
- ઈયાન ફ્લેમિંગ 'જેમ્સ બૉન્ડ'ની વાર્તા માટે જાણીતા લેખક છે. એ ફ્લેમિંગે પોતાના નાના દીકરાને કહેવા એક વાર્તા લખી હતી. એ વાર્તા એટલે ચિટ્ટી ચિટ્ટી બેંગ બેંગ.. તેના પરથી જ આ ફિલ્મ બની છે. જાસૂસી કથા લખતા ફ્લેમિંગની અનોખી કલ્પનાશક્તિ આ વાર્તામાં જોવા જેવી છે.
વર્લ્ડ સિનેમા-લલિત ખંભાયતા
ડિરેક્ટર : કેન હ્યુજ
કલાકાર : ડિક વેન ડાઈક, લિઓનેલ જેફ્રી, સેલી એન, એડ્રીઅન હોલ
રિલિઝ : ડિસેમ્બર ૧૯૬૮
લંબાઈ : ૧૪૫ મિનિટ
ફિલ્મમાં દેખાતી કાર ક્યાં છે?
ફિલ્મનું મુખ્ય આકર્ષણ તરતી-દોડતી-ઉડતી કાર છે. ફિલ્મ માટે કુલ છ કાર બનાવાઈ હતી. એમાંથી વળી પાંચ એવી હતી જેને શૂટિંગમાં ચલાવાની ન હતી. એક કાર ચાલી શકે એવી તૈયાર કરાઈ હતી. ફિલ્મ પછી એ કારની હરાજી થઈ. વેચાતી વેચાતી એ કાર ૨૦૦૧માં ન્યૂઝિલેન્ડના ડિરેક્ટર પિટર જેક્શને ખરીદી લીધી. ત્યારે તેમણે ૮ લાખ ડૉલર જેવી તોતીંગ કિંમત ચૂકવી હતી. જેક્સન ક્યારેક ક્યારેક પોતાના પરિવારજનો સાથે એ કાર લઈને ન્યૂઝિલેન્ડના રસ્તા પર ફરતાં જોવા મળે છે.
બે ન્જી પોટ્સ, તેમનો દીકરો કેરેક્ટ્સ પોટ્સ, એમના બે સંતાન જેરેમી અને જેમાઈમા.. ચારેય ઈંગ્લેન્ડના એક ગામના છેડે રહેતા હતાં. કદાવર પવનચક્કી ફીટ થયેલી હોવાથી એ ઘર દૂરથી ઓળખાઈ જતું હતું. બાળકો નાના હતા, કમાવવા ઉપરાંત રસોડાની જવાબદારી પણ કેરેકટ્સ પાસે હતી. ઘરમાં નાની બાળકી જેમાઈમા સિવાય કોઈ મહિલા ન હતી.
છ ફીટ કરતા વધુ લંબાઈ ધરાવતા મિસ્ટર કેરેકટ્સ નીત-નવા સંશોધનો કરતા રહેતા. ક્યારેક રોકેટ બનાવી પીઠ પાછળ બાંધી ઊડવાનો અખતરો કરે તો વળી ઘરમાં રસોડામાં બનતી વાનગી સીધી ડાઇનિંગ ટેબલ પર પહોંચી જાય એવી રોલર-કોસ્ટર રાઈડ જેવી નેટવર્ક વ્યવસ્થા વિકસાવી હતી. બાળકો નાના હતા એટલે પિતા કેરેકટ્સને વારંવાર કહેતા રહેતા કે આપણે એક કાર લઈએ. વળી ત્યારે જ ગામના ભંગારવાળા પાસે એક કાર વેચાવા આવી હતી. પણ એ કેરેક્ટ્સને પોસાય એમ ન હતી. દાદા બેન્જી પણ પોતાની રીતે ધડ-માથા વગરના સંશોધનો કરતા રહેતા.
ગામમાં એક મીઠાઈના મોટા વેપારી હતા મિસ્ટર સ્ક્રમ્પિસિઅસ. એમની દીકરી ટ્રુલી સાથે કેરેકટ્સને થોડી મૈત્રી હતી. રસ્તા પર ક્યારેક મળે ત્યારે હાય-હેલ્લો કરતાં. એક દિવસ ઘરે કંઈક કામગીરી કરતા કેરેકટ્સે અચાનક જ ખાતી વખતે સીટી વાગે એવી મીઠાઈ શોધી કાઢી. સીટી પણ વાગે, ખાઈ પણ શકાય. આ મીઠાઈ જઈને તેણે મિસ્ટર સ્ક્રમ્પિસિઅસને બતાવી. શરૂઆતમાં તો સ્ક્રમ્પિસિઅસે ખાસ રસ ન લીધો. પણ મીઠાઈની નવીનતા જોઈને સ્ક્રમ્પિસિઅસ તૈયાર થવાની તૈયારીમાં હતા. ત્યાં વળી સીટી વાગી અને કેરેક્ટ્સનો કૂતરો બીજા સંખ્યાબંધ કૂતરાં લઈને મીઠાઈના વર્કશોપમાં ઘૂસી ગયો. બનેલી બધી મીઠાઈઓ વેર-વિખેર થઈ. ડિલ થાય એ પહેલા જ કેરેક્ટ્સે સ્ક્રમ્પિસિઅસનું દિલ તોડી નાખ્યું.
થોડા વખત પછી કેરેકટ્સેે એક ઓટોમેટિક વાળ કાપવાનું મશીન બનાવ્યું. મેળામાં ગોઠવ્યું અને ત્યાં આવનાર પ્રવાસી પૈકી એકને વાળ કાપવા બેસાડયા. મશીને કામગીરી શરૂ કરી પણ વાળ આડા-અવળા કપાયા. કેરેક્ટ્સે ત્યાંથી ભાગવુ પડયું. ભાગીને એ સરકસમાં પહોંચ્યા જ્યાં નાચ-ગાન ચાલુ હતું. એ ગાયન પુરું થયું ત્યાં લોકોએ ખુશ થઈને કેરેકટ્સને ઘણા પૈસા આપી દીધા. એટલે હવે ભંગાર કાર ખરીદવાની જોગવાઈ થઈ ગઈ.
કાર ઘરે આવી એટલે પહેલા તો ગેરેજમાં ગોઠવી તેના પર જાતજાતનું સમારકામ કર્યું. દેખાવ વિચિત્ર હતો પણ ચાલવામાં કોઈ પ્રશ્ન ન હતો. કાર લઈને પિતા કેરેકટ્સ અને બન્ને સંતાનો સહેલ કરવા નીકળ્યા. રસ્તામાં ટ્રુલી મળી. તેને પણ આવવું હતું. ચારેય સમુદ્ર કાંઠે પહોંચ્યા. ત્યાં બાળકોની ઈચ્છાથી કેરેક્ટ્સે વાર્તા કહેવાની શરૂઆત કરી.
સમુદ્રમાંથી એક જહાજ આવતું દેખાયુ જે બરોન બોમ્બર્સ્ટનું હતું. બોમ્બર્સ્ટ વલ્ગેરિયા નામના દેશનો રાજા હતો અને ચાંચિયાગીરી કરતો હતો. અહીં આવીને કાર પર તેની નજર ઠરી. કારની ઉઠાંતરી કરે એ પહેલા કારની નીચેથી અચાનક તરી શકે એવા ફૂગ્ગા બહાર આવ્યા અને કાર તબદીલ થઈ પાવરબોટમાં. એમાં બેસીને પરિવાર ભાગી ગયો. અરે આવી કાર હોય! બરોનને અચરજ થયું અને પોતાના બે જાસૂસને મોકલીને કહ્યું કે કાર બનાવનાર એ સંશોધકને ઉપાડી લાવો.
બે કાર્ટૂન કેરેક્ટર જેવા જાસૂસો સમુદ્રમાંથી કાંઠે આવ્યા. ઈંગ્લિશમેન લાગે એ પ્રકારે વસ્ત્રો ધારણ કર્યા અને કારની શોધમાં નીકળી પડયા. કારની ઉઠાંતરી કરવા રસ્તા પર જાળ બિછાવી. એ જાળમાં કાર ફસાઈ અને જઈને જોયું ત્યાં તો એમાંથી મિસ્ટર સ્ક્રમ્પિસિઅસ નીકળ્યા. કારના કળાકારને શોધવા એમના ઘરે પહોંચ્યા. ત્યાં ટેલિફોન બૂથ જેવા ચોરસ બોક્સમાં કેરેક્ટસના પિતા બેન્જી પોટ્સ હતા. એમને જ સંશોધક માની બન્ને જાસૂસોએ બરોનને માહિતી આપી કે આવી જાવ, શિકારનો પત્તો લાગી ગયો છે.
થોડી વારમાં આકાશમાં બરોન બલૂન લઈને આવ્યા અને તેની નીચે બેન્જીને લાકડાના ખોખા સાથે ઉઠાવી લીધા. એ ઉઠાંતરી કારમાં આવી રહેલા કેરેક્ટ્સ, ટ્રૂલી વગેરે જોઈ ગયા એટલે તેમણે બલૂનનો પીછો શરૂ કર્યો. રસ્તામાં ખાડા-ટેકરા પણ આવ્યા અને એક સ્થળેથી તો કાર ઊંડી ખીણમાં પડી. પણ કોઈને ઈજા ન થઈ કેમ કે કારે ઊડનખટોલાનું સ્વરૂપ ધારણ કરી લીધુું હતું. તેને પાંખો ફૂટી હતી. કાર તો ભારે ચમત્કારીક હતી.
બલૂન નીચે લટકતા બેન્જીને બરોન પોતાના દેશ વલ્ગેરિયામાં લઈ ગયા. ત્યાં જઈ કહ્યું કે જૂઓ મારી પાસે કાર છે, અહીં બધી સાધન-સામગ્રી છે. હવે તેને તમારી કાર જેવી જાદુઈ ગાડી બનાવી આપો. એ લેબોરેટરીમાં તો ટૂંકુ કદ, લાંબી દાઢી, લાંબા વાળ, ઊંડી આંખો ધરાવતા અનેક મહાન વિજ્ઞાાનીઓ જેવો દેખાવ ધરાવતા સંશોધકો હતા, પણ કોઈથી આવી કાર બની ન હતી. હવે એ જવાબદારી બેન્જીની હતી.
બલૂનનો પીછો કરતી કેરેક્ટ્સ એન્ડ કંપની વલ્ગેરિયા નગરમાં પહોંચી. તેમની સાથે બાળકો હતા એ જોઈને ભાગમભાગ મચી. પછી એક રમકડાં બનાવનારે સમજાવ્યું કે આ દેશમાં બાળકો રાખવાની છૂટ નથી. તમે ઝડપથી મારા ગોડાઉનમાં સંતાઈ જાવ. જોકે એટલી વારમાં તો રાજા બેરોનનો એક લાંબુ નાક ધરાવતો જાદુગર આવી પહોંચ્યો. તેને શંકા ગઈ કે બાળકો અહીં છે, પણ મળ્યા નહીં. જાદુગર ગયો એટલેે રમકડાં બનાવનાર સાથેે કેરેક્ટ્સ મહેલ સુધી જવાનો રસ્તો શોધવા ગયો. ટ્રુલી ક્યાંક બીજા કામે બહાર ગઈ. એમાં જ જાદુગર ફરી આવ્યો, બાળકોને શોધી કાઢ્યા અને રાજમહેલ તરફ ઉપાડીને ભાગ્યો.
હવેે તો કેરેક્ટ્સે પોતાના પિતા ઉપરાંત બાળકોને પણ છોડાવવાના હતા. ત્યારે રમકડાં બનાવનારે માહિતી આપી કે મહેલ જે ખડક ઉપર છે, તેની નીચે પોલાણ છે. એ પાતાળલોકમાં જઈનેે જોયું તો આખા નગરના બાળકો ત્યાં છૂપાયેલા હતા. માતા-પિતા ત્યાં ગુપ્ત રીતે તેમને મળવા આવતા-જતાં. કેરેક્ટ્સે બધા બાળકોને વચન આપ્યું કે તમને અહીંથી મુક્ત કરાવીશું.
એ પછી રાજમહેલમાં ચઢાઈ શરૂ કરી. સીધા તો ત્યાં પ્રવેશી ન શકાય. એટલે બરોનના જન્મદિવસે રમકડાં બનાવનાર બે મોટી ઢીંગલી લઈને મહેલમાં પહોંચ્યો. એ ઢીંગલી હકીકતે કેરેક્ટ્સ અને ટ્રુલી હતા. એ પછી તો મહેલમાં ધમાલ મચી અને છેવટે સૌ સારાં વાનાં થયા.
ઈયાન ફ્લેમિંગની ઓળખ આખા જગતમાં જેમ્સ બૉન્ડ સિરિઝની વાર્તાના લેખક તરીકે છે. એ ફ્લેમિંગે જાસૂસી કથાઓ ઉપરાંત કેટલુંક લેખન કર્યું એમાં નોંધપાત્ર વાર્તા ચિટ્ટી ચિટ્ટી બેંગ બેંગ છે. હકીકતે પોતાના દીકરા માટે તેમણે વાર્તા લખી હતી. જેમ્સ બોન્ડ સિરિઝના શરૂઆતી પ્રોડયુસર આલ્બર્ટ બ્રોકલીએ જ આ ફિલ્મ પણ પ્રોડયુસ કરી હતી અને બૉન્ડ ફિલ્મો શૂટ થઈ એ પાઈનવૂડ સ્ટુડિયોમાં જ ઘણુખરું શૂટિંગ થયું હતું.
ફિલ્મમાં ગીત અને સ્પેશિયલ ઈફેક્ટ્સ બન્નેનો વ્યાપક ઉપયોગ થયો છે. બાળવાર્તા હોવાથી ગીત જરૂરી છે, જ્યારે કલ્પના તરંગો સાકાર કરવા સ્પેશિયલ ઈફેક્ટ પણ અનિવાર્ય છે. ફ્લેમિંગની વાર્તા અને ફિલ્મમાં કેટલાક તફાવતો પણ છે. બાળ ફિલ્મ છે એટલે મોટેરાંઓએ જોવા જેવી નથી એવુ માનવાને કોઈ કારણ નથી. ફિલ્મમાં કોમેડી જોવા જેવી છે અને પોટ્સ પિતા-પુત્રના સંશોધનો તો ખાસ જોવા જેવા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d1Xxkc
ConversionConversion EmoticonEmoticon