ઘણી વ્યક્તિઓ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લેતી હોય છે...

- કશું પણ ભાગ્યના ભરોસે છોડાય એવું નથી હોતું. મારી દ્રષ્ટિએ ભાગ્ય તો શક્યતાઓનો ઢગલો છે, આ શક્યતાઓમાંથી કેટલી સાકાર થશે, કેટલી વ્યક્ત થયા વગર જ રહી જશે તેનો આધાર તમારા પ્રયત્નો અને તેની દિશા ઉપર આધારિત છે


'મા સ્ક ઉપર કરો' ૨૦૨૦માં સૌથી વધારે વખત બોલેલું આ વાક્ય છે અને કદાચ આ વર્ષમાં પણ આ જ વાક્ય ટૉપ પર હશે!

મોટાભાગના લોકો વાત કરવાની હોય ત્યારે માસ્ક નીચો કરીને વાત કરે છે, ખરેખર તો વાત કરતી વખતે તો એ મોઢું-નાક ઢંકાય એ રીતે જ પહેરેલો હોવો જોઈએ. મારી લૉકડાઉન ડાયરીમાં નોંધેલી આ વાત સાથે મેં એ પણ નોંધ્યું છે કે માસ્ક ઉપર કરવાની મારી સૂચનાઓ સામે લોકોએ અજબગજબની પ્રતિક્રિયાઓ - સફાઈઓ આપી છે અથવા ફિલસૂફીઓ ઝાડી છે. ઉદાહરણરૂપે તમને એક કિસ્સો સંભળાવું...

'ભાઈ માસ્ક ઉપર રાખો' કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશતા જ માસ્ક દાઢી ઉપર ટેકવીને વાત શરુ કરતા દર્દીના એક સગાને મેં કહ્યું.

પેલા ભાઈએ માસ્ક તો સરખો ગોઠવ્યો પણ મોઢા પર એમ કર્યાનો અણગમો સ્પષ્ટ હતો 'તમે ડોક્ટર તો બહુ ગભરાવ અને ગભરાવો, અમારે માર્કેટમાં તો બધા આ જ રીતે વાત કરતા હોય છે.'

'ગભરાવા જેવું જ છે, બીમારીથી, હેરાનગતિથી અને તેની સાથે સંકળાયેલા ખર્ચાઓથી' મેં વળતો જવાબ આપી દીધો પણ આટલા દિવસોના મારા અનુભવના આધારે મને ખબર હતી કે હમણાં કોઈ ફિલસુફી આવશે.

અને, આવી 'ગભરાઈ ગભરાઈને શું જીવવાનું, ભાગ્યમાં જેટલું જીવવાનું લખ્યું છે તેમાંથી કોઈ એક સેકન્ડ પણ વધ-ઘટ નથી કરી શકવાનું.'

મેં કહ્યું 'તો માર્કેટમાં શું કામ પગ ઘસો છો?! શાંતિથી ઘેર મઝા કરોને ભાગ્યમાં જે લખ્યું એનાથી ચાર આની'ય વધારે નથી મળવાની!'

'મહેનત તો કરવી પડેને, એમ ભાગ્યના ભરોસે થોડી બેસી રહેવાય? તમે પણ સાહેબ કેવી વાત કરો છો?' એક જ ક્ષણમાં ફિલસૂફીનું બાષ્પીભવન!! આમ પણ પૈસાની વાત આવે ત્યારે ભલભલાની ફિલસૂફી-નૈતિકતા આઘીપાછી થઈ જતી હોય છે.

સમજાય તો સાવ સરળ વાત છે, કશું પણ ભાગ્યના ભરોસે છોડાય એવું નથી હોતું. મારી દ્રષ્ટિએ ભાગ્ય તો શક્યતાઓનો ઢગલો છે, આ શક્યતાઓમાંથી કેટલી સાકાર થશે, કેટલી વ્યક્ત થયા વગર જ રહી જશે તેનો આધાર તમારા પ્રયત્નો અને તેની દિશા ઉપર આધારિત છે. જેમ આનુવંશિકતા તમારા શરીરના પ્રત્યેક કોષમાં જનીનરૂપે ગોઠવાયેલી છે પરંતુ તેમાંથી કઈ અને કેટલી બાબતો તમારા શરીરમાં દેખા દેશે તેનો આધાર તમારી જીવનશૈલી.

હવા-ખોરાક-પાણી વગેરે જેવા ઘણા પરિબળો પર નિર્ભર છે. લાંબુ જીવવું બેશક ભાગ્યની વાત હોઈ શકે છે, પરંતુ સારું જીવવું - સ્વસ્થ જીવવું એ આપણા હાથની વાત છે. સિત્તેર વર્ષે લકવા થઈ જાય અને પથારીમાં પડયા પડયા સો વર્ષ પુરા કરો એવા લાંબા જીવનનો અર્થ શું?! તમે અને તમારા કુટુંબીઓ રોજ તમારા મૃત્યુની રાહ જોતા હોવ, તમે જાવ ત્યારે 'હાશ છૂટયા' એ શબ્દો તમારા અને તમારા કુટુંબીઓ બંને માટે તદ્દન સાચા હોય એવા જીવનનો અર્થ શું?! નિયમિતતા, ચોકસાઈ અને સ્વાસ્થ્યની જાળવણી ભલે લાંબા જીવનની ખાતરી ના આપે પરંતુ સ્વસ્થ જીવનની ખાતરી ચોક્કસ આપે છે. ટૂંકમાં, લાંબુ જીવવું અને તંદુરસ્ત જીવવું એ બંને તદ્દન ભિન્ન બાબતો છે. તંદુરસ્તી લાંબુ જીવવાની શક્યતાઓ ઉભી કરી શકે પરંતુ લાંબુ જીવન તંદુરસ્તીની ખાતરી નથી આપતું. આમા ભાગ્ય શું ભાગ ભજવે એ અંગેની માન્યતા અને મંતવ્ય પોતપોતાની સમજ પર નિર્ભર છે.

બે દિવસ પહેલાની જ વાત છે, લગ્નજીવનના પ્રશ્નોના સંદર્ભમાં હું એક પતિ સાથે વાત કરી રહ્યો હતો. એ પોતાના સહજીવનના પ્રશ્નો પર કામ કરવા તૈયાર નહતા અને હું એમને પૂછી રહ્યો હતો કે કેમ નહીં?!

'આપણે તમારા બંને વચ્ચે રહેલી સમસ્યાઓ પર કામ કરીને તેનો ઉકેલ લાવી શકીએ' મેં કહ્યું.

એમણે નીરસતાથી કહ્યું 'છોડો સાહેબ હવે પડયું પાનું નિભાવી લેવાનું, આ  લડાઈઓની વચ્ચે લગ્નજીવનના દસ વર્ષ નીકળી ગયા. હવે ના એ બદલાય કે ના હું બદલાઉં. નસીબ આપણું બીજું શું?!'

સંબંધોમાં નસીબ કે ઋણાનુબંધને દોષ દઈને કે આગળ કરીને ઘણી વ્યક્તિઓ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લેતી હોય છે. જે બાબતમાં આપણે કંઈ કરી શકતા ના હોઈએ અથવા કરવા માંગતા ના હોઈએ ત્યાં ભાગ્યને આગળ ધરવાનું વલણ ઘણી વ્યક્તિઓ ધરાવતી હોય છે. આમ તો કોઈપણ સંબંધમાં આ પ્રકારનો અભિગમ ઇચ્છનીય નથી પરંતુ દામ્પત્યજીવનમાં તો ખાસ. એક છત હેઠળ રહીને ભાગ્યના ભરોસે સંબંધ હંકારે રાખવો યોગ્ય નથી કારણ કે તેમાંથી ઉદ્ભવતી નકારાત્મકતા અને કંકાસને તો ભાગ્યના નામે અવગણી નહીં શકાય ને?! એ ઉપરાંત પરિસ્થિતિ કે સંજોગો સાથે આ પ્રકારનું સમાધાન સુધારની શક્યતાઓ પર તો પડદો જ પાડી દે ને?! દામ્પત્યમાં આ અભિગમ લગ્નજીવન ટકાવી રાખશે, ફેસબુક વૉલને લવી-ડવી ફોટાઓથી ભરપૂર રાખશે અને કદાચ બીજાઓને તમે જેને કમનસીબી ગણો છો એનો અંદાજ નહીં આવવા દે પરંતુ તમારા ઘરની દીવાલોને તમે કેવી રીતે છેતરી શકશો?! વાત શરૂઆતમાં કહી એ જ છે, નસીબ પર છોડીને લગ્નજીવનની વર્ષગાંઠો ઉજવી શકાય પરંતુ ગુણવત્તાની ખાતરી ના આપી શકાય. કેટલા વર્ષો સાથે જીવ્યા તેના કરતા કેવું જીવ્યા તે વધુ મહત્ત્વનું છે, વધુ સુખ-સંતોષ આપનારું છે. સાથે જીવવું અને સારું જીવવું બંને ભિન્ન બાબતો છે. સાથે જીવવા માત્રથી સુખ-સંતોષ નથી અનુભવાતો પરંતુ સારી રીતે એકમેકનો સાથ નિભાવવાથી અનુભવાય છે. આ માટે જરૂરી છે કે સંબંધને નસીબ પર છોડી દેવા કરતા તેને સતત મજબૂત, તંદુરસ્ત બનાવવા પ્રયત્નશીલ રહેવું, ભલે પછી આ પ્રયત્ન અંગત હોય કે સહિયારો.

પૂર્ણવિરામ :

જેમ આજે વાવેલા બીજ આવતીકાલે ઉપજ બનીને ખેતરમાં લહેરાય છે તેમ આજનું જીવેલું આવતીકાલે ભાગ્ય બનીને જીવનમાં પથરાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rwEFjr
Previous
Next Post »