અતિશય ગરમી સામેનું સર્વાઇવલ બેરિયર આર્દ્ર બલ્બ(વેટ બલ્બ)તાપમાન શું છે?

- વેટ બ્લ્બનું તાપમાન જો 35 અંશ સેલ્સિયસથી વધારે હોય તો તેવી પરિસ્થિતિ આપણું શરીર લાંબો સમય સહન કરી શકે નહીં


ગ્લો બલ વાર્મિંગ વધુ ચાલે તો માનવી ક્યાં સુધી ટકી શકશે? માનવીની અતિશય ગરમી સામે પોતાના જીવનને ટકાવવાની સીમા શું છે? માનવ જીવન ટકાવવાની સીમા શું છે? શું ગ્લોબલ વાર્મિંગ પૃથ્વી પરના અમુક વિસ્તારોમાં આ સીમા ઓળંગવા દોરી જશે? અમેરિકામાં ઇન્ડિયાનામાં આવેલ પર્દયુ યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓ  શેરવૂડ અને તેમના સહલેખક મેથ્યુએ હબેરે એક અભ્યાસ લખ્યો છે.  જો તેઓ સાચા હોય તો આપણી પૃથ્વી પરના વિરાટ વિસ્તારો ગરમીને કારણે વસવાટ લાયક નહીં રહે.  અનેક શહેરો ભૂતિયા થઈ જશે.  અલબત્ત આ પરિસ્થિતિ ૨૩ મી સદીમાં નિર્માણ પામશે.  આમ તો આપણને આ વાત ગપ્પા જેવી લાગે. પરંતુ વાતાવરણમાં વધી રહેલી ગરમી અને ભેજના પરિણામે આવનારી આફતની આગાહી છે.

અભ્યાસ કરનાર વૈજ્ઞાાનિકોના કહેવા પ્રમાણે ભૌતિક વિજ્ઞાાનના પાયાના સિદ્ધાંતો પ્રમાણે એક તબક્કો એવો આવશે જ્યારે ગરમી અને ભેજમાન આપણે માટે અસહ્ય થઈ જશે. એટલું જ નહીં પરંતુ આવી અસહ્ય પરિસ્થિતિ આપણી પર આવી પડે તે માટે આપણે ધારીએ છીએ તેટલા પણ આબોહવા બદલાવની રાહ નહીં જોવી પડે. જો શેરવૂડ અને મેથ્યુ સાચા હોય તો પૃથ્વી પરનો વિરાટ વિસ્તાર બહુ ઝડપથી અનિવાસ્ય બની જશે.

આજે હિટ વેવ નામથી ઓળખાતા અતિશય ગરમીના મોજા માત્ર આપણા દેશમાં જ નહીં પણ અનેક વિકસિત અને અવિકસિત દેશોમાં લોકોના ભોગ લે છે.  ગરમીનાં મોજાં, હજારો માણસોનો ભોગ લે છે. ૨૦૦૩માં એકલા ફ્રાન્સમાં રીચા જાર્િંી (ગરમીના ઘાતથી) ૧૪ હજાર આઠસો માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા. ગરમીના મોજા અર્થાત હીટ વેવ જેનો ભોગ લે છે તે એવા લોકો હોય છે જે તેનો પ્રતિકાર કરવા સક્ષમ નથી હોતા. તેમાં બિમાર લોકો, વૃદ્ધ લોકો અને નાની વયના બાળકો આવે છે. હીટ વેવ વધારે તીવ્ર થતો જશે તેમ મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ વધતું જશે.

તંદુરસ્ત માણસો લાંબા સમય સુધી ગરમી સહન કરવા ટેવાયેલ હોય તો પણ લાંબો સમય અતિશય ગરમી અને અતિશય ભેજવાળી પરિસ્થિતિમાં ટકવું મુશ્કેલ છે . આપણે જાણીએ છીએ કે આપણે સામાન્ય રીતે આપણા શરીરના હાર્દનું તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ જાળવવું જોઈએ. જો તે વધે અને ૪૨ અંશ સેલ્સિયસ થઈ જાય તો આપણે મૃત્યુ પામીએ છીએ.અલબત્ત આવું શા માટે થાય છે તે હજુ સુધી ચોકસાઈથી સમજાવાયેલ નથી. શરીરનું તાપમાન જાણવા માટે શરીર લોહીને  ચામડી તરફ વાળે છે.  લોહીના પ્રવાહને ચામડી તરફ વાળવાથી શરીર તેને પોતાને ઠંડુ પાડવા પ્રયત્ન કરે છે. 

તેમ થતાં આંત્રનળી (પાચન તંત્ર)ને મળતો લોહીનો પુરવઠો કપાઈ જાય છે.  એક  વાદ એવો  પણ છે કે આપણી આંત્રનળીમાં વસતા અસંખ્ય બેક્ટેરિયા ઈજાગ્રસ્ત આંત્રનળીમાંથી વિષ રૂપે લોહીના પ્રવાહમાં થઈને ભળે છે. તેના કારણે શરીરના વિવિધ અવયવો નિષ્ફળ જવા લાગે છે. તેને અંગ્રેજીમાં મલ્ટીપલ ઓર્ગન ફેલિયર કહે છે.

એક બાબત સ્પષ્ટ છે કે આપણા શરીરના હાર્દનું એટલે કે અંતર ભાગનું તાપમાન વધતું અટકાવવા માટે આપણી ત્વચાનું તાપમાન ૩૫ અંશ સેલ્સિયસ થોડાક કલાકોથી વધારે ઊંચું ન રહેવું જોઈએ. સૂકી આબોહવામાં આપણને પસીનો થાય તેનાથી ૪૫ અંશ સેલ્સિયસ કે તેથી વધારે તાપમાન હશે તો પણ શરીરની ચામડી ઠંડી રહેશે. 

પસીનાનું બાષ્પીભવન થતા ત્વચા ઠંડી રહે છે પરંતુ ભેજવાળી આબોહવા કે જે ભેજથી સંતૃપ્ત હોય એટલે કે તેમાં વધારે ભેજ સમાઇ શકે તેમ ન હોય તો પસીનો વળવાથી ખાસ કંઈ ફેર પડતો નથી.  ત્વચા પરથી પછી પસીનાનું બાષ્પીભવન થતું નથી કારણ કે હવા વધારે બાષ્પ સમાવી શકે તેમ નથી.

આમ  તાપમાન માત્ર ગરમી સામે લોકો બચી શકશે કે નહીં તેનું માર્ગદર્શન કરે છે.  વધારે સારું નિર્દેશક વેટ બલ્બ ટેમ્પરેચર છે.  ગુજરાતીમાં આદ્ર બલ્બ તાપમાન કહે છે. વૈજ્ઞાાનિક જીવન શેરવૂડ અને મેથ્યુ હવે રે પારાના થર્મોમીટરનો પારો કેટલો ઊંચો રહે છે તેના કરતાં વેટ બલ્બ થર્મોમીટરનો પારો કેટલો ઊંચો રહે છે તેના આધારે તાપમાનથી બચાવની આડશ શું છે તે સમજાવ્યું.

આપણે જાણીએ છીએ કે સાદા પારાના થર્મોમીટરમાં નીચેના ભાગમાં એક ગોળાકાર બલ્બ હોય છે.  તેમાં પારો ભરેલો હોય છે. આ બલ્બમાંથી એક કષનળી ઊંચે જાય છે. કષનળીનો પારો પાતળા દોરાની જેમ ઉંચે ચડે છે.  તેની ઊંચાઈ તાપમાન બતાવે છે.  વેટ બલ્બ થર્મોમીટરમાં થર્મોમીટરના બલ્બ ઉપર ભીનું કપડું  રાખવામાં આવે છે. કપડાં પરથી પાણીનું બાષ્પીભવન થતું રહે છે.  તેથી પેલો બલ્બ ઠંડો રહે છે. જે તાપમાન જોવા મળે તેને વેટ બલ્બ તાપમાન કહે છે.  કપડાં પરથી પાણીનું કેટલું અને કેટલી ઝડપે બાષ્પીભવન થશે તે હવામાંના ભેજના પ્રમાણ પર આધાર રાખે છે.

જો હવાની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા હોય તેટલો ભેજ તેમાં હોય તો તે હવા સંતૃપ્ત કહેવાય છે.  તે વધારે ભેજ લઈ શકે નહીં. તેથી વેટ બલ્બ પર પડેલા કપડા પરથી બાષ્પીભવન થાય નહિ.  જે સમયે  કપડામાંથી  બાષ્પીભવન થતું અટકી જાય  તે સમયે  વેટ બલ્બનુ તાપમાન  આપણા શરીરની  તાપમાન સહન કરવાની આડસ  દર્શાવે. આ તાપમાન જો ૩૫ અંશ સેલ્સિયસથી વધારે હોય તો તેવી પરિસ્થિતિ આપણું શરીર લાંબો સમય સહન કરી શકે નહીં. આવું તાપમાન ક્યારેય સંભવિત છે તે નિશ્ચિત કરવા શેરવૂડ અને હબેરે કોમ્પ્યુટર મોડેલ તૈયાર કરેલ છે તે મુજબ દુનિયા સરેરાશ તાપમાનમાં એક અંશ સેલ્સિયસનો વધારો થાય છે ત્યારે વેટ બલ્બનું મહત્તમ તાપમાન ૦.૭૫ સેલ્સિયસ વધે છે.

બધી રીતે ચુસ્ત અને તંદુરસ્ત લોકો પણ વેટ બલ્બ તાપમાન સતત ૩૫ અંશ સેલ્સિયસથી વધારે હોય તો જીવી શકે નહીં. આ ઉષ્મા-તણાવ મર્યાદા (હીટ સ્ટ્રેસ લિમિટ) પંખાની બાજુમાં  બેઠેલા લોકોને પણ લાગુ પડે છે. એર કન્ડીશનીંગ વિના કે કુલર ઉપલબ્ધ ન હોય તો અથવા ઓછા ભેજવાળી જગ્યા ઉપલબ્ધ ન હોય તો લોકો મૃત્યુ પામે છે.

ઇંગ્લેન્ડની એક યુનિવર્સિટીના હ્યુમન થર્મો રેગ્યુલેશન (માનવ ઉષ્ણતા નિયમન)ના નિષ્ણાત શરીર ક્રિયા વિજ્ઞાાનીના જણાવ્યા પ્રમાણે લાંબા ગાળા સુધી વેટ બલ્બ તાપમાન ૩૫ અંશ સેલ્સિયસ કે તેથી વધારે રહે તો આ તાપમાને  આપણે એવી સ્થિતિમાં જઈએ છીએ જેમાં આપણી ત્વચા ગરમી પર્યાવરણને ગુમાવવાને બદલે પર્યાવરણ આપણા પર ત્વચા મારફતે ગરમીનો બોજ લાદે છે.  એમાં કોઈ શંકા નથી કે જો આમ જ હોય તો પૃથ્વી પરના જે વિસ્તારોમાં અતિશય ગરમી અને અતિશય ભેજમય વાતાવરણ  થઈ જાય તેની વસ્તીના વિશાળ વર્ગને માટે જીવલેણ પરિસ્થિતિ સંભવત ઉભી થઇ શકે છે.

તેથી વેટ બલ્બ તાપમાન ૩૫ અંશ સેલ્સિયસ હોય તો તેને બચાવની આડસ કહે છે.  તેને અંગ્રેજીમાં 'સર્વાઇવલ બેરિયર' કહે છે.  અલબત્ત કેટલો સમય આપણે આ તાપમાનની સ્થિતિમાં રહેવાનું છે તે મહત્વનું છે.

શું આજે પૃથ્વી ઉપર ક્યાંય ઉષ્મા તણાવ મર્યાદા (હીટ સ્ટ્રેસ  લિમિટ) ઓળંગાયેલ છે?  

શેરવૂડ અને હબેરે આખા જગતની છેલ્લા દાયકા ના તાપમાન અને ભેજમાનના વિતરણની ભાળ મેળવી છે.  અમેરિકાના કેલિફોનયા ની 'ડેથ વેલી' જેવા કેટલાક સ્થળો છે જ્યાં તાપમાન ૫૦ અંશ સેલ્સિયસ અથવા તેનાથી પણ વધારે પહોંચી જાય છે. પરંતુ વેટ બલ્બ તાપમાનમાં બહુ ઓછો ફેરફાર માલૂમ પડયો છે.  કેટલાક રણ પ્રદેશોમાં ઓછા ભેજમાને ઊંચામાં ઊંચા તાપમાન સુધી પહોંચી જવાયેલ છે પરંતુ અત્યારે સુધીમાં  વાર્ષિક મહત્તમ વેટ બલ્બ તાપમાન ૩૫ અંશ સેલ્સિયસથી વધ્યું નથી.

તેની પાછળ પણ એક વૈજ્ઞાાનિક કારણ છે એક પ્રકારનું કુદરતી ઉષ્મા નિયંત્રક કામ કરે છે.  હવા જેમ વધારે ગરમ અને વધારે ભેજ ધરાવતી થાય તેમ તે ઊંચે ચડે તેવી સંભાવના છે.  અને તેની જગ્યાએ વધારે ઠંડી હવા આવે છે. તેનું કારણ એ છે કે એક સરખા તાપમાને અને વાતાવરણના દબાણે ભેજવાળી હવાનું ઘટત્વ સૂકી હવા કરતા ઓછુ હોય છે. બીજી રીતે કહીએ તો ભેજવાળી હવા સૂકી હવા કરતા ઓછી ભારે એટલે હળવી હોય છે. તેનું કારણ એ છે કે હવામાં મુખ્યત્વે ઓક્સિજન અને નાઈટ્રોજન હોય છે. ભેજ તો રાસાયણિક રીતે પાણી છે. પાણીના અણુઓ નું વજન ઓક્સિજન અને નાઈટ્રોજનના અણુઓના વજન કરતાં ઓછું હોય છે.

આથી વધારે ભેજવાળી હવા ઊંચે ચડવા લાગે છે, ત્યારે પાણીની બાષ્પ રૂપે રહેલ ભેજનું બાષ્પ માંથી પાણીમાં રૂપાંતર થાય છે એટલે કે ઠારણ થાય છે. એ વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ રૂપાંતરની પ્રક્રિયામાં ઉષ્મા બહાર આવે છે. અલબત ઉષ્મા ગુમાવવાથી તાપમાનમાં ઘટાડો થતો નથી તેથી આ ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે પરંતુ જે ઉષ્મા બહાર આવે છે તે હવાને મળે છે તેના થકી હવા વધારે ઊંચે ચડે છે. હવામાન વિજ્ઞાાનના શબ્દોમાં કહીએ તો ગરમ અને ભેજયુક્ત હવા અસ્થિર હોવાની સંભાવના છે. તેનાથી ગાજવીજ સાથે વરસાદ આવે છે.  તેનાથી ઠંડક થાય છે. તેનો અર્થ એ છે કે દુનિયામાં ગમે ત્યાં જાવ વેટ બલ્બ તાપમાન ૩૦ અથવા ૩૨ અંશ સેલ્સિયસ આસપાસ જ રહે છે. આમ આ પ્રક્રિયા ઉષ્મા નિયંત્રકની જેમ વર્તે છે.

દુનિયાના સરેરાશ તાપમાનમાં વધારો બાર અંશ સેલ્સિયસ જેટલો વધારો થાય તો આજે પૃથ્વી પર જ્યાં વસવાટ થયેલ છે તે જમીનનો અડધો ભાગ એટલો ગરમ થઇ જશે કે ત્યાં વસવાટ થઈ શકશે નહીં. આજે જ્યાં ગરમીનો તણાવ જ્યાં સૌથી વધારે છે તે વિસ્તારો વસવાટ લાયક રહેશે નહિ એટલે કે અનિવાસ્ય થઈ જશે. તેમાં એમેઝોન તટ પ્રદેશ, ભારત,આફ્રિકાના ભાગો, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ અમેરિકાનો સમાવેશ થાય છે.

આ જગત કેટલું ગરમ થશે તે બે બાબત પર આધારિત છે. એક તો એ કે આપણે કેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરીએ છીએ. અને બીજું એ કે તેમાંથી વાતાવરણ કેટલું ગરમ થાય છે. એટલે કે વાતાવરણની કાર્બન સંવેદિતા કેટલી છે.  જો આબોહવાની કાર્બન સંવેદિતા માત્ર ૧.૯ અંશ સેલ્સિયસ  હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ૭ અંશ સેલ્સિયસ થતા વર્ષો લાગશે. બીજી બાજુ જો આબોહવાની સંવેદિતા ૪.૫ અંશ સેલ્શિયસ જેટલી ઊંચી હોય તો આજની જેમ આપણે આપણી પ્રવૃત્તિ ચાલુ રાખીએ તો પણ એક જ સદીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ૭ અંશ સેલ્સિયસ પર પહોંચી જાય. આ પરિસ્થિતિ ઊભી થતી રોકવાનો એક જ માર્ગ એ છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં મોટો કાપ મૂકવો જોઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OE5ovS
Previous
Next Post »