ખેડામાં દાંડીયાત્રાના પ્રવેશ વખતે પીંગળજમાં ગાંધીજી અને પદયાત્રિકોનું સામૈયું કરાયું હતું


નડિયાદ : ૧૨મી માર્ચથી આરંભાયેલી દાંડીયાત્રા બીજા જ દિવસે ૧૩મી માર્ચે  ચરોતર પ્રદેશમાં પ્રવેશી ગઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભૂમિ ચરોતરમાં ગાંધીજીને બહોળો આવકાર મળ્યો હતો. દાંડીયાત્રા સમયે  સરદાર જેલમાં હતા એટલે ગાંધીજી પોતાના ભાષણોમાં સરદારની લોખંડી નેતાગીરી અને જેલવાસનો ઉલ્લેખ કરી યુવાનોને પ્રોત્સાહિત કરતા હતા. અસલાલીમાં પહેલી જ રાતે ગાંધીજીને સાંભળવા ૪૦૦૦ લોકો ભેગા થયા હતા. બાપુના ભાષણ પછી યુવાનો સત્યાગ્રહી તરીકે નામ નોંધાવવા, દાતાઓ દાન આપવા અને નોકરિયાતો સરકારી નોકરીમાંથી રાજીનામાં આપવા તત્પર બની જતા જોવા મળતા હતા.

દાંડીયાત્રાની પહેલી રાત અસલાલીમાં વીતાવ્યા પછી બીજા દિવસે બપોરનો આરામ બારેજામાં કર્યો હતો. દાંડીયાત્રાના ખેડા જિલ્લામાં પ્રવેશ વખતે પીંગળજ ગામે ગાંધીજી અને તેમના સાથીદારોનું  સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બહેનોએ અહીં ધશુકન જોઈને સંચરજોધ ગીત ગાઈને યાત્રીઓને વધાવ્યા હતા. આ દરમિયાન નિયત સમયે સ્થળ પર પહોંચ્યા પહેલાં સાંજની પ્રાર્થનાનો સમય થઈ ગયો હતો. ગાંધીજી સમયના પાક્કા હોવાથી નવાગામ બહાર જ સાંજે ૬ વાગ્યે ખુલ્લા ખેતરમાં સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. તે સ્થળે અત્યારે કલમબંધી વિદ્યાલય આવેલી છે. અહીં ગાંધીજીની પૂણકદની પ્રાર્થના કરતી પ્રતિમા પણ લગાવવામાં આવી છે.

 ૧૩મીની સાંજે ગાંધીજીની કૂચ નવાગામ પહોંચી ગઈ હતી. અહીં તેમનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. અગાઉ પણ ગાંધીજી સરદાર સાથે નવાગામની ધર્મશાળામાં રહ્યા હતા. અહીં લોકો આતુરતાથી દાંડીયાત્રિકો અને બાપુની રાહ જોતાં હોવાથી ગાંધીજી પહોંચતાં તરત જ તેમને સભાસ્થાને લઈ જવામાં આવ્યા હતા. સભાસ્થાને પહોંચતાં જ ગાંધીજીએ ૨૦૦૦ની જનમેદનીને સંબોધિત કરી હતી. અહીં આપેલા મોડી સાંજના સંબોધનમાં ગાંધીજીએ કહ્યું કે,

'ખેડા જિલ્લામાં પાટીદાર અને ઠાકોર બન્ને કોમ બહાદુર છે. તે આવી સરકારની સામે શું કરશે એ પૂછું તે પહેલાં તમારા બધા મતાદારોએ મારા દેખતાં તો ખૂબ બહાદુરી બતાવી. તમે બધાએ રાજીનામાં આપ્યાં તે સારું તમને ધન્યવાદ આપું છું.... તમારે પૂર્ણ સ્વરાજ્ય લેવું હોય તો મુખી અને મતાદારો, તમારાં વચન પાળજો. તુલસીદાસજીનું 'રઘુકુલ રીતિ સદા ચલી આઇ, પ્રાણ જાય અરુ બચન ન જાઇ' એ વચન મતાદાર અને મુખી પાળે.... તમે યાદ રાખજો કે તમે આપેલાં રાજીનામામાં હું તો ઇશ્વરનો હાથ જોઉં છું. અને ખેડા જિલ્લામાં આ શુભમુર્હૂત થયું છે. 

અનેક દિવસો અને રાત્રીના હૃદયમંથન પછી આ લડતમાં જોડાઇ રહ્યો છું. ને મારા સાથીઓને પણ એમ પ્રાણ અર્પણ કરવા સાથે લીધા છે. મારે તો સત્ય ઉપર જ લડત જીતવી છે. મારી પાસેથી ઇશ્વરને આટલું કામ કરાવવું હશે તેથી મારા જીવનની છેવટની લડત લડી રહ્યો છું. હવે આપણે રામનામ લઇને છૂટા પડીએ'ગાંધીજીએ નવાગામમાં જે સ્થળેથી લોકોને સંબોધ્યા હતા, ત્યાં પણ તેમની પૂર્ણકદની પ્રતિમા મૂકવામાં આવી છે. ૧૩મી તારીખે ગાંધીજીએ રાત્રીરોકાણ નવાગામમાં તળાવ પાસે આવેલી ધર્મશાળામાં કર્યું હતુંે. ૧૪મીએ સવારે ૬ વાગ્યે તેઓ નવાગામથી નીકળી માતર તાલુકાના વાસણા ગામે પહોંચેલા. અહીં શેઠ ચિનુભાઈએ ગાંધીજીને પદયાત્રામાં તકલીફ પડે તેવા સમય માટે સફેદ ઘોડો મોકલાવ્યો હતો, પણ ઘોડાની ઉપયોગિતા ન જણાતા ગાંધીજીએ આભાર માની ઘોડો પરત મોકલાવ્યો હતો.

આખી દાંડીયાત્રામાં ગાંધીજીની ૭૯ સૈનિકોની ટુકડી જ્યાં જ્યાં મૂકામ કરતી ત્યાં તેમના પહેલાં એક અરુણ ટુકડી પહોંચી જતી. આ અરુણ ટુકડી દાંડીયાત્રિકોની આગળ-આગળ ચાલતી અને તેમના માટે વ્યવસ્થા કરતી.  અરુણ ટુકડીમાં ત્યારના ખેડા જિલ્લા(અને હાલના આણંદ જિલ્લા)ના મલાતજ(કાસુર) ગામના શામળભાઈ બહેચરભાઈ પટેલ સક્રિય સૈનિક હતા.  માત્ર ચાર જ ચોપડી ભણેલા શામળભાઈ કાકાસાહેબ સાથે જેલવાસી હતા. તેઓ દાંડીયાત્રિકોની આગળ  મૂકામો પર પહોંચીને વ્યવસ્થા કરવાનું કામ કરતા. આખી યાત્રામાં એમણે ગામેગામ સૈનિકો માટેની વ્યવસ્થા ઊભી કરી હતી.

ગાંધીજી અને તેમના ૭૯ સૈનિકો સાથે દાંડીયાત્રા નવાગામ આવી પહોંચે તેં પહેલાં અનેક સૈનિકો નવાગામ પહોંચી ગયેલા, તેમાં આશ્રમવાસી મૂળ સોજીત્રાના વતની રાવજીભાઈ નાથાભાઈ પટેલ, મૂળ ખંભાતના વતની અને માતરના લોકસેવક માધવલાલ ભાઈલાલ શાહ, મૂળ ચિખોદરાના વતની અને બોરસદના કાર્યકર શિવભાઈ ગોકળભાઈ પટેલ વગેરે સૈનિકો સામેલ હતા. આ સૈનિકાએે પણ દાંડીયાત્રિકો જેટલી જ જહેમત ઊઠાવી યાત્રાને સફળ બનાવી હતી. આ તમામ સૈનિકો ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો હતા.

ખેડા સત્યાગ્રહમાં નવાગામ અને ગાંધીજી

ખેડા સત્યાગ્રહ દરમિયાન ગામની પરિસ્થિતિ જાણવા ૨૧ ફેબુ્રઆરી ૧૯૧૮ને દિને ગાંધીજી પહેલીવાર નવાગામ આવ્યા હતા. ત્યારબાદ એ જ વરસે ૭ એપ્રિલ અને ૩ જૂને ગાંધીજીએ ગામમાં આવી ખેડા સત્યાગ્રાહ નિમિત્તે જ ભાષણ આપ્યા હતા. ૮ જૂને તેમણે અહીં ડુંગળી ચોરને સજા અંગે ભાષણ આપ્યું હતું. એ પછી  ખેડા સત્યાગ્રહના ભાગરૂપે ૧૯૧૮માં જ ૨૭ જૂને, ૮ જુલાઈએ અને ૨૩થી ૨૬ જુલાઈ દરરોજ નવાગામમાં તેમણે ભાષણ કર્યા હતા. તે પછી સીધું ૧૩મી અને ૧૪મી માર્ચે દાંડીયાત્રા દરમિયાન તેમણે નવાગામની મુલાકાત લીધી હતી અને અહીં ભાષણ કર્યું હતું. ૯ ફેબુ્રઆરી ૧૯૪૮ના રોજ ગાંધીજીના અસ્થીઓને નવાગામ લાવવામાં આવ્યા હતા. અસ્થીઓ મહીંસાગર નદીમાં વિસર્જિત કરતાં પહેલાં અહીં રાતે વિરામ લેવામાં આવ્યો હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qI1eQL
Previous
Next Post »