હે પંડિતો ! વિદેશ ગયેલો મારો પુત્ર ક્યારે પાછો આવશે ?

- જૈન કથાનુયોગના સંદર્ભે નંદી સૂત્રના શાસ્ત્રકાર પરામર્શિ, વૈયનેયિકી બુદ્ધિને સુંદર દૃષ્ટાંત દ્વારા સમજાવે છે.


વિ નય વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી અને સમક્તિ પ્રાપ્ત ન થાય. સમકિત વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મુક્તિ નથી. આમ વિનય જ મોક્ષનું મૂળ છે. બુદ્ધિના વિવિધ સ્તરો મતિજ્ઞાાન સાથે જોડાયેલા છે.   જૈન કથાનુયોગના સંદર્ભે નંદી સૂત્રના શાસ્ત્રકાર પરામર્શિ, વૈયનેયિકી બુદ્ધિને સુંદર દૃષ્ટાંત દ્વારા સમજાવે છે.

સદ્ગુરુના બે શિષ્યોમાંથી એક વિદ્યા શીખ્યા પછી  સંદેહ હોય તો ગુરુ પાસે વિનયપૂર્વક સમાધાન મેળવે અને તે વિદ્યાનું સતત સ્વાધ્યાય કરે, તેથી વિનીત શિષ્યની બુદ્ધિ નિર્મળ અને તીવ્ર બની. બીજાને આવો પુરુષાર્થ કરવામાં રસ ન હતો તેથી તે અવિનીત શિષ્ય માત્ર શબ્દજ્ઞાાન જ મેળવી શક્યો.

ગુરુઆજ્ઞાાથી આ બન્ને શિષ્યો એક ગામમાં જઈ રહ્યા હતા. બન્નેએ રસ્તામાં મોટા મોટા પગલાંનાં ચિન્હો જોયાં. અવિનીત શિષ્ય આ પાદચિન્હ જોઈ કહે,' મિત્ર, અહીંથી હાથી પસાર થયો હશે.' વિનીત કહે, 'મિત્ર એ હાથી નહીં પણ ડાબી આંખની દૃષ્ટિ ગુમાવેલી છે તેવી હાથણી છે, જેના પર ગર્ભવતી રાણી બેઠી હશી, જેનો ગર્ભકાળ પૂરો થઈ રહ્યો છે જે પુત્રને જન્મ દેશે.' અવિનીત શિષ્યએ કહ્યું કે,' શેને આધારે તું આમ કહે છે ?' વિનયવાન શિષ્યે કહ્યું કે, 'આપણને ગુરુજીએ જે વિદ્યા શીખવી તેના આધારે મેં કહ્યું.

આગળ જતાં બન્ને મિત્રોએ જોયું કે સરોવરના કિનારે રાજાના પડાવમાં ડાબી આંખે અંધત્વને વરેલી હાથણી બાંધેલી હતી. એ જ સમયે દાસીએ બહાર આવીને મંત્રીને કહ્યું કે, 'રાણીબાએ રાજકુમારને જન્મ આપ્યો છે. બે પ્રાધનજી, આપ મહારાજાને વધાઈ આપો.' બીજા મિત્રે પેલાને કહ્યું કે,' તારી વાત તો સાચી નીકળી.

બન્ને મિત્રો એક વટવૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા. ત્યારે એક વૃધ્ધ સ્ત્રી પાણીનો ઘડો માથા પર લઈને જઈ રહી હતી. તેણે બન્ને મિત્રોને જોયા ને લાગ્યું કે આ વિદ્વાન પંડિતો છે. તે પ્રશ્ન પૂછવા તેમની પાસે ગઈ, એટલામાં મસ્તક પરનો પાણીનો ઘડો નીચે પડી ગયો. ઘડાના ટુકડા થયા અને પાણી માટીમાં મળી ગયું. પેલી વૃદ્ધા સ્ત્રીએ પૂછયું કે, 'હે પંડિતો પરદેશ ગયેલો મારો પુત્ર ક્યારે પાછો આવશે ?' અવિનીત શિષ્યે કહ્યું કે, ' જે પ્રકારે આ ઘડો ફૂટયો તે જ રીતે તારો પુત્ર નષ્ટ થયો એટલે કે મૃત્યુ પામ્યો છે.' ત્યારે વિનયવાન શિષ્યે કહ્યું કે,' માતાજી, આવું નથી. તે આપને ઘરે આવી ગયો છે. આપ તરત જ ઘરે જાઓ.  વૃદ્ધા ઘરે ગઈ. પુત્રને જોઈ ખુશ થઈ.  પુત્રને લઈ વૃદ્ધા વટવૃક્ષ નીચે આવી અને તેણે દક્ષિણા અને ભેટ આપી. 

આ ઘટનાથી અવિનયી શિષ્યે વિચાર્યું કે, ગુરુએ મને બરાબર વિદ્યા શીખવી નથી. બન્ને શિષ્યો  ગુરુ પાસે આવ્યા. વિનયવાને ગુરુને પ્રણામ કર્યા. અવિનીત શિષ્ય જડની જેમ જ ઊભો રહ્યો. તેને જોઈ ગુરુજીએ કહ્યું કે,' ભાઈ, તું અક્કડ કેમ છે ?' તો કહે, 'વિદ્યા શીખવવામાં આપે પક્ષપાત કર્યો છે. આને બરાબર શિક્ષા આપી મને નહીં.' ગુરુજીએ વિનંતી શિષ્યને પૂછયું કે, ' શું વાત છે ?' તેણે રસ્તામાં બનેલી ઘટનાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. ગુરુજીએ તેને પૂછયું કે,' તેં જવાબ કઈ રીતે આપ્યા ?' તો કહે કે,' ગુરુજી, આપની કૃપાથી. જમીન પર પડેલી મૂત્રધાર જોઈ તો હાથણીની હતી. માર્ગમાં જમણી બાજુનાં વૃક્ષોનાં પાંદડા ખવાયેલાં જોયાં, ડાબી બાજુનાં બિલકુલ નહીં, તેથી આંખે હાથણી જોઈ શક્તી ન હતી.

બાજુનાં વૃક્ષો પર રેશમી લાલ વસ્ત્રનું તંતુ જોયા, જેથી નિર્ણય કર્યો કે હાથણી પર સામાન્ય વ્યક્તિની સવારી ન હોય, રાણીની હોય. વળી જમીન પર તેની લઘુશંકાનાં ચિન્હો સાથે ડાબા હાથે જમીન પર ટેકવીને ઉભી થઈ હશે, તેથી ગર્ભવતી હશે. ડાબા પગનાં ચિન્હો ભારે હોવાથી નિર્ણય કર્યો કે ટૂંક સમયમાં પુત્રજન્મ કરશે. વૃદ્ધાનો ઘડો ફૂટવાથી નિર્ણય કર્યો કે માટી માટીમાં મળી, જેથી મા-પુત્રનું ટૂંક સમયમાં અવશ્ય મિલન થશે.' ગુરુજી પ્રસન્ન થયા. વિનયવાનને આશીર્વાદ આપ્યા ને અવિનીત શિષ્યને કહ્યું કે,' જો તું જીવનમાં વિનયને પ્રધાનતા આપીશ અને વિદ્યા ભણ્યા પછી તેનું ચિંતન કરીશ તો વૈયનેયિકી બુદ્ધિ તારામાં પ્રગટ થશે.'

- ગુણવંત બરવાળિયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vbA7kA
Previous
Next Post »