- એનએસઈ ટેકનીકલ ખામીની ઐતિહાસિક દુર્ઘટનામાં રોકાણકારો-ટ્રેડરોના કરોડો-અબજો રૂપિયા ડૂબ્યા
- નાણા પ્રધાન નિર્મલા સીતારામને સંતોષ વ્યક્ત કર્યો
- નાની નાની બાબતોમાં સઘન તપાસ કરતાં નિયામક તંત્ર-સરકારી તંત્રો શા માટે એનએસઈના આ ઐતિહાસિક મામલામાં ઢીલું ઢીલું વલણ અપનાવી રહ્યું છે?
ભા રતના મૂડી બજારના ઈતિહાસમાં ૨૪,ફેબુ્રઆરીના ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં વોલ્યુમની રીતે દેશના અને વિશ્વના સૌથી મોટા એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ)માં ટેકનીકલ ખામી-ટેલીકોમ સર્વિસિઝ પ્રોવાઈડરોના કારણ આપીને ચાર કલાક માટે ટ્રેડીંગ બંધ રહ્યાની સર્જાયેલી દુર્ઘટનામાં અનેક રોકાણકારો, ટ્રેડરો ખુવાર થઈ ગયા અને કરોડો-અબજોની મૂડી પલકવારમાં જ લૂંટાઈ ગઈ હતી.
આ ઐતિહાસિક દુર્ઘટના છતાં એ પૂર્ણ દિવસ માટે ચૂપકીદિ સેવનાર મૂડી બજાર નિયામક તંત્ર કુંભકર્ણ નિન્દ્રામાં રહ્યું અને નોર્થ બ્લોક દ્વારા પણ એ દિવસે કોઈ નિવેદન નહીં આપતાં લોકો-રોકાણકારો, ટ્રેડરોમાં આક્રોશ આવી જતાં અને ઉહાપોહ વધતાં રહી રહીને નાણા પ્રધાન નિર્મલા સીતારામને બીજી માર્ચ ૨૦૨૧ના નિવેદન કરીને એનએસઈ ટેકનીકલ ખામીની આપણે મોટી કિંમત ચૂકવવી પડશે એવું નિવેદન કરીને આ મામલે મૂડી બજાર નિયામક તંત્રને તાકીદે તેડું મોકલ્યું હતું. પરંતુ સેબી ચેરમેન સાથે નાણા મંત્રાલયના વિવિધ સંબંધિત ખાતાઓના વડા સાથે મીટિંગ યોજ્યા બાદ જાણે કે આ મામલો અત્યંત નાનો હોય એમ નાણા પ્રધાને સેબી ચેરમેનના આશ્ચર્યજનક ખુલાસાથી વ્યક્ત કરેલી સંતુષ્ટિ આશ્ચર્ય ઉપજાવનારી છે.
મૂડી બજાર નિયામક તંત્ર હોય કે કોઈ અન્ય સરકારી તંત્ર કોઈપણ નાની ઘટના કે કેસોમાં સઘન તપાસ કરતી હોય છે અને મામલાના ઉંડાણ સુધી જઈને તપાસનો નિષ્કર્ષ લાવીને દોષીઓને દંડિત કરવાના અનેક કિસ્સાઓ આપણે અવાર નવાર જાણ્યા છે અને તંત્ર કામ કરી રહ્યાનો ઘણી વખત સંતોષ માન્યો છે. પરંતુ એનએસઈમાં ટેકનીકલ ખામીના નામે ૨૪,ફેબુ્રઆરી ૨૦૨૧ના ખેલાઈ ગયેલા ખેલમાં ૧૧ઃ૪૦ વાગ્યા થી બપોરે ૩ઃ૩૦ વાગ્યા સુધી એનએસઈ બંધ રહે અને ફરી ટ્રેડીંગ ચાલુ કરવામાં આવશે એની જાણ ૩ઃ૨૦ સુધી રોકાણકારો, ટ્રેડરોને નહીં કરીને રોકાણકારો, ટ્રેડરોની ઊભી પોઝિશન ઓટો સ્ક્વેર ઓફફ કરીને અસાધારણ ખોટના ખાડાંમાં ઊતારી દેવામાં આવતાં હોય ત્યારે આ મામલામાં ઊંડી તપાસને બદલે હવે પછી આવી ભૂલ નહીં થાય એવું કહીને સેબી ચેરમેન છૂટી જાય અને નાણા પ્રધાન પણ આ ઐતિહાસિક ઘટનાને હળવાશથી લઈને સેબી ચેરમેનની વાતમાં સંતુષ્ટિ બતાવે એ જરૂર અચંબામાં મૂકનાર છે.
આ ઘટના મામલે નાણા પ્રધાન નિર્મલા સીતારામને એક આર્થિક ટીવી ચેનલના પ્રોગ્રામમાં કરેલા નિવેદન મુજબ સેબી ચેરમેન અજય ત્યાગીએ ૨૪,ફેબુ્રઆરી ૨૦૨૧ના એનએસઈ ખાતે થયેલી ટેકનીકલ ખામીથી ચાર કલાકથી વધુ સમય માટે ટ્રેડીંગ હોલ્ટ સર્જાયો એવી ઘટના ફરી ક્યારેય નહીં ઘટે એવી ખાતરી તેમને આપી હોવાનું કહ્યું છે. નાણા પ્રધાને આ મામલે સેબી ચેરમેને આપેલી ખાતરી બાબતે વધુ જણાવ્યું છે કે, સેબી ચેરમેને ખાતરી આપી છે કે આ પ્રકારની ઘટનાનું ફરી ક્યારેય પુનરાવર્તન નહીં થાય. આ ઘટના પરથી બોધપાઠ લેવાશે અને રીપોર્ટ અમને રજૂ થયા બાદ સુધારા કરવામાં આવશે એવું નાણા પ્રધાને નિવેદન કરીને સંતોષ માન્યો છે. સીતારામને વધુ આ સાથે કહ્યું કે, શું સંક્રમિત થયું એ સમજવા ચર્ચા કરી હતી અને ટેકનીકલ એડવાઈઝરી કમિટી દ્વારા આ મામલામાં વિગતો જાણ્યા બાદ સેબી દ્વારા વિગતે રીપોર્ટ રજૂ કરવામાં આવશે. નાણા પ્રધાને વધુ કહ્યું છે કે, પોતે સેબી ચેરમેન અજય ત્યાગીએ આ મામલાને ગંભીરતાથી લીધો હોવાની વાતથી પોતે સંતુષ્ટ થયા છે.
સેબી ચેરમેન પોતે દરેક વિગત જાણી હોવાનું અને સમસ્યા પર તેમણે પ્રાથમિક ધ્યાન દોર્યું છે. આ પૈકી જો તેઓએ સારી રીતે આયોજન કર્યું હોત તો સમસ્યા ઉકેલી શકાઈ હોત. અલબત આ મામલામાં મોટા મુદ્દાઓ રીપોર્ટ રજૂ કર્યા બાદ અમારી સમક્ષ આવી શકે છે એવું નાણા પ્રધાને વધુ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નાણા પ્રધાને સોમવારે જણાવ્યું હતું કે, ઈન્ટરઓપરેટીબિલિટી-જેકોઈપણ એક્સચેન્જ પર સોદાઓ સેટલ કરવાની ક્લિયરીંગ કોર્પોરેશનને પરવાનગી આપતી સગવડ એ એનએસઈ અને બીએસઈ વચ્ચે ૨૪,ફેબુ્રઆરીના મુદ્દો હતો. આ તકનીકિ ખામીથી આપણને મોટું નુકશાન થયું છે અને એનો બોધપાઠ લેવાશે. જ્યારે સેબી દ્વારા ૨૫,ફેબુ્રઆરીની અખબારી યાદીમાં જણાવાયું હતું કે, ટ્રેડીંગ હોલ્ટ છતાં સેબી દ્વારા માર્કેટ પાર્ટિસિપ્ટન્સને તેમના સોદાઓ અન્ય સ્ટોક એક્સચેન્જો પર ચાલુ રહી શકે એવી સુગમતા ઈન્ટરઓપરેટીબિલીટીના ફ્રેમવર્ક દ્વારા કરી આપવામાં આવેલી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l5CRLX
ConversionConversion EmoticonEmoticon