જિંદગી પ્યાર કા ગીત હૈ .

- ભૌતિકતાની ભરમાર અને આધુનિકતાના અરણ્યમાં દોડવા લાગ્યા છીએ અને મંઝિલની ખબર જ નથી. દેખાદેખીના દરવાજે ડેકો દેતા બેઠા છીએ


લોક જુદા, ભાર એના એ જ છે,

શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,

મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,

આંખના વિસ્તાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,

દિલ ઉપરના વાર એના એ જ છે.

- દર્શક આચાર્ય 

વર્ષો પહેલા હું જ્યારે તદ્દન જુવાન હતો અને આપણા કવિ શ્રી બળવંતરાય કલ્યાણદાસ ઠાકોર, જેમને અમે બધા પ્રેમથી બલ્લુકાકા કહેતા, તે વૃદ્ધ હતા ત્યારે ઘણીવાર હું તેમની સાથે જતો. એકવાર હું તેમની સાથે ક્યાંક ચાલતાં ચાલતાં જઈ રહ્યો હતો. તે વૃદ્ધ હતા એટલે ધીમે ધીમે ચાલતા હતા. મને તેમને પ્રશ્ન પૂછવાનું મન થયું થ 'બલ્લુકાકા, એક પ્રશ્ન પૂછું ? અમે બધા જુવાન છીએ એટલે અમને મૃત્યુ વિશે વિચારો બહુધા આવતા નથી. પણ તમને બુઢા માણસોને એ વિષે કેવા વિચારો આવતા હશે ?'

એ સાંભળતા જ મારી તરફ ફરી, હાથમાં હતી તે લાકડી હવામાં વીંઝી અને કહે :  'આ સવાલ તમે કોઈ બુઢાને પૂછો !'

આ શબ્દો છે શબ્દની શેરબજારમાં સાહિત્યની સુગંધ પ્રસરાવનાર ગુલાબદાસ બ્રોકરના. આવી જિન્દાદિલી હોય ત્યાં સુધી માણસને કોઈ પીડા સ્પર્શી ન શકે. 

આપણે પરંપરાને ભૂલતા ગયા છીએ અને પરિવર્તનને સ્વીકારી શકતા નથી. ન આગળ જવાય છે કે ન વિશ્રામ લેવાય છે. હાઈ વે પર મૃત્યુ પામતા કૂતરાંની મન:સ્થિતિ મોટાભાગે અવઢવમાં ઝોલા ખાતી હોય છે. સામેથી કાર આવતી હોય એટલે એ ઘડીક આગળ જાય, ઘડીક પાછળ જાય છે.જો એ આગળ નીકળી ગયો હોત તો બચી જાત કે પાછળ ગયો હોત તો પણ બચી જાત, પણ વચ્ચે રહ્યો એમાં મૃત્યુ પામ્યો. આ દહીં દૂધમાં રમતા લોકો ખતરનાક હોય છે. આર યા પાર જવાવાળો જ જીતે છે અને જીવે છે. ડબલ સ્ટાન્ડર્ડવાળા લોકોથી ચેતવું. દરેક સિક્કાની બે નહીં પણ ત્રણ બાજુ હોય છે. ત્રીજી જે પહેલી નજરે દેખાતી નથી, છેલ્લી નજરે જ દેખાય છે. આજના સમયમાં લોકોનું એટલું ધૈર્ય કયા રહ્યું છે !  મેગીની જેમ બે મિનિટમાં કામ પૂરું કરવું છે. પરંપરામાંથી આવેલ શબ્દ 'તપ'નો તાપ-પ્રતાપ ક્યાંક ખોવાઈ ગયો છે. પરિવર્તનની ઈમારત ચણવી હશે તો પરંપરાનો પાયો જરૂરી છે. હા, પાયામાં ક્યાંક ફેરફારને અવકાશ હોય તો એ ચોક્કસ કરવા જોઈએ. ભલે નકશો બદલવો  પડે. ગાંધીજી કહે છે કે 'આપણા પ્રાચીન શાસ્ત્રોની વાત જો મારી સમાજમાં ન ઉતરે તો હું ઈશ્વરપ્રણિત ગણાતી વાણીનો પણ ઇનકાર કરવાની હદ સુધી જાઉં છુંદ. ઘણીવાર સ્થાપીતો પોતાના અંગત સ્વાર્થ માટે પણ રિવાજનું રગશિયું ગાડું ચલાવે રાખે છે.

કોરોનામાં આયુર્વેદની અજમાઇશ કારગત નીવડી એ આપણે જોયું જાણ્યું.  આ મહામારીએ સાબિત કર્યું કે પ્રકૃતિને ભૂલ્યા એટલે કેવી મોટી કિંમત ચૂકવવી પડી.  જિંદગીથી વિશેષ કશું અનિવાર્ય નથી એ શીખવ્યું. રવીન્દ્રનાથ ટાગોરે ભલે કહ્યું છે કે 'જીવન અલ્પકાળનો ઉત્સવ અને મૃત્યુ મહાકાલ સાથેનું મિલન છે.'  એ અલ્પકાળને પ્રલંભકાળ કેમ બનાવવો એ માણસના હાથની વાત છે. અખો પરંપરાનો વિરોધી ન હતો પણ પરંપરાને નામે ભળતુંસળતું ચાલે એનો વિરોધી હતો. 'જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલત અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યાત ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.' કબીરસાહેબે પણ અંધશ્રદ્ધા સામે આંખ કરી હતી. કબીર જેવા વિચારપ્રધાન સંતની આજે તાતી જરૂર છે. સમાજને ગમે એવું નહીં પણ એના માટે યોગ્ય હોય એ કરવું.  'દુ:ખ મેં સુમરિન સબ કરે, સુખ મે કરે ન કોય, જો સુખ મે સુમરિન કરે, દુ:ખ કાહે કો હોય' જિંદગીની કેવી મોટી ફિલસૂફી આપી દીધી. સુખમાં સોની સાંભરે અને દુ:ખમાં દરિદ્રનારાયણ... આવી વિચારસરણી હોય ત્યાં પ્રભુ કેમ નિવાસ કરે ?

ભૌતિકતાની ભરમાર અને આધુનિકતાના અરણ્યમાં દોડવા લાગ્યા છીએ અને મંઝિલની ખબર જ નથી. દેખાદેખીના દરવાજે ડેકો દેતા બેઠા છીએ. Welcome ને પણ વેલકમ કરીએ છીએ પણ 'ભલે પધાર્યા' ભૂલાવું ન જોઈએ.રાતે  સંજવારી ન કાઢવાની પરંપરા છે. એવું કહેવાય છે કે રાતે  સંજવારી કાઢવાથી ઘરમાં લક્ષ્મી ન આવે. મધ્યકાળ યુગમાં ધર્મ સાથે કોઈ પણ બાબત જોડી દો એટલે લોકો એનું પાલન કરતા હતા. એ સમયે વીજળી ન હતી અને અંધારામાં સંજવારી કાઢે તો કોઈ કિંમતી વસ્તુ જતી રહે. એટલે કહેવાયું કે રાતે સંજવારી કાઢવાથી ઘરમાં લક્ષ્મી ન આવે. આજે આ પરંપરા પ્રસ્તુત નથી. એનું પાલન ન કરવું જોઈએ. ઘરમાં મની પ્લાન્ટ વાવો એની સામે વાંધો ન હોય પણ તુલસીક્યારો હોવો જોઈએ. તુલસી ઔષધી તરીકે અકસીર છે એ વિજ્ઞાાનને સાબિત કરી આપ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે વિદેશી લોકો કહે ત્યારે આપણને આપણી પરંપરાનું મૂલ્ય સમજાય છે. આપણા જ દેશનું યુવાધન વિદેશમાં જાય તો અચાનક પ્રતિભાવાન નથી થઇ જતું. એમનામાં પ્રતિભા તો જન્મથી જ હોય છે પછી વિદેશમાં પૂરક વાતવરણ મળે છે. 

વીતેલી ક્ષણોના અજવાળે જ નવી પેઢી પ્રેરણાનું ભાથું બાંધતી હોય છે. પરંપરાણના પોષણમાં વર્ષો નીકળી જતા હોય છે. એમ એનો એકડો કાઢી ન નાખો યુવાનો...! જે દેશ એના મૂળ સાથે જોડાયેલો રહ્યો છે એની ગતિ-પ્રગતિ આપણે જોઈ શકીએ છીએ. બુદ્ધિની એરણ પર ખરી ઉતરે એ જ પરંપરા સાચી એવું ન પણ હોય, એને હૃદયથી સમજવી પડે. પરંપરાની આંખે અને પરિવર્તનની પાંખે આભઅટારીએ ટહેલીએ. ફ્રેંચ ફિલસૂફ હેનરી બર્ગશા કહે છે કે 'અસ્તિત્વ ધરાવવું એટલે પરિવતત થતા રહેવું, પરિવતત થતા રહેવું એટલે પરિપક્વ થતા રહેવું, પરિપક્વ થતા રહેવું એટલે સ્વયંનું અવિરત નિર્માણ કરતા રહેવું'

આવજો...

ઉતાવળને ખોળે અકસ્માત જન્મે, નિરાંતને ખોળે આત્મવિશ્વાસ પણ વિલંબનો ખોળો તો સદા ખાલી જ રહે છે. 

- જીવનાનંદ દાસ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38rYSiR
Previous
Next Post »