- આ ટ્રિપલ મર્ડરની કમકમાટીભરી ઘટના મીડિયા માટે તો ગોળનું ગાડું બની ગઈ. અખબારોમાં જાતજાતની ધારણાઓ છપાતી રહી
- ફોટામાં ફૂલ જેવું પ્રસન્ન દાંપત્ય દેખાતું હોય પણ એમાં છૂપાયેલા કાતિલ કાંટાની હકીકત તો ક્યારેક આવી ઘટના બને ત્યારે જ સમજાય છે
- ફોન્સેકા પરિવાર
- ત્રણેય કમભાગીઓ
- જેસિકા અને નીલ ફોન્સેકા
પ શ્ચિમ બંગાળ અત્યારે તો આવનારી ચૂંટણીને લીધે સમાચારોમાં ચમકતું રહે છે. ત્યાંની રાજધાની કોલકાતાના બાલીગંજ વિસ્તારમાં આવેલી ડેલહાઉસી ઈન્સ્ટિટયુટ સોસિયલ ક્લબની સ્થાપના લગભગ એકસો સાંઈઠ વર્ષ અગાઉ થયેલી. મોટા ભાગે એંગ્લો-ઈન્ડિયન પરિવારો ઉપરાંત, આખા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો એના સભ્યો છે. હૉકીના દિગ્ગજ ખેલાડી લેસ્લી ક્લાઉડિયસ અને ટેનિસના સ્ટાર લિયેન્ડર પેસ અને ક્વીઝના પ્રણેતા ઓ. બ્રાયનનો પરિવાર અહીં જોવા મળે. એમાંય શુક્રવારની રાત વીકલી બાર નાઈટ તરીકે વધારે મહત્વ ધરાવે. ક્લબના જ વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડમાં કિશોરો ફૂટબોલ રમે અને વડીલો મિત્રો સાથે ડિનર, ડ્રિન્ક્સ્ અને ડાન્સની મજા માણે.
આજથી પાંચ વર્ષ અગાઉ આપણી વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે પંદરમી જાન્યુઆરી,૨૦૧૬ શુક્રવારે રાત્રે આખી ક્લબમાં હસી-ખુશીનું વાતાવરણ હતું અને એમાં ફોન્સેકા પરિવાર સહભાગી બન્યો હતો.
કોલકાતાના પોશ વિસ્તારમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યના બંગલાની બરાબર સામે પામ એવન્યુ નામનું ત્રણ માળનું પીળા રંગનું બિલ્ડિંગ છે. એમાં ત્રીજા માળે આ પરિવાર ભાડે રહેતો હતો.
આ ફોન્સેકા પરિવાર એટલે ઈન્ટિરિયર ડેકોરેશનનો ધંધો કરનાર ૪૭ વર્ષનો નીલ ફોન્સેકા અને એની ૪૨ વર્ષની રૂપાળી પત્ની જેસિકા. એમને ત્રણ સંતાન. મોટી દીકરી સામંતા એકવીસ વર્ષની. સામંતા અમેરિકામાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. એ પછી તરેન અને જોશુઆ નામના જોડકા દીકરા. સોળ વર્ષના આ બંને દીકરા કોલકોતાની બેસ્ટ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતા હતા. પંદરમી જાન્યુઆરીએ નીલ અને જેસિકાના લગ્નની બાવીસમી વર્ષગાંઠ હતી. એની ઉજવણી ક્લબમાં કરવાની હતી એટલે મુંબઈથી જેસિકાની નાની બહેન શબાના અન્સારી પણ એમના ઘેર આવી હતી. નીલની વૃધ્ધ માતા શર્લી પણ ગામડેથી આવી હતી. સામંતાને વેકેશન હતું અને આ અવસર હતો એટલે એ પણ કોલકાતા આવેલી હતી.
ક્લબમાં તરેન અને જોશુઆ તો બીજા યુવાનો સાથે ફૂટબોલ રમવા મચી પડયા હતા. સામંતા ખુશમિજાજમાં હતી. એ એની શબાનામાસી અને દાદી શર્લી સાથે અમેરિકાની વાતો કરતી હતી. સંગીત શરૂ થયું એટલે જેસિકા મંચ ઉપર પહોંચી ગઈ અને કરાઓકે સિસ્ટમ સાથે એણે મસ્તીભર્યા ગીતોની જમાવટ કરી અને એ પછી એણે નીલને પણ ડાયસ ઉપર ખેંચી લીધો. ક્લબના રંગીન વાતાવરણમાં પતિ-પત્ની પરસ્પર વળગીને ડાન્સમાં મશગૂલ થઈ ગયા. ડાન્સ પછી ડ્રિન્કસ્ તો માત્ર એ પતિ-પત્નીએ જ લીધું. ડિનર સમયે તરેન અને જોશુઆ પણ આવીને પરિવાર સાથે જોડાઈ ગયા. હસી-મજાકની વાતો વચ્ચે બધા જમતા હતા ત્યારે હળવેથી જેસિકાએ કંઈક કહ્યું એને લીધે નીલનો ચહેરો બદલાઈ ગયો. એ છંછેડાયો તો હતો પણ આનંદના આ અવસરે સંતાનો, માતા અને સાળીની હાજરી હતી એટલે તરત જાત ઉપર કાબૂ મેળવીને એણે વાત બદલી અને રાજીખુશીથી એમનો ભોજન સમારંભ પૂરો થયો. ક્લબમાં બધા મિત્રોને હળીમળીને રાત્રે બાર વાગ્યે એ લોકો ઘેર આવ્યા.
ઘરમાં વિશાળ ડ્રોઈંગરૂમ, ડાઈનિંગ રૂમ અને ત્રણ બેડરૂમ હતા. આમ તો નીલ, જેસિકા, તરેન અને જોશુઆ જ અહીં રહેતા હતા એટલે બધાના રૂમ અલગઅલગ હતા. પરંતુ આજે શબાના, શર્લીબા અને સામંતાને લીધે વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવો પડયો. એક બેડરૂમમાં શબાના, બીજા બેડરૂમમાં સામંતા એની દાદી સાથે અને બંને દીકરાઓ એમના મમ્મી-પપ્પા સાથે રહે એ રીતે ગોઠવણ કરી.
સામંતા અમેરિકાથી થોડા સમય માટે જ આવેલી હતી અને બધી વાતોનો ખજાનો જાણે માસી પાસે ઠાલવી દેવો હોય એમ એ અને શબાના ડાઈનિંગરૂમમાં બેસીને વાતો કરતા હતા. શર્લીબા એમના રૂમમાં જઈને સૂઈ ગયા હતા.
સવારે સાડા સાત વાગ્યે દૂધવાળો આવ્યો ત્યારે શર્લીબા જાગતા હતા. એમની જોડે સામંતા ઘસઘસાટ ઊંઘતી હતી. એમણે દૂધ લીધું. દસેક મિનિટ પછી કામવાળો આવ્યો એટલે શર્લીબાએ નીલ અને જેસિકાના ઓરડાનું બારણું ખખડાવ્યું. કોઈએ ખોલ્યું નહીં એટલે એમણે જોરથી બારણું ખખડાવ્યું. એ અવાજથી જાગીને સામંતા અને શબાના પણ ઉઠીને બહાર આવી ગયા.
ઓરડામાંથી નીલ બહાર આવ્યો ત્યારે એને જોઈને આ ત્રણેય હબકી ગયા અને ચીસાચીસ શરૂ કરી. લોહીથી લથબથ નીલનો ચહેરો સાવ અલગ જ લાગતો હતો અને આંખોની ચમક પણ વિચિત્ર લાગતી હતી. એની ગરદન ઉપર ઊંડો ઘા હતો અને એમાંથી નીકળેલા લોહીથી બુશર્ટ લાલ થઈ ગયો હતો.
'અંદર જેસિકા, તરેન અને જોશુઆ મરી ગયા છે!' ધ્રૂજતા અવાજે આટલું બોલીને એ ફસડાઈ પડયો અને બેહોશ થઈ ગયો.
ઓરડાની અંદરનું દ્રશ્ય જોઈને શર્લીબા, સામંતા અને શબાના થીજી ગયા. જેસિકાની લાશ પલંગ પાસે લોહીના ખાબોચિયામાં પડી હતી. માથું છૂંદાઈ ગયું હતું અને ગરદન કપાયેલી હતી. તરેન અને જોશુઆના મસ્તક પણ છૂંદી નાખેલા હતા અને એ બંનેની ગરદન પણ વાઢી નાખવામાં આવી હતી! આખો ઓરડો લોહીથી ખરડાયેલો હતો.
ચીસાચીસના અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા. મકાનમાલિક શેઠ પરિવાર ગ્રાઉન્ડ ફલોર પર જ રહેતો હતો. એમણે આવીને તરત પોલીસને ફોન કર્યો. કરાયા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમની ટીમ સાથે દોડી આવ્યા. ઘાયલ નીલ ફોન્સેકાને તાબડતોબ બ્રોડ સ્ટ્રીટ પરનીખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એક સાથે ત્રણ ખૂન થયા હતા એટલે ઈન્સ્પેક્ટરે ક્રાઈમ બ્રાન્ચમાં જાણ કરી. ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશ્નર દેવાશિષ બોરલ પણ ઘટના સ્થળે આવી ગયા.
ફોરેન્સિક ટીમ, ફોટોગ્રાફર અને ડોગ સ્ક્વાડ પણ આવી ચૂકી હતી. એ બધી કાયદેસરની કાર્યવાહી પછી પોલીસે ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. નીચે રોડ પર માણસો અને મીડિયા કર્મીઓની ભીડ જામી ગઈ હતી.
પ્રારંભિક પૂછપરછ માટે પોલીસે ઘરમાં હાજર હતી એ ત્રણેય સ્ત્રીઓ સામે જોયું. ક્રૂર રીતે રહેંસી નખાયેલી માતા અને બંને નાના ભાઈઓની લોહીથી લથબથ લાશો જોયા પછી સામંતા ભાંગી પડી હતી. એક શબ્દ પણ બોલી શકે એવી એની માનસિક દશા નહોતી. વૃધ્ધ શર્લીબા પુત્રવધૂ અને માસુમ પૌત્રોની લાશ જોઈને અવાચક બની ગયા હતા. પોતાની મોટી બહેન અને ફૂલ જેવા બંને ભાણિયાઓની છૂંદાયેલી લાશ જોયા પછી શબાના અન્સારી ડઘાઈ ગઈ હતી. એ ત્રણેય હેબતાઈ ગયા હતા. એમણે પોલીસને માત્ર એટલી જ જાણકારી આપી કે અમને કંઈ જ ખબર નથી.અમે કોઈ અવાજ પણ સાંભળ્યો નથી.
પોલીસ અધિકારીઓએ લાચારીથી એકબીજાની સામે જોયું. ઓરડાના બંધ બારણાંની પાછળ ખેલાયેલા લોહિયાળ ખેલમાં શું થયું હશે એની માહિતી તો માત્ર નીલ ફોન્સેકા જ આપી શકે એમ હતો. પરંતુ એની તબિયત નાજુક હતી એટલે હોસ્પિટલના ડૉક્ટરે પૂછપરછ કરવા માટે સંમતિ નહોતી આપી.
આ ટ્રિપલ મર્ડરની કમકમાટીભરી ઘટના મીડિયા માટે તો ગોળનું ગાડું બની ગઈ. અખબારોમાં જાતજાતની ધારણાઓ છપાતી રહી. ત્રણેક દિવસ પછી પોલીસે ઘરની મુલાકાત લીધી ત્યારે સામંતા, શબાના અને શર્લીબા લગીર સ્વસ્થ હતા.
શબાના અને સામંતાએ પોલીસની સાથે વાતચીત કરી. એમાં સામંતાએ જાણકારી આપી. 'ક્લબમાં તો બધાય એકદમ આનંદ અને ઉત્સાહમાં હતા. મમ્મીએ તો જોરદાર ગીતો ગાયેલા અને પપ્પાની સાથે ડાન્સ પણ કરેલો. ઘેર આવ્યા પછી હું અને શબાનામાસી ડ્રોઈંગરૂમમાં બેસીને વાતો કરતા હતા. રાત્રે એક વાગ્યે પપ્પા, મમ્મી અને મારા બંને ભાઈઓ બેડરૂમમાં ગયા અને પપ્પાએ બારણું બંધ કર્યું. એ પછી એમની ઊંઘમાં ખલેલ ના પડે એટલે હું અને માસી ડ્રોઈંગરૂમમાંથી ઊભા થઈને ડાઈનિંગરૂમમાં બેસીને વાતો કરતા હતા. વાતોના તડાકામાં અમને તો સમયનું ભાન જ નહોતું. પરોઢિયે ચાર વાગ્યે પપ્પા એમના રૂમમાંથી બહાર આવ્યા. અમને જોઈને એમણે પ્રેમથી ધમકાવીને કહ્યું કે હવે બાકીની વાતો કાલે કરજો, અત્યારે સૂઈ જાવ. હું ઊભી થઈને મારી દાદીની જોડે જઈને સૂઈ ગઈ અને શબાનામાસી એમના રૂમમાં જઈને સૂઈ ગયા. સવારે દાદીએ દૂધ લીધું અને નોકર આવ્યો ત્યારે એમણે પપ્પાના રૂમનું બારણું જોરથી ખખડાવ્યું એટલે હું જાગી ગઈ. શબાનામાસી પણ જાગીને આવ્યા. બારણું ખોલીને પપ્પા બહાર આવ્યા ત્યારે એમની દશા હોરિબલ હતી. આખો ચહેરો જ જાણે બદલાઈ ગયો હતો. લથડતા અવાજે બબડયા કે અંદર ત્રણેય મરી ગયા છે..' આટલું બોલીને એ રડવા લાગી.
વીસ દિવસ પછી ડૉક્ટરે સંમતિ આપી એટલે પોલીસે નીલની પૂછપરછ શરૂ કરી. પોલીસ અધિકારીઓ સામે નીચું જોઈને બેઠેલા નીલે ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું.
'જેસિકા વહેમી હતી. બીજી કોઈ સ્ત્રી સાથે મારે લફરું છે એવી શંકા રાખીને સતત ઝઘડતી હતી, એટલે હું ભયાનક ટેન્શનમાં હતો. એ રાત્રે ક્લબમાંથી આવ્યા પછી પરોઢિયે સાડા ચારે અચાનક મેં જોયું કે જેસિકા મારો મોબાઈલ ચેક કરતી હતી. મેં ધમકાવી એટલે ભયાનક રૌદ્ર રૂપ ધારણ કરીને જાત જાતના આક્ષેપ કરીને એ ઝઘડવા લાગી. એનું ઝનૂન અને આંખોમાં હિંસક ચમક જોઈને હું બાથરૂમમાં ઘૂસી ગયો. દસેક મિનિટ પછી બહાર આવ્યો ત્યારે જેસિકાએ મારી દાઝ અમારા દીકરાઓ પર કાઢી હતી. વજનદાર ડમ્બેલથી એણે જોશુઆનું માથું છૂંદી નાખેલું અને ગરદન કાપી નાખેલી. તરેનનું માથું છૂંદીને એ એની ગરદન ઉપર છરી ફેરવતી હતી. એની આ ક્રૂરતા જોઈને હું પણ છરી લઈને એની સામે ધસ્યો કે જેથી તરેનને બચાવી શકાય પણ વિફરેલી વાઘણની જેમ તરેનની ગરદન વાઢીને એ છરો લઈને મારા ઉપર તૂટી પડી. રાક્ષસી તાકાતથી એણે મારા ગળા પર ઘા કર્યો. જાતને બચાવવા માટે મેં એને જોરથી ધક્કો માર્યો એટલે એ લથડી અને પલંગના ખૂણા સાથે એનું માથું અથડાયું અને ફૂટી ગયું. એ છતાં હાથમાં છરી લઈને એ મારા ઉપર પ્રહાર કરવા મથતી હતી એટલે સ્વબચાવમાં મેં એની ગરદન કાપી નાખી!'
એક શ્વાસે આટલું કહીને એણે માથું ઝૂકાવી દીધું. 'ધેટસ્ ઓલ.'
બીજા દિવસે બધા અખબારમાં જેસિકાની ક્રૂરતાની કથા છપાઈ. એના માટે જાતજાતના વિશેષણ વાપરીને અખબારોએ લખ્યું કે સગી જનેતાએ ઉશ્કેરાઈને બે પુત્રોને મારી નાખ્યા અને સ્વરક્ષણમાં પતિએ એની હત્યા કરી! આટલા દિવસો સુધી પોલીસે પોતાની રીતે તપાસ તો ચાલુ જ રાખી હતી. નીલ ફોન્સેકા ઉપર એમને પૂરી શંકા હતી.
નીલ ફોન્સેકાને હોસ્પિટલમાંથી ઉઠાવીને પોલીસે અલીપોર કોર્ટમાં રજૂ કર્યો અને પહેલી માર્ચ સુધી એની કસ્ટડી મેળવીને લાલબજાર લોકઅપમાં રાખેલો.
પોલીસે જે માહિતી મેળવી હતી એ મુજબ નીલ ફોન્સેકાનો ધંધો ત્રણ વર્ષથી ઠપ થઈ ગયો હતો. બીજી સ્ત્રી સાથેના સંબંધની વાત પણ સાચી હતી. નીલ રેસનો શોખીન હતો. સરતાજ નામના રેસના ઘોડાનો એ માલિક હતો. પરંતુ રેસનું દેવું ચૂકવી શક્યો નહોતો એટલે રોયલ કલકત્તા ટર્ફ ક્લબે સરતાજની હરાજી કરીને દેવું વસૂલ કરેલું. નીલના માથે પંચાવન લાખનું દેવું હતું. ફ્લેટનું ભાડું પણ આઠ મહિનાથી ચૂકવ્યું નહોતું. એનો સૌમ્ય અને નમ્ર સ્વભાવ જોઈને મકાન માલિકે કડકાઈથી ઉઘરાણી નહોતી કરી. પાડોશી ગોમ્સ પરિવારે કહ્યું કે જેસિકા થોડીક અકડુ હતી પરંતુ નીલ સેવાભાવી અને હસમુખો હતો. નીલ અને જેસિકા બંને માનસિક બીમારીથી પીડાતા હતા અને સાયકિયાટ્રિસ્ટ ડૉ.જયરંજન રામની એ બંને અલગ અલગ પણ નિયમિત મુલાકાત લેતા હતા.
આ બાબતો કરતાં પણ પોલીસ માટે વધુ મહત્વ ફોરેન્સિક રિપોર્ટનું હતું. ત્રણેય લાશ ઉપર ડમ્બેલના પ્રહારની સ્ટાઈલ એક સરખી હતી. દસેક કિલોગ્રામનું લોખંડનું એ ડમ્બેલ નવું જ હતું. જેસિકાનું માથું પલંગની ધાર સાથે નહોતું અથડાયેલું, પણ ડમ્બેલથી છૂંદાયેલું હતું. ચાકુના ઘા કરવાની પધ્ધતિ ત્રણેય લાશ ઉપર એક જ સરખી હતી અને નીલની ગરદન ઉપરનો ઘા પણ એવો જ હતો.
આ રિપોર્ટસ્નો આધાર લઈને પોલીસે આકરી પૂછપરછ કરી ત્યારે ભાંગી પડેલા નીલે મોં ખોલ્યું.
'પંચાવન લાખનું દેવું માથે હતું અને જેસિકાની શંકાને લીધે લગ્નજીવન ભંગાણના આરે હતું એટલે હું જબરજસ્ત ટેન્શનમાં હતો.' એણે ધીમા અવાજે કબૂલાત કરી.
'એમાંય આગલા સેમેસ્ટરની ફી ભરવા માટે સામંતાએ તેર લાખ રૂપિયાની માગણી કરી ત્યારથી અકળાયેલો હતો. પૈસા લાવવા ક્યાંથી? ક્લબમાં જમતી વખતે જેસિકાએ કહ્યું કે તમારા લફરાની વાત મમ્મી અને મારી બહેનને અત્યારે કહી દઉં? એ વખતે મારો ધૂંધવાટ ચરમસીમાએ પહોંચ્યો. લમણાંની નસો ફાટ ફાટ થતી હતી. પરોઢિયે બધા ભરઊંઘમાં હતા ત્યારે હું ઉશ્કેરાટમાં હતો. જેસિકાના માથામાં ડમ્બેલ મારીને એની ગરદન કાપતો હતો ત્યારે બંને દીકરાઓ જાગી ગયા. માથા ઉપર કાળ સવાર થયો હતો એટલે એ લોકો ચીસાચીસ કરે એ અગાઉ એમને પણ..'
ગળે ડૂમો ભરાઈ આવ્યો એટલે એ આગળ કંઈ બોલી ના શક્યો. આટલી કબૂલાત પછી એણે આગળ બોલવાની જરૂર પણ નહોતી.
સાંજે પ્રેસ કોન્ફરન્સ પછી બીજા દિવસે કોલકાતાના બધા અખબારોના હેડિંગ અગાઉ કરતા બદલાઈ ગયા. પત્ની અને બંને દીકરાના હત્યારા તરીકે નીલ ફોન્સેકાની છબી પહેલા પાને છપાઈ.
મનમાં ધરબાયેલા ક્રોધનો પ્રચંડ પ્રકોપ જ્યારે ઉછાળો મારે ત્યારે એ આવેગનું આવું પરિણામ આવી શકે. ફોટામાં ફૂલ જેવું પ્રસન્ન દાંપત્ય દેખાતું હોય પણ એમાં છૂપાયેલા કાતિલ કાંટાની હકીકત તો ક્યારેક આવી ઘટના બને ત્યારે જ સમજાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30v5KHC
ConversionConversion EmoticonEmoticon