ખાદ્ય તેલોની તેજીને કંટ્રોલ કરવા આયાત ડયુટી ઘટે તેવી શક્યતા


- કોમોડિટી કરંટ : જયવદન ગાંધી

આ વર્ષે હોળીના તહેવારોમાં ખાદ્યતેલો, મસાલા, અનાજ, દાળો સહિત અનેક ચીજોમાં મોંઘવારીએ માઝા મૂકી હોવાથી મધ્યમવર્ગીય પરિવારોને ભારે અસર થઇ છે. ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ સ્થાનિક બજારોમાં ખાદ્ય તેલોના ભાવોમાં ૭૦થી ૮૦ ટકાનો વધારો થયો છે. ખાદ્ય તેલોમાં મિલાવટોમાં મોટા પ્રમાણમાં વપરાતું પામતેલોની વૈશ્વિક બજારોમાં ભારે તેજીની અસર અહીંની સ્થાનિક બજારો ઉપર પડી રહી છે. ઊંચા ભાવોને કારણે વિદેશી ખાદ્ય તેલોની આયાત ગત મહિને ૨૭ ટકાના ઘટાડા સાથે આઠેક લાખ ટનની આસપાસ નીચે રહી છે. પામતેલોના મુખ્ય ઉત્પાદક મલેશિયા તથા ઈન્ડોનેશિયા જેવા દેશોમાં નબળા ઉત્પાદનનો લાભ ઊઠાવી સટોડિયા વર્ગ હાવી થઇ ગયો છે. 

આ ઉપરાંત સોયાબીનનું પણ બહોળા પ્રમાણમાં ઉત્પાદન કરતા અમેરિકામાં આ વર્ષે પ્રતિકૂળ મોસમને કારણે નોંધપાત્ર વાવેતર નહિ થતાં તેજીને બળ મળી રહ્યું છે. જેથી વૈશ્વિક કક્ષાએ ઊંચા ભાવો ધરાવતા તેલીબીયાંની અસરથી સ્થાનિક બજારોમાં પણ ખાદ્ય તેલોનું બજાર ડબલ જેવું થઇ ગયું છે.

રાજ્યમાં સૌથી વધુ વપરાશ ધરાવતા સીંગતેલમાં પણ આ વર્ષે તેજી વધુ લાલ થવાની સંભાવના છે. હાલમાં રાજ્યની કૃષિ બજારોમાં મગફળીની આવકો સરેરાશ ૪૦થી ૪૫ હજાર બોરીની આસપાસ છે. જે ગત વર્ષે આ સમયે ડબલ ઉપરાંત રહેતી હતી. ઓછા સપ્લાયની સામે આ વર્ષે સીંગતેલની નિકાસ પણ પાંચથી છ ગણા વધારા સાથે સવા બે લાખ ટનની આસપાસ રહી છે. કુલ નિકાસ પૈકી ૯૫ ટકા નિકાસ ચીન તરફથી આવી છે. ચીનમાં આ વર્ષે મગફળીનો પાક મોટેભાગે નિષ્ફળ રહેતાં ભારતીય મગફળીની ડિમાન્ડ સૌથી વધુ રહી છે. મગફળીના દાણાની નિકાસ પણ વર્ષ ૨૦૨૦ દરમ્યાન ૩ થી ૪ ટકાના ઊછાળા સાથે લગભગ ૪.૭૦ લાખ આસપાસ ટન ઊંચી રહી છે. મગફળીના ઊંચા ભાવોને કારણે રાજ્યમાં ઉનાળુ મગફળીનું વાવેતર પણ વધુ રહ્યું છે. જેની નવી આવકો આગામી દોઢેક માસ બાદ શરૂ થશે તેવી અપેક્ષા છે.

દેશમાં હજી ખાદ્ય તેલોમાં આત્મનિર્ભર થયા નથી. દેશની ખાદ્ય તેલોની કુલ વપરાશ પૈકી ૬૦ ટકા માલ વિદેશથી આયાત કરવો પડી રહ્યો છે. દેશમાં વર્ષે દહાડે લગભગ ૧૫૦ લાખ ટન ખાદ્ય તેલ આયાત કરવા પાછળ હજુ પણ ૭૫૦ અબજ રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. જેથી હાલમાં વૈશ્વિક ખાદ્ય તેલોમાં તેજીથી સ્થાનિક સ્તરે પણ ખાદ્ય તેલોમાં અસર થતાં મોંઘવારી વધી છે. તેથી પ્રજામાં વ્યાપક સ્તરે ટીકાપાત્ર થતાં ખાદ્ય તેલોની મોંઘવારીને કંટ્રોલ કરવા માટે સરકાર ઈમ્પોર્ટ ડયુટી ઘટાડે તેવી શક્યતા તેજ બની છે. સોયાબીન વાયદામાં છેલ્લા વીસેક દિવસમાં તેજી લાલચોળ થતાં ૭૦૦ રૂપિયાના ઉછાળા સાથે ભાવો પ્રતિ ક્વિન્ટલે ૫૮૬૦ની પાર થયા છે. એરંડા વાયદો પણ ૪૦૦ના વધારા સાથે ૪૯૦૦ની સપાટી કુદાવી છે. રાયડા વાયદા બજાર વીસેક દિવસમાં ૫૩૭૦થી વધીને ૬૦૦૦ની પાર થતાં તેલીબીયાંમાં પણ આજકાલ તેજીનો માહોલ છે.

બીજી મસાલા બજારોમાં પણ જીરા, હળદળ, અજમો, ધાણા જેવી ચીજોમાં તેજી ધીરે ધીરે નોંધપાત્ર સ્તરે ઊંચે જઇ રહી છે. જીરા વાયદામાં તેજી ફૂંકાતાં ફોરવર્ડ સોદા કરનારા તથા નિકાસકારોને ભારે નુકસાની થવાના અંદાજ છે. જીરા વાયદો છેલ્લા પંદરેક દિવસોમાં પ્રતિ ક્વિન્ટલે ૧૦૦૦ રૂપિયાના ઊછાળા સાથે ૧૪૩૦૦ની સપાટી કુદાવી છે. જો કે તળિયાના ભાવોથી ૨૫૦૦નો વધારો થતાં આ વર્ષે ફોરવર્ડ વેપારોમાં નુકસાનીનો પાર નહિ હોવાનું ચર્ચામાં છે. ચીન સહિત અનેક દેશોમાં સોદા કરતી વખતે ભાવો પ્રતિ ટને ૧૭૦૦ ડોલરની આસપાસ હતા. અને હાલમાં જીરાની ખરી સીઝનમાં તેજી થતાં નિકાસકારોની ગણત્રીઓ ઊંધી પડતાં હાલમાં ૨૦૫૦ ડોલર આસપાસ ભાવેથી ઊંચા મૂલ્યોથી જીરાની ખરીદી કરવી પડી રહી છે. એટલે કે પ્રતિ ટને ૩૦૦થી ૩૫૦ ડોલરનું નુકસાન થઇ રહ્યું હોવાની વ્યાપક રાવ છે. 

સીઝનમાં ભાવો ઘટવાની ધારણાઓ ખોટી છે. જીરાની ખરી સીઝનમાં સટોડિયો વર્ગ વાયદામાં હાવી થઇ જતાં એડવાન્સ સોદા કરનારાઓ સટોડિયાઓની ટ્રેપમાં બરાબરના ફસાઇ ગયા છે.

 નિકાસકારોએ ચીન સાથે મોટા પાયે એપ્રિલ-જુન સુધીના સોદા કરી નાખ્યા છે. જેમાં સૌથી વધુ એપ્રિલના સોદા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P7Af4E
Previous
Next Post »