ચંપક શેઠની દાતારી .

- ડાહ્યો વાણિયો સમજી ગયો કે શેઠાણીને કાંઇક ઉપાય સુઝી આવ્યો છે એટલે એ વાત વાળી લેતા બોલ્યા કે 'છતા આપ મારૂ નામ સાંભળી આવ્યા છો તો નિરાશ નહી કરૂં 


એ ક નગર. નગરમાં એક શેઠ રહે. શેઠ ખાધે પીધે સુખી. ત્રણ ત્રણ ધમધોકાર ચાલતી દુકાનો. શેઠને બે સંસ્કારી દીકરા. વળી શેઠે લાંબો વિચાર કરીને બંને દીકરા માટે બે બંગલા પણ બનાવી રાખ્યા હતા. પણ શેઠની એક કમજોરી હતી. એ જરૂરીયાત મંદોનું દુ:ખ જોઈ ન્હોતા શક્તા. તેથી એમના ત્યાં મદદ માંગનારાઓનું ટોળું એમના બંગલાની આસપાસ ઘુમ્યા કરતું. દરેકને શેઠ એમની જરૂરીયાત પ્રમાણે દાન દેતા. ધીરે ધીરે શેઠનું નામ દાતાર તરીકે આખા પ્રદેશમાં જાણીતુ થઇ ગયું. કિંતુ શેઠની આ દાતારીની ઇર્ષ્યા કરનાર ઓછા ન્હોતા. તેમણે શેઠના બંને છોકરાના કાન ભંભેર્યા અને બંને છોકરાઓએ જુદા થવાની જીદ પકડી. આખરે હારી થાકીને શેઠે બન્ને દીકરાને એક એક દુકાન અને બંગલો આપી અલગ કર્યા અને પોતા પાસે પોતાનું જુનું ઘર રાખ્યું. પંચાતિયા આ જોઈ રાજી થયા. વિપત્તિ આવે છે ત્યારે ચારેબાજુથી આવે છે, શેઠ પાસે વડીલોપાર્જિત ઘર અને એક હાટડી રહી. ઉંમર થઇ હોવાથી હાટડી ઘરનો એકમાત્ર નોકર સંભાળતો હતો. શેઠ ઘસાતા ગયા. છેલ્લે નોબત એવી આવી કે તેઓ બે ટંક ખાઈ શકે કોઈ ગરીબ ગુરબાને મદદ ન કરી શકે. શેઠ તેમની નિર્ધનાવસ્થા ઉપર અફસોસ ગુજારતા આરામ કર્યા કરતા. શેઠાણી એમની ગરીબ અવસ્થા પણ દિલથી ચાકરી કરતી.

એવામાં ચારપાંચ માણસોનું ટોળુ શેઠનું સરનામુ શોધતુ આવ્યું. શેઠની મેડી નીચે પંચાતિયાનું ટોળુ બેઠુ હતું તેમને જ પૂછ્યું 'અહીંયા ચંપક શેઠનું ઘર કયું ? પંચાતિયાને તો ખોરાક મળી ગયો. પૂછ્યું : શેઠનું શું કામ હતું ?' આવનાર કહે 'દીકરીના લગ્ન છે તો શેઠ પાસે મદદ માટે આવ્યા છીએ.'

પંચાતિયા મનમાં રાજી થતા કહે : 'જાવ, જાવ શેઠ તો દાનેશ્વરી કર્ણનો અવતાર છે' તમે કહેશો એનાથી ડબલ આપશે કહી એકબીજાની તાળીયો લેવા માંડયા. આવનાર પાંચેય જણ મેડો ચડી શેઠની રૂમમાં ગયા. શેઠ એક પલંગ ઉપર સુતા હતા, શેઠાણી વિંઝણાથી હવા નાંખતા હતા. આવનારે કહ્યું 'જય જિનેન્દ્ર, આપનું નામ સાંભળી આવ્યા છીએ. શેઠે સૌને બેસાર્યા ચા પાણી પીવરાવી કહ્યું : 'ભાઈઓ, તમે મોડા પડયા, જાહોજલાલી બધી ચાલી ગઈ છે. હવે તો અમારા ત્રણ જણનું જ માંડ માંડ ગુજરાન ચલાવુ છું. ત્યાં તમને ક્યાંથી મદદ કરૂં ? છતાં આપને કેટલાની જરૂર છે ? આવનારા કહે : 'શેઠ પંદર હજારની જરૂર છે. નીચે બેઠેલા માણસોએ તો કહ્યું કે શેઠ તો ભાંગ્યું ભાંગ્યું પણ ભરૂચ છે. તમે માંગશો એનાથી ડબલ આપશે ! શેઠ દુ:ખ ભર્યું હસ્યા અને લમણા ઉપર હાથ પછાડી બોલ્યા : આપત જરૂર આપત પણ હાય રે કિસ્મત ! ત્યાં જ શેઠે શેઠાણીની આંખમાં ચમકારો જોયો. કોઠા ડાહ્યો વાણિયો સમજી ગયો કે શેઠાણીને કાંઇક ઉપાય સુઝી આવ્યો છે એટલે એ વાત વાળી લેતા બોલ્યા કે 'છતા આપ મારૂ નામ સાંભળી આવ્યા છો તો નિરાશ નહી કરૂં બનશે એટલું આપીશ. આપ લોકો બજા આંટો મારતા આવો ત્યાં સુધી રસોઈ તૈયાર થઈ જશે જમાડયા વગર જવા નહિ દઉં !' આવનાર તો રાજી થતા થતા બજારમાં ઉપડયા.

એમના ગયા પછી શેઠે શેઠાણીને પૂછ્યું : શું થયું ? કાંઈ રસ્તો જડયો ? નહિતર અત્યાર સુધી અકબંધ રાખેલી આબરૂ જશે. શેઠાણી મલકાતા મલકાતા કહે આપણે બધુ જ ગુમાવી બેઠા છીએ 'પણ તમારા જમણા હાથની આંગળી પર નજર કરો તો' શેઠે હાથ ઉંચો કરી જોયું તો એક આંગળી પર હિરાજડીત વીંટી ઝગારા મારતી હતી ! શેઠે બધુ જ વેચી માર્યુ હતું પણ એક વીંટી ભૂલાઈ જવાથી બચી ગઈ હતી ! શેઠ કહે વાહ મારા મહાવીર સ્વામી ! આ વાણિયાની લાજ રાખી ખરી ! ઓમ નમો અરિહંતાણામ ! શેઠાણી કહે આપણે લીધી ત્યારે પચાસ હજાર થયા હતા અત્યારે વેચીએ તો અડધા તો આવશે ને ? દોડાવો આપણા નોકરને ઝવેરી શેઠના ત્યાં વેચીને જેટલા મળે એટલા લેતો આવે. વાણોતરને બોલાવ્યો અને કહ્યું 'અબી ને અબી ઝવેરીની પેઢીએ જા અને આ અંગુઠી વેચી આવ : 'મારું નામ દે'જે એટલે તને વધુ પૈસા આપશે. ઝવેરીએ અંગુઠી ચકાસી અને પચ્ચીસ હજાર આપ્યા. એ લઇ વાણોતર શેઠ પાસે આવ્યો. શેઠ શેઠાણી શેઠની આબરૂ રહી જવાથી રાજીના રેડ હતા.

મહેમાનો નગરમાં ફરીને ખરીદી કરીને શેઠના ઘેર આવ્યા તો શેઠાણીએ સારી રીતે જમાડયા જવાનો સમય થયો એટલે શેઠે આવનારાઓને કહ્યું કે 'તમે ચારપાંચ મહિના પહેલાં આવ્યા હોત તો હું તમને માંગેલ પંદર હજારને બદલે ત્રીસ હજાર આપત. પણ અફસોસ, અત્યારે મારી ઉતરતી વેળા છે એટલે વધુ તો નહિ પણ આ પચ્ચીસ હજાર આપુ છું. દીકરીના લગન સુખેથી પતાવજો ! ત્યાં તો શેઠાણી ઘરમાંથી એક મોંઘી સાડી અને પાંચસો એક આપતા બોલ્યા : આ મારી દીકરીને દાપા ના. હરખાતા અને રાજી થતા આવનાર નીચે ઉતર્યા તો પંચાતિયા બેઠા જ હતા. તેઓએ કહ્યું : 'શું થયું ? ચંપક શેઠ વર્ષ્યા કે નહિ ? મદદ માંગવા આવનાર કહે ખરા દાતાર છે તમારા ચંપક શેઠ ! અમે પંદર માંગ્યા હતા એમણે પચ્ચીસ આપ્યા ! ઉપરથી જમાડયા ! 'ખરો દાતાર ખરો !'                       

 - યુસુફ મીર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30HvWig
Previous
Next Post »