
નડિયાદ : ખેડા જિલ્લામાં વધતા કોરોના કેસોને લીધે જિલ્લા આરોગ્ય તંત્ર ફરી ખડેપગે થઈ ગયું છે. છેલ્લા અઠવાડિયાથી કેસોમાં આવેલા ઊછાળાને લીધે ટેસ્ટિંગની સંખ્યા ત્રણગણી કરી દેવામાં આવી છે. હોસ્પિટલોને ફરી કોવિડ બેડ અને વેન્ટિલેટરથી સજ્જ કરવાની કામગીરી આરંભાઈ ગઈ છે. પોઝિટિવ આવતા દર્દીઓની વિગતો મેળવી તેના સંપર્કમાં આવેલા લોકોમાં લક્ષણો શોધી ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
માર્ચ મહિનાની શરૂઆતથી કોરોના કેસોમાં ધીમેધીમે ઉછાળો સામે આવવા લાગ્યો હતો. માર્ચ મહિનાના અઠવાડિયામાં રોજના ૮-૯ કેસો મળતા હતા, જે બીજા અઠવાડિયામાં વધીને ૧૦થી ૧૨ સુધી પહોંચ્યા હતા. ત્રીજા અઠવાડિયામાં દરરોજ ૧૫થી ૨૨ સુધી કેસો નોંધાયા હતા. જ્યારે ચોથા અઠવાડિયામાં કોરોનાનો વિસ્ફોટ થતા રોજના ૨૫થી ૩૧ કેસો મળવા લાગ્યા. માર્ચ મહિનામાં અત્યાર સુધી સૌથી વધુ સંખ્યા ૨૩મી માર્ચે ૩૬ કેસો સાથે નોંધાઈ છે. છેલ્લા અઠવાડિયાથી અચાનક કેસોમાં ત્રણ-ચાર ગણો વધારો થઈ ગયો છે. આ સ્થિતિમાં ખેડા જિલ્લાની હોસ્પિટલોમાં ફરી વેન્ટિલેટર અને કોરોના બેડની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે જિલ્લાની ત્રણ સરકારી ઉપરાંત ૧૪ ખાનગી હોસ્પિટલોમાં સરકારી નિયમો પ્રમાણે કોરોના સારવારની આપવામાં આવી રહી છે. તમામ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને દવાખાનાઓમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.
ફેબુ્રઆરી સુધી કેસોની સંખ્યા ઓછી નોંધાતી હોવાથી રોજના ૩૦૦થી ૫૦૦ જેટલા જ ટેસ્ટ થઈ રહ્યા હતા, જે પાછલા દિવસોમાં ફરી વધારીને ૧૬૦૦-૧૭૦૦ કરવામાં આવ્યા છે.
હજી થોડા દિવસ અગાઉ જ કોરોના કેસોમાં ઘટાડો થતો હોવાથી જિલ્લામાં કોવિડ હોસ્પિટલોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જિલ્લાના વડામથક નડિયાદમાં માત્ર એક સરકારી કોવિડ હોસ્પિટલ તરીકે સિવિલમાં સુવિધા રાખવામાં આવી હતી. જ્યારે અન્ય હોસ્પિટલમાં હવે ખાનગી ધોરણે કોરનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જોકે કોરોનાના વધતા કેસોને પગલે નડિયાદ નર્સિંગ કોલેજમાં ફરી કોવિડ-હોસ્પિટલની સુવિધા ઊભી કરવામાં આવી છે.
નડિયાદ સિવિલ સ્થિતિ
૪૦ સામાન્ય બેડ ઉપરાંત
૮૦ કોવિડ બેડ
રોજના ૧૨૫થી ૧૫૦ ઓપીડી કેસ
૧૦ વેન્ટિલેટર
નર્સિંગ કોલેજમાં કોરોનાની સારવાર
નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં પણ સિવિલ હોસ્પિટલથી અલગ અહીં ડેડિકેટેડ કોવિડ હેલ્પ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ૫૦ જેટલા કોવિડ બેડની સુવિધા અને ઓક્સિજનની સગવડ રાખવામાં આવી છે.
કોરોનાના બીજા વેવ સામે લડવાની સંપૂર્ણ તૈયારી
• ૧૭૦ બેડ સાથે ૩ સરકારી કોવિડ હોસ્પિટલ
• ૨૬૭ બેડ સાથે ૧૪ ખાનગી કોવિડ હોસ્પિટલ
• ૭૭ વેન્ટિલેટર
• રોજના ૧૬૦૦થી ૧૭૦૦ ટેસ્ટિંગ
• દરેક દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ
બીજી વેવમાં ક્યારે અને કેટલા કેસ
૧થી ૮ માર્ચ - ૯ કેસ
૯થી ૧૫ માર્ચ - ૧૨ કેસ
૧૬થી ૨૧ માર્ચ - ૨૫ કેસ
૨૨થી ૨૪ માર્ચ - ૩૬ કેસ
મહિનામાં કુલ કેસ - ૩૭૭
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3snZLRe
ConversionConversion EmoticonEmoticon