કૃષિ લોન માફીની થતી જાહેરાતો હવે અટકવી જરૂરી

- રાજકીય પક્ષોના ટેકા કરતા ખેડૂતોને આવકમાં ટેકો મળી રહે તે જરૂરી


દે શના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સામાન્ય રીતે ચૂંટણીઓ વખતે મતદારો ખાસ કરીને ખેડૂત મતદારોને પોતાની તરફ ખેંચવા રાજકીય પક્ષો તેમને ખૂશ કરવાના દરેક પ્રયાસો કરાતા હોય છે. તામિલનાડૂમાં  ખેડૂતોએ સહકારી બેન્કો પાસેથી લીધેલી શોર્ટ ટર્મ ક્રોપ લોન્સ માફ કરવાની જાહેરાત શાસક પક્ષે આ અગાઉ જ કરી દીધી છે. આ સ્કીમને કારણે રાજ્યના ૧૬.૪૩ લાખ ખેડૂતોને રૂપિયા ૧૨૧૧૦ કરોડની  લોન માફીનો લાભ મળી રહેશે. ચૂંટણી જીતવા માટે તાજેતરના સમયથી લોન્સ માફી એક સરળ માધ્યમ બની ગયું છે. ૨૦૧૪થી અત્યારસુધીમાં દેશના ૧૧ રાજ્યો દ્વારા ૧૨ વખત લોન્સ માફીની જાહેરાતો કરવામાં આવી છે. આમાં તામિલનાડૂમાં   બે વખત લોન્સ માફી જાહેર થઈ છે. લોન્સ માફીની અવારનવાર થતી જાહેરાતોને કારણે બોરોઅરોમાં  ધિરાણ શિસ્તતા મરી પરવારે છે એટલું જ પ્રમાણિક લોનધારકો જેઓ નિયમિત રીતે લોન્સના હપ્તાની ચૂકવણી કરતા રહે છે તેમને પોતાને અન્યાય થયાની લાગણી થતા વાર નથી લાગતી. લોન માફીના નિર્ણયોને પરિણામે લોન્સધારકો પણ ચૂંટણીના સમયમાં માફીની આશા રાખીને બેસતા હોય છે. 

લોન્સ માફ કરવા પાછળનો રાજકારણીઓનો હેતુ ખેડૂતોની નાણાંકીય સ્થિતિ સુધારવા કરતા  પોતાની મતબેન્કો  ઊભી કરવાનો વધુ રહેતો હોય છે. લોન માફ કરવાથી ખેડૂતોની હાલત સુધરતી હોત તો તામિલનાડૂમાં બીજી વખત લોન્સ માફીની જાહેરાત કરવાની ફરજ પડી ન હોત. તામિલનાડૂમાં આ અગાઉ ૨૦૧૬માં જાહેર કરાયેલી લોન્સ માફી બાદ કૃષિ લોન્સની સમયસર ચૂકવણીમાં નોંધપાત્ર ઘટાડો થયાનું રિઝર્વ બેન્કને એક અભ્યાસમાં જણાયું હતું. લોન્સ માફીના કિસ્સામાં જે તે સરકારો ધિરાણદારો એટલે કે બેન્કોને ભાગ્યે જ સમયસર નાણાં ચૂકવતી હોવાનું જોવાયું છે.આને પરિણામે બેન્કોએ ભંડોળની અછતનો સામનો કરવો પડતો હોવાનું જોવા મળ્યું છે. 

દેશની મોટી કંપનીઓને લોન્સ રિસ્ટ્રકચરિંગ જેવા લાભો અપાતા હોય તો ખેડૂતોને શા માટે રાહત ન આપી શકાય એમ ખેડૂત લોન્સ માફ કરવા માટેની દલીલો કરવામાં આવતી હોય છે. બેન્કરપ્સીમાં જતા કોર્પોરેટસની એસેટસના વેચાણમાં બેન્કોએ જંગી ખોટ સહન કરવી પડતી હોય છે. 

ભારતના ખેડૂતોએ પોતાના પાક માટે વધુ પડતો આધાર નૈઋત્યના ચોમાસા પર રાખવો પડતો હોય છે. કારણ કે દેશમાં સિંચાઈ જમીન ઘણી જ ઓછી જોવા મળે છે. આમ ખેડૂતોની આવકમાં સતત અનિશ્ચિતતા રહેતી હોય છે. અત્યારસુધીની સરકારોએ ખેડૂતોની આ અનિશ્ચિતતા દૂર કરવાના ભાગ્યેજ કોઈ પ્રયાસા કર્યાનું જોવા મળે છે. ખેડૂતોને તેમના પાક સામે પૂરતા નાણાં મળી રહે તે માટે ટેકાના ભાવ પૂરા પાડવામાં આવે છે ખરા પરંતુ   જ્યારે પાકની ઉપજમાં અનિશ્ચિતતા હોય છે ત્યારે ટેકાના ભાવનું ગણિત ખેડૂતોને કેટલું કામ આવે છે, તે ચર્ચાનો વિષય છે.  

દેશના કૃષિ ક્ષેત્રની સ્થિતિ સુધારવા માટે અનેક પગલાં લેવા આવશ્યક છે. ખાસ કરીને પાણીની ઉપલબ્ધતા માટેના  પગલાં. જળ સ્રોતનું સંચાલન ખેડૂતો માટે હમેશથી  પડકાર રહેલો છે.  સિંચાઈ સુવિધા પાક માટે વરસાદના પાણી પરનો આધાર ઘટાડે છે. મજબૂત સિંચાઈ વ્યવસ્થા કૃષિ ઉત્પાદનમાં સ્થિરતા સાથે ખેડૂતોની આવકમાં  નિશ્ચિતતા પૂરી પાડે  છે. પંજાબ -હરિયાણાને બાદ કરતા દેશના મોટાભાગના રાજ્યોમાં જળ સ્રોતોની જાળવણી ઘણી જ નબળી છે. જેને કારણે ખેડૂતોએ ચોમાસા પર જ આધાર રાખવો પડે છે. 

ખેડૂતોની સ્થિતિ સુધારવા  સરકારો  સબસિડી, લઘુત્તમ ટેકાના ભાવ, લોન માફી જેવા અગાઉથી ચાલી આવતા શસ્ત્રોનો જ ઉપયોગ કરતા આવ્યા છે આમછતાં ખેડૂતોની સ્થિતિમાં સુધાર જોવાતો નથી અને તેમણે અવારનવાર સરકાર અથવા રાજકીય પક્ષોના આશીર્વાદની આશા રાખવી પડે છે. 

ભારત જેવા કૃષિ પ્રધાન દેશના સામાજિક-આર્થિક વિકાસ માટે કૃષિ ક્ષેત્ર એક મહત્વનું ક્ષેત્ર છે તેમાં કોઈ બેમત નથી. નાણાં વર્ષ ૨૦૧૨-૧૩ અને ૨૦૧૯-૨૦ના ગાળામાં દેશના જીડીપીમાં કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રનો હિસ્સો વીસ ટકા આસપાસ રહ્યો હતો જે વર્તમાન વર્ષના અંતે વધીને ૨૭ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે. ૨૦૨૦-૨૧માં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ૩.૪૦ ટકા રહેવા પણ અંદાજ મુકાયો છે. આમ દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્રનું મોટું યોગદાન રહેલું હોવા છતાં ખેડૂતોની સ્થિતિને  નબળી દર્શાવવામાં આપણા રાજકીય પક્ષો મળતી તક ગુમાવતા નથી અને લોન માફી જેવા નિર્ણયો લેતા હોય છે અથવા તો તે માટે માગણી કરાતી હોય છે. 

ખેડૂતોની હાલત સુધારવા કૃષિ લોનની માફી એ કોઈ કાયમી ઉકેલ નથી એટલું જ નહીં સમયે સમયે આવા પ્રકારની માફી દેશના અર્થતંત્ર માટે લાંબા ગાળે  યોગ્ય પણ સાબિત ન થઈ શકે. લોન માફીથી ખેડૂતોને  તત્પૂરતું  દેવામાંથી છૂટકારો મળે છે  તે સિવાય  તેમની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી અને સરકારો દેવાબોજ હેઠળ આવી જાય છે, તે અલગ. 

લોન માફીને કારણે બેન્કો અને ધિરાણ સંસ્થાઓ પર સરકાર જ્યાં  સુધી જોગવાઈ ન કરી આપે ત્યાંસુધી દબાણ ઊભું થતું હોય છે. લોનમાફીનું એક પરિણામ રાજકોષિય ખર્ચના રૂપમાં પણ જોવા મળે છે. આવા નિર્ણયથી સરકારના ચોપડે ખાધ ઊભી થવા ઉપરાંત વ્યાજ બોજ આવી જાય છે એટલું જ નહીં મૂડી ખર્ચ કરવાની સરકારની ક્ષમતા પણ ઘટી જાય છે. મૂડી ખર્ચમાં ઘટાડાથી છેવટે તેની અસર આર્થિક વિકાસ પર પડે છે જેમાંથી કૃષિ ક્ષેત્ર પણ બાકાત રહી શકતું નથી. 

તાજેતરના ભૂતકાળનું લોનમાફી એક એવુ ચક્ર બની ગયું છે જેમાંથી બહાર નીકળીને અન્ય ઉકેલ શોધવાની આવશ્યકતા છે. કૃષિ ક્ષેત્રની સમશ્યાનો કાયમી ઉકેલ લાવવો હશે તો લોનમાફી સિવાયનો ઉકેલ શોધવો પડશે. આશા રાખીએ આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા લોન માફી સિવાયના આવક  વધારી શકે તેવા ઠોસ વચનો આપશે અને તેની પૂર્તતા પણ કરશે.  



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kSdcGl
Previous
Next Post »