- પહેલા-બીજા પ્રેમ ઘણી વાર કાચા, અપરિપકવ કે અધૂરા આકર્ષણના આવેગની ભરતીવાળા હોય. સાચો પ્રેમ પછીથી પણ મળી શકે.
ના સાના રોવર મિશનના હેડ તરીકે બિંદી લગાવી કામ કરનાર સ્વાતિ મોહનની તસવીરો વાઈરલ થઈ. પછી અમેરિકાના નવા પ્રેસિડેન્ટ જો બાઈડેને એની સાથે વાતો કરી. એક વર્ષની ઉંમરે જ અમેરિકા આવી જનાર સ્વાતિનો ઇતિહાસ પણ નવા ઉપપ્રમુખ કમલા હેરિસ જેવો છે. સ્વાતિએ પ્રમુખ બાઈડેનને કહ્યું કે બચપણમાં ટીવી પર 'સ્ટાર ટ્રેક' સીરિઝ આવતી. એ જોઈને એને સ્પેસ સાયન્સમાં રસ પડયો. એમાં જે રીતે સ્ત્રી-પુરૂષોની ટીમ એકબીજા જોડે કામ કરતી હતી, એમ એ ય નાસાની ટીમને લીડ કરે છે. બાય ધ વે, અત્યારે નાસા કાર્યવાહક ચીફ ઓફ ઓપરેશન્સ તરીકે ય એક ભારતીય સ્ત્રી છે : ભવ્યા લાલ. ભવ્યા સ્પેસ રિસર્ચર છે. ઈલોન મસ્કના સ્પેસ એક્સ જેવા પ્રોજેક્ટસ પર રિસર્ચ બેઝ્ડ લેખો લખી ચૂકી છે. અમેરિકાની ડિફેન્સ ટેકનોલોજી અંગે ય. નવી સરકારે ટિપિકલ વેસ્ટર્ન મેરિટોક્રસી સ્ટાઈલમાં નોલેજ ને રિસર્ચને મહત્વ આપીને ભારતીય રંગ, નામ, ઓળખ, મૂળ ધરાવનાર ભવ્યાને નાસા સોંપ્યું છે.
નાસાના નામે પૂર્વ ગર્વનર ને કમિશ્નર કિરણ બેદી ય ધુપ્પલ ગપ્પાના જીંગોઈસ્ટિક મિથ્યાભિમાની મેસેજ ફોરવર્ડ કરે / ટ્વીટ કરે તે અન્ય કેટલાય સાવ ખોટેખોટી નાસાએ કહ્યું છે કહીને કોઈ પૌરાણિક ગપ્પાષ્ટકને ઓથેન્ટિક ઠેરવતી ફેંકોલોજી ચલાવે એ જ દેશની આ યુવતીઓ છે. ફરક એ છે કે, એ મેસેજ ફોરવર્ડિયા મિથ્યાભિમાનને બદલે ઈન્ડીપેન્ડન્ટ થઈ અમેરિકન સીસ્ટમમાં, સાચુકલું સાયન્સ ભણી, એક્સપર્ટ બની ને દુનિયામાં નામ કાઢે છે. ખુદનું નામ, અરે બિંદી પણ બદલ્યા વિના.
નાસાનું નામ પડે કે કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ એ સ્ત્રીઓ ય જરૂર યાદ આવે. આપણે બહુ પ્રેરણા લીધી એમાંથી શાળાએ શાળાએ. પણ નામ મુજબ જ સુનિતાએ આંતરજ્ઞાાતીય નહિ, આંતરધર્મીય/ઈન્ટરરેશિયલ લવ મેરેજ કરેલા છે, એ ભૂલી ગયા! કલ્પના ચાવલાના પતિનું નામ છે : જ્યાં પિયરે હેરિસન. એ ય સેમ ટુ સેમ. ઈન્ટરકાસ્ટ નહિ, ઈન્ટરરિલિજીયસ/રેસિયલ. કલ્પનાના ૨૦૦૩ની કોલંબિયા દુર્ઘટનામાં અકાળ મૃત્યુ બાદ એની યાદોને પ્રાઈવેટ રાખવા માંગતા પતિએ એના ફિલ્મ રાઈટ્સ લખલૂટ પૈસા મળતા હોવા છતાં કોઈને વેચ્યા નહિ. દિવંગત પત્નીની જીવનકહાની કહેતું પુસ્તક જરૂર લખ્યું : 'ધ એજ ઓફ ટાઈમ'. કિન્ડલ પર ૨૩૦ રૂપિયા એટલે સવા બે લીટર પેટ્રોલના ભાવે ઉપલબ્ધ છે. નેચરલી, આવા લગ્નો બાય ફોર્સ કે એરેન્જ્ડ ન હોય. બાય ચોઇસ હોય. યાને પ્રેમલગ્નો. હેરિસને પછી પુન:લગ્ન પણ કર્યા છે.
હવે આકાશમાંથી ધરતી પર આવી જઈએ. રાધર, પટકાઈએ. અમદાવાદની આયેશા. કેટલું મીઠું બોલીને, હસતા હસતા ફરી આ માણસોની દુનિયામાં ન આવવાની વ્યથા વ્યક્ત કરી સાબરમતીમાં સમાઈ ગઈ! ઘોર નફરતના યુગમાં મહોબ્બતનો સૈલાબ ઉમટી પડયો ગુજરાતમાં. હિન્દુ-મુસ્લીમ બધું ભૂલાઈ ગયું. જેણે એની વાત સાંભળી/જોઈ એનું હૃદય સંવેદનાથી ભરાઈ ગયું. બધા જ ગુજરાતીઓએ શોક મનાવ્યો એક મુલાયમ દિલ ધરાવતી જિંદગીના અકાળ આપઘાતનો. તો ય ઘણા લેફ્ટ લિબરલ્સ પીલૂડાં પાડયા કરશે ગુજરાત કોમવાદી છે! અલ્યા, મૂળભૂત હિંદુ સંસ્કૃતિ જ માનવતાવાદી વધુ ને ધાર્મિકતાવાદી ઓછી છે, એટલે તો અહીં દિમાગમાં ઝેર ભરવા ખાસ જહેમત ઉઠાવ્યા કરવી પડે છે. મોહન મુરારિથી મોહનદાસ સુધી આ દેશ પ્રેમનો બન્યો છે. પોથી પઢકર જગ મૂઆ પંડિત ભયા ન કોઈ, ઢાઇ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય કબીર કહે કે પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે નરસિંહ કહે. પણ આપણે આ સારપ હાઈલાઇટ કરવામાં શરમાઈએ એવી એક ખાલીખોપરી ડિજીટલડફોળોની જનરેશન પેદા થઈ ચૂકી છે. સુપ્રિમ કોર્ટે હમણા લવ મેરેજીઝને સંવૈધાનિક ઠેરવતો વધુ એક રિમાઇન્ડર આપી આ બાબતે પોલિસવાળાને એજ્યુકેટ કરવા કહેલું!
એની વે, આયેશા પર જે કહેવાલખવા કરતા તો દિલથી અનુભવવા જેવું હતું, એ બધાએ અનુભવી જ લીધું છે. એનું પુનરાવર્તન નથી કરવું. પતિ આરીફની ધરપકડ પણ થઈ, ને એણે એને માર મારતો હોવાની કબૂલાત પણ કરી. પોશ વિસ્તારની મિલકતોનું ભાડું આવતું હોવા છતાં એને દહેજ જોઈતું હતું. આયેશાએ મા-બાપના વખાણ કર્યા મરતાં પહેલાં. પણ પિતાની વાત એને પતિના 'મરી જા ને વિડિયો મોકલજે'ના મહેણા પછી આવેલા ધક્કાથી જીવ દેતા રોકી ન શકી. આપઘાત એક ક્ષણનો, આવેશનો અને પછી એને અનુકૂળ એકાંતનો મામલો હોય છે. ડિપ્રેશન જો કે, એ તરફ એક દિવસમાં નથી લઈ જતું. ટીંપેટીંપે એનું સંવેદનશીલ દિલમાં કાળું સરોવર છલકાતું હોય છે.
પણ આ બાબતે તો ઘણું સાચું અગાઉ લખાઈ જ ગયું છે. માટે જે બાબતે ઝટ ધ્યાન નથી જતું પણ આવા કિસ્સાઓમાં ક્યાંક એની ય ભૂમિકા હોય છે. એની વાત કરીએ. લેટ્સ સ્ટાર્ટ વિથ એવરફ્રેશ ઓબ્ઝર્વેશન ઓફ ઓશો. ઓલમોસ્ટ અડધી સદી પહેલાનું સચોટ તારણ.
''જે સમાજ પ્રેમ વિના, સામાજીક વ્યવસ્થાથી વિવાહપ્રથા ચાલુ રાખે એ સંપૂર્ણ દહેજમુક્ત નહિ થઈ શકે. દહેજ મુક્તિનો એક ઉપાય છે : યુવક-યુવતી વચ્ચે મા-બાપ કે સમાજ ઉભા ન હોય. દહેજ હંમેશાથી રહ્યું - ક્યાંક છોકરીઓ તરફથી અપાય છે, ક્યાંક છોકરાઓ તરફથી. પણ મિલનની, લગ્નની સહજ પ્રાકૃતિક વ્યવસ્થા આપણને માન્ય નથી. સમાજ પ્રેમનો દુશ્મન છે. પંડિત-પુરોહિત-મૌલવી, કુંડળી, મા-બાપ, સમાજ લગ્નો નક્કી કરશે ત્યાં ધન/વિક્રય (વેપાર) ચાલુ થશે. જે બે વ્યક્તિ વચ્ચે ખરેખરો પ્રેમ હોય તો પૈસો વચ્ચે આવે જ નહિ. ન હોય, તો પછી સંબંધ જ પૈસા જોઈને પૈસા થકી પૈસા માટે કરાય છે. પણ મા-બાપને, આપણને દહેજ સહન થાય છે. પ્રેમ સહન નથી થતો. જીવનમાં એથી મોટી અનીતિ શું કે એક પુરૂષ કે એક સ્ત્રી એવી વ્યક્તિ સાથે આખું જીવન વીતાવવા તૈયાર થઈ જાય, જેને એ ચાહતા જ નથી. આ જ મોટી અનૈતિકતા છે ચોમેર. સાત ફેરા કાનૂની, પણ લવ ગેરકાનૂની! આદમ ને ઇવ ગાર્ડન ઓફ ઇડનમાં મજા કરે પણ જ્ઞાાનવૃક્ષનું ફળ ખાઈ આકર્ષણ અનુભવે તો પાપ થઈ ગયું!
જ્યાં સ્ત્રી સાચા અર્થમાં શિક્ષિત થઈ, ત્યાં સ્વતંત્ર થઈ. સ્વાધીન થઈ પછી પિતા કે પતિએ લઈ આપેલી ભેટો કે ઘરેણાઓ વચ્ચે ઢીંગલીની જેમ બેઠા રહેવાની વાતને જીવન નહિ માને. બધા ધર્મોના ગુરૂઓ સ્ત્રીઓથી ડરતા હોય એમ એમના માટે ખાસ નિયમો ને પ્રતિબંધો બનાવ્યા. ઇસ્લામમાં એને સેકન્ડરી સિટીઝન બનાવી દેવાઈ. બ્રહ્મચર્યના નામે એને માયા અને પ્રલોભન ગણી દૂર રખાઈ. સંસારમાં સમાનતા આવી જ નહિ! એરિસ્ટોટલે વિજ્ઞાાન ને દર્શનનો પાયો નાખ્યો ગ્રીસમાં. પણ કહેતો કે પુરૂષો કરતા સ્ત્રીઓના મોંમાં ઓછા દાંત છે! એને બે પત્નીઓ હતી. મોઢું ખોલીને ગણી લીધા હોય તો ય ખબર પડત કે કેવી અવૈજ્ઞાાનિક વાત કરે છે. પણ ત્યાં પુરૂષ ચિત્તનો અહંકાર હતો. સ્ત્રી કબજામાં રહે, ગુલામની જેમ રહે એ ભાવ હતો. ત્યાં તાર્કિકતા પૂરી, જોહૂકમી ને નિયમો-પ્રતિબંધો શરૂ. આવા સંસારમાં સ્ત્રી નોકરાણીની જેમ ઘરનું કામ કરીને કજીયાકંકાસની સાથી બની શકે પણ પ્રેમની જીવનસાથી નહિ! પછી ડરને લીધે સુરક્ષાના નામે લગ્નમાં ય એકબીજા માટે પુરૂષ ને સ્ત્રી પ્રેમનો અભિનય કરતા થઈ જાય!''
કડવું સત્ય ત્યારે ય નહોતું પચતું. આજે ય ફ્રેશ લાગે છે. મતલબ, વિકાસ કાર, ફોનનો મોડલનો થયો. સોચનો નહિ. એ જ દકિયાનૂસી વિચારો. ક્યારેક સ્ત્રી 'હલકામાં હલકું' કહી કોઈ માંગણી કરે લગ્નમાં કોઈ મોંઘેરી જણસતી. ક્યારેક પુરુષ દહેજ માંગે. મા-બાપ પણ કરિયાવર દીકરીને દુ:ખ ન પડે એ માટે આપે. મોટું ઘર ને સોહામણો નર જુએ. પણ વરવધૂને મેળ પડે એવો સ્વભાવ છે કે કેમ એ ન જુએ !
દહેજ બાબતે તો ખાસ્સા અવાજો ઉઠયા, કડક કાયદાઓ બન્યા (જેનો દુરૂપયોગ પણ થાય છે), ફિલ્મો સીરિયલો બની, આધુનિક નારીઓએ ચોરીમાંથી પાનેતર સાથે ઉભા થવા જેવા બોલ્ડ સ્ટેન્ડ પણ લીધા. તો ય એની ભૂખ ભરખતી જાય છે, આજે ૨૧મી સદીના ૨૧ વર્ષે ય. આપણી આસપાસ ટીવીના ને સ્કૂટરના શેઇપ ફરી ગયા પણ આ ચણીબોરના ઠળિયા જેવા અમુક દિમાગોનો વિકાસ ન થયો. દેવું કરીને ફુલેકાં વરઘોડા કાઢો, બીજાને દેખાડવા ને એના પ્રમાણપત્રો લેવા કીમતી આણું તૈયાર કરો. લગ્ન છે કે શોરૂમનો ડિસ્પ્લે ? અમુક વિધિઓ બરાબર કે ઇટ્સ ફન. મજા આવે ને કશુંક સ્પેશ્યલ લાગે. પણ આ શું દેખાડાના આવા ધખારા ? આખા ગામની વાહવાહી લઇને રહેવું છે તો એ જ ઘરમાં ને ! ચાર લોગ ક્યા કહેંગેના પ્રેશરમાં મરવાના વિચાર આવે તો એ ચાર લોગ કાંધ દેવા જ આવશે. એ ડાઘુઓ માટે ડાચું લટકાવવાનું ? એન્જીનીઅર કે ડોક્ટર કે સરકારી નોકરિયાત છોકરા (ને અમુક કેસમાં છોકરીનું એમેઝોનડોટકોમ પર હરાજીમાં મુક્યા હોય એમ મેટ્રિમોનિયલમાં ભાવબાંધણું થાય! અરે, જેમની માથે પ્રોગ્રેસીવ કાયદા પળાવવાની જવાબદારી છે એવા સિવિલ સર્વિસ ઓફિસરો - આઈએએસ, આઈપીએસમાં ય અમુક જગ્યાએ આ દૂષણ છે! ધૂળ પડી એવા ભણતરમાં જે તમને રૂઢિચુસ્ત રિવાજોમાંથી ખુદની જાત પૂરતા ય આધુનિક ન બનાવે તો. કઈ જાતનો ઉચ્ચ વર્ગ જે માણસને માણસ તરીકે ન જોઈ શકે? નીચતાનું તળિયું કહેવાય આ. તમારે હસબન્ડ જોઈએ છે કે શો કેસમાં મૂકવાનું શિલ્ડ?
વાઇફ જોઈએ છે કે જ્વેલરીની દાબડી? તો પછી એવા ઉંચા ભાવે બજારમાં વેચાતી શોપીસ કરતા લોકડાઉનમાં જીવનસાથી સાથે પગપાળા ઘેર જનારા મજૂર પરિવાર સુખ નહિ? જ્ઞાાતિવાદનો અજગરભરડો ઓછો છે કે હવે પરંપરાનો નાગપાશ લઈ ભીંસાવ છો? ભૂતકાળની જ ખણખોદ કરતો વર્તમાન સમાજ ભવિષ્યમાં કશું ઉકાળી ન શકે!
યસ, આ ય નાની નાની સાંકળો છે, જે સમય જતા કાળમીંઢ પથ્થરોની જેલ બને છે. ચમચી ચમચી ઝેર છે જે વખત જતા રગરગમાં ફેલાઈ જાય છે. ગુલામને ગુલામીની આદત પડી જાય એ સાયકોલોજીકલ કન્ડિશનિંગ કહેવાય. જેમ અંગ્રેજોએ સેવક તરીકે રાખેલા ગરીબ ભારતીયોને સલામ કરી જીહજૂર કહી જરાક લાટસા'બ કૃપા કરે તો ધન્ય થવાની રોયલ આદતો પાડી હતી. આયેશાએ વિડિયોમાં મરતી વખતે ય બુરખો પહેર્યો છે. કોઈ આશા આમ જ આપઘાતમાં ફાંસીના ફંદે લટકતી ય ઘૂમટો ઓઢણીમાં જોવા મળશે. અરબસ્તાનની બળબળતી રેતીમાં તો પુરૂષ સ્ત્રી બેઉ નખશિખ સફેદ-કાળા રોબ/ચોગા જેવા વસ્ત્રો પહેરતા. અહીં મુસ્લિમ પુરૂષો ટોપી નીચે ટીશર્ટ પહેરે પણ સ્ત્રીને બચપણથી માહોલને આદત હોય તો એ.આર. રહેમાનની દીકરીને ય એ ચોઇસ લાગે. ડિટ્ટો લાજ કાઢવી, એ સંસ્કાર લાગે! પુરૂષો પોતાના પર કંટ્રોલ ન રાખી શકે, એટલે સ્ત્રીઓને ઢાંકીને રાખો. જાણે તમારી દસ્તાવેજ કરેલી વાડી હોય નારી, એમ વાડ બાંધીને તાળામાં રાખી એને ધર્મ ને સંસ્કૃતિના રૂડારૂપાળા ઓઠાં આપી દો. ભલે એનો વર જ એને ડોમેસ્ટિક વાયોલન્સ કરીને મારઝૂડ કરે. જેને જ એને જોવાનો અધિકાર છે!
ડ્રેસથી ય આગળની વાત ડિવોર્સની છે. આપણે ત્યાં હિન્દુ-મુસ્લિમ બધા સમાજોમાં (જૂના ખ્રિસ્તી વર્ગમાં પરદેશમાં ય આમ હતું જ.) ભવોભવની પ્રીત, એક ભવમાં બે ભવ, માત્ર પહેલો પ્રેમ જ સાચો ને શુદ્ધ એવી કુંઠાઓના જાળા બનાવી દીધા છે દિમાગમાં. કહેવાતા મિડિયાપર્સન્સ હોય કે આર્ટીસ્ટસ એમાં ય ઘણા ભીતરથી ખોતરો તો આવી જ મધ્યયુગી સામંતશાહી માનસના નીકળે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાનારોને મોહનદાસ ગાંધીઓએ આયખાં ઘસી નાખ્યા, તો ય વિધવાવિવાહ હજુ ય ઘણા પાપ ગણે છે! પ્રગતિના નામે આર્થિક સહાય આપે પણ પુન:લગ્ન ન થવા દે. છૂટાછેડા લો તો બે શિંગડાને ત્રણ પૂંછડાવાળા પ્રાણી હો એમ આડોશપાડોશની કૂથલીખોર દુનિયા જોયા કરે. લિવ ઇન તો શું, બ્રેક અપની ય ઘરમાં વાત ન કરાય. ઘૂંટણ છોલાય તો ઘરવાળા પાટાપિંડી કરી દે પણ હૃદય છોલાય તો મલમની જગ્યાએ મરચું ભભરાવે! થોડું જરૂર બદલાયું છે, પણ બધું નહિ. પહેલા-બીજા પ્રેમ ઘણી વાર કાચા, અપરિપકવ કે અધૂરા આકર્ષણના આવેગની ભરતીવાળા હોય. સાચો પ્રેમ પછીથી પણ મળી શકે. ડિવોર્સ લેનારાઓમાં અમુક ઉતાવળિયા કે ઇમ્મેચ્યોર હશે, તો એને પરાણે પરણાવનારાઓનો પહેલો દોષ ગણાય. પણ સીધું જ કોઈ કપલ છૂટું શા માટે થઈ જાય? પ્રયાસ કરે. ક્યારેક સફળ પણ થાય. સમજુ વડીલો કે ધીરજવાન સલાહકારો હોય ત્યાં. હમણાં બાળકો માટે નવાઝુદ્દીને એની સેપરેટ થયેલી પત્ની આલિયાએ પેચઅપ કરી લીધું. ડિવોર્સ્ડ કપલ એકબીજાને ફરી પરણે એવું પશ્ચિમમાં ય થાય.
માઈન્ડવેલ. હવે છૂટાછેડા માત્ર પાપી પશ્ચિમી સંસ્કૃતિની કાળમુખી દેખાદેખી નથી. ગેટ રિયલ. ધરાર ચોકઠાં ને મર્યાદાના દેશમાં હવે થોડુંક ઢાંકણું ઢીલું થાય તો કજોડા. નવી પેઢી આમ પણ ઓછી સહનશીલતાવાળી છે, એ પડયું પાનું નિભાવ્યા નહિ કરે. અગાઉ પણ કહેલું છે એમ મેરેજમેચિંગમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર સેક્સ્યુઆલિટીની ખુલીને ચર્ચા જ નથી થતી. વાત્સ્યાયનના યુગમાં થતી હતી, પણ આપણે તો હવે આગળને બદલે પાછળ જવાની હોડમાં જડસુ થતા જઈએ છીએ. કોઈ સર્વે કે પર્સનલ ઓપિનિયન જવા દો. છેલ્લી વસતિ ગણતરીમાં મેરિડ, નેવર મેરિડ, ડિવોર્સ્ડ, સેપરેટેડ એવા ઓપ્શન હતા. એ સરકારી ડેટા થયો આખા દેશનો. બેશક, બધા ઓનેસ્ટ ઓપિનિયન ન જ આપે. છતાં ય એ વખતે દસકા પહેલા ય જે ડેટા હતો એ ચોંકાવનારો છે. હવે તો સમય ને વસતિ બેઉ ફરી ગયા હોય.
એ સમયે તેર લાખ આઠ હજારે ડિવોર્સ્ડ લખાવેલું જે મેરિડ પોપ્યુલેશનના ૦.૨૪ ટકા હતા ને કુલ વસતિના ૦.૧૧% આંકડો પ્રમાણમાં નાનો લાગે તો જાણો કે સેપરેટેડ - યાને લગ્ન છતાં આયેશાની જેમ અલગ રહેતા લોકો છૂટાછેડા લેનારાથી ત્રણગણા હતા! ન ભેગાં, ન છૂટા - એકલા એકલા જવાની વીતાવી - બૂઢા થવાનો સ્ટ્રેસ લગ્નના લેબલ પછી ય એની કલ્પના થાય છે. સમાજની બીકે ત્રિશંકુ અવસ્થા! ને એ વસતિ ગણતરીમાં એક કરોડથી વધુ વસતિના ભારતીય રાજ્યોમાં ગુજરાતનો ડિવોર્સ રેટ હાઇએસ્ટ હતો! પછી મહારાષ્ટ્ર, બંગાળ અને જમ્મુ કાશ્મીર હતા! ગુજરાતમાં વધેલી કન્યા કેળવણીનો ડાયરેક્ટ પ્રભાવ હશે? કે બદલાયેલી લક્ઝરિયસ લાઇફસ્ટાઈલનો? પણ આપણી સંસ્થાઓ આવી છણાવટમાં ઉંડા ઉતરવા કરતા સમૂહલગ્નો કરાવી દેવાનું વધુ પસંદ કરે છે. ને વળી આ આંકડાઓમાં ડિવોર્સ્ડ ને સેપરેટેડ સ્ટેટસમાં સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતા વધુ હતી. જગતમાં સૌથી ઓછા ડિવોર્સ જ્યોર્જિયામાં છે, ૦.૦૪% પણ સૌથી વધુ બેલારૂસમાં છે : ૦.૪૬% (બધા આંકડા પોઇન્ટમાં છે. વેસ્ટર્ન વર્લ્ડમાં માનો એટલા ડિવોર્સ નથી.) પણ ગુજરાતનો ડિવોર્સ રેટ ત્યારેય બેલારૂસની ઈન્ટરનેશનલ 'હાઈ'થી વધુ હતો!
હિન્દુ લગ્નવિધિમાં તો ખ્રિસ્તી લગ્નવિધિ જેવું ટિલ ડેથ ટુ અસ પાર્ટ જેવું મરતા સુધી સાથ નિભાવવાનું વચન પણ નથી. પૌરાણિક કથાઓ આ બાબતે ખાસ્સી ઉદાર છે. છતાં આજે ધામધૂમથી કરેલા લગ્ન બાદ છૂટાં પડવું એ સામાજીક શરમનો વિષય છે. મા-બાપ જ નહિ, યુવક-યુવતીઓને ય ફ્રેન્ડસર્કલમાં 'નીચોજોણું' થાય છે. પછી એમાં નબળા મનના કે વધુ લાગણીશીલ કે સાવ સીધી લીટીના જે સ્ત્રી કે પુરૂષ હોય એ આ સુહાગના દૂધમાં ખટાશને લીધે મેન્ટલ ટેન્શન, ડિપ્રેશનમાં આવે છે. કહે તો કોને કહે? એના વિસ્ફોટ ક્યારેક આપઘાત કે બીજી દુર્ઘટના તરફ પણ લઈ જાય છે. સોલ્યુશન : ગઈ કાલમાં જીવવાનું છોડી આવતીકાલ પર ફોકસ કરવું.
ઇસ્લામમાં તલાકની વ્યવસ્થા થોડી સરળ છે, પણ પુરૂષો માટે. એમાં તો 'ટ્રિપલ તલાક' બિલ આવ્યું. હિન્દુમાં તો પરસ્પરની સહમતિ પરિવાર સહિત હોય તો ય સમય લાગી જાય છે. કારણ કે સાયકોલોજીકલી મોડર્નને બદલે જે ટ્રેડિશનલ હોય એને બ્રેક-અપ, ડિવોર્સ વગેરેને લીધે વ્યક્તિમાં કશીક 'ખોટ' લાગે છે. પુરૂષના પાછા પેટીપેક પત્નીના કૌમાર્યાગ્રહોના કપટ તો જુદા. ન ફાવ્યું, ભૂલો કરી, નવા રિલેશનમાં પાઠ શીખીને આગળ વધશે, એમનો પર્સનલ મામલો છે - આટલી ય મેચ્યોરિટી કહેવાતો વિકસીત પ્રગતિશીલ સમાજ દેખાડતો નથી. ફિલ્મસ્ટારનાં ય રેટિંગ ગબડી જાય મનોમન. ડિવોર્સ લે એ લફરાંબાજ કે ચારિત્ર્યહીન જ હશે એવી ગંદી કાનાફૂસી થાય. ન ફાવ્યું એ તો મીડિયા ય પચાવે નહિ ને ગરણી લઈ ગાળ્યા કરે સમાચારોનાં સ્વાદ માટે! સૌથી વધારે હેરાન થાય એ સરળ વ્યક્તિઓ જેના લલાટે કોઈ દુષ્ટ, કાટ જીવનસાથી ઝીંકાઈ જાય.
કમિટમેન્ટ પરસ્પર પ્રેમ માટે છે. એ જ ન રહે તો લાશની જેમ જીવ્યા કરવાનો શો મતલબ? સંતાનોના ભવિષ્યની ચિંતા જરૂરી, પણ અનાથ સંતાનો ય ઉછેરે છે ને આગળ વધે છે. એમ નહિ કે ન ગમે તો નાનકડી વાતમાં છુટ્ટા થાવ પણ કોઈ આરીફ જેવો જંગલી જૂઠો હિંસક વ્યસની પાર્ટનર ભટકાય તો ચાન્સ લો ફેરવિચારનો. ત્રાસ સહન કરી જીવ ના આપો. લડો ખુમારીથી. લોકો શું કહેશે એની સાડીબારી વિના. હિંમત ન હારો કે જિંદગી ખતમ થઈ ગઈ. ને પુરૂષ તો ઠીક, આવી સ્ત્રીને પિયરમાં ફરી રહેવાની જગ્યા આપો! ચેલેન્જ લઈ કરેક્ટ કરો ગલતીને. પણ ટ્રેન જ નહિ, મગજ મેટ્રો કરો. બીજાની લાઇફ પર જજમેન્ટ કારણ વગરની એ ય ધીમી હત્યા છે!
ઝિંગ થિંગ
''જેલ ન થાય તો ય કાયમ બોજ મનમાં લઈ જીવવું એ ય આજીવન કારાવાસની સજા છે.'' (દ્રશ્યમ-ટુ નો સંવાદ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rzpq99
ConversionConversion EmoticonEmoticon