મહામારી બાદ અતિ શ્રીમંત લોકો પ્રાઈવેટ જેટ તરફ વળ્યા


- સરેરાશ ૯૦ ટકા વિશ્વના શ્રીમંતો આંતરરાષ્ટ્રીય મુસાફરીથી દૂર

- ભારતના ૮૦ ટકા અતિ શ્રીમંતો નવા વર્ષમાં પણ આંતરરાષ્ટ્રીય મુસાફરીથી દૂર જ રહેશે

કો રોના મહામારીને એક વર્ષ પૂર્ણ થયું છે. આમ છતાંય તેના કારણે ઉદ્ભવેલ પ્રતિકૂળતાઓ હજુ પણ યથાવત જ છે. મહામારીની પ્રતિકૂળ અસર સામાન્ય માણસથી લઇને શ્રીમંત વર્ગ સુધી જોવા મળી છે. જેમાં સૌથી વધુ અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર જોવા મળી હતી. બીજી તરફ મહામારીના પગલે ધંધા-રોજગાર સહિત આર્થિક ગતિવિધીઓ પણ રૂંધાઈ જવા પામી હતી.

હાલ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મહામારીના બીજા વેવની શરૂઆત થઇ ચૂકી છે અને દિન પ્રતિદીન કોરોનાના કેસમાં મોટાપાયે વધારો જોવા મળી રહ્યો છે. કોરોના પુનઃ વકરતા અનેક દેશોએ લોકડાઉન સહિત આકરા પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. જેના પગલે લોકોની મુશ્કેલીઓમાં ફરીથી વધારો થવા પામ્યો છે.

મહામારીના એક વર્ષ દરમિયાન અતિ શ્રીમંત વર્ગ પર હાથ ધરાયેલ એક અભ્યાસના તારણ મુજબ મહામારી બાદ અતિ શ્રીમંત વર્ગના લોકોમાંથી ૮૯ ટકા લોકોએ બિઝનેસ હેતુસર તેમજ ૯૧ ટકા લોકોએ ટ્રાવેલ હેતુસર આંતરરાષ્ટ્રીય મુસાફરીથી દૂર થઇ ગયા છે. આ ઉપરાંત ભારતના ૮૦ ટકા અતિ શ્રીમંતોએ નવા વર્ષમાં પણ તેઓ આંતરરાષ્ટ્રીય મુસાફરીથી દૂર જ રહેશે તેમ જણાવ્યું હતું.

મહામારીના પગલે વિવિધ દેશોએ પોતાની હવાઈ સેવાઓ પર પ્રતિબંધ મુકતા અતિ શ્રીમંત વર્ગ પ્રાઈવેટ જેટ એટલે કે પ્રાઈવેટ હવાઈ સેવા તરફ વળ્યો છે. અભ્યાસના તારણ મુજબ ભારતના અતિ શ્રીમંત વર્ગમાં ૪૩ ટકા લોકો પ્રાઈવેટ જેટ તરફ વળ્યા છે. ૨૭ ટકા લોકો આ મુદ્દે વિચારણા કરી રહ્યા છે. તો ૩૦ ટકા લોકોએ આ મુદ્દે કોઈ વિચારણા કરી નથી.

જો કે, સંયુક્ત આરબ અમીરાતના ૭૫ ટકા, રશિયાના ૭૧ ટકા, નાઇઝીરીયાના ૬૯ ટકા, સ્પેનના ૬૦ ટકા, કેનેડાના ૬૦ ટકા અને દક્ષિણ આફ્રિકાના ૬૦ ટકા અતિ શ્રીમંત લોકો પ્રાઈવેટ જેટ તરફ વળેલા છે અને આગામી સમયમાં પણ પ્રાધાન્ય આપશે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે કોરોના મહામારીના પગલે વૈશ્વિક પ્રવાસને મોટો ફટકો પડયો છે. જો કે, હાલ તેના ધારાધોરણોમાં મોટાપાયે સુધારો થયો છે. ભારત તેમજ વિશ્વના અન્ય દેશોમાં વેક્સિનેશન કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જેના કારણે આગામી સમયમાં વૈશ્વિક પ્રવાસના નિયમો હળવા થવાની ગણતરી મુકાઈ રહી છે. જે જોતા આગામી સમયમાં આ ક્ષેત્રની મુવમેન્ટમાં વધારો થવાની સંભાવના છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3diDkXx
Previous
Next Post »