- લોકાભિમુખ : માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)
- ગ્રામ્ય વિસ્તારમાં વાડા સંહિતા - ૧૯૬૮ હેઠળ
- શહેરી વિસ્તાર સત્તામંડળમાં સમાવિષ્ઠ દૂરના ગામોમાં વાડા નિયમબધ્ધ કરતાં પ્રતિબંધમાં છૂટછાટ જરૂરી
આપણો દેશ ખેતીપ્રધાન છે અને આજે પણ બહુમતી વસ્તી ગામડામાં વસે છે. ગુજરાતના ગામડાની વસ્તીનો વસવાટ સમુહમાં રહેવાની પ્રણાલિકાને આધારે ગામતળની જગ્યામાં રહે છે અને આવા ગામતળનો વિસ્તાર સેટલમેન્ટના સમયમાં પણ અલગ રીતે designate તરીકે બતાવવામાં આવતો, આજે પણ વધતી જતી વસ્તીની જરૂરિયાત પ્રમાણે ગામતળના વિસ્તરણ / વધારવામાં આવે છે અને કલેક્ટરશ્રી દ્વારા નીમ (vest) કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકના ઘરની આજુબાજુ ખુલ્લી જગ્યાને વાડા તરીકે ઓળખવામાં આવે છે. અત્યારની પરિભાષામાં court yard તરીકે ઓળખવામાં આવે છે. વાડાના તત્વ તરીકે (ingredient) તેને ગણવામાં આવે કે, ગ્રામ્ય વિસ્તારંમાં ખેતી ઉપર નિર્ભર વ્યક્તિના ઢોર-ઢાંખર બાંધવા, ઘાસ રાખવા, ઉકરડો તેમજ ખળા (Harvesting space) તરીકે ઉપયોગ થાય તેવી જગ્યાને વાડા તરીકે ઓળખવામાં આવે છે અને આવા વાડાઓ ગામતળમાં અને સીમતળમાં હતા એટલે કબજેદારોને વાડાના હક્ક તરીકે આપવા માટે મહેસૂલ વિભાગે-૧૯૬૮માં વાડા સંહિતા બહાર પાડવામાં આવેલ અને તે મુજબ દરેક ગામે વાડા રજીસ્ટર તલાટી અને સરપંચે તૈયાર કરેલ, સામાન્ય રીતે વાડાના કબજા ભોગવટામાં હોવાથી ઘણા કબજેદારોએ પોતાના હક્ક પરત્વેની જાગૃતત્તાના અભાવે જે તે સમયે વિધીવત રીતે વાડા મંજૂર કરાવેલ નહી. ગામતળની સાથે સીમતળના વાડાઓ પણ અસ્તિત્વમાં હતા. પરંતુ અમુક જીલ્લાઓમાં (દા.ત. કચ્છ) સીમતળના વાડાની જમીનો વધુ ક્ષેત્રફળમાં કબજો કરીને ગ્રાન્ટ કરાવવાના કિસ્સાઓ ધ્યાનમાં આવતાં સરકારે સીમતળના વાડા સાથે ગામતળના વાડા ગ્રાન્ટ કરવા ઉપર પણ પ્રતિબંધ મુકેલ, પરંતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો થતાં ફક્ત ગામતળના વાડા સમયમર્યાદામાં ગ્રાન્ટ કરાવવા માટે નિર્ણયો લીધેલ, જે સમયાંતરે મુદ્દત લંબાવવામાં આવેલ, હવે રાજ્ય સરકારે ફક્ત ગામતળના વાડા નિયમબધ્ધ કરવા માટે મહેસૂલ વિભાગના તા.૧૦-૪-૨૦૧૭ના ઠરાવ ક્રમાંક - વડલ/૧૦૨૦૧૫/૧૪૨૦/૧૪/કથી ગામતળના વાડા નિયમબધ્ધ કરવાની કાર્યપધ્ધતિ નક્કી કરવામા આવી છે અને આ અંગેની સત્તા સબંધિત તાલુકાના મામલતદારને આપવામાં આવી છે.
રાજ્ય સરકારે જે વાડા સંહિતા-૧૯૬૮માં બહાર પાડવામાં આવેલ અને જે વાડાઓ વાડા રજીસ્ટરે ચઢાવેલ / નોંધાયેલ હોય તેવા વાડા નિયમબધ્ધ કરવાપાત્ર છે. ગામતળની જમીનમાં આવેલ હોય તે સિવાયના વાડા માટે નવી જમીન આપવાપાત્ર નથી. કોઈ સંજોગોમાં કોઈ ગામે વાડા રજીસ્ટર મળી આવતું ન હોય અથવા તે અંગેના કોઈ આધારપુરાવા મળતા ન હોય તો તે અંગે કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને દરખાસ્ત કરી, સરકારની મંજૂરી મેળવવાની છે. આ વાડાઓ પૈકી કોઈ કોર્ટ કેસ / વિવાદ કે તકરાર હોય તો તેવા વાડા મંજૂર કરી શકાશે નહી, આ ઉપરાંત કોઈ વાડાઓ શહેરી વિસ્તારમાં આવેલ હોય તો તે વાડાઓ મંજૂર કરી શકાય નહી તેવી સુચનાઓ છે. આ બાબતમાં મારી સમક્ષ અવારનવાર ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળની હદની અડીને આવેલ ગામોમાં વાડા મંજૂર થાય છે જ્યારે તેની લગોલગ આવેલ ગામ ગ્રામ્ય વિસ્તારમાં હોવા છતાં વાડા મંજૂર થતા નથી એટલે સરકારના મહેસૂલ વિભાગે જેમ યુએલસીમાં શહેરની હદથી પાંચ કિલોમીટરનો વિસ્તાર કે જે વિકસીત વિસ્તાર તરીકે ગણેલ તેમ તેવી સ્પષ્ટતા કરવી જરૂરી છે, કારણ કે શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ઠ હોવા છતાં અમુક ગામો મુખ્ય શહેરોથી દૂર છે અને ગ્રામ્ય વિસ્તારના વાડા તરીકેના તમામ માપદંડો ધરાવે છે અને બીજું કે જે કબજેદારો વાડા તરીકેનો ભોગવટો વર્ષોથી ધરાવે છે તેમને તેમના કબજા ભોગવટામાંથી દૂર કરવામાં આવતા નથી અને નિયમબધ્ધ પણ કરવામાં આવતા નથી. આ ઉપરાંત ૧૯૬૮ પછી વાડા અસ્તિત્વમાં આવ્યા હોય તેમને પણ નિયમબધ્ધ કરવાપાત્ર નથી. વાસ્તવિક સ્થિતિ એ છે કે જે ગામના જાગૃત લોકો હતા, તેઓ સરપંચ અને તલાટી સાથે મળીને તેઓના નામ વાડા રજીસ્ટરે ચઢાવેલ, જ્યારે બાકીના ઘણા લોકો વાડાના કબજામાં હોવા છતાં રજીસ્ટરે ચઢેલ નથી તે ઉપરાંત ઘણા ગામોએ પાછળથી તલાટી સાથે મળીને રજીસ્ટરે ચઢાવી દીધેલ, આમ આ બાબતમાં એકસૂત્રતા નથી. જેથી સરકારે ઉપર જેમ જણાવ્યું તેમ વાડાનું તત્વ મોઝુદ હોય અને ૨૦ વર્ષથી ઉપરનો કબજો હોય અને કોઈને વાંધો ન હોય તેમજ ગ્રામપંચાયતને સાર્વજનિક હેતુ માટે લાંબાગાળાના કબજાના આધારે ઉપયોગી ન હોય તો દરેક કેસના ગુણદોષ ચકાસીને વાડા રજીસ્ટરે ચઢાવાની જોગવાઈ કરવાની જરૂર છે.
રાજ્ય સરકારે જે નિયમબધ્ધ કરવાની જોગવાઈ કરી છે, જેમાં ૨૦૦ ચો.મીટરની મર્યાદામાં વાડા નિયમબધ્ધ કરવાના છે અને તે ઉપરાંતનું ક્ષેત્રફળ હોય તો નિયમોનુસારની કાર્યવાહી કરવાની છે. જો આવા પ્રકારનો વાડાઓમાંથી રસ્તો, અવરજવરના હક્ક હોય તેમજ પાણીના નિકાલની ચેનલ હોય તો તે ક્ષેત્રફળ બાદ કરીને વાડો નિયમબધ્ધ કરવાનો છે. આવા વાડાના હક્ક ગ્રાન્ટ કરવા માટે પ્રતિ ચો.મી. રૂ. ૫૦/- વસુલ કરવાના છે અને વાડાના કબજા હક્ક જૂની શરતે ગ્રાન્ટ કરવાના છે, આમ તો વાડા રજીસ્ટરે જે કબજેદારનું નામ હોય તેમના નામે વાડો ગ્રાન્ટ કરવાનો છે. પરંતુ કબજેદાર મૃત્યુ પામ્યા હોય તો દાવેદાર તેના કાયદેસરના વારસ હોય તો મામલતદારે તેની ખાત્રી કરીને કાર્યવાહી કરવાની છે. આમ તો વાડાનો ઉપયોગ બિનખેતીના ઉપયોગ તરીકે થતો હોય તો બિનખેતીનો આકાર અને તેને સંલગ્ન વેરા વસુલ કરવાના છે અને બિનખેતીના ઉપયોગ તરીકેની તબદીલી પણ નિયમિત કરી શકાય છે. પરંતુ બિનખેતીનો આકાર વસુલ કરવા માટે ગામના નમુના નં. ૨ માં કાયમી ઉપજ તરીકે આની નોંધ કરવાની થાય છે અને તે મુજબ મિલ્કતના રેકર્ડના ભાગ તરીકે ગણવાનો છે.
વાડા નિયમબધ્ધ કરવાની સત્તાઓ સબંધિત તાલુકાના મામલતદારને છે અને તેઓને નિયત ફોર્મમાં અરજી કરવાની છે અને આવી અરજીની તપાસ બાદ બે મહિનામાં મામલતદારે નિર્ણય કરવાનો છે અને વાડા નિયમબધ્ધ કરવાનો નિર્ણય થયેથી ૧૫ દિવસમાં કબજા હક્કની રકમ ભરપાઈ કરવાની છે અને ત્યારબાદ વિધીવત વાડા નિયમબધ્ધ કરતો હુકમ કરવાનો છે. વાડાની જમીન ગ્રાન્ટ કર્યા બાદ કબજો સુપ્રત કરતાં પહેલાં જમીનની માપણી કરાવવાની છે અને વાડાની ચતુઃસિમાનો દાખલો આપી સનદ આપવા સહિતની કાર્યવાહી કરવાની થાય છે અને આવા કબજા હક્કની રકમ ભર્યેથી વાડાની જમીન જૂની શરતે પ્રતિબંધ વિના ગ્રાન્ટ કરવાની છે. આમ ગ્રામ્ય વિસ્તારના વાડા રજીસ્ટરે નોંધાયેલ કબજેદારો ઉક્ત જોગવાઈઓ હેઠળ વાડા હક્ક મંજૂર કરાવી શકે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QQreNT
ConversionConversion EmoticonEmoticon