જિંદગીના લક્ષ્યાંકો વચ્ચે અથડામણ અર્થાત કોન્ફ્લીક્ટ અને સ્ટ્રેસ

- બે વ્યક્તિ, વસ્તુ કે જગ્યામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે કોન્ફ્લીક્ટ્સ ઊભી થાય છે. જો કોઈ નિર્ણય ન લેવામાં આવે તો કોન્ફ્લીક્ટ યથાવત્ રહે અને સ્ટ્રેસના હોર્મોન્સનો સતત સ્ત્રાવ થતાં સ્ટ્રેસથી થતા રોગો થતા રહે


જી વનમાં લક્ષ્યાંકો કે Motives (ઉદ્દેશ્યો) વચ્ચે અથડામણ સતત ચાલ્યા જ કરવાની. ઉદાહરણ આપું.

સાયન્સ સ્ટ્રીમમાં જવું કે મેથ્સ લઈ આઈ.આઈ.ટી. થવું?

નાના ગામની ઘરરખ્ખુ અને કહ્યું કરે તેવી ગૃહિણીને પરણવું કે પછી મોટા શહેરની સ્ટાઈલીશ મારકણી યુવતીને પરણવું? નોકરી ચાલુ રાખવી કે પછી રાજીનામું આપી પોતાનો ધંધો શરૂ કરવો? સારા વિસ્તારમાં પણ દૂર મકાન લેવું કે પછી સ્કુલ અને ધંધાની જગ્યા નજીક પડે એવું મકાન લેવું?

આવી તો સંખ્યાબંધ કોન્ફ્લીક્ટ્સમાં જ્યારે નિર્ણાયક ભૂમિકા ભજવવાની આવે ત્યારે સ્ટ્રેસ વધી જાય છે.

સ્ટ્રેસનું રીએક્શન છે ચિંતા.

કોઈક આફત આવવાના ડરને આપણે ચિંતા કહીશું. ચિંતાને કારણે માનવી કોઈ તકલીફમાં હોય પણ એમાંથી બહાર આવવાનો રસ્તો એને સૂઝે જ નહીં. આમ ચિંતા તનાવની પ્રતિક્રિયા પણ છે અને સ્ટ્રેસર પણ છે.

વિવિધ ચિંતાજનક પરિસ્થિતિમાં સ્ટ્રેસ વધી જાય છે. એ ચિંતા વધવાથી સ્ટ્રેસ વધે છે.

આમાં જિંદગીના લક્ષ્યાંકો કે ઉદ્દેશો અર્થાત્ Goals અને Motives  વચ્ચે અથડામણ થાય તો સ્ટ્રેસ વધે.

આવી અથડામણો કહેવાય કોન્ફ્લીક્ટ્સ.

જીવનમાં એવા પ્રસંગો આવે છે કે બે મન ગમતા લક્ષ્યાંક વચ્ચે પસંદગી કરવાની હોય છે.

જે લક્ષ્યાંક પસંદ છે એની દિશામાં જતી વખતે જે નથી પસંદ એનાથી દૂર જવું પડે છે. કેટલીકવાર જે પસંદ છે તે મેળવવાની આકરી કિંમત ચૂકવવી પડે છે. તો કેટલીકવાર બે ન ગમતી વસ્તુમાંથી એકની પસંદગી કરવાની આવે છે. આ બધી પરિસ્થિતિમાં પસંદગી કરવી ફરજિયાત છે. ચોક્કસ નિર્ણય તો લેવો જ પડે છે.

દા.ત. અતનું પત્ની અને મમ્મી-પપ્પા સાથે રહે છે. તેના અને શર્મિલાના પ્રેમ લગ્ન છે. એટલે બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.

અતનુ મમ્મીનો પણ લાડકો છે. પચીસ વર્ષ સુધી પાપા-પગલીથી માંડી મેનેજમેન્ટની ડીગ્રી સુધી પુત્રને ભણાવવામાં તેમનો સિંહફાળો છે.

પત્ની અને મમ્મી વચ્ચે રોજ ચણભણ ચાલતી રહે છે. અતનુ ફસાયો છે એવી કોન્ફ્લીક્ટ્સમાં જેમાં પસંદગી કરવાની છે. બે પ્રિયપાત્રો વચ્ચે. પક્ષ કોનો લેવો?

પત્ની અને મમ્મી બન્ને પસંદ છે પણ બન્નેનો પક્ષ લેવો અશક્ય છે.

બે મનગમતા વિકલ્પો વચ્ચે એકની પસંદગી કરવાની હોય ત્યારે એને એપ્રોચ-એપ્રોચ કે પ્લસ-પ્લસ પ્રકારની કોન્ફ્લીક્ટસ કહે છે.

લગભગ ઘર ઘરની આ વાત છે. આમાં પસંદગીનો સ્ટ્રેસ એટલો વધી જાય છે કે કેટલીકવાર વ્યક્તિ બન્ને વચ્ચે પડવાનું જ ટાળે છે. ''તમે બે તમારા મતભેદોને ફોડી લો. નાહકનો મને વચ્ચે ન નાંખો એવું વલણ અપનાવે છે.''

પત્ની ''મામાઝ બોય'' કે ''માવડીયો'' કહેશે અને મમ્મી ''આટલા વર્ષો રાખ્યો ને વહુનો થઈ ગયો તેમ કહેશે.''

શું કરવું નિર્ણય ટાળો. અને સ્ટ્રેસને ક્રોનીક બનાવો.

પંકજ ઉધાસની ગઝલ છે. ''મૈં કહૉં જાઉં હોતા નહીં ફેંસલા - એક તરફ ઉસકા ઘર એક તરફ મયકદા.'' દારૂ ન પીએ તો નશો ન ચડે અને દારૂ પીને માશુકા પાસે જાય તો મારે પડે. પણ વ્યક્તિને જોઈએ તો બન્નેય છે.

અત્યારના યુવક-યુવતીને સ્વતંત્રતા વહાલી છે. મોટાભાગના યુવક-યુવતીઓને લગ્ન નથી કરવાં પણ કેટલાંય પ્રેમમાં પડી જાય છે અને લગ્ન કરવા જરૂરી બને છે.

લગ્ન કરવાં છે અને નથી પણ કરવાં.

વિવેકને પ્રમોશન મળ્યું છે. પણ તેની સાથે ટ્રાન્સફર સ્વીકારવી પડે તેમ છે.

આ બન્ને કોન્ફ્લીક્ટસ એપ્રોચ-એવોઇડન્સ કોન્ફ્લીક્ટસ છે. એટલે જે રસ્તે જવું છે એ રસ્તે નથી પણ જવું. આ પ્લસ માઈનસ કોન્ફ્લીક્ટ્સ છે.

રાજુભાઈ સરકારી નોકરીમાં છે. અને એમની ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ છે. રાજુભાઈને આ ટ્રાન્સફર પસંદ નથી પણ એ ટ્રાન્સફર ન સ્વીકારે તો નોકરી છોડવી પડે તેમ છે.

પસંદગી બે ન ગમતા વિકલ્પો વચ્ચે કરવાની છે.

આને કહેવાય એવોઈન્સ - એવોઈડન્સ કે માયનસ-માયનસ કોન્ફ્લીક્ટસ.

ચોથા પ્રકારની કોન્ફ્લીક્ટ્સ બહુ અટપટી છે એમાં તમારે પસંદગી કરવાની છે. બે વિકલ્પો વચ્ચે જે તમને પસંદ પણ છે અને ના પસંદ પણ છે. બન્ને વિકલ્પોના સારા-નરસાં બન્ને પાસા છે.

અનિલભાઈ ઘર બદલવાનું વિચારે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુંદર ઘરો છે. પોશ લોકાલીટી છે. સારા અને સંસ્કારી પાડોશી છે. બાળકોને સારી સ્કુલમાં નજીકમાં જ ભણાવી શકાય તેમ છે.

પરંતુ અનિલભાઈની ફેક્ટરી પૂર્વ વિસ્તારમાં છે. એટલે પશ્ચિમમાં ઘર લે તો તમને રોજ ત્રણ કલાક જવા આવવામાં ભરચક ટ્રાફીક વચ્ચે કાઢવા પડે. આમાં તે નવા ઘરની કે પોશ લોકાલીટીની મઝા પણ ન લઈ શકે અને ઘરનાંને બહુ સમય પણ ન આપી શકાય.

અનિલભાઈ પૂર્વ વિસ્તારમાં ઘર લે તો ફેક્ટરી નજીક પડે પણ લોકાલીટી સારી ન મળે, બાળકને સ્કુલ સારી ન મળે. અને સંસ્કાર પણ સારા ન મળે.

જે દિશામાં અનીલભાઈને જવાનું છે તે દિશામાં જવાનું તમને ગમશે અને ક્યારેક જવાનું તેમને નહીં પણ ગમે.

આને ડબલ એપ્રોચ-ડબલ એવોઈન્સ કોન્ફ્લીક્ટ કહેવાય છે.

જીવનમાં આવી કોન્ફ્લીક્ટસ આવી જ રહે છે. એનો ઉપાયો શોધવા આસાન નથી. પરિણામે સ્ટ્રેસ આવે છે.

આમાં જો તમે નિર્ણય ન લો તે સ્ટ્રેસ કાયમી બને છે અને સ્ટ્રેસ હોર્મોનની માત્રામાં વધારો થાય છે. જે નોર્મલ થશે જ નહીં અને સ્ટ્રેસથી થતા શારીરિક, માનસિક, મનોશારીરીક, વર્તનલક્ષી અને લાગણી લક્ષી ફેરફારો થતા રહેશે.

તો પછી શું કરવું?

નિર્ણય તો લેવો જ પડશે. તો સ્ટ્રેસ દૂર થશે.

પણ નિર્ણય લેવાથી સ્ટ્રેસ દૂર થાય છે ખરો? પોતાના લીધેલા કોઈપણ નિર્ણયનો પસ્તાવો દરેક માણસને થતો જ રહે છે. એટલે કે નિર્ણય લઈ એક સ્ટ્રેસમાંથી મુક્ત થવું અને 'પોસ્ટ ડીસીઝનલ સ્ટ્રેસ'થી પીડાવું?

ન્યુરોગ્રાફ 

તમે શાંત અને સ્વસ્થ છો એનો અર્થ એ નથી કે તમારા જીવનમાં કોઈ કોન્ફ્લીક્ટ્સ નથી. પણ એ દર્શાવે છે કે તમારામાં કોન્ફ્લીક્ટસનો શાંતિથી અંત લાવી સ્વસ્થ રહેવાની તમારી આવડત છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qvUGEV
Previous
Next Post »