મારે સાબિત કરવું છે કે હું પણ વિવિધ ભૂમિકા ભજવી શકું છું: પરિણીતી ચોપરા


પરિણીતી ચોપરાએ કોવિડ વર્ષ તરીકે ઓળખાતા ૨૦૨૦નો સદુપયોગ કર્યો છે. તેણે આ વર્ષમાં મનોમંથન કર્યું છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં લંડન ગયેલી પરિણીતી જણાવે છે કે છ મહિનાના આ સમયમાં તેને પોતાની કારકિર્દી અને નિર્ણયો વિશે વિચારવા સારી તક મળી હતી. 'આ ગાળા દરમ્યાન મારે મારા જીવનમાં શું કરવું છે તેના વિશે હું વધુ સ્પષ્ટ થઈ. એટલું જ નહિ પણ મારે મારા જીવનમાં શું ન કરવું જોઈએ તેના વિશે પણ હું વિચારતી થઈ'.

રજાના દિવસોમાં શું કરવું છે એનું જ્ઞાાન મળ્યું એ તો સમજી શકાય. પણ શું નથી કરવું એનો અર્થ સમજાવતા પરિણીતી કહે છે કે જો મને કોઈ એમ કહે કે અમુક ભૂમિકા માટે હું પરફેક્ટ ફિટ છું તો એવી ભૂમિકા હું કદી પણ નહિ કરું. કારણ કે એવી ભૂમિકા પછી દર્શકો મારી પાસેથી અમુક અપેક્ષા રાખતા થઈ જશે. મને તમે કોઈ વિશિષ્ટ ભૂમિકા માટે કલ્પના ન કરી શકો એવી ફિલ્મ કરવી છે.

આમ તો આ જ્ઞાાન પરિણીતીને ગયા વર્ષે જ થયું પણ ૨૦૧૯થી જ તેણે એવી વાર્તાઓ પસંદ કરવા માંડી હતી જે તેની બબલી કન્યાની ઈમેજને અનુરૂપ ન હોય. તેની આગામી ફિલ્મ ધી ગર્લ ઓન ધી ટ્રેન તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પરિણીતી કહે છે કે રિભુ દાસગુપ્તા દિગ્દર્શિત આ થ્રિલરમાં તે એવી નશાની લત ધરાવતી છોકરીની ભૂમિકા કરે છે જે અનિચ્છાએ એક ખોવાયેલી વ્યક્તિના કેસમાં સંડોવાઈ જાય છે. 'આ ફિલ્મે મને માનસિક રીતે થકવી દીધી હતી. ધી ગર્લ ઓન ધી ટ્રેન અને સાઈના નહેવાલની બાયોપિકે મને પૂરી રીતે નિચોવી દીધી હતી. આવી ફિલ્મોમાં મેં મારાથી બનતી તમામ મહેનત કરી તેનો મને આનંદ છે કારણ કે હું ઘણા સમયથી એવું ઈચ્છતી હતી કે મારા પાત્ર માટે મને જવાબદાર ઠેરવવામાં આવે. મારે મારા દિગ્દર્શકને પ્રભાવિત કરવા હતા. મારું દ્રશ્ય યોગ્ય ન થાય ત્યાં સુધી હું ઘેર જવા નહોતી માગતી. ધી ગર્લ જેવી ફિલ્મ હું લાંબા સમયથી કરવા ઈચ્છતી હતી પણ મને જે ફિલ્મો ઓફર થાય તેમાંથી જ મારે પસંદ કરવી પડે. જ્યારે તમે કોઈ પાત્ર મોટા પડદે સફળતાપૂર્વક ભજવો ત્યારે  દિગ્દર્શકો વિચારશે કે આવા પાત્રમાં ફરી તેને જ ભૂમિકા આપું. આવા સમયે તમે ટાઈપ થઈ જાવ છો. મારે લોકોને દેખાડવું છે કે હું વિવિધ ભૂમિકા ભજવી શકું છું.'

પરિણીતી પોતાની આગામી ફિલ્મ વિશે વધુ માહિતી આપતા કહે છે, 'પોલ હોકિન્સની આજ નામની સાઈકો થ્રિલર નવલકથા પર આધારીત ધી ગર્લ ઓન ધી ટ્રેનનું પ્રીમિયર નેટફ્લિક્સ પર થશે. અગાઉ હું ઓટીટી મંચને નીચી નજરે જોતી હતી. પણ ૨૦૨૦માં મારી આ માન્યતા સદંતર બદલાઈ ગઈ. આજે મને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ માટે અનહદ આદર છે. મારી આગામી ફિલ્મ માટે તે પરફેક્ટ મંચ છે જે લોકો આરામથી પોતાના ઘેર બેસીને લેપટોપ પર માણી શકે.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lgoyEk
Previous
Next Post »