
આણંદ : આણંદ પાસેના બાકરોલ રોડ ઉપર આવેલ સિધ્ધાર્થ કુટીર ખાતે રહેતા અને દિવંગત નિવૃત્ત ડીવાયએસપી કિરીટ બ્રહ્મભટ્ટના દોહિત્ર સિધ્ધાર્થ રાવની સુરતના સરથાણા વિસ્તારમાં આજે વહેલી સવારના સુમારે અજાણ્યા હુમલાખોરોએ જાહેર માર્ગ ઉપર ચપ્પાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી છે. આ બનાવ અંગે સુરતના સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી કેટલાક શકમંદોની અટકાયત પણ કરી હોવાના અહેવાલ સાંપડયા છે.
વધુમાં મળતી માહિતી મુજબ આણંદ શહેરના બાકરોલ રોડ ઉપર આવેલ સિધ્ધાર્થ કુટીર ખાતે રહેતા અને વ્યાજે નાણાં ધીરધારનો ધંધો કરતા સિધ્ધાર્થ રાવ સુરત ખાતે ગયા હતા. જ્યાં સરથાણા વિસ્તારમાં તક્ષશીલા નજીક આજે સવારના સુમારે સિધ્ધાર્થ રાવ એક ઈનોવા કારમાં હાજર હતા ત્યારે ટ્રાફિકથી સતત ભરચક એવા આ માર્ગ ઉપર અજાણ્યા હુમલાખોરોએ અસંખ્ય ચપ્પાના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલ સિધ્ધાર્થ રાવ લોહીલુહાણ હાલતમાં કારની સીટ ઉપર જ ફસડાઈ પડયો હતો. દરમ્યાન આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવતા હુમલાખોર શખ્શો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ ગંભીર રીતે ઘવાયેલ સિધ્ધાર્થ રાવને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ સરથાણા પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિકોના નિવેદનો લઈ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સિધ્ધાર્થ રાવ વિરૂધ્ધ આણંદ તેમજ વિદ્યાનગરમાં મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયા હતા. તાજેતરમાં પણ અમદાવાદ પોલીસે એક વૈભવી કારમાં પિસ્તોલ સાથે સિધ્ધાર્થ રાવને ઝડપી પાડયો હતો. જે અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુનો પણ નોંધાયો હતો. ત્યારે પૈસાની લેતી-દેતીમાં કોઈ અજાણ્યા શખ્શોએ સિધ્ધાર્થ રાવની હત્યા કરી નાખી હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ તો સુરત પોલીસે આ ઘટનામાં કેટલાક શકમંદોની અટકાયત કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P3Apd8
ConversionConversion EmoticonEmoticon