વોન્ટેડ : ફીઅરલેસ ફ્રીડમ સપોર્ટર ફેઅર જજીઝ !

- ન્યાયતંત્રમાં જ અન્યાય થાય કે દાવપેંચ પ્રવેશી જાય તો ક્યાં ગુહાર લગાવવી ? માંઝી જો નાવ ડૂબોયે ઉસે કૌન બચાયે ?


દી પક મિશ્રા યાદ છે ?

હોવા જોઇએ. એ બોબડેસાહેબ ને ગોગોઈસાહેબ પહેલા ચીફ જસ્ટીસ બન્યા હતા. એટલે હજુ હમણાં જ. થોડા વર્ષો પહેલાં. કોમ્ટ જજ બૂક બાય ઇટ્સ કવર - એમને માટે ખાસ લાગુ પડે. કારણ કે, એમણે રાષ્ટ્રગીત સિનેમાઘરમાં વગાડવાનો આદેશ આપ્યો એમાં તથાકથિત સેક્યુલરશૂરા મિડિયાએ ગાજોવાજો કરી નાખેલો. એમને આરએસએસના એજન્ટ, રૂઢિચુસ્ત રાષ્ટ્રવાદના પ્રણેતા ને એવા બધા લેબલોથી ફટાફટ નવાજી દેવાયેલા. આપણા દેશમાં ન્યુટ્રલ હોવું તો જાણે ગુનો છે. ધરાર એક કલરમાં રંગાઈ રહેવું પડે સેક્યુલર ગ્રીન ઓર સેફ્રોન રાઈટ. પણ તિરંગાના વચ્ચેના શ્વેત રંગને તો ભૂલી જ જવાય છે, જે ભારતના અસલી આધ્યાત્મિક દર્શનનો રંગ છે. વિરક્ત, વિતરાગી, સ્થિતપ્રજ્ઞાતાનો રંગ, તટસ્થ-યાને પ્રવાહમાં ભળીન વહી નથી જતા પણ તટ પર સ્થિર થઇ સાક્ષીભાવે ઘટનાઓ નિહાળે છે, એનો રંગ, ન્યાય પક્ષાપક્ષી કે પૂર્વગ્રહો-અનુગ્રહોના રંગોથી પર હોવો જોઇએ. ભલે એનો યુનિફોર્મ બ્લેક એન્ડ વ્હાઇટ રહ્યો, પણ એનો એંગલ મલ્ટીકલર હોવો જોઇએ.

તો મિશ્રાજી ચુસ્તપણે આ વિભાવનાને વળગી રહેલા એવું દૂર બેઠાં ય જે 'કનેકટિંગ ધ ડોટ્સ' કરી શકે, એમને લાગે છે. એમની સામે કથિત બળવાની આગેવાની લેનાર એમના અનુગામી ગોગોઈસાહેબ પર તો પર્સનલી એસોલ્ટના આક્ષેપોના વાદળો ઘેરાયા હતા, જે બાબતે મીટૂ જેવું પછી કશું આવ્યું નહિ તે એ રાજ્યસભાના નિયુક્ત સભ્ય પણ બની ગયા. અલબત્ત, પછી ન્યાય સરખો મળતો નથી એવું રિટાયર્ડ જજ બટકબોલા માર્કંડેય કાત્જૂ સાહેબ કહ્યા કરે છે, એમ એમણે હમણાં જ સાંસદ તરીકે અરણ્યરૂદન પણ કરેલું. ને રાજ્યસભામાં જ લોકશાહી મતદાનથી ચૂંટાયેલી સરકાર કરતાં લેફ્ટન્ટ ગર્વનરની સત્તા વધારી દેતા બિલના ય મૂક સાક્ષી બન્યા હશે.

પણ મિશ્રાજી ખરા અર્થમાં શુધ્ધ ભારતીય અર્થમાં સાધુપુરૂષ નીકળ્યા. જે રાષ્ટ્રગીત ફરજીયાતના ચૂકાદા બદલ એમનું નામ લિબરલના નામે લીલો પક્ષપાત ધરાવતા અને એ જડતા બાબતે ખાસ વોકલ ન રહેલા મીડિયાએ ઉછાળ્યું, એ રાષ્ટ્રગીત એમણે જ પ્રેકટિકલ રિઝન્સ જોઇને ખેલદિલીથી ખુદનો જ ચૂકાદો ફેરવી મરજીયાત કરી દીધું, એના નામે ખાલીખોટી દેખાડાના દેશભક્તોની બબાલો જોતા એ સમાચાર હેડલાઈન્સમાં આવ્યા જ નહિ. હજુ ય ધરાર દેખાડતા સિનેમાઘરોને ય ખબર નહિ હોય આટલા વર્ષે !

એ તો ઠીક, એ રિટાયર્ડ થયા પછી લાઈમલાઇટમાં ય ક્યાંય ગાજ્યા નહિ, ન કોઈ બાઈક પર નિવૃત્ત થઇને ય બેઠા, ને કોઈ હાસ્યાસ્પદ લાગે એવી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિરૂદ્ધની કોમેન્ટ કરી. ડિગ્નિટી પૂરી જાળવી એમના હોદ્દાની ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બે ઓક્ટોબર ૨૦૧૮ની ગાંધી જયંતીએ રિટાયર્ડ થયા ત્યારે એમના અત્યારે રહે છે, એ ફ્લેટ માટે સાડાબાવીસ લાખની લોનના હપ્તા ભરતા હતા ! ધારો કે, સુપ્રિમ કોર્ટના વડેરા જજને મહિને લાખ રૂપિયા પગાર સત્તાવાર મળે ત્યારે સુપ્રિમ કોર્ટમાં નામ કમાયેલ વકીલ રોજના પચાસ લાખ તગડા ક્લાયન્ટસ પાસેથી લઇ શકે !

પછી તો બેસ્ટ બ્રેઇન્સ એડ્વોકેટ જ થાય, ને શા માટે કોઈ જજ પણ થાય ? થઇને અળખામણા થવાનું કે રાજકારણીઓની આંખે ચડવાનું ને વળતર તો જાણીતા વકીલોની સાપેક્ષે ચણામમરા. એમાંથી કદાચ કોઈ નળરાજાના જમણા પગના અંગૂઠેથી કલિ પ્રવેશે એમ ભ્રષ્ટ પણ થઇ શકે ! હોદ્દો ને રૂઆબ મોટો, એટલો પગાર પણ પ્રચંડ હોય તો સ્વમાન ટટ્ટાર જાળવી શકાય પ્રલોભનો કે ધમકીઓ સામે. દુર્ભાગ્યે આપણે ત્યાં એવું નથી. જૂની પેઢીના મૂલ્યનિષ્ઠ અને વિદ્વાન જજોની ટોચ પર સેવાઓ આપણે વયમર્યાદાથી નિવૃત્ત થતા ગુમાવી પડે છે. અમેરિકામાં ય જ્યુડિશ્યરી સ્વતંત્ર છે, એ તો ટ્રમ્પ ઇલેકશનમાં જ આપણે જોઈ લીધું. પણ ત્યાં ન્યાય બેહદ ઝડપી છે. કરપ્શન સામે વોચ છે. જજમેન્ટની ટીકા બાબતે કન્ટેમ્પ્ટના ડારા નથી. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જજ મેન્ટલી એડ ફિઝિકલી ફિટ હોય ત્યાં સુધી રિટાયર્ડ થતા નથી ! લોજીક એ છે કે ડોક્ટરની જેમ ઉંમર અને અનુભવ વધે એમ જજસાહેબો કે સાહેબાઓ સમાજ માટે વધુ લાભકારી નીવડે. એવા ઘડાયેલા અનુભવનો જનહિતમાં મહત્તમ ફાયદો કાયદાના ક્ષેત્રમાં લેવાના હોય. એટલે એમનું રિટાયરમેન્ટ વોલન્ટરી/ સ્વૈચ્છિક રાખી એમના એક્સપિરિયન્સના બેનિફિટસ પબ્લિકને આપો.

આપણે ત્યાં આ લેવલે માણસ પહોંચે ત્યાં જજ તરીકે સિનિયર મોસ્ટ થતાં રિટાયરમેન્ટની તલવાર લટકવા લાગે. એટલે આયખાના નવમા દાયકે ય કોઈ જેઠમલાણી જેવા વકીલ દલીલ કરવા ઉભા થાય, ત્યારે ઘણીવાર સામે જજ સાવ જુનિયર હોય તો સીનિયર એડ્વોકેટની આભામાં જુનિયર મેજીસ્ટ્રેટસાહેબ આવે એવું બને. પેન્ડિંગ કેસીસને શિથિલ તંત્રને લીધે તારીખ પે તારીખનો ખેલ તો ચાલે જ છે. એટલે સામાન્ય માણસની ન્યાયની આશા જ નહિ, ધીરજ પણ ધૂંધળી થાય ને પામતા પહોંચતા લોકો તો ધુરંધર વકીલોની ફોજ રાખે ત્યાં જ વર્ડિકટ અદ્રશ્યપણે એમની ફેવરમાં ત્રાજવું ઝૂકાવવા લાગે !

ટેઇક એક્ઝામ્પલ ઓફ મિશ્રાજી અગેઇન. એમની પહેલાના કે પછીના બે-બે સીજેઆઈ (ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા) સાહેબોને એકલદોકલ ચૂકાદા સિવાય ઇતિહાસ ખાસ યાદ કરે એવું ન લાગે. પણ એકટિવ મિશ્રાજીની મીડિયાએ ઘડી દીધેલી રાઇટ વિંગ છબીથી તદ્દન ઉલટ એમના ચૂકાદાઓ માત્ર એક વર્ષ ને બે મહિનાના એમના સીજેઆઈ તરીકેના કાર્યકાળમાં જ કેવા નમૂનેદાર રહ્યા !

યાદ હોય તો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એન્ડ મોડર્ન સુધારાવાદી-આધુનિક અભિગમ બાબતે એમનું રોકડું સ્ટેન્ડ રહ્યું. સરકારોને પદ્માવત ફિલ્માના રીલિઝ બાબતના વિવાદમાં એમણે ખખડાવી નાખેલી એ યાદ આવે છે ? પ્રો-ક્રિએટીવિટી, પ્રો-ફ્રીડમ જજમેન્ટસ એમણે એકધારા આપ્યા. દક્ષિણ ભારતના એક સાહિત્યકારની કૃતિથી લાગણી દૂભવવા તૈયાર બેઠેલા ધાર્મિક ધણખૂંટોને સાન ઠેકાણે આપતા જજમેન્ટમાં એમણે હિન્દુહિતના કહેવાતા સંસ્કૃતિપસાયતાઓને જ જે વારસા કે કળાત્મકતાની સમજ નથી, એવા આપણા જ વારસાના ઉદાહરણો ટાંકેલા એના પર તો એ વખતે જ લેખ લખેલો ! જજ એને કહેવાય જે નવીનતાને સુરક્ષિત રાખે ને જડતામાત્રનો સમતોલ વિરોધ કરી એની સામે સ્ટેન્ડ લે. અબલત્ત, કાયદાની મર્યાદામાં - જે મામલે સદનસીબે આપણું બંધારણ પહેલેથી જ પ્રગતિશીલ છે. તો મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણની ફાંસી રોકવાની અરજી ભારત કાયદાને ન્યાયથી ચાલતું રાજ્યતંત્ર છે, એ આંતરરાષ્ટ્રીય છાપ પાડવા મિશ્રાજીએ મધરાતે સ્પેશ્યલ સેશનમાં સાંભળીને એમને વ્યક્તિગત ખૂનની ધમકીને કંઇક સ્યુડોસેક્યુલર સેલિબ્રિટીઓની એકતરફા કાગારોળ છતાં યાકુબની ફાંસીનો હૂક્મ પણ સંભળાવી દીધો !

નિર્ભયાના બળાત્કારીઓની ફાંસી પણ એમણે જ કન્ફર્મ કરેલી તાબડતોબ ને સાબરીમાલા વિવાદમાં ય નારીમુક્તિ તરફી સ્ટેન્ડ ધાર્મિક માન્યતાઓની સામે પડીને લીધેલું. પ્રમોશન ફોર રિઝર્વેશનમાં યોગ્ય ડેટા ને કેસ જોઇએ એ પણ કહ્યું ને કાવેરી જળવિવાદના ઉકેલ બાબતે ય પહેલ કરતું અદ્ભુત જજમેન્ટ નેશનલ રિસોર્સીઝ બાબતે આપ્યું. અયોધ્યાના ચૂકાદાનો પાયો રામમંદિર બાબતે ટાઈટલ સ્યૂટ ડિસ્પ્યુટ જ ઠેરવી ને ઇસ્માઇલ ફારૂકી જજમેન્ટ બાબતની અરજી ફગાવીને રાખી. ને જર્મન કવિ ગૂથે ને ટાંકીને કલમ ૩૭૭નો એલજીબીટીક્યૂ બાબતનો લેન્ડમાર્ક ચૂકાદો ય એમણે જ આપેલો !

કેરળની કન્યાના મુસ્લીમ સાથે આંતરધર્મીય લગ્નમાં હદિયા કેસમાં પોતાની પસંદથી લગ્ન/પ્રેમ એ આઝાદીનો મૂળભૂત અધિકાર બહાલ રાખનારા પણ મિશ્રાજી. રાઇટ ટુ પ્રાઈવસી બાબતે ને સેન્સરશિપની વિરુધ્ધમાં એમનું સ્ટેન્ડ જોઇને જ કોઇએ આજે થઇ એવી ડિજીટલ મિડિયા પર લગામની હિંમત નહિ કરી હોય ! ઓનર કિલિંગ બાબતે ય શક્તિવાહિની કેસમાં એમનો સ્પષ્ટ ચૂકાદો જ્ઞાાતિ કે ધર્મના નામે છોકરા-છોકરીને મિલકત સમજી મારતા સામંતશાહી સમાજ સામે હતો અને મોબ લિંચિંગ 'ન્યુ નોર્મલ' ન હોય કોઇ સભ્ય સમાજમાં એ કહેનાર પણ એ જ. ફ્રી સ્પીચના નામે પર્સનલી ગંદા આક્ષેપો કરવાના બ્લેકમેઇલરિયા - રાજકારણ સામે ક્રિમિનલ ડિફેમેશન મજબૂત પણ એમણે કર્યું અને ઐતિહાસિક રીતે આઇપીસીની કલમ ૪૯૭માં વ્યભિચાર યાને એડલ્ટરી બાબતની દકિયાનૂસી વિકટોરિયન વ્યાખ્યાઓ ફગાવીને એને ક્રિમિલ ઓફેન્સમાંથી  કાઢી નાખનાર પણ એ !

પણ નિવૃત્તિ બાદ એમણે જજ જે સામાન્ય ચોઇસીઝના ડિસ્પ્લેથી પર હોય એવું માનીને ન કોઇ પક્ષ જોઇન કર્યો, ન ચૂંટણીઓ લડી. ન કોઇ હોદ્દે સ્વીકાર્યો, ન ધમાકેદાર ઈન્ટરવ્યૂઝ આપ્યા. મૂળ ભારતીય હિન્દુ ગણો અસલી, (પોલિટિકલ નકલી નહિ) કે આધુનિક સિવિલ સોસાયટીના લીગલ કસ્ટોડિયન ટૂંકા ગાળામાં અદ્ભુત તુલાધાર સત્ય (આ શબ્દ મહાભારતના કૌશિક મુનિનો કથાનો છે. કદી આવું વાંચવાની તકલીફ લીધી છે. ગોખાવેલા મહાન વારસાની ફોરવર્ડેડ દલીલોની પેલે પાર જઇને ?) સિધ્ધ કરનાર વ્યક્તિમાં ખુદ્દારી ને ખુમારી હોય, અભ્યાસ અને માનવતા હોય. જ્ઞાાન અને ડહાપણ હોય. પ્રેમ અને આધુનિકતા હોય. અને અગિયારમું આભૂષણ પ્રામાણિકતાની નીતિ હોય !

થોડા સમય બાદ ભારતના નવા ચીફ જસ્ટિસ થનાર રમણસાહેબે (ના રામના નહિ, રામા-યોગાની જેમ અંગ્રેજીમાં આ નામ બગાડી નખાશે. ગર્વથી જોરથી કહો મૂળ ભારતીય ઉચ્ચાર : રમણ.) તાજેતરમાં લાખો નાગરિકોની ન્યાય માટેની તરસને વાચા આપતા વિધાન કર્યા. થેન્ક્સ યોર ઑનર. એ જ દિવસે સર્વોચ્ચ અદાલતે એટર્ની જનરલ કે. વેણુગોપાલને કાયદા મંત્રાલય કોલેજીયમના ક્લીયર ૫૫ નામોની ભરતી હાઇકોર્ટમાં કરવાની બહાલી ક્યારે કરશે, એ પૂછ્યું - કારણ કે, સક્ષમ એવા હાઇકોર્ટના પદ પર ૪૦% જગ્યાઓ આજે ય ખાલી છે - એ સમાચારો વાંચીને ચંદ્રચૂડસાહેબની માફક પ્રોગ્રેસીવ અને આદર્શ ન્યાયમૂર્તિ નીવડેલા દીપકજીનો પ્રકાશ યાદ આવી ગયો !

ખુદ સુપ્રિમમાં ય નવા જજોની ભરતી અધ્ધરતાલ છે. અત્યારે માત્ર એક જ મહિલા જજ રહી ગયા છે. રાજકારણીઓ દરેક પક્ષના જજોની નિયુક્તિમાં દખલ નથી કરી શકતા એટલે લટકાવી દેવાની રમતો રમ્યા કરે. અમુક હોશિયાર જજ હોય, નાગરિક હિતમાં ઝપાટાબંધ ચૂકાદા માટે સુખ્યાત હોય (જેમ કે, ત્રિપુરા ખાતે ફરજ બજાવતા મૂળ ગુજરાતના કુરેશીસાહેબ) પણ પ્રજાનું ભલું થતું હોય છતાં શાસનને ફેવરેબલ ન ગણતા હોય તો નિવૃત્ત ન થાય ત્યાં સુધી બઢતી જ રોકાઇ જાય ! ન્યાયતંત્રમાં જ અન્યાય થાય કે દાવપેંચ પ્રવેશી જાય તો ક્યાં ગુહાર લગાવવી ? માંઝી જો નાવ ડૂબોયે ઉસે કૌન બચાયે ?

આ મુદ્દો ચર્ચાતો નથી, પણ દેશહિતમાં મહત્વનો છે. નાગરિકોની અંતિમ આશા અદાલત છે. વકીલોની દલીલોમાં ગૂંચવી નખાતા હોવા છતાં હજુ કોર્ટનું એક સન્માન છે. ને લોકશાહી રાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થાનું રાજ બનાવવા હોવું ય જોઇએ. જેમાં ટોચ પર ઉત્તમ, સક્ષમ, નિષ્પક્ષ, પ્રગતિશીલ, અભ્યાસુ ન્યાયાધીશો હશે, તો જ ન્યાય બચશે. ને તો જ દેશ !

પણ કમનસીબે ક્યારેક એવો ફાલ આવી ચડે છે, જે સંવિધાન કરતાં વૉટ્સએપ મેસેજીઝ વધુ વાંચતા હોય એવું ન્યુઝ વાંચીને લાગે ! જૂની પેઢી જતા નવી પેઢી મજબૂત આવે નહિ તો વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ જેવી હાલત થાય. અલ્હાબાદ હાઇકોર્ટમાં કોઇ જસ્ટિસ સિદ્ધાર્થસાહેબે તાંડવ સિરિયલ બાબતે એમેઝોન પ્રાઇમના હેડ અપર્ણા પુરોહિતની જામીન અરજી ફગાવતા જે જજમેન્ટ આપ્યું એમાં કહ્યું કે વેસ્ટર્ન ફિલ્મમેકર જીસસની ગરિમા સાચવે પણ હિન્દી ફિલ્મમેકરો હિન્દુ દેવીદેવતાઓની આમન્યા સાચવતા નથી ! વાહ સાહેબ, સિમ્પલ ગૂગલ કરો તો જીસસની મજાકો કે સિરિયસ કાઉન્ટરવ્યૂ લેતી ફિલ્મોના નામો મળી જાય ! મોન્ટી પાયથોન એન્ડ હોલી ગ્રેઇલ કે દા વિન્ચી કોડ, વેટિકન ટેપ્સ વગેરે ઓટીટી પર જ છે. લાસ્ટ ટેમ્પટેશન ઓફ જીસસ ક્રાઇસ્ટ અહીં હરખપદુડા સેન્સર બોર્ડે બેન કરેલી, બાકી હોલીવૂડમાં તો બનેલી ! આગળ વધતા નામદાર સાહેબે વળી 'દુષ્ટ' ભારતીય ફિલ્મોની યાદી પણ આપી : સત્યમ શિવમ સુંદરમ, રામ તેરી ગંગા મૈલી, ઓહ માય ગોડ, રામલીલા, પીકે વગેરે ! ઓહ રિયલી ? સેન્સર બોર્ડનું તો આમાં અપમાન છે જ. પણ મફતના નેટ ને પ્રોજેક્ટેડ કીપેડ લઇ સનાતનીના નામે તનાતની મચાવતા પાકિસ્તાની તાલિબાની માઇન્ડસેટ ટાઇપ ફોલોઅર્સ હવે રાજ કપૂરને ભારતીય સંસ્કૃતિ શીખવાડશે ? સત્યમ શિવમ સુંદરમ ને રામ તેરી ગંગા મૈલીનું કથાનક દંભના પડદા ચીરતું હતું એ તો પછી, ભારતીય રાગરાગિણીનું જે સંગીત હતું એ ય ક્રિએટ કરવાની ત્રેવડ છે ? રામ-લીલા તો રોમિયો જુલિયેટનું વર્ઝન હતું. આપણે આગળ જઇએ છીએ કે પાછળ ? ઓહ માય ગોડ તો પરેશ રાવલ - અક્ષયકુમાર - મિથુન જેવા અભિનેતાઓને લઇ ગુજરાતી ઉમેશ શુકલે બનાવેલ કૃષ્ણના સાચા સ્વરૂપથી છલોછલ પાખંડવિરોધી ફિલ્મ હતી. મૂળ નાટક કાનજી વિરૂધ્ધ કાનજી ભાવેશ માંડલિયા લિખિત ગુજરાતમાં જ સુપરહિટ હતું. ફેમિલી ઓડિયન્સમાં જ. જનતાને વાંધો નથી હોતો, પણ ઘનચક્કરોના પેટમાં તેલ રેડાતા સિંગલ એંગલ બ્રેઇનવોશિંગ કરી કાઉન્ટરવ્યૂઝને  તાળા મારવા હોય છે.

કહેવાની જરૂર ખરી કે કોમેડિયન મુનવ્વર ફારૂકીની - કેસની જેમ જ ગણત્રીના દિવસોમાં જ સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટની આવી વિચિત્ર દલીલોવાળા જજમેન્ટને બંધારણીય રીતે ઉલટાવી નાખ્યું ને જામીન ગ્રાહ્ય રાખી દીધા. વચ્ચે માઇનોર પર બળાત્કાર બાબતે મહારાષ્ટ્રના એક મહિલા જજે હાસ્યાસ્પદ રિમાર્ક આપેલા, એમાં ય સુપ્રિમે દરમિયાગીરી કરેલી. સ્વીચ ઓફની માફક ટૂૂૂલકિટવાળી 'દેશદ્રોહી' દિશા રવિ સમાચારોમાંથી ગાયબ થઇ ગઇ એ નોંધ્યું ? એને જામીન આપતી વખતે દિલ્હી કોર્ટના જજ ધર્મેન્દ્ર રાણાએ જે અદ્ભુત સમરી આપેલી પછી સન્નાટો થઇ ગયો એ મામલે. જસ્ટીસ રાણાસાહેબે ઋગ્વેદને ટાંકીને કહ્યું કે ''હજારો વર્ષ જૂની આપણી સંસ્કૃતિ કદી ભિન્ન મત પ્રદર્શનની સ્વતંત્રતાની વિરોધી નથી, બલકે અલગ વિચારોનું સ્વાગત કરનારી છે. મતભેદ હોવાથી કોઇના (કાયદાની મર્યાદામાં રહી, આધારહીન અંગત આક્ષેપો વિનાના) અભિવ્યક્તિસ્વાતંત્ર્યને છીનવી ન શકાય. એ મૂળભૂત માનવીય અધિકારોનું હનન છે. આર્ટિકલ ૧૯માં સંવિધાને રાઇટ ટુ ડિસેન્ટ આપેલો છે. દરેક જુદી પડતી વાત ખોટી કે તોફાની હોઇ શકે પણ કોઇ હિંસક પ્રવૃત્તિના સબૂત વિના સીધું દેશદ્રોહ કહી દેવું અયોગ્ય છે. નાગરિકો તો લોકશાહીમાં સરકારના અંતરાત્માના રખેવાળ છે. સરકારી નીતિ સાથે સહમત ન હોય એટલે એને જેલમાં ન નાખી શકો. મૂક સાક્ષી બની તમાશો જોતા નાગરિકો કરતા તો જાગૃતપ્રવૃત્ત નાગરિકોનો શિક્ષિત અવાજ લોકશાહીની તંદુરસ્તી માટે જરૂરી છે !''

બ્રિલિયન્ટ. હજુ કાનૂની આંખ પર પાટા નથી અને એનું ત્રીજું નેત્ર ક્યાંક  સાબૂત થઇ ખૂલે છે, એ યાદ કરાવવા  માટે આભાર, ડિયર જજ સર. ઓલ રાઇઝ.

ઝિંગ થિંગ

''દેશભક્તિ માત્ર તિરંગાનું પ્રદર્શન નથી. ઉત્તમ વહીવટ માટે જાગૃત રહેવું એ પણ છે. આપણા મહાન ભારતની ગરિમા કોઇ આનંદ ઉત્સવમાં તિરંગાની કેક કાપવાથી ઝંખવાતી નથી. નેશનલ પ્રાઇડને સિમ્બોલિઝમમાં ન ફેરવો. રાષ્ટ્રવાદ કરતા ય ઉપરના સ્તરે તત્વદર્શનની માનવતા છે, એવું ગુરુદેવ ટાગોરે કહ્યું છે.''' (૨૦૧૩માં તિરંગા ધ્વજની કેક કાપવા બદલ લાગણી દુભાવી કેસ કરનારનો કેસ ૨૦૨૧ના માર્ચમાં ખારિજ કરતી વખતે મદ્રાસ હાઇકોર્ટના જજ એન. આનંદ વેંકટેશની સુપર્બ રિમાર્ક)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u86mjf
Previous
Next Post »