- વેચાણવેરો : સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ રિફંડ લેવામાં અવાર-નવાર કાયદો સુધારવામાં આવે છે અથવા તો નવા પરિપત્રો જાહેર કરવામાં આવે છે. સામાન્ય ધોરણે જ્યારે કલમ ૫૪ હેઠળ રિફંડ મળવાપાત્ર હોય છે ત્યારે ખાતા દ્વારા રિફંડ આપવું જ પડે. વળી પાછું ઘણી વખત ગેરકાયદેસર નિયમ કે પરિપત્ર મૂકીને રિફંડ આપવામાં આવતું નથી. તાજેતરમાં સરકાર દ્વારા તા. ૧૨-૩-૨૦૨૧ના રોજ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેના આજના લેખમાં સરળ સમજૂતી આપવામાં આવી છે.
ડીમ્ડ એક્ષપોર્ટ
ડીમ્ડ એક્ષપોર્ટના કિસ્સામાં સપ્લાયર અથવા તો રેસિપિયન્ટ ઓફ ડીમ્ડ એક્ષપોર્ટ સપ્લાય રિફંડની અરજી કરી શકે છે. નિયમ ૮૯માં એવું ક્યાંય લખ્યું નથી કે જ્યારે ડીમ્ડ એક્ષપોર્ટના રેસિપિયન્ટ રિફંડની અરજી કરે છે ત્યારે તે આવા પ્રાપ્ત કરેલ સપ્લાયનો વેરાશાખ માંગી ન શકે. પરંતુ આ બંધન સરકાર દ્વારા પરિપત્ર તા. ૧૮-૧૧-૨૦૧૯ના અન્વયે ઠરાવવામાં આવ્યો હતો. તા. ૧૨-૩-૨૦૨૧ના પરિપત્ર વડે આ બંધન દૂર કરવામાં આવવામાં આવેલ છે.
GSTR3Bમાં ઝીરો-રેટેડ સપ્લાય લખવાની ભૂલ
ઝીરો-રેટેડ સપ્લાયની વિગત પત્રક GSTR3Bમાં ટેબલ ૩.૧ (બી)માં દર્શાવવાની હોય છે. હવે જ્યારે આ વિગત ભૂલથી GSTR3Bના ટેબલ ૩.૧(એ)માં દર્શાવવામાં આવેલ હોય ત્યારે રિફંડ મળતું ન હતું કારણ કે કસ્ટમ સાથે વિગત મળતી ન આવતી હતી. આજરોજ પત્રક રિવાઇઝ કરવાની સુવિધા છે નહીં અને અસંખ્ય લોકોના રિફંડ અટકેલા હતા. આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા એમ બાંધછોડ આપી હતી કે આવા કિસ્સામાં સપ્લાયરે જ્યારે પૂરે-પુરો IGST ઝીરો રેટેડ સપ્લાય ઉપર ભરી દેવામાં આવેલ હોય તો તેટલી IGSTની રકમ રિફંડ તરીકે જીએસટી પોર્ટલ ઉપર નમૂના GSTRF001A વડે માંગી શકશે. અગાઉ આ લાભ તા. ૧-૭-૨૦૧૭થી ૩૦-૬-૨૦૧૯ સુધીના સમય માટે આપવામાં આવેલ હતો અને હવે આ લાભ તા. ૩૧-૩-૨૦૨૧ સુધી લંબાવી આપવામાં આવેલ છે.
નિયમ ૮૯(૪) માટેની ગણત્રી
તા. ૨૩-૩-૨૦૨૦ના રોજ સરકાર દ્વારા નોટીફીકેશન નં. ૧૬/૨૦૨૦ સેન્ટ્રલ ટેક્ષ દ્વારા એમ નિયમ ૮૯ (૪)માં ફેરફાર કરવામાં આવ્યો કે જેમાં ઝીરો-રેટેડ સપ્લાયની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવેલ છે. આ સુધારાને પગલે એમ થયું કે વાસ્તવિક ઝીરો-રેટેડ સપ્લાયની રકમ ગણવામાં આવશે નહીં પણ તેના જેવા સમાન માલની ૧૫૦ ટકા રકમ જે ડેમિસ્ટીક બજારમાં સપ્લાય થયેલ હોય તે રકમને રિફંડની ગણત્રી કરવા માટે ઝીરો-રેટેડ સપ્લાયની રકમ ગણવામાં આવશે. તા. ૧૨-૩-૨૦૨૧ના પરિપત્ર વડે એમ ચોખવટ કરવામાં આવી છે કે આ વ્યાખ્યામાં જે પ્રમાણે ઝીરો-રેટેડ સપ્લાયની ગણત્રી કરવામાં આવશે તે જ રકમને એડજસ્ટેડ ટર્નોવરમાં સમાવેશ થશે. દાખલા તરીકે કોઈ માલના ડોમેસ્ટિક સપ્લાય માટેની રકમ રૂા. ૨૦૦ છે અને તે જ માલની નિકાસ માટે રકમ રૂા. ૩૫૦ છે પ્રતિ નંગ ત્યારે આ કિસ્સામાં નિકાસના માલની રકમ રૂા. ૩૦૦ ગણવામાં આવશે. હવે જો ૫ નંગનું વેચાણ ડોમેસ્ટીક અને નિકાસમાં કરેલ હોય ત્યારે વાસ્તવિકમાં લોકલ સપ્લાયની રકમ કુલ રૂા. ૧૦૦૦/- અને નિકાસની રકમ કુલ રૂા. ૧૭૫૦ થાય એમ એડજસ્ટેડ ટર્નોવર કુલ રૂા. ૨૭૫૦ થાય. હવે આ પરિપત્ર પ્રમાણે લોકલ સપ્લાયની રકમ રૂા. ૧૦૦૦ ગણાશે.
નિકાસની રૂા. ૧૫૦૦ ગણાશે અને એડજેસ્ટેડ ટર્નોવરની રકમ રૂા. ૨૫૦૦ કુલ ગણાશે જેના લીધે રિફંડની રકમ ઓછી થઈ જવાની. પરિપત્રની ભાષા પ્રમાણે આ નિયમ ત્યારે જ લાગુ પડે જ્યારે લોકલ સપ્લાયની કિંમત એક નંગની નિકાસના સપ્લાય કરતાં ઓછી હોય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lWK5SM
ConversionConversion EmoticonEmoticon