બીજા વિશ્વયુધ્ધ પછી બ્રિટીશ અને હવે અમેરિકન વર્લ્ડ ઓર્ડરનો અંત...


- અર્થકારણના આટાપાટા : ધવલ મહેતા

- હાલ વિશ્વ ચોથા ઔદ્યોગિક યુગ- રોબોટાઇઝેશન/ઓટોમેશન તરફ વળ્યું છે

ઉપરના વિષય પર એક લેખન થયું છે પરંતુ તે પછી ટ્રમ્પે અમેરિકન લોકશાહી પર ડાયરેક્ટ હુમલો કરતા નવા દૂષિત તથ્યોનો ઉમેરો થયો છે. ૧૯૪૫માં બીજા વિશ્વયુધ્ધનાં અંતની સાથે બ્રિટીશ વર્લ્ડ ઓર્ડર આથમી ગયો. વસાહતવાદનો અંત આવ્યો. બ્રિટનની ચુંગાલમાંથી ભારત સહિત ઘણા રાષ્ટ્રો આઝાદ થઇ ગયા. બ્રિટન સામ્રાજ્યમાં સૂરજ કદી આથમતો નથી તે 'મીથ'નો અંત આવ્યો. બ્રિટન ઝાંખુ પડયું અને ૧૯૪૫ પછી અમેરિકા જગતમાં સૌથી સમૃધ્ધ રાષ્ટ્ર તરીકે બહાર આવ્યું. ૧૯૪૫થી ૧૯૯૧ના ગાળામાં રશિયન સામ્યવાદ અને અમેરિકા વચ્ચે જે શીતયુધ્ધ ફાટી નીકળ્યું તેમાં સોવિયેટ રશિયા હાર્યું અને તેનું વિઘટન થઇ ગયું. આ દરમિયાન બ્રિટન તો સેકન્ડ રેટ રાષ્ટ્ર બની ગયું. યુરોપના શક્તિશાળી, રાષ્ટ્રો હવે જર્મની અને ફ્રાંસ ગણાય છે. બન્નેની જીડીપી બ્રિટનની જીડીપી કરતા વધારે છે. ૧૯૪૫ પછી જગતમાં જે ઈન્ફર્મેશન યુગ શરૂ થયો તે અમેરિકાએ એકલે હાથે તેમાં થયેલી અનેક શોધો (કોમ્પ્યુટર્સ, ઈન્ટરનેટ, વર્લ્ડવાઇડ વેબ)ને કારણે શરૂ કર્યો અને હવે જગત જે ચોથા ઔદ્યોગીક યુગ (રોબોટાઇઝેશન અને ઓટોમેશન)માં પ્રવેશી રહ્યું છે તેનો પણ અમેરિકાએ જન્મ આપ્યો છે.        અમેરિકાના પ્લસ પોઇન્ટસ

જીડીપીની દ્રષ્ટિએ જગતનો સૌથી ધનિક દેશ અમેરિકા છે. જગતના બીજા દેશો તો તેનાથી ઘણા પાછળ છે. ઈ.સ. ૨૦૧૯માં જગતની કુલ આવક ૮૭.૮ ટ્રીલીઅન ડોલર્સ હતી જેમાંથી અમેરિકાની ૨૧.૪ ટ્રીલીઅન ડોલર્સ હતી, ચીનની ૧૪.૩ ટ્રીલીઅન ડોલર્સ, જાપાનની ૫.૦૮ ટ્રીલીઅન ડોલર્સ, જર્મનીની ૩.૮૫ ટ્રીલીઅન ડોલર્સ અને ભારતની બચુકડી ૨.૮૮ ટ્રીલીઅન ડોલર્સ હતી. ભારતના કેટલાક બેજવાબદાર નેતાઓ શું જોઇને કહેતા હશે કે અમેરિકા કે ચીન અમને હેરાન કરશે તો અમે તેમના દાંત ખાટા કરી નાંખીશું ? ક્યાં અમેરિકા અને ચીનની જંગી રાષ્ટ્રીય આવક અને ક્યાં ભારતની બચુકડી ૨.૮૮ ટ્રીલીઅન ડોલર્સ આવક જે પાછી તેની ૧૩૮ કરોડની જંગી વસ્તીમાં વહેંચાઇ જાય છે. અમેરિકાનું ૨૦૧૯માં મીલીટરી બજેટ ૬૮૬ બીલીઅન ડોલર્સ, ચીનનું ૨૬૧ અને ભારતનું ૯૧ બીલીઅન ડોલર્સ હતું (સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટીટયુટના આંકડા). ચીનનું મીલીટરી બજેટ ભારત કરતા લગભગ ત્રણ ગણું છે. ભારતીય કલ્ચર પોતાને અહિંસક ગણાવે છે પરંતુ તેનું ૯૧ બીલીઅન ડોલર્સનું મીલીટરી બજેટ ફ્રાંસ (૫૦.૧ બીલીઅન ડોલર્સ), જર્મીની (૪૯.૩ બીલીઅન ડોલર્સ), યુ.કે. (૪૮.૭ બીલીઅન ડોલર્સ) અને રશિયા (૮૭.૩ બીલીઅન ડોલર્સ) કરતા વધારે છે. 

અમેરિકાનું અર્થકારણ મૂડીવાદી છે. અમેરિકાના અર્થકારણમાં આવક અને સંપત્તીની અસમાનતા વધે છે. ભલે તેનું આર્થિક કલ્ચર ઈનોવેશન્સનું હોય પરંતુ તેનું મૂડીવાદી અર્થકારણ જગતના અન્ય દેશોને અનૈતિક લાગે છે.

અમેરિકન સરકાર ભલે મૂડીવાદી અને સમાજ ભલે હજી રેસીઅલ ભેદભાવવાળો હોય પરંતુ અમેરિકન કલ્ચર (ટીવી, મ્યુઝીક, પીઝા, પેપ્સી, ડેટીંગ, ફીલ્મ્સ, સેક્સ્યુઅલ ફ્રીડમ, આછોપાતળો કે નહીવત ફીમેલ ડ્રેસ, બેસ્ટ સેલર્સ, મેકડોનાલ્ડ, કોકા કોલા, ફાસ્ટ ફુડ, ઈન્ટરનેટ) જગતમાં સર્વત્ર છવાઇ ગયા છે. પરંતુ ટ્રમ્પે તેની વર્તણુક અને નીઓલીબરાલીઝમ અને રેસીસ્ટ પોલીસીઝને કારણે અમેરિકાની જગત પર પ્રભુત્વની લેજીટીમસી શૂન્ય કરી નાખી છે. જગતનો સૌથી સમૃધ્ધ દેશ તેના શોષણખોર નીઓલીબરલ અર્થકારણ અને અન્ય ક્ષેત્રોમાં પણ જમણેરી, યુધ્ધખોર, અમેરિકા ફર્સ્ટ, આર્થિક અસમાનતા વગેરેની નીતિઓને કારણે જગતનું નેતૃત્વ ગુમાવી રહ્યો છે. જગત પર કોઇ દેશનો ઓર્ડર માત્ર મીલીટરી તાકાત પાછળ ચાલતો નથી. તે માટે તે દેશમાં મોરલ ઓર્ડર પણ જોઇએ. ચીનમાં લોકશાહી નહીં હોવાથી તેની વર્લ્ડ ઓર્ડર સ્થાપવાની કોઇ મોરલ ઓથોરિટી નથી. તેથી ચીન તેમાં નિષ્ફળ જશે. અમેરિકા માટે જગતના લોકોને અહોભાવ હતો તેમાંથી લોકોનું ભ્રમનિરસન (ડીસઇલ્યુઝનમેન્ટ) થયું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w9IP3e
Previous
Next Post »