યાર્નના પગલે ગ્રેના ભાવમાં ઉડાઉડ,સ્પીનર્સોને ઘી-કેળા


- કાપડ બજાર : ઉદયન રસિકભાઈ મોદી

- કાપડ બજારમાં એક બાજુ કાપડ બનાવવામાં વપરાતા રો-મટીરીયલ્સના ભાવમાં વધારો અને બીજીબાજુ કોરોનાને લીધે વધતા કેસોના લીધે બજાર અટવાઈ ગયેલ છે. 

કાપડમાં વપરાતા રો-મટીરીયલ્સમાં કોટન યાર્ન, સીન્થેટીક્સ ફાઈબર, મજૂરીના ખર્ચ, કોલસો, લીગનાઈટ, કલર-કેમીકલ્સ, પેકીંગ મટીરીયલ્સ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ દરેકમાં વધારો થવાના લીધે કાપડના ગ્રે અને પ્રોસેસીંગના ખર્ચમાં બેહદ વધારો થવા પામેલ છે ગયા માર્ચમાં કોરોના લીધે બજારમાં અફડાતફડી થઈ જવા પામેલ અને ઘરાકીમાં ગયા માર્ચ પછી રૂકાવટ આપી ગયેલ પરંતુ જેમ જેમ બજાર ખુલતું ગયું તેમ તેમ રો-મટીરીયલ્સના ભાવમાં બેહદ વધારો બજાર માટે અકલ્પી શકાય તેવા થવા પામેલ. આના પરિણામે જુના ભાવના માલો ચપોચપ વેચાઈ ગયેલ  અને નવા માલોના ભાવ ઉંચા ક્વોટ થવા લાગ્યા.

એક અંદાજ પ્રમાણે છેલ્લાં ૮ મહિનામાં કોટન યાર્નના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો નોંધાયેલ છે. સામાન્ય રીતે કાપડમાં કાપડના ભાવ અને યાર્નના ભાવમાં ૩ થી ૫ ટકાની વધઘટ થતી હોય છે.

 પરંતુ આ વખતે કોટન યાર્નમાં જે ભાવ વધારો ટૂંક સમયમાં થયો તેને તરત જ પચાવવો કાપડ બજાર માટે મૂંઝવણવાળો ગણી શકાય. યાર્નના ભાવ વધારા પછી તેની સરખામણી એ કાપડના ગ્રે વધી શકેલ નથી જેના પરિણામે કાપડમાં ઉત્પાદનમાં કાપ મુકવા સિવાય છૂટકો નથી. પાવરલૂમ વીવર્સ વર્ગ તેના લીધે કાપડનું ઉત્પાદન ઘટાડી રહેલ છે.

અત્યારે યાર્નના વિક્રેતા-એજન્ટો માટે અને સ્પીનીંગ મિલો માટે ઘી-કેળા છે. યાર્નની કોસ્ટ નીચી અને વેચાણના ભાવ વધુ રહેતા સારો નફો કરતા થઈ ગયેલ છે તેની સામે વીવર્સ વર્ગ અને કાપડના ધંધા સાથે સંકળાયેલ હોલસેઈલ તેમજ સેમી હોલસેઈલ વેપારી માટે કપરો સમય ગણી શકાય. અમદાવાદમાં બજારો સાંજે ૭.૩૦ વાગે બંધ કરવાના લીધે બહારગામના વેપારીઓ ખરીદી માટે આવતા અટકી ગયેલ છે.

 બજારમાં હોળાષ્ટક, માર્ચ એન્ડિંગ, તીવ્ર ગરમી, નાણાભીડ, પાંચ રાજ્યોમાં ચાલી રહેલ ચૂંટણી, વધતો ફુગાવો, શેરબજારમાં નવા આવી રહેલ આઇપીઓના લીધે વધેલ નાણાભીડ ઘટેલ ખરીદશક્તિના લીધે કાપડમાં ફીનીશ કાપડની લેવાલી ઘટી જવા પામેલ છે. બેંકોના કામકાજમાં વધી રહેલ રજાઓના લીધે નાણાના વ્યવહારની સાઇકલ બરાબર ચાલતી નથી. માર્ચ મહિનો એટલે એડવાન્સ ટેક્ષ, વીમા પ્રિમિયમ, પીપીએફ, ટીડીએસ, શરાફી વ્યાજ, સરકારી સીક્યોરીટીનાં રોકાણ, શરાફી વ્યાજનું ચૂકવણીના લીધે નાણાભીડમાં વધારો થયેલ છે. તા. ૨૯ એપ્રિલે બેન્કો ધૂળેટીના લીધે બંધ રહેશે. ૩૦ માર્ચે બેંકો વર્ષ એન્ડિગના લીધે ક્લીયરીંગ બંધ રહેશે. તા. ૧ એપ્રિલે એકાઉન્ટ ક્લોઝિંગ અને ૨ એપ્રિલે ગુડફ્રાઇડે છે. આમ આગળના વીકમાં બેન્કોની વધારે પડતી રજાઓના લીધે નાણાભીડ વધવાના સંજોગો દેખાઈ રહેલ છે.

કાપડ બજારમાં યાર્ન અને ગ્રે કાપડમાં જેટલી લેવાલી અને તેજી છે ેતેટલી લેવાલી ફીનીશ કાપડમાં નહિ હોવાના લીધે વેપારી વર્ગના ગણિત ખોટા પડી રહેલ છે. આગળ ૧૩ એપ્રિલથી તા. ૧૩ મે સુધી રમઝાન મહિનો છે. સામાન્ય રીતે રમઝાન મહિનામાં સફેદ અને ચમકવાળા કાપડની વધુ ડીમાન્ડ જોવા મળતી હોય છે.

 વધુમાં આગળ ગરમીના ચાલતા માલોના પ્રોગ્રામ ચાલુ થઈ ગયેલ છે. અ૨ામા કોટન કાપડમાં ઝીણા મલમલ, કેમ્બ્રિજ, પોપલીનની ડીમાન્ડ જોવા મળી રહેલ છે. લગ્નગાળાના લીધે તેના માલોની ડીમાન્ડ જોવા મળશે પરંતુ આ વર્ષે કોરોના લીધે લગ્નના પ્રસંગમાં હાજરી લીમીટેડ હોવાના લીધે તેની ઘરાકી પણ માર ખાઈ જશે.

કપાસ-યાર્નમાં તેજી :

કપાસના ભાવ ગયા વર્ષે જે રૂા. ૩૮૦૦૦ હતો તે આ વર્ષે શંકરનો ભાવ રૂા. ૪૫૦૦૦ સુધી પહોંચી ગયેલ છે. આના પગલે કોટન યાર્નમાં ધૂમ તેજી જોવા મળી રહેલ છે. જે સ્પીનીંગ યુનિટો કોટન યાર્ન બનાવી રહેલ છે તેને ઘી-કેળા થઈ ગયેલ છે. સાઉન્થમાં કોટન યાર્ન બનાવતા મુખ્ય યુનિટોમાં નાહર, વર્ધમાન, વિશાખા, અરૂણના માલોમાં લાવોલાવો જેવી સ્થિતિ જોવા મળી રહેલ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39pY7r3
Previous
Next Post »