એક ચકલીની માફક પોતાના પાતળા પણ ઠરેલ ધીરગંભીર વસ્ત્રોમાં સજ્જ પરંતુ પોતાની ચાલમાં એ જ ધનાઢય મહિલા વાન એલ્સટીન ફિશરનો સાચ્ચો ઠસ્સો લઇને નેન્સી સૌથી અંદરની બાજુ જોડાઇ ગઇ.  અને આમ તેઓ શહેરની સાંજનાં માફકસરનાં મનોરંજન માટે નીકળી પડયા. 

હું એવું માનું છું કે એક વિશાળ ડિપાર્ટમેન્ટ સ્ટોરને એક શૈક્ષણિક સંસ્થા તરીકે ઘણાં નહીં જોતા હશે. પણ નેન્સી કામ કરતી હતી એ સ્ટોર નેન્સી માટે એક મહાવિદ્યાલય જેવો જ હતો. સંસ્કારી અભિરૂચિ અને શિષ્ટાચાર જેનાં શ્વાસોશ્વાસમાં હોય એવી સુંદર ચીજવસ્તુઓથી એ હંમેશા ઘેરાયેલી રહેતી હતી. તમે જો એશોઆરામ અને વૈભવી વાતાવરણ વચ્ચે જીવતા હો તો એ વૈભવ તમારો જ છે, ભલે ને પછી એને ખરીદવા માટે ડોલર્સ તમે ચૂકવ્યા હોય કે પછી બીજા કોઇએ. એ એવા લોકોની,  મોટે ભાગે એવી સ્ત્રીઓને એટેન્ડ કરતી, જેના વસ્ત્રો,જેની  શૈલી અને જેની પ્રતિષ્ઠા ઉચ્ચ સમાજનાં માપદંડ તરીકે સ્વીકારવામાં આવતા હતા.

નેન્સીએ પોતાનાં જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે આ બધું શીખી લેવા મહેનત કરવાનું શરું કર્યું. એના મતે જેનામાં જે શ્રેષ્ઠ હતું તે અપણઆવી લેવું. એક પાસેથી એ હાવભાવની નકલ કરતી અને તેમ કરવાનો રિયાઝ કરતી. બીજી એક પાસેથી છટાદાર રીતે ભ્રમર કેવી રીતે ઉંચકવી?-  તે શીખવાની એ કોશિશ કરતી. તો વળી કોઇ પાસે ચાલવાની, કોઇ પાસે પર્સ રાખવાની, કોઇ પાસેથી સ્મિત લહેરાવાની, કોઇની પાસે દોસ્તનું અભિવાદન કેવી રીતે કરવું તેની રીતભાત તો કોઇની પાસેથી સામાજિક દરજ્જામાં પોતાનાથી નીચા લોકોને કેવી રીતે સંબોધવા?- વિગેરે કલા શીખતી. પોતાના માટે આદર્શ એવી મિસિસ વાન એલ્સટીન ફિશર પાસેથી ચાંદી જેવા અણિશુધ્ધ નરમ સૌમ્ય અવાજ જાણે કે  સંગીતમાં પારંગત કોઈ દેવ ચકલીના સૂરમાં કેવી રીતેબોલવું?- તે શીખી રહી હતી. 

ઉચ્ચ સામાજિક સંસ્કારિતા અને સારા કૂળનાં તેજપુંજમાં ઝબોળેલા વાતાવરણમાં ઘેરાયેલી હોય ત્યારે એની ઊંડી અસરમાંથી મુક્ત થવાનું એના માટે અશક્ય હતું. માત્ર આદર્શની વાત કરીએ પણ તેને અમલમાં ન મુકીએ તો એનો કોઈ અર્થ નથી. જે રીતે સારી આદત સારા આદર્શનાં વિચાર કરતા વધારે સારી હોય છે કદાચ એટલે જ સારી રીતભાત તો સારી આદત કરતા પણ વધારે સારી હોય છે! નેન્સી જ્યારે વાન એલ્સટીન ફિશરની શૈલીમાં બોલતી ત્યારે કુલીન ખાનદાનનો રોમાંચ એનામાં હાડોહાડ વ્યાપી જતો.

કંઇક શીખવા માટે મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ એક બહુ મોટું સ્થાનક હોય છે. તમે જ્યારે પણ ત્રણ કે ચાર શોપ-ગર્લ્સને ટોળે વળેલી જુઓ કે જે દેખીતે રીતે તો આપસમાં ગપાટા હાંકતી જણાય અને પછી એમનાં તારનાં બનેલા બ્રેસ્લેટનો ખડખડાટ સાંભળવા મળતો હોય ત્યારે તમે એવું જરા ય નહીં માનતા કે તેઓ કોઇ ઉચ્ચ કૂળની મહિલાનાં માથાનાં વાળ પાછળથી કેવા ઓળ્યા છે,  તેની કૂથલી કરવા ભેગી થઇ છે. ના , બિલકુલ નહીં. આ મીટિંગમાં પુરુષોની માફક ચર્ચા કરવાની ગૌરવશાળી રીતભાતનો અભાવ ભલે હોય પણ એની અગત્યતાને તમે જરા ય ઓછી નહીં આંકી શકો. 

(વધુ આવતા અંકે)

'ટ્રિમ્ડ લેમ્પ'વાર્તાનાં કેટલાંક સંદર્ભો 

પહેલો સંદર્ભ તો શીર્ષક પોતે છે પણ એની વાત  આવતા અંકે, જ્યારે વાર્તાનું વિધિસર મંડાણ થઈ જાય. બાકીનાં સંદર્ભ જોઈ લઈએ. શોપ-ગર્લ્સથ ઓ. હેન્રીની વાર્તાના બધા પાત્રો એમણે જાતે જોયા, જાણ્યા અને અનુભવ્યા હતા. ક્લાર્ક, વેઇટ્રેસ, પોલીસમેન જેવા સામાન્ય લોકો.  શોપ-ગર્લ એ ઓ. હેન્રીનું સિગ્નેચર કેરેક્ટર (ઓળખ છતી કરતું પાત્ર) છે. ઓ. હેન્રીનાં મૃત્યુ બાદ અમેરિકામાં ગેય કવિતાનાં જનક મનાતા કવિ વેચેલ લિન્ડસેએ The Knight in disguise (વેશપલટો કરેલો  રાજવીર)  કાવ્યથી ઓ. હેન્રીને શ્રધ્ધાંજલિ આપતા લખ્યુંઃ   Oft the drear and driven would defend The little shop-girls’ knight unto the end.  (બચાવ કરતો, એ વહેણમાં વહેતી એકલવાયી ઉદાસીન છોકરીનો, હતો એ રાજવીર રક્ષક, અંત સુધી નાનકડી શોપગર્લ્સનો) 

 ફિફ્થ એવન્યૂ:   ન્યૂયોર્ક શહેરનાં મેનહટન વિસ્તારનો રાજમાર્ગ જ્યાં અતિધનાઢય લોકોની અવરજવર રહેતી. વાર્તાનાં સંદર્ભે લગ્નોત્સુક યુવા વર્ગનું નિયમિત ભ્રમણ સ્થળ

ગેબ્રિયલઃ  જન્મ અને મૃત્યુનાં દેવદૂત, ખાસ કરીને હેપ્પી ડેથ-નાં સંત.

સર્જકનો પરિચય

ઓ. હેન્રી

જન્મ: ૧૧ સપ્ટેમ્બર ૧૮૬૨

મૃત્યુ: પમી જૂન ૧૯૧૦  

મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર, તખલ્લુસ ઓ. હેન્રીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨માં અમેરિકાનાં નોર્થ કેરોલીના રાજ્યનાં ગ્રીન્સબોરો નગરમાં થયો હતો. પિતા તબીબ હતા. વિલિયમ ત્રણ વર્ષનાં હતા ત્યારે એમનાં માતાનું મૃત્યુ થયું. એમનાં ફોઈ કે જેઓ શિક્ષિકા હતા એમણે ભણાવ્યા. વાંચવાનો શોખ એમને બાળપણથી હતો. સત્તર વર્ષની વયે તેઓએ એમનાં કાકાની દવાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું અને ઓગણીસ વર્ષની વયે તેઓએ રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ તરીકે લાયસન્સ મેળવ્યું.

પોતાને સતત શરદી ખાંસી રહેતા હોવાથી હવાફેર માટે તેઓ દક્ષિણનાં રાજ્ય ટેક્સાસ  ગયા, વિવિધ નોકરીઓ કરી. અનેક લોકોને મળ્યા. આ બધા લોકો ભવિષ્યમાં એમની વાર્તાઓનાં પાત્ર બન્યા. એમણે એથેલ સાથે લગ્ન કર્યા. લગ્નજીવન ઘણું સુખી રહ્યું. પરંતુ એથેલ ઝાઝું જીવી ન શકી. ઓ. હેન્રી બેંકમાં કામ કરતા હતા ત્યારે નાણાંકીય ઉચાપતનાં ગુનાસર પર કેસ થયો. એવો ગુનો જે એમણે કર્યો નહોતો. તેઓ જેલમાં ગયા ત્યારે પોતાનાં મોસાળમાં રહીને ઊછરતી દિકરીને આથક મદદ કરવા એમણે વાર્તાઓ લખવા માંડી.

જેલનાં સાથી કેદીઓનો સ્વભાવ, એમની રીતભાત પણ એમની વાર્તાઓનો હિસ્સો બન્યા. જેલમાંથી છૂટયા બાદ તેઓ ન્યૂયોર્ક સ્થાયી થયા. વીસમી સદીનો શરૂઆતનો સમય ઓ. હેન્રીનો લેખનનો સુવર્ણકાળ હતો. પોતે ઘણું સહન કર્યુ.  પરંતુ એનાં દુઃખની જરા સરખી છાયા પણ એમની વાર્તાઓમાં નથી. એમની વાર્તાઓ સામાન્ય  વ્યક્તિઓની વાર્તાઓ છે. એવી વ્યક્તિઓ જે મહેનતથી આગળ વધવાની સદા કોશિશ કરતા રહે છે. 

રમૂજ, શબ્દરમત, શબ્દશ્લેષથી લસલસતી ઓ. હેન્રીની વાર્તાઓની ગૂંથણી ગજબની છે. વાર્તાઓનાં અંત ચોક્કસપણે ચમત્કારિક હોય છે. ઈટૅીબા ારી ેંહીટૅીબાીગ.  અને એ જ એની મઝા છે. આપણે અંત વાંચીએ પછી એની સાપેક્ષમાં વાર્તા ફરી પાછી વાંચવી પડે. વાર્તાનું અણધાર્યાપણું જ રસપ્રદ હોય છે. વિખ્યાત એનીમેશન પાત્રો 'ટોમ એન્ડ જેરી'નાં સર્જક ચક જોન્સ કહેતા કે 'અણધાર્યાપણાનું મૂલ્ય મને ઓ. હેન્રીએ સમજાવ્યુ હતુ. ઓ. હેન્રીએ એક વાર પક્ષીની સુવાસ અને ફૂલોનાં અવાજની વાત કરી હતી. એવંં શી રીતે બને? વેલ, પક્ષીઓ રાંધેલા મરઘાં હતા, જેની સોડમ આવી રહી હતી અને પતરાની દીવાલ પર સૂકવેલા સૂરજમુખીનાં સુક્કા ફુલો પવનમાં હાલતા હતા, જેનો અવાજ આવી રહ્યો હતો!' 

પ્રસ્તુત વાર્તા  'એઇન્સલીઝ' મેગેઝિનનાં ઓક્ટોબર, ૧૯૦૩નાં અંકમાં લેખક તરીકે એસ. એચ. પીટર્સનાં નામે છપાઈ હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wfWdTI
Previous
Next Post »