શાહિદ કપૂર : નિષ્ફળતા પચાવી આગેકૂચ જારી


અભિનેતા શાહિદ કપૂર બોલીવૂડનો એક એવો અભિનેતા છે, જેણે અનેક નિષ્ફળતાને પીછે હટાવી સફળતા માટે સતત નવો માર્ગ કંડાર્યો છે અને કોઈ પણ પ્રકારના અવરોધ સામે ઝુકવાને બદલે તેનો સામી છાતીએ મુકાબલો કર્યો છે.

શાહિદ કપૂર અને પ્રતિભાસંપન્ન કલાકાર છે અને તેનામાં પિતા પંકજ કપૂરનું લોહી વહે છે એટલે તેનો કલાકાર તરીકે અસ્વીકાર કરવો એવો તો કોઈ પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. જો કે બોક્સ-ઓફિસની નિષ્ફળતાએ આ કલાકારને બહુ પરેશાન કર્યો છે, પણ આ જાંબાઝ કલાકારે હિમ્મત નથી છોડી. જેટલીવાર સફળતા તેને હાથતાળી આપતી ગઈ એટલીવાર તે બમણાં જોશથી ત્રાટક્યો છે, એ વાત પણ યાદ રાખવી રહી.

શાહિદ કપૂરે કેરિયરની શરૂઆત એક બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી, એ ઘણાં ઓછાને ખબર હશે. તેણે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે અને ફિલ્મોમાં તો લાંબી મજલ કાપી છે.

૨૫ ફેબુ્રઆરીએ તેણે ૪૦મો જન્મ દિવસ ઉજવ્યો એ નિમિત્તે તેની કારકિર્દી પર એક નજર નાખી તેની સરાહનીય ભૂમિકાને યાદ કરીએ અને આગામી ફિલ્મો અંગે માહિતી મેળવીએ.

બોલીવૂડના એક કલાકાર તરીકે શાહિદ કપૂરે તેના રોલ્સ સાથે, પાત્રો સાથે સતત નવા-નવા પ્રયોગો કર્યા છે અને દર્શકોને સતત કઈ નવું પીરસવાના પ્રયાસ કર્યા છે. અરે, ૨૦૦૯માં 'કમીને'માં શાહિદે ડબલ રોલ કર્યો હતો, જેમાં તેણે તોતડા બોલતાં યુવાનની ઝલક દાખવી હતી. આ પછી ૨૦૧૪માં 'હૈદર'માં અસંતૃષ્ઠ કાશ્મીરી યુવાનની ભૂમિકાને ન્યાય આપ્યો હતો તો 'ઉડતા પંજાબ' (૨૦૧૬)માં કેફીપ્રદાર્થનો બંધાણી રોકસ્ટાર બન્યો હતો જ્યારે સંજય લીલા ભણસાલીની 'પદ્માવત' (૨૦૧૮)માં રાજપૂત રાજવી તરીકે પોતાનો નિખાર બતાવ્યો હતો. આટલાથી જ શાહિદ કપૂર અટક્યો નથી, તેની આ મજલ હજુ આગળ વધી રહી છે, જે દર્શકોને વધુ પ્રયોગાત્મક રોલ્સ માણવા મળશે.

શાહિદીની આ નવીનતા સંદર્ભે દિગ્દર્શક શ્રીનારાયણ સિંહ કહે છે, 'આટલા વર્ષોમાં શાહિદે માત્ર વિકાસ જ નથી સાધ્યો, પણ પોતાની વાસ્તવિકતાની પ્રક્રિયાનો પણ રસાસ્વાદ કરાવ્યો છે. એ માત્ર સત્યતાને પગલે જ નથી ઊભો રહ્યો, પણ પોતાની વિકાસ ક્ષમતા પણ દાખવી છે. આમ છતાં તેણે કારકિર્દીમાં આગેકૂચ કરી અને તેની નૈસર્ગિક ક્ષમતાને કારણે પોતાની જાતને સમૃદ્ધ કરી છે. શાહિદ કલાકાર અને માનવી તરીક ેપુખ્ત છે.

જો કે ફિલ્મસર્જક કેન ઘોષ તો કહે છે કે શાહિદ કપૂર અભિનેતા પંકજ કપૂરનો પુત્ર છે એની તો મને જાણ જ નહોતી. 'ઇશ્ક-વિશ્ક' ફિલ્મ માટે મેં તેની સાથે કામ શરૂ કર્યું ત્યારે આ બાબતથી હું અજાણ હતો. શાહિદ ઘણો મહેનતુ અને તેના કામમાં ઘણો સારો હતો. તેણે તેની કારકિર્દીમાં રોમેન્ટિક ફિલ્મોમાં જબરદસ્ત કામ કરી પોતાની ક્ષમતા સાબિત કરી આપી છે.

શાહિદ કપૂના વિવિધ ફિલ્મસર્જકો વખાણ તો કરે જ છે, પણ તેની કારકિર્દી તથા તેણે કરેલી રોમેન્ટિક ફિલ્મોની વાત કરીએ તો તેણે એ ફિલ્મોમાં સામાન્યથી માંડીને સારી સફળતા પણ મેળવી છે, એનું ધ્યાન રાખવું રહ્યું. તેની કેટલીક વખાણવાલાયક ફિલ્મોમાં 'ઇશ્ક વિશ્ક' (૨૦૦૩), 'વિવાહ' (૨૦૦૬) 'જબ વી મેટ' (૨૦૦૭), 'આર.. રાજ કુમાર' (૨૦૧૩) અને 'કબીર સિંહ' (૨૦૧૯)નો સમાવેશ થાય છે.

ફિલ્મ એક્ઝિબિટર અક્ષય રાઠી તો કહે છે કે એક કલાકાર તરીકે હું શાહિદ કપૂરને જે રીતે ઓળખતો હતો એમાં 'કબીર સિંહ' ફિલ્મ પછી તો સાવ ફેરફાર આવી ગયો હતો. આ ફિલ્મ થકી તો તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી અને તેની અસર હવે આગામી ફિલ્મોમાં પણ જરૂર જોવા મળશે.

શાહિદ કપૂરની ફિલ્મ કારકિર્દી રોલરકોસ્ટર જેવી બની રહી છે, એવું ઘણા ફિલ્મ પંડિતોનું કહેવું છે. શાહિદ ભલે પ્રતિભાસંપન્ન કલાકાર હોય, એ સખત મહેનત કરતો હોય પણ ફિલ્મોમાં તેની કામગીરી સતત એવી રહી છે કે જે બોક્સ ઓફિસ પર કોઈ ચમત્કાર નથી સર્જી શકી, જેને નજરઅંદાજ પણ કરી શકાય એમ નથી. જો કે સતત એકધારી ફ્લોપ ફિલ્મો પછી શાહિદ એક એવો કલાકાર સાબિત થયો કે તેણે નિષ્ફળતાને પાછળ હટાવી દરેક વખતે વધુ બહાદુર-મજબૂત થઈને બહાર આવ્યો છે.

જો કે આવી જ વાત ટ્રેડ-એકસ્પર્ટ તરણ આદર્શ પણ કરે છે. તેઓ કહે છે, શાહિદની કારકિર્દીમાં ઘણો ખરાબ સમય આવ્યો છે. એ એક એવો એકટર છે જેણે તેની કારકિર્દીમાં ઘણી ફ્લોપ ફિલ્મો આપી છે છતાં દરેક વખતે તે વધુ મજબૂત થઈને બહાર આવ્યો છે. આ તેની શ્રેષ્ઠ ક્ષમતા છે. આ જ તો છે એક સ્ટારની સાચી પરિભાષા.

આમ, સતત નિષ્ફળતાના મહાસાગરમાં તરતાં રહીને શાહિદ કપૂરે કેટલીક ફિલ્મોમાં પોતાની આગવી પ્રતિભા દાખવી સફળતા પણ હાંસલ કરી છે. રોલરકોસ્ટર જેવી કારકિર્દી વચ્ચે પણ તેનું ઐક્ય નથી ખોયું અને પ્રતિભા સતત દાખવી છે. આગેકૂચ કરી છે. આ છે શાહિદની સાચી વાસ્તવિકતા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31haEZr
Previous
Next Post »