- મારા પિતા પ્રોડયુસર હોવાથી ફિલ્મ નિર્માણ કરતી વખતે કલાકારોના વર્તનથી તેમને કેવી તકલીફ પડે તે હું નાનપણથી સાંભળતી હતી. તેથી મેં મારા નિર્માતાઓને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખ્યું છે.

અભિનેત્રી જાન્હ્વી કપૂર માટે ૨૦૨૧નું વર્ષ સફળતા લઈને આવ્યું છે. થોડાં દિવસ પહેલા જ તેની રાજકુમાર રાવ સાથેની ફિલ્મ 'રુહી' રજૂ થઈ. આ હોરર સિનેમામાં જાન્હ્વીએ ડબલ રોલ કર્યાં હતાં જેમાં એક પાત્ર ચુડેલનું હતું. સ્વાભાવિક રીતે જ તેને આ ભૂમિકા ભજવવા પુષ્કળ પરિશ્રમ કરવા સાથે ઘણી અકળામણ પણ વેઠવી પડી હતી.
જાન્હ્વી કહે છે કે મને મારા ચુડેલના પાત્ર માટે દરોજ સવારના બે કલાક પ્રોસ્થેટિક મેકઅપ માટે બેસવું પડતું હતું તેથી મારી પીઠમાં વેદના થતી. વળી તેને માટે વિવિધ જાતના ડરામણાં અવાજો કાઢવા પડતાં તેથી મારા ગળામાં ખરાશ આવી જતી. આ કામ પણ બહુ મુશ્કેલ હતું. પરંતુ હવે મને એમ લાગે છે કે મારી મહેનત રંગ લાવી.
જાન્હ્વી પોતાને બહુ ભાગ્યશાળી માને છે. તે કહે છે કે આજે હું જે છું તે મારા માતાપિતાને કારણે છું. બચપણથી હું ફિલ્મી વાતાવરણમાં જ ઉછરી છું. મારા મમ્મી-પપ્પાના અનુભવોથી જ હું ઘણું શીખી છું. અમારા ઘરમાં હમેશાં તેમના કામના અનુભવોની વાતો થતી. મારા પિતા પ્રોડયુસર હોવાથી ફિલ્મ નિર્માણ કરતી વખતે કલાકારોના વર્તનથી તેમને કેવી તકલીફ પડે તે હું નાનપણથી સાંભળતી હતી. તેથી મેં મારા નિર્માતાઓને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખ્યું છે.
શ્રીદેવીની હયાતીમાં જાન્હ્વી એકદમ નચિંત રહેતી. તે કહે છે કે મારી મમ્મી જીવંત હતી ત્યારે તેમનો મત મારા માટે પત્થરની લકીર જેવો હતો. કોઈપણ વ્યક્તિ કાંઈપણ કહે, પરંતુ મારી મમ્મી એમ કહે કે મેં જે કર્યું છે તે બરાબર છે તો હું નિશ્ચિંત બની જતી. પણ હવે મને પોતાના માટે વિચાર કરવો પડે છે.
અલબત્ત, લોકડાઉન પછી હું અને મારી બહેન ખુશી વધુ નિકટ આવ્યાં છીએ. પહેલા ખુશી હમેશાં પોતાનામાં મસ્ત રહેતી. પણ દેશવ્યાપી તાળાબંધી દરમિયાન અમે જોયું કે તેને પરિવારજનોની પુષ્કળ પરવા છે. બાકી તે હમેશાંથી પોતાની વાત, પોતાની માન્યતાઓ પ્રત્યે એકદમ મક્કમ રહી છે.
અર્જુન કપૂર અને અંશુલા જાન્હ્વીના સાવકા ભાઈબહેન છે. પરંતુ શ્રીદેવીના નિધન પછી તેઓ એકમેકની ઘણાં નિકટ આવી ગયા છે. જાન્હ્વી કહે છે કે અમારો સંબંધ બહુ મોડો બંધાયો. પરંતુ હવે તે દિનપ્રતિદિન મજબૂત બનતો જાય છે. તેમણે અમને જે રીતે અપનાવ્યા છે, અમારી કાળજી કરે છે તે જોઈને અમને અત્યંત આનંદ આવે છે. તેમણે અમને ખૂબ હિમ્મત આપી છે. તેઓ અમને હમેશાં એમ કહીને પ્રોત્સાહિત કરે છે કે તમને કોઈની જરૂર નથી. તમને જે કરવું હોય તે તમારી જાતે જ કરો.
બાકી જ્યાં સુધી મારા પપ્પાની વાત છે ત્યાં સુધી તેઓ પોતાના બધા કામો જાતે જ કરી લે છે. તેમનું મગજ તેજ ગતિથી ચાલે છે. તેમને બધું જ આવડે અને સમજાય છે. બસ, તેમને અમારી મમ્મીના પ્રેમની ખોટ ન સાલે તેનું અમે ધ્યાન રાખીએ છીએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rhJXyg
ConversionConversion EmoticonEmoticon