મહિલા વૈજ્ઞાાનિકોની કદર કરવામાં પુરુષ પ્રધાન વિશ્વ ઉણું ઊતર્યું છે?

- વિજ્ઞાાનજગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં જ દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરે છે

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી


૮ માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવનારાને ભાગ્યે જ ખ્યાલ હશે કે   વિજ્ઞાાન જગતમાં આંતરરાષ્ટ્રીય ધોરણે વુમન એન્ડ ગર્લ્સ ડે ઉજવવામાં આવે છે.  જે ૮ માર્ચના વુમન્સ ડે પહેલા, એટલે કે ૧૧ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.  આ દિવસને  યુનો દ્વારા, 'ઇન્ટરનેશનલ ડે ઓફ  વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ'  તરીકે ઓળખવામાં અને ઉજવવામાં આવે છે. 

૨૦૧૫માં પ્રથમવાર  'ઇન્ટરનેશનલ ડે ઓફ  વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ'ની શરૂઆત  કરવામાં આવી હતી. જી્ઈસ્ / સ્ટેમ એટલે કે  સાયન્સ,  ટેકનોલોજી,  એન્જિનિયરિંગ  અને,  મેથેમેટિક્સનો સમાવેશ વિજ્ઞાાન વિશ્વ  તરીકે કરવામાં આવે છે. સ્ટેમક્ષેત્રના અભ્યાસ માટે આખા વિશ્વમાં ૩૦ ટકા કરતા ઓછી યુવતીઓ  ભાગ લે છે.  હાલમાં વૈજ્ઞાાનિક સંશોધન કરનારી સંસ્થાઓમાં અંદાજે ૩૦ ટકા જેટલી મહિલાઓ અને યુવતીઓ કાર્યરત છે. વિજ્ઞાાન જગતમાં  મેડમ મેરી ક્યુરીને  જેટલી નામના પ્રસિદ્ધિ અને  પારિતોષિક  મળ્યા છે,  એટલી નામના અન્ય કોઇ મહિલાને મળી નથી. 

તેનો અર્થ એ નથી કે મહિલાઓ તેને લાયક નથી.  ખરી વાત એ છેકે જાતિભેદના કારણે મહિલાઓને અન્યાય કરવામાં આવે છે.  તેમના સંશોધનને લક્ષ્યમાં લીધા વિના  પુરુષપ્રધાન દુનિયામાં તેમને મેળવેલી સિદ્ધિઓ,  પુરુષોના નામે કરી દેવામાં આવે છે.  વિજ્ઞાાન ક્ષેત્રે અભ્યાસ કરનાર,  વિદ્યાર્થીને પણ તમે પાંચ  સારા મહિલા વૈજ્ઞાાનિકનું નામ પૂછશો તો જવાબ આપવામાં ફાફા પડશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે,  વિજ્ઞાાન જગત  જે મહિલાઓનું કદર કરી શક્યું નથી,  અથવા કદર કરવામાં ઉતર્યું છે. તેની ઝાંખી મેળવીશું. 

મેડમ મેરી ક્યુરી અને ડોરોથી હોજકિન

મેડમ મેરી ક્યુરીને  વિજ્ઞાાન જગતની સૌથી સફળ મહિલા ગણવામાં આવે છે.  વિજ્ઞાાન જગતમાં નોબલ પ્રાઇઝ જીતનારી તે પ્રથમ મહિલા હતા.  તેમણે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર એમ બે વિભાગમાં નોબલ પ્રાઇઝ જીત્યા હતા.  આમ છતાં પણ જાતિભેદના કારણે તેમની સાથે પણ અન્યાય થયો હતો. મેડમ ક્યુરી એ રેડીયેશન એટલે કે વિકિરણની શોધ કરી હતી.  જેનો ઉપયોગ તેમણે એક્સ-રે ક્ષેત્રમાં પણ કર્યો હતો. 

૧૯૧૧માં  ફ્રાન્સની  પ્રતિષ્ઠિત  વિજ્ઞાાન સંસ્થા 'ફ્રેંચ એકેડમી ઓફ  સાયન્સ' એ મેડમ મેરી ક્યુરીને સંસ્થાના સભાસદ બનાવવા માટે ચોખ્ખી ના પાડી દીધી હતી.  આ વર્ષે જ તેમને રસાયણશાસ્ત્રમાં નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.  ડોરોથી હોજકિન, બ્રિટનના તેજસ્વી ક્રિસ્ટલોગ્રાફર હતા, જેમણે પેનિસિલિનના અણુઓના  બંધારણીય  નકશા  તૈયાર કર્યા હતા. 

તેમની  સિદ્ધિ માટે ૧૯૬૪માં  તેમને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું. આ સમયે  બ્રિટનના અખબારોએ હેડલાઇન્સમાં લખ્યું હતું કે ' બ્રિટનની હાઉસ વાઈફ / ગૃહિણી  નોબલ પ્રાઈઝ જીતે છે.'  કહેવાનો મતલબએ છેકે આટલું મોટું ઈનામ જીતવા છતાં લોકો તેને મહિલા વૈજ્ઞાાનિક તરીકે ઓળખ આપવા તૈયાર નહતા. અહીં  એક વાત પણ યાદ રાખવી જોઈએ કે, ડોરોથી હોજકિન અત્યાર સુધી વિજ્ઞાાન જગતમાં નોબલ પ્રાઈઝ જીતનાર એકમાત્ર બ્રિટિશ મહિલા છે. 

આ ઉપરાંત પ્રતિષ્ઠિત કોપ્લી મેડલ જીતનાર પ્રથમ મહિલા તેઓ જ  હતા. વિજ્ઞાાન જગતમાં ખૂબ જ મહત્વના સંશોધન કરવા છતાં મહિલાઓના સંશોધનને  યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકીને  તેમને યોગ્ય ક્રેડિટ આપવામાં પણ વિજ્ઞાાન જગત ઘણીવાર ચૂકી ગયું છે.  કેટલીકવાર  નોબલ પ્રાઈઝને લાયક હોવા છતાં  તેઓ નોબલ પ્રાઈઝના હકદાર બન્યા નથી.  આવી નોબલ પ્રાઈઝથી વંચિત રહેલ મહિલાઓનું લિસ્ટ લાંબુ છે. છતાં એક નજર નાખી લઈએ તો,  તેમાં એસ્થર લેડરબર્ગ, રોઝાલિંડ ફ્રેેન્કલિન, ઇડા ટાકે, ચિએન-શિંગ વુ, જોસલીન બેલ બર્નેલ, હેનરીએટા લીવિટનો સમાવેશ કરી શકાય.

એસ્થર લેડરબર્ગ

બ્રોન્ક્સમાં ૧૯૨૨ માં જન્મેલા,એસ્થર લેડરબર્ગ, એક માઇક્રોેબાયોલોજિસ્ટ છે.એસ્થર લેડરબર્ગએ બેક્ટેરિયા, જનીન નિયમન અને આનુવંશિકતા,  વારસાગત લક્ષણો  વગેરે  મુદ્દાઓ ઉપર પાયાનું કામ કર્યું હતું. જનીનો કઈ રીતે કામ કરે છે તેની પાયાની સમજ વૈજ્ઞાાનિકોને, એસ્થર લેડરબર્ગના સંશોધન ઉપરથી મળી હતી.  તેમણે વાઇરસને ચેપ લગાડનાર બેક્ટેરિયા,  જેને 'બેક્ટેરિયો ફેઝ' તરીકે ઓળખવામાં આવે છે તેની શોધ કરી હતી. 

તેમણે શોધેલા 'બેક્ટેરિયો ફેઝ'ને  'લેમડાબેક્ટેરિયો ફેઝ' તરીકે ઓળખવામાં આવે છે.  આ ઉપરાંત  પ્રયોગશાળાની પેટ્રી ડીશમાં ઉછેરવામાં આવતા સૂક્ષ્મ જીવાણું એટલે કે બેક્ટેરિયા વગેરેને સરળતાથી બીજી ડિશમાં ઉગાડવાની પ્રક્રિયા પણ તેમણે શોધી હતી.  જેને  'રીપ્લિકા  પ્લેટીંગ' તરીકે ઓળખવામાં આવે છે.  આ પદ્ધતિ આજે પણ વૈજ્ઞાાનિકો દ્વારા વાપરવામાં આવે છે.  'રીપ્લિકા  પ્લેટીંગ' દ્વારા  વૈજ્ઞાાનિકો એન્ટીબાયોટિક દવાની અસર ખૂબ જ સરળતાથી સમજી શકે છે. ૧૯૫૮માં તેમના પતિ જોશુંઆંને અન્ય વૈજ્ઞાાનિક જ્યોર્જ બીડલ અને એડવર્ડ ટાટમ સાથે  તબીબી જગતનું નોબલ પ્રાઇઝ મળ્યું. જેમાં એસ્થરનું રીપ્લિકા પ્લેટીંગની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આમ છતાં નોબલ પ્રાઈઝની પ્રશસ્તિમાં તેમની પત્નીના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. સંશોધનની પૂર્વભૂમિકા કે રેફરન્સમાં પણ તેમનું નામ ક્યાંય લેવામાં આવ્યું ન હતું. 

ચિયેન-શિંગ વુ

૧૯૧૨માં ચીનના લિયુ હોમાં જન્મેલા, ચિયેન-શિંગ વુએ ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.  અમેરિકાના પ્રથમ પરમાણુ બોંબના વિકાસમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વનું હતું.  ૧૯૪૦ના દાયકામાં  પરમાણુ બોમ્બ વિકસાવવાના 'પ્રોજેક્ટ  મેનહટન'માં,  તેમની નિમણૂક કોલંબિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી.  યુરેનિયમના સમૃદ્ધિકરણ અને  રેડિયેશનની અસરો તપાસવાનું કાર્ય ચિયેન-શિંગ વુને સોંપવામાં આવ્યું હતું.  બીજા વિશ્વયુદ્ધ પછી પણ તેઓ અમેરિકામાં સ્થાઈ થયા અને  ભૌતિકશાસ્ત્રના પરમાણુ ક્ષેત્રના અનેક પ્રયોગોમાં તેમણે ભાગ લીધો. 

૧૯૫૦ના દાયકામાં બે સૈદ્ધાંતિક ભૌતિકશાીઓ, ત્સંગ-ડાઓ લી અને ચેન નિંગ યાંગે, તેમને ભૌતિકશાસ્ત્રના  'લો  ઓફ  પેરિટી'માં રહેલી વિસંગતતાઓ દૂર કરવાનું કાર્ય સોંપ્યું હતું. ભૌતિકશાસ્ત્રનો 'લો  ઓફ  પેરિટી'  દર્શાવે છેકે 'પરમાણુ કક્ષાએ બે ભૌતિક સિસ્ટમમાં પરમાણુ  મિરર ઇમેજ જેવા  જોડિયા બાળકોની કક્ષામાં હોય તો,  તેમની વર્તણૂક અને લાક્ષણિકતા પણ એક સરખી જ રહે છે.' ચિયેન-શિંગ વુએ  કોબાલ્ટ -૬૦નો ઉપયોગ કરીને,  આ નિયમમાં રહેલી  વિસંગતતા અને ત્રુટિઓને દૂર કરી હતી.  જેને છેલ્લા ૩૦ વર્ષથી વિજ્ઞાાન જગત સ્વીકારી ચૂક્યું છે.  ચિયેન-શિંગ વુના સંશોધનના કારણે,  ૧૯૫૭માં ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ ત્સંગ-ડાઓ લી અને ચેન નિંગ યાંગને આપવામાં આવ્યું. ચિયેન-શિંગ વુના સંશોધનનો   ઉલ્લેખ  કે કદર કરવામાં આવી નહીં. ચિયેન-શિંગ વુનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ હોવા છતાં, નોબલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિકની જોડી આ મહિલા વૈજ્ઞાાનિકને પ્રસિદ્ધિ અપાવવાથી દૂર રહી. 

રોઝાલિંડ ફ્રેન્કલિન

રોઝાલિંડ ફ્રેન્કલિન, બ્રિટીશ બાયોફિઝિસ્ટ, એક અગ્રણી એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફર હતા.  રોઝાલિંડ ફ્રેન્કલિન દ્વારા લેવામાં આવેલ ડીએનએના બંધારણનો ફોટોગ્રાફ,  'ફોટો-૫૧' તરીકે ઓળખાતો હતો.  આ ફોટોગ્રાફ્સ જોઈને જેમ્સ વોટસન, ફ્રાન્સિસ ક્રિક અને મૌરિસ વિલ્કિન્સને  ડીએનએનું  ત્રિપરિમાણમાં બંધારણ સમજાયું હતું. રોઝાલિંડની ડીએનએ પરમાણુની છબી તેના બંધારણને સમજવા માટે નિર્ણાયક હતી. વીસમી સદીની સૌથી નિર્ણાયક શોધમાં, ડીએનએના બંધારણની શોધને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. 

જેના માટે જેમ્સ વોટસન, ફ્રાન્સિસ ક્રિક અને મૌરિસ વિલ્કિન્સને ૧૯૬૨નો નોબેલ પુરસ્કાર  આપવામાં આવ્યો હતો.  રોઝાલિંડ ફ્રેન્કલિનની કમનસીબીએ હતી કે નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું, તેના ચાર વર્ષ પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું હતું. કોઈપણ વ્યક્તિને મૃત્યુ બાદ નોબલ પ્રાઇઝ આપવામાં આવતું નથી.  કેટલાક નિષ્ણાતો કહે છે કે 'જો  રોઝાલિંડ ફ્રેન્કલિન  જીવતા હોત તો પણ તેમનંે નામ નોબલ પ્રાઈઝમાં સામેલ કરવામાં આવ્યું  જ ન હોત.' મહત્વપૂર્ણ વાત એ છે કે જાતિભેદના કારણે રોઝાલિંડ ફ્રેન્કલિનને સો ટકા અન્યાય થયો હોત.

લીસ મીટનર

પરમાણુ બોમ્બ બનાવવા માટે પરમાણુ વિખંડન સિદ્ધાંત કામ કરે છે.  આ સિદ્ધાંત ન્યુક્લિયર ફિશન તરીકે ઓળખાય છે. ન્યુક્લિયર ફિશનના સિદ્ધાંતને કાર્યરત કરવામાં,  મહિલા વૈજ્ઞાાનિક લીસ મીટનરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી છે.  તેમણે કરેલા સંશોધનના કારણે જ પરમાણુ બોમ્બ બનાવવાનું શક્ય બન્યું હતું. લીસ મીટનરને  જાતિવાદ,  જાતિભેદ,  રાજકારણ  અને  વંશીય જોડાણના કારણે ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે. 

લીસ મીટનરનો જન્મ ઓસ્ટ્રેલિયાની રાજધાની વિએનામાં થયો હતો. યુનિવર્સિટી ઓફ વિએનામાંથી પોતાની પીએચડીની ડિગ્રી મેળવ્યા બાદ , ૧૯૦૭માં તેઓ જર્મનીના બર્લિન શહેરમાં આવી પહોંચ્યા હતા.  અહીં તેમણે ખ્યાતનામ વૈજ્ઞાાનિક અને રસાયણ શાસ્ત્રી ઓટો હાન સાથે  કામ કરવાનું શરૂ કર્યું.  ૩૦ વર્ષ સુધી તેમણે  તેમની સાથે સંશોધન કાર્ય કર્યું હતું. ૧૯૩૮માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન,  હિટલરે ઓસ્ટ્રેલિયા ઉપર  કબજો કર્યો હતો.  યહૂદી હોવાના નાતે  લીસ મીટનર સ્વિડનના સ્ટોકહોમ શહેરમાં જતા રહ્યા હતા.

અહીંથી તેમણે વૈજ્ઞાાનિકો સાથે પોતાનું સંશોધન કાર્ય ચાલુ રાખ્યું હતું અને ગુપ્ત રીતે તેઓ કોપનહેગનમાં  મીટીંગો પણ કરતા હતા. ઓટો હાન દ્વારા,  નાભિકીય વિખંડનના આઈડીયાને આધાર મળે તેવા પ્રયોગો તેમણે કર્યા,  પરંતુ તેઓ નાભિકીય વિખંડન કઈ રીતે થાય છે તેમની રીતે  વર્ણવી શક્તા ન હતા.  આ કામ માટે લીસ મીટનર અને   તેમના ભત્રીજા ઓટ્ટો ફ્રિશ્ચ દ્વારા ઓટો હાનના કાર્યને સૈદ્ધાંતિક રીતે રજૂ કરવામાં  મદદ મળી. ઓટો હાન દ્વારા જે સંશોધન પત્ર રજૂ કરવામાં આવ્યું તેમાં સહ લેખક તરીકે  લીસ મીટનરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. 

વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ જોતા તેમના નામનો ઉલ્લેખ કરવામાં નહીં આવ્યો હોય તેવું માની શકાય. ૧૯૪૪માં પરમાણુના નાભિ કેન્દ્રને તોડવા માટે,  ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ ઓટો હાન આપવામાં આવ્યું. એકવાર ખુદ લીસ મીટનરે  તેની મિત્રને પત્રમાં લખ્યું હતું કે 'સ્વીડનમાં મહિલા હોવું એ જાણે અપરાધ હોય એવું લાગી રહ્યું છે.'  સ્વીડનની  નોબેલ આપનારી કમિટીએ લીસ મીટનર  મહિલા અને યહૂદી હોવાના કારણે,નોબલ પ્રાઈઝથી તેમને વંચિત રાખ્યા.  ખૂબ જ જાણીતા વૈજ્ઞાાનિક અને ભૌતિકશાસ્ત્રી નીલ્સ બોહરે કહ્યું હતું કે 'પરમાણુ વિખંડનની પ્રક્રિયા લીસ મીટનરના સહયોગ વિના અધૂરી રહી હોત.  ૧૯૬૮માં ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં  આ મહિલા ભૌતિકશાસ્ત્રનું અવસાન થયું.  અને એક મહિલાનું સંશોધન ફરીવાર ગુમનામીમાં ખોવાઇ ગયુ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OcaDTo
Previous
Next Post »