- એક સમય હતો જ્યારે મુંબઇ પોલીસની સરખામણી સ્કોટલેન્ડ યાર્ડની પોલીસ સાથે થતી
- એસીપી મધુકર ઝેંડે
- રામન રાઘવનને ઝડપી લેનારા એલેક્સ ફિઆલ્હો
૧૯ ૬૭-૬૮ની વાત છે. મુંબઇની સડકો પર સુતેલા લોકોની કોઇ વાંક ગુના વિના કે પૂર્વ ઉશ્કેરણી વિના હત્યા થવા માંડી હતી. હત્યારો મનોવિકૃત હોય એમ દસ-પંદર કિલો વજનનો પથ્થર ગમે તેને માથે ફટકારી દેતો. પછી નાસી જતો. હજારો ગરીબો મુંબઇની સડકો પર સુતા. એ બધા ફફડી ઊઠયા હતા. મુંબઇ પોલીસના એેક જાંબાઝ અધિકારી એલેક્સ ફિઆલ્હોએ એ હત્યારા રામન રાઘવનને ઝડપી લીધો હતો. તાજેતરમાં રામન રાઘવન વિશે ફિલ્મ બની ત્યારે ફિલ્મ સર્જકને એલેક્સે ખૂબ મહત્ત્વની માહિતી પૂરી પાડી હતી. ૨૦૨૦ના નવેંબરમાં ૯૨ વર્ષની વયે એલેક્સ ફિઆલ્હોનું અવસાન થયું.
*આંતરરાષ્ટ્રીય અપરાધી કહેવાય એવા હત્યારા, રેપીસ્ટ, લૂંટારા ચાર્લ્સ સોભરાજને ૧૯૮૬માં ગોવાની એક રેસ્ટોરાંમાં ચીકન ખાતો ઝડપી લેનારા મુંબઇ પોલીસના ચબરાક અધિકારી મધુકર ઝેંડેને કોઇ કેવી રીતે ભૂલી શકે ? ચાર્લ્સ સોભરાજનો કેસ પણ આખી દુનિયાને ચકાચોંધ કરી ગયો હતો. એણે જે આયોજનપૂર્વક અપરાધો કર્યા હતા એનો જોટો અંધારી આલમમાં જડે એમ નથી.
તાજેતરમાં મૂકેશ અંબાણીના ઘર નીચે વિસ્ફોટક ભરેલી કાર મૂકનારા મુંબઇ પોલીસના એક અધિકારી સચિન વાઝે ઝડપાયા. એ પછી પોલીસ કમિશનર પરમવીર સિંઘ અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન એનસીપીના અનિલ દેશમુખ વચ્ચે જે વિવાદ સર્જાયો એ સંદર્ભમાં મુંબઇ પોલીસનો ભવ્ય ભૂતકાળ તરત યાદ આવી જાય. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેના પિતરાઇ ભાઇ રાજ ઠાકરેએ એક ટીવી ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે એક સમય હતો જ્યારે મુંબઇ પોલીસની સરખામણી સ્કોટલેન્ડ યાર્ડની પોલીસ સાથે થતી.
સાવ સાચી વાત છે. ૧૯૫૦ના દાયકામાં તો હસમુખા પારસી અધિકારીઓ મુંબઇ પોલીસમાં હતા. જાલ કોન્ટ્રેક્ટર નામના પારસી અધિકારીની જબરી ધાક હતી. આ પારસી બાવા હસતાં હસતાં પણ ગમે તેવા રીઢા અપરાધીને બોલતો કરી દેતા. એમના જેવીજ ગુનાશોધનની ખૂબી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી વિનાયક વાકટકર અને સુરેશ પેંડસેની હતી. ૧૯૫૦ અને ૧૯૮૦ વચ્ચે જે અધિકારીઓ મુંબઇ પોલીસમાં હતા એમની લગભગ દરેકની કારકિર્દી સરસ ક્રાઇમ નોવેલ (નવલકથા) લખી શકાય એવી હતી. કાંદીવલી બોરિવલીના એક માથાભારે 'ભાઇ'ને એક જાંબાઝ પોલીસ અધિકારીએ કૂતરાની જેમ ગળામાં સાંકળ બાંધીને ભરી બજારે ફેરવ્યો હતો.
પછી કોણ જાણે શી રીતે, મુંબઇ પોલીસને કોઇની બૂરી નજર લાગી ગઇ. જુલિયો રિબેરો પોલીસ કમિશનર હતા ત્યારે વરદરાજન નામના એક દક્ષિણ ભારતીય ડોને રિબેરોને એક વિડિયો ક્લીપ મોકલી હતી. એમાં મુંબઇ પોલીસના ગણવેશધારી અધિકારીઓ વરદરાજનને ત્યાં પાર્ટીમાં બેધડક શરાબ પીને ઝૂમી રહેલા જોઇ શકાતા હતા. રિબેરો સમસમીને રહી ગયેલા. એક સૂત્રના કહેવા મુજબ હાલ કરાચીમાં વસતા ડોન દાઉદ ઇબ્રાહિમે મુંબઇ પોલીસના અધિકારીઓને કહ્યાગરા બનાવી દીધા હતા. દાઉદ આ લોકોને શરાબ અને શબાબ (સેક્સ) પૂરાં પાડતો અને દર મહિને બાંધેલી રકમ જે તે અધિકારીને ઘેર પહોંચી જતી.
ક્રાઇમ રિપોર્ટીંગ કરનારા પત્રકારો તો તેથી પણ આગળ વધીને કહે છે કે કરાચીમાં બેઠાં બેઠાં દાઉદે પોતાની હરીફ ગેંગના કેટલાક ટપોરીઓના પ્લાન્ટેડ એન્કાઉન્ટર્સ કરાવ્યા હતા. એક સમયે દુનિયાભરમાં વખણાતી મુંબઇ પોલીસ સામે છેલ્લા થોડા સમયથી શંકાની સોય તણાતી થઇ ગઇ. અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના કહેવાતા આપઘાતના કેસે અને હવે મૂકેશ અંબાણીના ઘર નીચે વિસ્ફોટક ભરેલી કારના મુદ્દે મુંબઇ પોલીસની આબરુને ધૂળધાણી કરી નાખી. સચિન વાઝે અને પરમવીર સિંઘના કેસ ક્યાં જઇને અટકશે એ કહેવું મુશ્કેેલ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wcWuXg
ConversionConversion EmoticonEmoticon