
- હું પણ મારા સંતાન પર મારી ઇચ્છાઓનું ભારણ નહીં નાખું. તે જે કરવા ઇચ્છશે તે કરી શકશે. હું મારા પિયર અને સાસરા, બંનેના મૂલ્યોનું સિંચન મારા બાળકમાં કરવા માગું છું.
- હવે હું સુપરમોમ બનવા તૈયાર છું, હું મને પોતાને પડકારી રહી છું. બાળકના જન્મ પછી પણ મારા કામના કલાકો દરમિયાન હું મારા બાળકને ગ્રીન રૂમમાં રાખીશ. મારું સંતાન મોટું થઈને પોતે જ કહેશે કે મારી મમ્મી કેટલી સારી આર્ટિસ્ટ છે.
એ વાત સર્વવિદિત છે કે ગાયિકા નીતિ મોહન ગર્ભવતી છે. છેલ્લે 'સમૂળે મિરચી કવર સ્ટાર'માં જ્યુરીનો ભાગ બનેલી નીતિ મોહને નિહાર પંડયા સાથે લગ્ન કર્યાં બાદ પોતાની બીજી વેડિંગ એનિવર્સરી વખતે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી અને તમે આ લેખ વાંચતા હશો ત્યારે કદાચ તે મમ્મી બની ગઈ હોય એવું પણ બને.
'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં 'ઇશ્ક વાલા લવ..' ગીત ગાઈને અપ્રતિમ લોકપ્રિયતા હાંસલ કરનાર નીતિ મોહન માને છે કે કોઈપણ રીઆલિટી શોમાં નિર્ણાયકની ભૂમિકા ભજવતી વખતે અત્યંત સાવચેત રહેવું પડે. તે બહુ મોટી જવાબદારી ગણાય. ગાનારનું સંગીત સીધું તમારા હૃદયને સ્પર્શવું જોઈએ. સંગીતમાં લગન સાથે ટેક્નિકલ તેમ જ અન્ય ઘણાં પાસાં સંકળાયેલા હોય. ખાસ કરીને પ્રોફેશનલ સિંગર માટે. આમ છતાં જે સંગીત તમારા હૃદયને ન સ્પર્શે તેને સંગીત ન માની શકાય.
ગર્ભાવસ્થા પછી નીતિ બહુ ખુશ છે. તે કહે છે કે હું હમેશાંથી મારી મરજી અને ઇચ્છા મુજબ જીવી છું. હું મુંબઈ આવીને કામ કરવા માગતી હતી કારણ કે અહીં તમે કામ પેદા કરી શકો છો એટલે હું આ મહાનગરમાં આવીને રહી. અહીં મારો સંપર્ક ઘણાં સારા લોકો સાથે થયો અને હવે મને એમ લાગે છે કે મારા જીવનનો નવો તબક્કો શરૂ થયો છે. હું પૂર્ણતાનો અનુભવ કરી રહી છું.
જો કે એક તબક્કે નીતિને એમ લાગતું હતું કે માતા બન્યા પછી તે કામ અને બાળક વચ્ચે સંતુલન શી રીતે સાધશે? પણ હવે તે તેને માટે તૈયાર છે.
ગાયિકા કહે છે કે મારા લગ્ન પણ નહોતા થયા ત્યારે મને આવા વિચારો આવતા હતા. પરંતુ હવે મને સમજાયું છે કે જો મારા વિવાહ પછી પણ મારા કામમાં કોઈ ફરક નથી પડયો તો બાળકના જન્મ પછી શી રીતે પડશે? હવે હું સુપરમોમ બનવા તૈયાર છું, હું મને પોતાને પડકારી રહી છું. જો મને મમ્મી બનવામાં ખુશી મળતી હોય તો હું બાળકના જન્મ પછી પણ રાજીખુશીથી સ્ટેજ પર જઈશ. મારા કામના કલાકો દરમિયાન હું મારા બાળકને ગ્રીન રૂમમાં રાખીશ. મારું સંતાન મોટું થઈને પોતે જ કહેશે કે મારી મમ્મી કેટલી સારી આર્ટિસ્ટ છે. મને 'મ્યુઝિક' અને 'મધરહૂડ' એકસાથે જોઈએ છે.
નીતિ પોતાના બાળક પર પોતાના વિચારો ઠોકી બેસાડવા નથી માગતી. તે કહે છે કે અમારા માતિપાતાએ અમને અમારી ઇચ્છા મુજબ જીવવાની આઝાદી આપી હતી. હું પણ મારા સંતાન પર મારી ઇચ્છાઓનું ભારણ નહીં નાખું. તે જે કરવા ઇચ્છશે તે કરી શકશે. હું મારા પિયર અને સાસરા, બંનેના મૂલ્યોનું સિંચન મારા બાળકમાં કરવા માગું છું. બાકી નિહાર મને જીવનના પ્રત્યેક પગલે સાથ આપે છે અને અમારા બાળકને સાચવવામાં પણ તે પાછીપાની નહીં કરે. અમે બંને સાથે મળીને અમારા બાળકને ઉછેરીશું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fsmw39
ConversionConversion EmoticonEmoticon