- ઘરનું ઢાંકણ નાર, નારી નરનું નૂર, નારી તું નારાયણી, કોઠીએ જુવાર તો ઘરમાં ડાહી નાર - જેવી કહેવતોમાં મહિલાઓનો મહિમા થયો છે...
'ક હેવત' એ લોકસાહિત્યનું લઘુસ્વરૂપ છે. લોકસાહિત્યના અન્ય સ્વરૂપોની જેમ તે પણ પ્રાચીન છે. લિખિત ભાષા પહેલાંનું તેનું અસ્તિત્વ છે. કહેવત એ બોલાતી બોલીમાં જીવંતરૂપે ગૂંથાઈ ગઈ છે- કંઠસ્થ સાહિત્યની આ એક લોકપ્રિય સ્વરૂપ છે. એ મોટેભાગે ગદ્યની પાસાદાર ઉક્તિમાં અસરકારકતા અને વેધકતા લઈને જન્મે છે, અપવાદરૂપે એ પદ્યમાં કે બે પંક્તિમાં પણ હોય, આવી 'કહેવત'નો ઉપયોગ વ્યવહારમાં વધારે થાય છે - ભણેલા વર્ગ કરતાં ગામડાનો સમાજ તેનો ઉપયોગ ઝાઝો કરે છે. કુદરતના ખોળે જીવનારા કૃષકો, પશુપાલકો અને શ્રમિકોના લોકવ્યવહારમાં એ ડોકાય છે - સંભળાય છે.
કહેવતને સંસ્કૃત અને હિંદીમાં 'લોકોક્તિ' મરાઠીમાં મ્હણ, બંગાળમાં પ્રવાદ, નેપાળમાં કહાવત, પંજાબીમાં કહોત, રાજસ્થાનીમાં ઓખાણા અને અંગ્રેજીમાં પ્રોવર્બ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં પણ તેને કહેવત, ઉક્તિ, કહેતી, કોયડો કે સમસ્યા જેવા થાય છે- 'લોકોમાં પરંપરાગત પ્રચલિત એવી નીચોડરૂપ ઉક્તિ'. આ કહેવતો લોકસાહિત્યનો અંશ છે, છતાં આજે ય તેનો ઉપયોગ થાય છે... બોલી અને લેખન, ભાષા- સાહિત્ય ઉભયમાં એ જોવા મળે છે. કહેવત અંગેની વિવિધ વ્યાખ્યાઓ આ મુજબ છે.
* પરંપરાથી પ્રજામાં કહેવાતું બોધરૂપ વાક્ય - નર્મકોશ.
* કહેવત એટલે ડહાપણવાળા મનુષ્યોનાં વચન બાણ - આશારામ વીરચંદ.
* કહેવત એટલે પ્રજાની સાંસ્કૃતિક, સામાજિક, નૈતિક અને લૌકિક એવી અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિની પારાશીશી. - ધૂમકેતુ
* વિદ્વાન, ડાહ્યા અને અનુભવી માણસો જે વચન કહી ગયા છે તે કહેવત. કર્તા વિનાનું વચન તે કહેવત.
* સુખદુ:ખના સારામાઠા અનુભવમાંથી તારવેલો સર્વસામાન્ય સિદ્ધાંત એટલે કહેવત. - દામુભાઈ મહેતા
આ કહેવતનાં લક્ષણોમાં લાઘવ, માર્મિકતા, વ્યંજકતા અને વધકતા મુખ્ય છે.
સ્ત્રી વિષયક કહેવતો :
(૧) માતૃપ્રેમ અને પરિવારદર્શનની કહેવતો
મા તે મા બીજા વગડાનાં વા. વગડાનો વા એટલે પવન. વગડામાંથી આવતો પવન તો શમી પણ જાય, પરંતુ માનો પ્રેમ અપાર રહે છે - એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.
છોરું કછોરુ થાય માવતર કમાવતર ન થાય.
સંતાનો કદાચ રસ્તો ભૂલીને મા-બાપનું ખરાબ વિચારી શકે, પરંતુ મા-બાપ એવું કરી શકે નહીં.
(૨) સ્ત્રી વિશેના સામાજિક ખ્યાલો કહેવતોમાં કૈંક આ રીતે ઝીલાયાં છે
- જર જમીન ને જોરુ એ ત્રણેય કજિયાના છોરું. જર એટલે કે ઘરેણાં. જમીન એટલે ખેતર-મકાન-દુકાનનો ભૂમિભાગ. અને જોરું એટલે પત્ની. જૂનાકાલે એવી માન્યતા હતી કે મોટા ભાગના ઝઘડાં આ ત્રણ કારણોથી થાય છે.
- સોપારી સાંકડી ને બાય રાંકડી.
જે સમયે સ્ત્રીઓ ખરેખર અબળા કહેવાતી એ સમયમાં આ કહેત વપરાતી હતી.
- સ્ત્રીને જીભે ઝાઝું જોર
બહુ બોલકી નારી માટે આ વાક્યપ્રયોગ થતો હતો.
- સ્ત્રી રહે તો આપથી, જાય તો સગા બાપથી
આ સંસ્કૃત સુભાષિતના અર્ક જેવી કહેવત છે. અથવા તો એનાથી જ પ્રેરિત હશે. સ્ત્રી જ્યાં સુધી બોલતી નથી ત્યાં સુધી એ બધુ જ સહન કરે છે. પણ જો ખરેખર સહનશક્તિ પૂરી થઈ જાય ત્યારે એ નદીની જેમ વિનાશ વેરી શકે છે.
- કહેવાની અબળા પણ હોય પ્રબળા
સાસુ-વહુના ઝઘડામાંથી આ કહેવત પડી હશે. સાસુને એની વહુ પ્રબળા જ લાગે. સાસુને એવું લાગે કે એની વહુ અબળા તો માત્ર દેખાય છે. ખરેખર તો એ પ્રબળા છે. એ સંદર્ભમાં આ લોકોક્તિ બની હશે.
- સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ
આવું કહીને એક સમયે સ્ત્રીને ઉતારી પાડવામાં આવતી હતી, પરંતુ આજની સ્ત્રી જગતભરની સફળતા પગ તળે કરી શકવા સક્ષમ છે.
- જયાં મળે ચાર ચોટલા ભાંગે કોઈના ઓટલા.
વાતોડી સ્ત્રીઓ માટે આ કહેવત વપરાતી હતી. સામાન્ય રીતે બે-ચાર સ્ત્રીઓ ભેગી થઈ જાય તો વાતોનો એટલે પટારો ખુલી જાય કે પછી સમય ખૂટી પડે! એક સમયે ગામડાંમાં ઓટલા પર બેસીને નવરાશમાં મહિલાઓ સુખ-દુખની વાતો માંડતી હતી.
- કોઠીએ જુવાર તો ઘરમાં ડાહી નાર
આ કહેવત સમૃદ્ધિના અર્થમાં વપરાતી હતી. કોઠીએ જુવાર એટલે કે સમુદ્ધ પરિવાર હોય તો ડાહી-હોશિયાર વહુ શોધી શકે છે. બીજી રીતે છોકરો સમક્ષ હોય તો સારી કન્યા મેળવી શકે છે.
- પરનારી યાર, સદા ખુવાર
લગ્ન પછી પુરુષ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે તો તેનાથી પરિવારને ભોગવવાનું આવે છે. એ સંદર્ભમાં આ કહેવતમાં ટકોર થઈ છે કે પરનારી સાથે યારી વધે તો ખુવારી થવાની શક્યતા વધી જાય છે.
(૩) નારીના આદર, ગૌરવની તરફદારી કરતી કહેવતો
- બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર
- ઘરડા વગર ઘર નહિ, વહુ વગર વર નહિ
- નારી તું નારાયણી
- પુત્રના પારણામાં, વહુના બારણામાં
- નારી નરનું નૂર.
- ન જાણે જોશી તે જાણે ડોશી.
- મા એવી દીકરી
(૪) સ્ત્રીની ઉપેક્ષા
સમાજમાં સ્ત્રીની ઉપેક્ષા થઈ છે તેનો પડઘો પણ કહેવતોમાં પડયો છે.
- નમાલી વહુને સૌ ટોકે
- નારી નરકની ખાણ
- સાસરે સમય નહિ પિયરમાં કોઈ પૂછે નહિ
- પહેલું દુ:ખ બારણે તિરાડ, બીજું દુ:ખ પડોશી લબાડ. ત્રીજું દુ:ખ વાંસે ચાંદુ, ચોથું દુ:ખ બૈરું માંદુ
- દીકરાને આવી દાઢી, ત્યારે માને મૂકી કાઢી
(૫) પતિ- પત્નીના વિશે સમાજ
- મિયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી ?
- પિયર ઢૂંકડું હોય તે બાયડી ઘર માંડે નહિ
- નબળો માટી બૈરી પર શૂરો
(૬) કન્યાનું મહત્ત્વ
- કુંવારી કન્યાના સો વર ને સો ઘર
- ઉઠ વહુ વિસામો ખા, હું કાતું તું દળવા જા
- ડાહીને ઘેર ઘેર સાસરા
(૭) સાસુ- વહુ
- મજીયારી હાહુ ને ઉકરડે મોકાણ
- પરણાવતા સાસુ હરખાયાં પછી થયા હડકાયા
- સો દાડા સાસુના એક દા'ડો વહુનો
- સાસુ ભાગે કલેડા ને વહુ ભાંગે ઠીકરાં
- કહેવું સાસુને સંભાળવવું વહુને
સંસારમાં જેમ સ્ત્રીને રથનું એક પૈડું કહેવાય છે એમ કહેવતોમાં પણ તેણે ઠીક ઠીક સ્થાન પ્રાપ્ત કર્યું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3v3Rtj8
ConversionConversion EmoticonEmoticon