- ગોકુલની કબૂલાતમાં કરૂણા સાથે પ્રેમની વાત-પ્રણય ત્રિકોણની કથા આવી એટલે પોલીસને શંકા પડી કે કરૂણા પણ કદાચ આ સેતાનની સાથે સંકળાયેલી હશે...
- રાત્રે સવા વાગ્યાથી પરોઢના સાડા પાંચ વાગ્યા સુધીમાં ગોકુલે વોટસેપ મેસેજ કરીને એવી તેર ધમકી આપી કે ખળભળાટ મચી ગયો.
- ગોકુલની ધર૫કડ
- સાજુ જોઝ અને કરૂણા
પૂ રા આયોજનથી ઠંડા કલેજે અનુરાધાની હત્યા કર્યા પછી પણ એમ.જી. ગોકુલ માછીલ આબાદ રીતે છટકી ગયો હતો. બેંગ્લોર પોલીસને તો પહેલી જ નજરે એના ઉપર શંકા પડી હતી પરંતુ જેની હત્યા થઈ હતી એ યુવતીના પિતાએ જ પોલીસને વિનંતિ કરેલી. એક નિવૃત્ત પોલીસ અધિકારીની લાગણીને માન આપીને પોલીસે માત્ર અકસ્માતનો કેસ ફાઈલ કર્યો અને ગોકુલ બચી ગયો.
કરૂણાને પામવા માટે ગોકુલે લાંબા ગાળાનું આયોજન કર્યું હતું. એની અને કરૂણાની વચ્ચે આડખીલી તરીકે બે વ્યક્તિ હતી. ગોકુલની પત્ની અનુરાધા અને કરૂણાનો પતિ સાજુ જોઝ. સિફતપૂર્વક અનુરાધાનો કાંટો કાઢયા પછી હવે માત્ર સાજુને જ હટાવવાનો હતો. સાજુ જોઝની જો હત્યા કરી દેવામાં આવે અને એ પછી તરત કરૂણા સાથે લગ્ન કરે તો શંકાસ્પદ આરોપી તરીકે પોલીસ એને સકંજામાં લે અને એ સંજોગોમાં પોલીસ ધારે તો અનુરાધાનો કેસ પણ રિઓપન કરી શકે. આવી બધી સંભાવનાઓની ગણતરી માસ્ટર માઈન્ડ ગોકુલના દિમાગમાં હતી એટલે સાપ પણ મરે નહીં અને લાકડી પણ ભાંગે નહીં એવો સલામત રસ્તો શોધવા માટે એ મગજ કસી રહ્યો હતો. એ દરમ્યાન અનુરાધાની બારમા-તેરમાની વિધિ માટે એણે દિલ્હી જવું પડયું.
સાજુ જોઝ અને કરૂણા-બંને દર રવિવારે ચર્ચમાં પ્રાર્થના માટે જતા હતા ત્યારે ક્યારેક ગોકુલ પણ એમની સાથે જોડાઈ જતો હતો. એ પતિ-પત્ની ધર્મભીરૂ છે અને ચર્ચમાં જે કહેવામાં આવે એને જીવનમાં ઊતારવા માટે પ્રયત્ન કરે છે એનો ગોકુલને અંદાજ આવી ગયો હતો. કેરલના સૌથી સમર્થ અને પ્રભાવશાળી ધર્મગુરૂ વિષે ગોકુલે પૂરી જાણકારી મેળવી લીધી.ટેક્નોલોજીમાં માસ્ટરીનો ઉપયોગ કરીને કેરલના આર્ક બિશપનું આઈ.ડી. બનાવીને ગોકુલે રમત શરૂ કરીને એ પતિ-પત્નીને લપેટમાં લઈ લીધા.
આર્ક બિશપ તરફથી સાજુ જોઝને મેઈલ મળવા લાગ્યા અને બિચારો સાજુ એને સાચા માનીને નિખાલસતાથી જવાબ આપતો રહ્યો. પ્રસૂતિ સમયે કરૂણા પિયર હતી ત્યારે પોતે એક બજારૂ સ્ત્રી પાસે ગયેલો એવી કબૂલાત પણ સાજુએ મેઈલમાં કરી ! કરૂણાની પણ એ જ દશા હતી.પતિ સાથે નાની-નાની વાતમાં ઝઘડા થાય ત્યારે છૂટાછેડા લેવાનું મન થાય છે એવું કરૂણાએ કબૂલ કર્યું. આર્ક બિશપ તરીકે ગોકુલે સાજુને સલાહ આપી કે માય ચાઈલ્ડ, તારાથી ત્રાસીને તારી બૈરી છૂટાછેડા લેવા તત્પર છે, તો એને મુક્ત કરી દે.
અત્યાર સુધી પતિ-પત્નીએ આ અંગે ચર્ચા નહોતી કરી પણ અંતે સાજુએ કરૂણાને કહ્યું કે આપણે કેરલ જઈને આર્ક બિશપને રૂબરૂ મળવું જ પડશે. એ લોકો કેરલ ગયા અને આર્ક બિશપને મળ્યા.કેવા મેઈલ ને કેવી વાત? બિશપે આશ્ચર્યથી પૂછયું અને આ કોઈની ગંદી મજાક છે એમ સમજીને એ પતિ-પત્ની પાછા બેંગ્લોર આવી ગયા. આ ઘટનાના પરિણામે એ બંનેપરસ્પર વધુ નજીક આવી ગયા.
પોતાનો આ દાવ નિષ્ફળ જવાથી ગોકુલના લમણાંની નસો હવે ફાટફાટ થતી હતી. ગુસ્સા ઉપર કાબૂ મેળવીને એણે વિચાર્યું કે સાજુ જોઝ જીવતો રહે અને કરૂણા પોતાની બને એ માટે હવે શું કરી શકાય? સાજુને કોઈક કાવતરામાં ફસાવીને જોલાંબા સમય માટે જેલમાં ધકેલી શકાય તો કરૂણા તરત પોતાના આશરે આવી જાય. નાર્કોટિક્સના કેસમાં સાજુને પકડાવી દેવાય તો એ જલ્દી બહાર ના આવી શકે. પરંતુ નાર્કોટિક્સના ખેલમાં ઝંઝટ વધી જાય. ક્યાંકથી ડ્રગ્ઝ પણ લાવવી પડે. એ કામ સરળ નહોતું.
આવું વિચારતી વખતે અચાનક ગોકુલની આંખ ચમકી. ડિસેમ્બર,૨૦૧૪માં ઈસ્લામિક સ્ટેટ તરફી ટ્વીટર હેન્ડલર મહેદી મસૂરની બેંગ્લોર પોલીસે તાબડતોબ ધરપકડ કરેલી અને દિલ્હીથી પણ અધિકારીઓ દોડી આવેલા. ગોકુલે ખતરનાક પ્લાન વિચારી લીધો. ઈસ્લામિક સ્ટેટ આફ ઈરાક એન્ડ સીરિયા (ૈંજીૈંજી) ના આતંકવાદી તરીકે સાજુની જો ધરપકડ થાય તો એ છૂટી ના શકે. સાજુની એવી ઓળખ પ્રસ્થાપિત કરી દેવા માટે ગોકુલ હવે સક્રિય બન્યો.
પાડોશી અને મિત્ર તરીકે સાજુ અને કરૂણા પોતાના બંને સંતાનની સાથોસાથ ગોકુલની દીકરીની પણ સંભાળ રાખતા હતા. ભરોસો રાખીને એમના ફ્લેટની એક ચાવી પણ એમણે ગોકુલને આપેલી હતી. ગોકુલે એમના ફ્લેટમાંથી સાજુના બધા સટફિકેટસ્ અને પાસપોર્ટની ઉઠાંતરી કરી. એ પેપર્સના આધારે સાજુના નામે નવો મોબાઈલ અને બે સિમકાર્ડ પણ ખરીદી લીધા.
હવે ? ગોકુલનું સેતાની દિમાગ ધંધેે લાગી ગયું હતું. એવો જબરજસ્ત પ્લાન બનાવવાનો હતો કે સાજુ દસ-બાર વર્ષ માટે જેલમાં ધકેલાઈ જાય અને પોતે કરૂણા ઉપર કબજો જમાવી શકે.
સપ્ટેમ્બર,૨૦૧૫ નો આરંભ થયો એ પછી ગોકુલ ચોવીસેય કલાક એ જ વિચારમાં ડૂબેલો હતો. પોતાની જાતને સી.બી.આઈ.ના અધિકારી તરીકે રજૂ કરીને એણે દિલ્હીના બે મોટા ઉદ્યોગપતિના અંગત મોબાઈલ નંબર પણ મેળવી લીધા હતા.પોલીસ સાજુને પકડે અને એના ઘરની તલાશી લે ત્યારેISIS ના આતંકવાદી તરીકે સાજુની પાકી ઓળખ મળે એ માટે સાજુના બેડરૂમના કબાટમાં ગોકુલે ત્રણ વસ્તુ પણ સંતાડી દીધી હતી. મુસ્લિમો જ પહેરે એવી સફેદ ઝીણા કાણાંવાળી માથાની ગોળ ટોપી, પૂજા માટે મણકાની તસબી અને એક ધારદાર ખંજર!
આટલી પૂર્વ તૈયારી પછી ચોથી તારીખે બપોરે ગોકુલે સાજુના નામે ખરીદેલો મોબાઈલ હાથમાં લીધો.ISISના આતંકવાદી સુલેમાન તરીકે એણે દિલ્હી ફોન જોડયો. ભારતી એરટેલના સુનિલ મિત્તલને ધમકી આપી કે જીવતા રહેવું હોય તો ચૂપચાપ દસ કરોડ રૂપિયા આપવા પડશે. અલબત્ત, આ નાનકડી ધમકી તો માત્ર એક ટ્રેલર હતું. ખરી રમત તો રાત્રે કરવાની હતી.
રાત્રે સવા વાગ્યાથી પરોઢના સાડા પાંચ વાગ્યા સુધીમાં ગોકુલે વોટસેપ મેસેજ કરીને એવી તેર ધમકી આપી કે ખળભળાટ મચી ગયો. બેંગ્લોરના કેમ્પાગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના સિક્યોરિટી અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા.ISISના આતંકવાદી સુલેમાનના નામે આ બંને એરપોર્ટના સિક્યોરિટી અધિકારીઓને મોકલાવેલી ધમકીઓ આ મુજબ હતી.
ઈસ્લામિક સ્ટેટ જીતશે. આ વાક્ય દરેક ધમકીના આરંભમાં કોમન હતું.
એરફ્રાન્સની પેરિસ જતી ફ્લાઈટ હવામાં જ ફૂંકાઈ જશે!
એરફ્રાન્સની જેદ્દાહ જતી હજ ફલાઈટના હવામાં જ ભૂક્કા નીકળી જશે.
જર્મની જતી લુફથાન્સાની ફ્લાઈટ આકાશમાં ભડકે બળશે.
ભારતને બરબાદ કરી નાખશું. અલ્લાહ અમારી સાથે છે. તાકાત હોય તો રોકો.
આજે આકાશમાં ખતરનાક મોતની આતશબાજી જોવા તૈયાર રહો.
એરપોર્ટના કાર્ગો સેન્ટરમાં ત્રણ બોમ્બ ગોઠવાઈ ગયા છે.બપોરે ત્રણ વાગ્યે ધડાકા થશે.
અમારા કોઈ માણસને શોધવાની તમારી હેસિયત નથી. તાકાત હોય તો માત્ર બોમ્બ તો શોધી બતાવો.
-આ વોટસેપ મેસેજ મળ્યા પછી બંને એરપોર્ટ ઉપર અફરાતફરી મચી ગઈ. સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્પેશિયલ ટીમે બંને સ્થળે મોરચો સંભાળી લીધો. જે ફ્લાઈટ ઉપડી ગઈ હતી એને તાબડતોબ પાછી બોલાવવામાં આવી અને બીજા વિમાનો ખાલી કરાવીને એને આઈસોલેશન બંકરમાં લઈ જઈને સઘન ચકાસણી હાથ ધરવામાં આવી. મુસાફરો અટવાઈ ગયા અને માલ-સામાનના બંડલો પણ રઝળી ગયા. સતત બાર કલાકની ચકાસણી પછી સબસલામતની ખાતરી થઈ. આ સમય દરમ્યાન વિમાની કંપનીઓ અને એરપોર્ટ ઓથોરિટીને કુલ સાડા છ કરોડનું નુકસાન વેઠવું પડયું.
બેંગ્લોરમાં સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સતત સક્રિય જ હતા. દોડાદોડી કરીને એમણે સિમકાર્ડ આપનાર મોબાઈલની દુકાન શોધી કાઢી હતી. સોમવારે સવારે આખી ટૂકડી પૂરા બંદોબસ્ત સાથે સાજુ જોઝના ફ્લેટ પર પહોંચી. સાજુ જોઝ અને કરૂણા તો રીતસર ડઘાઈ ગયા. એ જ વખતે ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ પકડી પાડયું કે સિમકાર્ડ સાજુ જોઝના નામનું છે, વોટસેપ મેસેજ પણ એના ઉપરથી જ કરવામાં આવેલ છે પરંતુ એનું લોકેશન આ ફ્લેટના જ બીજા બ્લોકનું છે ! એ લોકેશનના આધારે આખી ટીમ પહોંચી ગોકુલના ઘેર અને એને દબોચી લીધો!
સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચની આફિસમાં એક ખૂણે સાજુ જોઝ અને કરૂણા ઊભા હતા અને બીજા છેડે નત મસ્તકે ગોકુલ ઊભો હતો. એકબીજાની સામે નજર મેળવવાનું પણ એમણે ટાળ્યું હતું.
કેન્દ્ર સરકારની ટૂકડીઓ પણ પૂછપરછ માટે આવી ગઈ હતી. સપ્રેશન ઑફઅનલૉફૂલ એક્ટસ્ અગેઈન્સ્ટ સેફ્ટી ઑફ સિવિલ એવિએશન એક્ટ, ૧૯૮૨ ઉપરાંત આઈ.પી.સી.ની અલગ અલગ કલમો આ કેસમાં લગાવવામાં આવી હતી.
સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચના આફિસરોએ પૂછપરછ કરી. એ લોકોને કરૂણા અને સાજુની નિર્દોષતા ઉપર વિશ્વાસ બેઠો. કલાકો સુધી પૂછપરછ કર્યા પછી એ બંનેને બેંગ્લોર નહીં છોડવાની શરતે ઘેર જવા દીધા.
એ પછી ગોકુલની પૂછપરછ તે ખૂબ લાંબી ચાલી. એમાં એ અધિકારીઓએ લગીર પણ દયામાયા ના રાખી. એમની આકરી પૂછપરછ સામે ટકી રહેવાની ગોકુલની હેસિયત નહોતી. પેલા લોકો પૂછતા રહ્યા અને પોપટની જેમ ગોકુલ બોલતો રહ્યો. સાજુના ડોક્યુમેન્ટસ્ ચોરીને એના નામે નવો મોબાઈલ અને સિમકાર્ડ ખરીદીને એણે દિલ્હીના ઉદ્યોગપતિને અને એરપોર્ટ ઓથોરિટીને કઈ રીતે ધમકી આપી એ તમામ કબૂલાત કરી લીધી.
પૂછપરછ એવી આકરી હતી કે ગોકુલ પૂરેપૂરો ભાંગી પડયો હતો. પોતાના પ્રથમ પ્રેમની પ્રેમિકાને પામવા માટે એના રસ્તામાં બે આડખીલી હતી. કરૂણાના પતિ સાજુ જોઝને આતંકવાદી તરીકે ઠસાવીને એને લાંબા સમય સુધી જેલમાં મોકલવા માટે પોતે આ કારસ્તાન કર્યું હતું - આ કબૂલાતની સાથે એણે એ પણ કબૂલી લીધું કે પહેલી આડખીલી પોતાની પત્ની અનુરાધા હતી અને કરૂણાને પામવા માટે એને તો જૂન મહિનાના એન્ડમાં જ ખતમ કરી નાખી હતી. જ્યોતિષના નામે એને ભોળવીને એના માથામાં ગણેશજીની મૂત ફટકારીને પોતે જ એની હત્યા કરી હતી અને પોલીસના હાથમાંથી બચી ગયો હતો!
એની કબૂલાતમાં કરૂણા સાથે પ્રેમની વાત-પ્રણયત્રિકોણની કથા આવી એટલે પોલીસને શંકા પડી કે કરૂણા પણ કદાચ આ સેતાનની સાથે સંકળાયેલી હશે અને એણે જ બધા ડોક્યુમેન્ટસ ગોકુલને આપ્યા હશે. આ માટે ત્રણ મહિલા પોલીસ અધિકારીઓ અને બે કાઉન્સિલર-આ પાંચની ટૂકડીએ કરૂણાની કલાકો સુધી દરેક દ્રષ્ટિકોણથી પૂછપરછ કરી. કરૂણાએ નિખાલસતાથી કબૂલ્યું કે મુગ્ધવયે ગોકુલ સાથે પ્રેમ હતો, પરંતુ એની જ્ઞાાતિ અલગ હતી એટલે મારા વડીલોએ ના પાડી અને મને સાજુ જોઝ સાથે પરણાવી દીધી. ગોકુલના આવા ખતરનાક પ્લાનની મને તો કલ્પના પણ નહોતી.-એની કેફિયત સાંભળીને મહિલા ટીમે કરૂણાને નિર્દોષ જાહેર કરી.
બોમ્બની ધમકીના અપરાધ કરતાંય અનુરાધાની હત્યાનો મામલો બેંગ્લોરની પ્રજામાં વધુ સંવેદનશીલ બનીને ચર્ચાઈ રહ્યો હતો. ગોકુલની કબૂલાત પછી પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નરે વિગતવાર માહિતી આપીને કહ્યું કે માત્ર આરોપીની કબૂલાત ઉપરાંત અમારે અન્ય આનુસંગિક પુરાવાઓની પણ જરૂર પડશે. એ માટે અમારી ટીમ સતત પ્રયત્ન કરી રહી છે. મોબાઈલ શોપના માલિકે ગોકુલને ઓળખી લીધો છે. અનુરાધાની હત્યામાં વપરાયેલ ગણેશજીની મૂત ફોરેન્સિકમાં મોકલી આપવામાં આવી છે.
ગોકુલ માછેરીના પિતા ગોપાલદાસ આવીને ક્રાઈમબ્રાંચના અધિકારીઓને કરગરેલા કે ગોકુલ નિર્દોષ છે, એની માતા કેન્સરથી પીડાય છે અને એ પુત્રને મળવા તરસે છે. એ વૃદ્ધની લાગણી સાચી હતી પરંતુ ગોકુલ વિરૂદ્ધના પુરાવાઓ જડબેસલાક હોવાથી અમારે તેમને નિરાશ કરવા પડયા.
એના કુકર્મોને લીધે ગોકુલ તો જેલમાં ગયો, પણ એ પછી એક નાનકડી સંવેદનશીલ કથાએ આકાર લીધો. ગોકુલ અને અનુરાધાની નાનકડી દીકરીનું શું? બે વર્ષની એ માસુમ દીકરીએ ત્રણ મહિના અગાઉ માતા ગૂમાવી અને હવે પિતા જેલના સળિયા ગણે છે-તો એ બાપડી ક્યાં જાય?'
કરૂણાએ લાગણીશીલ બનીને નિર્ણય લીધો. 'આમ પણ ગોકુલની દીકરીને અમારા બંને સંતાનની સાથે સારું બને છે. અનુરાધાએ અણધારી વિદાય લીધી એ પછી દિવસો સુધી એ અમારી સાથે જ રહેલી.' કરૂણાના અવાજમાં સાચી લાગણીની ભીનાશ છલકાતી હતી. 'ગોકુલે ભૂલો કરી છે, માફ ના કરી શકાય એવા દુષ્કૃત્યો એણે કર્યા છે ત પરંતુ એણે જે કંઈ કર્યું એ મારા માટે જ કર્યું છે એટલે મારી પણ કંઈક ફરજ બને છે. એની આ માસુમ દીકરીને હું મારા સંતાનોની સાથે- એમના જેટલા જ સ્નેહથી ઉછેરીશ.' પતિ સાજુ જોઝની સામે આદરભાવથી તાકીને એણે ઉમેર્યું. 'મારા પતિએ આ માટે મને અનુમતિ આપી એ બદલ હું એમની ણી છું. આવા દેવતા સમાન પતિ મળ્યા એ મારું સદભાગ્ય છે.'
ગોકુલ જેલમાં છે. કરૂણા (સાચું નામ ધન્યા બાબુ ) અને સાજુ જોઝના દીકરા અને દીકરીની સાથે ગોકુલ-અનુરાધાની દીકરીનો પણ એટલા જ પ્રેમથી ઉછેર થઈ રહ્યો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39vsEDJ
ConversionConversion EmoticonEmoticon