રૂદાલી : સ્ત્રીઓએ વેઠેલી એક વિચિત્ર પ્રથા


વ ર્ષો પહેલાં જ્યારે ઉંચી ગણાતી જાતિના અમુક અમીર ખાનદાનોમાં વિચિત્ર પ્રથા અસ્તિત્વમાં હતી. અમુક પરિવારમાં પુરુષનું મૃત્યુ થતું ત્યારે ઘરની મહિલાઓનું માતમ મનાવવું અશુભ ગણાતું હતું. તેથી એ સમયે પછાત મહિલાઓને શોક મનાવવા માટે બોલાવવામાં આવતી. આ મહિલાઓ મૃતકની નજીક બેસીને જોરજોરથી છાતી પીટીને આંસુ સારતી. આવો માતમ ૧૨ દિવસ સુધી ચાલતો. આ મહિલાઓના સમુહને સમય જતાં રૂદાલી નામથી ઓળખવામાં આવ્યો.

૨૦૦-૪૦૦ વર્ષ જૂની આ વિચિત્ર પ્રથા એવી હતી કે વયોવૃદ્ધ ધનવાન માણસનું મૃત્યુ નજીક દેખાય ત્યારે પરિવારના સભ્યો રૂદાલીના સમુહને કહી રાખતા. ઉત્તરક્રિયા સુધી શોક મનાવવાના બદલામાં આ મહિલાઓને થોડું-ઘણું વળતર પણ ચૂકવાતું. એવી મહિલાઓનું ગુજરાન આ પ્રથામાંથી થતું. પરાયા લોકો માટે પોતાના આંસુ વહાવતી આ મહિનાનું જીવન ખૂબ જ મુશ્કેલીમાં વીતતું. રૂદાલીની ઉંમર  તેણે પહેરેલાં વસ્ત્રોના કલર પરથી નક્કી કરવામાં આવતી હતી. નાની ઉંમરની રૂદાલી લીલા રંગના વસ્ત્રો પહેરી શકતી હતી. મોટી ઉંમરની રૂદાલી કાળા કે લાલ રંગો પહેરતી હતી.

સમયાંતરે ભારતમાં સાક્ષરતા આવી. સમાજ જાગૃત થયો પછી રૂદાલી લુપ્ત થઈ ગઈ. સ્ત્રીઓએ જે વિચિત્ર પ્રથા વેઠી છે, એમાં રૂદાલીનો પણ સમાવેશ થાય છે. દુનિયામાં ઘણી અન્યાયી કે વિચિત્ર લાગતી પ્રથાની મહિલાઓ સાક્ષી રહી છે, એવી જ પ્રથા આ હતી.

માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના અનેક દેશોમાં રૂદાલીની પ્રથા હતી. પ્રાચીન રોમ, ગ્રીક, યુરોપ, આફ્રિકા અને એશિયાના ઘણાં દેશોના ઈતિહાસમાં રૂદાલી જેવી પ્રથાના ઉલ્લેખો મળે છે. પ્રાચીન રોમમાં એવું માનવામાં આવતું હતું કે જ્યાં સુધી મૃત્યુ પામેલી વ્યક્તિના અગ્નિસંસ્કાર ન થઈ જાય ત્યાં સુધી રૂદાલીએ તેની સાથે રહેવું. યુરોપમાં ૧૯મી સદી સુધી પૈસા આપીને માતમ મનાવવા માટે લોકોને બોલવામાં આવતા હોવાના વર્ણનો મળે છે. ઇઝરાયેલ સહિતના ઘણાં દેશોના અમુક ખાનદાનોમાં ૧૯મી સદી સુધી મૃત વ્યક્તિને અંતિમયાત્રા માટે તૈયાર કરવાની જવાબદારી રૂદાલી પર રહેતી.

વિખ્યાત બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીએ લખેલી વાર્તા પરથી ૧૯૯૩માં કલ્પના લાજમીએ ડિમ્પલ કાપડિયા, રાખી, રાજ બબ્બર, અમજદ ખાનને લઈને રૂદાલી નામની ફિલ્મ બનાવી હતી. ૧૯૯૪ના ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મની કેટેગરી માટે ભારતે આ ફિલ્મને પસંદ કરી હતી. ફિલ્મને ઓસ્કર એવોર્ડ તો મળ્યો ન હતો, પરંતુ ભારતમાં ફિલ્મને અને કલાકારોને ઘણાં પુરસ્કારો મળ્યા હતા. ફિલ્મમાં રૂદાલીની પ્રથાના વિવિધ હૃદયસ્પર્શી અને સંવેદનશીલ પાસા પર પહેલી વખત પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

- વિશ્વા મોડાસિયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MVPtIM
Previous
Next Post »