ચરોતર પંથકમાં શિવરાત્રિ પર્વ ઉજવાયું


સવારથી શિવાલયોમાં ભક્તોના પૂર ઉમટયા

ખેડા જિલ્લામાં મહાશિવરાત્રિના પર્વની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ગળતેશ્વર મહાદેવ મંદિરે સેંકડો ભક્તોએ ભોળાનાથના દર્શન કર્યા : વિવિધ સ્થળે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

નડિયાદ

ખેડા જિલ્લાના વિવિધ સ્થળો પર આજે મહાશિવરાત્રીની ભાવભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી. જિલ્લાનાં અનેક શિવાલયોમાં શિવભક્તોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી. મોટાભાગનાંં શિવમંદિરોમાં સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે ગળતેશ્વર મહાદેવમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. દૂરદૂરથી હજારો લોકો આજે મહાદેવના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. મંદિર પાસેના સંત આશ્રમમાં આજે ૨૦૦ કિલો જેટલો બટાટા શક્કરીયાનો પ્રસાદ ભક્તોને ખવડાવવામાં આવ્યો હતો. ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓએ મહી નદીમાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

સેવાલિયા મહીનદીના કિનારે આવેલા ઐતિહાસિક દેવઘાડો મહાદેવ મંદિરે પણ આજે ભક્તોનો ઘોડાપૂર ઉમટયો હતો. દર વર્ષે તો અહીં મોટાપાયે મહાશિવરાત્રીની ઉજવણી હોય છે, પણ આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી માત્ર શિવભક્તો દર્શનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભોળાનાથના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા હતા.

 મહેદાવાદની વાત્રક નદીને કાંઠે આવેલા પવિત્ર દેવસ્થાન સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં આજે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ગજાનન ભગવાનની પ્રતિમા પાસે કૈલાસ માનસરોવર જેવો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યા પ્રમાણે મહાશિવરાત્રીના દિવસે ભક્તોએ માનસરોવરના શણગારમાં ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

શોભાયાત્રામાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

નડિયાદ શહેર સહિત જિલ્લામાં શિવરાત્રિ નિમિતે ઠેર ઠેર શિવજીની પાલખી નિકળી

યાત્રાધામ ડાકોર અને કઠલાલમાં ભોળાનાથ નગર ચર્યાએ નિકળ્યા ઃ બ્રહ્માકુમારી દ્વારા ૧૩ કિલો ઘીનું શિવલિંગ બનાવાયું

ખેડા જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અનેક શહેરોમાં શિવજીની શોભાયાત્રાઓ નીકળી હતી. ડાકોર અને કઠલાલ સહિત અનેક નગરોમાં ભક્તોએ શોભાયાત્રા અને પાલખીયાત્રાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રા સાથે શહેરની ગલીઓ હર હર મહાદેવના જયનાદથી ગૂંજી ઊઠી હતી.

ડાકોરમાં વર્ષોની પરંપરા પ્રમાણે પ્રાચીન ધાર્મિક સ્થળ ડંકનાથ મંદિરેથી શિવજીની શોભાયાત્રા નીકળી હતી. પાલખીમાં શિવજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. ડંકનાથથી નીકળીને સિદ્ધનાથ મંદિર, લક્ષ્મીજી મંદિર, કેવડેશ્વર મંદિર સમાધિએ થઈને ખેડાવાળની પોળ પાસેથી શાહી સવારી ગોપાલપુરામાં અને યમનેશ્વર મહાદેવે પહોંચી હતી. ત્યાંથી આગળ બ્રહ્મપોળ અને સરસ્વતી મંદિરે એકલિંગજી મહાદેવ દાંડીસ્વામી થઈને પરત ડંકનાથ મંદિરે પહોંચ્યો હતો. ગલીએ ગલીએ ભક્તો દ્વારા શિવજીની સવારી ચોખા દ્વારા વધાવવામાં આવી હતી. શિવભક્તો દ્વારા આરતી ઊતારવામાં આવી હતી. ભક્તોને શક્કરીયા બટાટાનું શાક અને ભાંગની પ્રસાદી ધરવામાં આવી હતી. ડાકોરમાં બ્રહ્માકુમારી દ્વારા ૧૨થી ૧૩ કિલો ઘીનું શિવલિંગ બનાવીને પુરુષોત્તમ ભુવન પાસે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું.

કઠલાલ નગરમાં મહાશિવરાત્રી પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવી હતી. આ પ્રસંગે કઠલાલના કુબેરજી મહાદેવ ખાતેથી સવારે યોજાયેલ પાલખીયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ઠેરઠેર લોકોએ પાલખીયાત્રાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. નગરમાં ફરીને પાલખીયાત્રા પરત મંદિરે આવી હતી.

શિવાલયોમાં ભાંગના પ્રસાદનું વિતરણ

આણંદ જિલ્લામાં શિવરાત્રિ પર્વ નિમિત્તે શિવમંદિરો હર હર મહાદેવથી ગુંજ્યા

ભક્તોએ શિવલીંગ પર બિલીપત્ર, દૂધ, જળનો અભિષેક કરી શિવજીને રિઝવવાનો પ્રયાસ કર્યો

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં દેવોના દેવ મહાદેવની ભક્તિના પર્વ મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી પર્વને લઈને શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ શિવલીંગ ઉપર બીલપત્ર, દૂધ, જળનો અભિષેક કરી ભોળા શંભુને રીઝવવા પ્રયાસ કર્યો હતો. ગુરૂવારના રોજ આણંદ જિલ્લામાં આવેલ શિવાલયો વહેલી પરોઢથી જ હર હર મહાદેવ..., બમ બમ ભોલે...ના નાદથી ગુંજી ઉઠયા હતા. પર્વના દિવસે વિવિધ શિવાલયોમાં શિવજીને પ્રિય એવા ભાંગના પ્રસાદનું વિતરણ કરાતા ભક્તોએ તેનું આચમન કરી ધન્યતા અનુભવી હતી. જ્યાં જીવ છે ત્યાં શિવ છે. શિવપુરાણમાં કહેવાયું છે કે મહાશિવરાત્રીના દિવસે શિવજીની શ્રધ્ધાપૂર્વક પૂજન કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમગ્ર આણંદ જિલ્લામાં ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું.

શહેરના ઓમકારેશ્વર મહાદેવ, લોટીયા ભાગોળ મહાદેવ, કાબ્રેશ્વર મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, મોટા મહાદેવ મંદિર અને જીટોડીયાના વૈજનાથ મહાદેવ સહિત જિલ્લામાં આવેલ અન્ય શિવ મંદિરોમાં વહેલી પરોઢથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. પર્વ નિમિત્તે જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ભક્તોએ ભોળાનાથાના દર્શનનો લ્હાવો લીધો હતો. મહાશિવરાત્રી પર્વમાં ઉપવાસનું અનેરું મહત્વ હોઈ શિવભક્તોએ ઉપવાસ કરીને તેમજ શિવલીંગ ઉપર દૂધ, પાણી અને બીલીપત્ર અર્પણ કરીને અભિષેક કર્યો હતો. પર્વને લઈ વિવિધ શિવમંદિરો ખાતે શિવજીને પ્રિય એવા ભાંગનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવતા ભક્તોએ તેનું આચમન કરી ધન્યતા અનુભવી હતી. જિલ્લાના વિવિધ શિવાલયો ખાતે લઘુરૂદ્ર યજ્ઞા તેમજ ચાર પ્રહર પૂજાનું આયોજન કરાયું હતું. ઉપરાંત જિલ્લાના ઉમરેઠ, પેટલાદ, બોરસદ સહિતના વિવિધ તાલુકા મથકો ખાતે પણ શિવરાત્રી પર્વને લઈને શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

જીવ અને શિવના મિલનના પવિત્ર પર્વ મહાશિવરાત્રી ટાંણે સમગ્ર દિવસ તેમજ રાત્રિ દરમ્યાન ભગવાન શિવજીની પૂજા-અર્ચનાનો મહિમા હોય ભક્તોએ ભોળા શંભુને રીઝવવા માટે પૂજા-અર્ચના કરતા જોવા મળ્યા હતા. શિવભક્તોએ મંદિરમાં ચાર પ્રહરની પૂજા-અર્ચના તેમજ અભિષેક કરી શિવજીને રીઝવવા પ્રયાસ કર્યો હતો. સાથે સાથે કેટલાક શિવભક્તોએ ગરીબોને દાન-દક્ષિણા આપી હતી. જિલ્લાના મોટાભાગના શિવાલયોમાં યજ્ઞાો, ભજનો તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે કેટલાક સ્થળોએ શિવજીને નગરયાત્રા પણ કરાવાઈ હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OIFZRB
Previous
Next Post »