નડિયાદ : ખેડા જિલ્લામાં આજે કોરોનાની ગાઈડલાઈન સાથે ઠેરઠેર હોળીકાદહનના કાર્યક્રમ યોજાઈ ગયા. કોરોનાની સ્થિતિને લીધે જિલ્લા તંત્રએ મોટી ઉજવણીઓની મનાઈ ફરમાવી હોવાથી ઉત્સવમાં દર વર્ષ જેવો રોમાંચ જોવા મળ્યો ન હતો. આમ છતાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે લોકોએ હોલીકાદહનના ંદર્શન-પ્રદક્ષિણા કરીને તેમ જ નાળિયેર-ધાણી-ચણા હોમીને ધન્યતા અનુભવી હતી. જિલ્લાના દસેય તાલુકાના સેંકડો ગામોમાં આજે હોળીનું પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યું હતું.
જિલ્લાના વડામથક નડિયાદ ઉપરાંત ખેડા, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ સહિતના મુખ્ય મથકોમાં મોડી રાત સુધી લોકો હોળીકાદહનનો અવસર ઉજવતા જોવા મળ્યા હતા. મોટાભાગે સાંજે ૭ વાગ્યાની આસપાસ તમામ સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી. આ વર્ષે કોરોનાનું સંક્રમણ વકરતા તંત્ર દ્વારા હોળી નિમિત્તે ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હોળીના તહેવારમાં ધાર્મિક વિધિઓ સિવાય કોઈ ઉજવણીને પરવાનગી આપવામાં આવી નથી અને ટોળે વળવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ સ્થિતિમાં સાદાઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઘણે સ્થળે હોળીના પર્વની ઉજવણી જોવા મળી હતી. સરકારી આદેશ છતાં જિલ્લાના અનેક મંદિરોમાં આજે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. મુખ્ય તીર્થધામો હોળીપૂનમને લીધે બંધ હોવાથી નાના-નાના મંદિરોમાં દર્શન કરવા ભક્તો ઉમટી પડયા હતા.
મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે આવેલા સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં આયૂર્વેદિક અને ઈકોફ્રેન્ડલી રીતે હોલિકા સજાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એક હજાર મણ જેટલું લાકડું વાપરવામાં આવ્યું હતું. ૨૧ ફૂટ ઊંચી આ હોળીમાં ૨૧૦૦ છાણા ઉપરાંત કપૂર, ગૂગળ, ચંદનના ધૂપ વાપરવામાં આવ્યા હતા. હોળીની આસપાસ રંગોળીઓ દોરવામાં આવી હતી. સિદ્ધિવિનાયક દેવસ્થાન સભ્યોની ચાર દિવસની કામગીરી બાદ આ હોળી કમળના આકારમાં તૈયાર કરવામાં આવી હતી. તે જ રીતે નડિયાદમાં પણ પારસ સર્કલ, મીલ રોડ, પીજ-ભાગોળ જેવા વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. જિલ્લામાં ઘણે ઠેકાણે કોરોના ગાઈડલાઈન સાથે ઈકો ફ્રેન્ડલી રીતે હોલિકાદહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39kuck4
ConversionConversion EmoticonEmoticon