દિલ્હીની દિવ્યાએ કુસ્તીની દુનિયામાં ડંકો વગાડયો

- એશિયન ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડન સફળતા બાદ હવે ટોકિયો ઓલિમ્પિકમાં દિવ્યાને ઐતિહાસિક સફળતાની આશા


સ પના જોવાનો વૈભવ તો દરેકની પાસે હોય છે. જે પળવાર માટે તો તમામ મુશ્કેલીઓ અને પરિસ્થિતિની કઠોરતાને ભૂલાવી દે છે. જોકે, આ આનંદ માત્ર ક્ષણિક જ હોય છે. તેની નિરંતર પ્રાપ્તિ માટે અથાક સંઘર્ષની સાથે સાથે જીવ નિચોવી નાંખવાની તાકાત અને સજ્જતાની જરુરિયાત રહે છે. તો જ સ્વપ્નમાં મળેલા આનંદની વાસ્તવિક અનુભૂતિ પ્રાપ્ત  થઈ શકે છે. પરિસ્થિતિના પડકારોનો સામનો કરતાં કરતાં પળવારના વિશ્રામ વિના એકધારી આગેકૂચ કરતાં દિગ્ગજો જ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

તળિયેથી શરુ થતી યાત્રાની નોંધ ભાગ્યે જ લેવાતી હોય છે. જોકે તે જ યાત્રા જ્યારે એક પછી એક શિખરો  સર કરવા લાગે છે, ત્યારે તેની ઉજવણીમાં આખી દુનિયા જોડાતી હોય છે. આવો જ અનુભવ દિલ્હીની યુવા મહિલા કુસ્તીબાજ દિવ્યા કાકરાન કરી રહી છે. એક સાવ સાધારણ પરિવારની પુત્રીએ દેશની ટોચની કુસ્તીબાજોમાં સ્થાન હાંસલ કરી લીધું છે. દિવ્યાએ વૈશ્વિક કુસ્તી સ્પર્ધાઓમાં દેશને સુવર્ણ સહિતના ચંદ્રકો અપાવ્યા છે અને તેનો સિલસિલો હજુ પણ જારી જ રહેવા પામ્યો છે. હરિયાણાં યોજાતી પ્રતિતિ ભારત કેસરી કુસ્તીની સ્પર્ધામાં દિવ્યાએ આઠ વખત ચેમ્પિયનશિપ હાંસલ કરીને અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની વિવિધ કુસ્તી સ્પર્ધાઓમાં પ્રભાવશાળી દેખાવ કરી રહેલી દિવ્યા તેના વજનવર્ગની સ્પર્ધામાં વર્લ્ડ ચેમ્પિયન રેસલરને પછડાટ આપી ચૂકી છે. સફળતાના પગલે તેના પરિવારની આર્થિક મુશ્કેલીઓ ઉકેલાઈ ગઈ છે. એક સમયે નાણાં કમાવા માટે કુસ્તી કરતી દિવ્યાની નજર હવે મેજર સ્પર્ધાઓમાં સફળતા મેળવવા તરફ મંડાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રભાવ પાડનારી દિવ્યા અસાધારણ સંઘર્ષનું જીવંત ઉદાહરણ બની રહી છે અને આજે તે તેના જેવી અનેક છોકરીઓને માટે પ્રેરણાસ્રોત બની રહી છે. 

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના પુરબાલિયન નામના નાનકડા ગામમાં રહેતા સુરજ અને સંયોગિતાના સાધારણ પરિવારમાં ત્રીજા સંતાન તરીકે દિવ્યાનો જન્મ થયો હતો. જેના થોડા સમય બાદ તેનો પરિવાર હરિયાણા નજીક આવેલી દિલ્હીના બહારના વિસ્તારમાં સ્થાયી થયો. દેશ-વિદેશમાં પહેલવાનો માટે જાણીતા હરિયાણામાં તેના બંને ભાઈઓ કુસ્તી તરફ વળ્યા. વળી, સુરજ અને સંયોગિતા પાસે આવકના મર્યાદિત સ્રોત હતા. અખાડાના પહેલવાનો માટે  લંગોટ બનાવવાના ધંધા સાથે તેઓ જોડાયેલા હતા. સંયોગિતા તેના ઘરે જ લંગોટ બનાવતી અને સુરજ જુદા-જુદા સ્ટેડિયમો અને અખાડામાં જઈને તેને વેચતા.

મોટાભાઈઓની સાથે સાથે ઘણી વખત દિવ્યા પણ અખાડામાં જતી અને ત્યાંની માટીમાં રમતી. પહેલવાનોની વચ્ચે તેનો ઉછેર થયો અને ધીરે ધીરે તેણે ક્યારે કુસ્તી કરવાની શરુ કરી દીધી તેનો ખ્યાલ ખુદ તેને જ ન રહ્યો. બાળપણમાં તેને સ્કૂલ જવાનો કંટાળો આવતો. તે ઘણી વખત સ્કૂલે જવાનું ટાળતી અને તેના માતા-પિતા સજાના ભાગરુપે તેને ઘર નજીકના અખાડામાં મોકલી દેતા. કુસ્તી કરવી એ દિવ્યાનું સૌથી મનગમતું કામ હતુ. 

કિશોરાવસ્થા એ પહોંચતા સુધીમાં દિવ્યાએ કુસ્તીમાં એટલી પકડ મેળવી લીધી કે, તે છોકરાઓને પણ પછાડી દેતી. આ જ કારણે તે પિતાની સાથે સાથે નાના-નાના ગામડાઓમાં જતી અને દંગલ ખેલતી. આ દંગલમાં વિજેતા બનનારને સારી એવી રકમ મળતી. જેના કારણે દિવ્યાનો આ શોખ તેના પરિવાર માટે એક પ્રકારે આવકનું સાધન પણ બની ગયો. આ બધાને કારણે પિતાનો ધંધો પણ સારો ચાલતો.

સૂરજ તો તેમની પુત્રીને કુસ્તીબાજ બનવા માટે પ્રોત્સાહન આપતાં. જોકે તેની માતા અને દાદા-દાદી તેના વિરોધમાં હતા. વળી, આડોશ-પાડોશના લોકો અને સમાજના બંધનોને કારણે દિવ્યાનો અખાડા સુધી જવાનો રસ્તો મુશ્કેલ બનવા લાગ્યો હતો. આ નિર્ણાયક તબક્કે તેના પિતા સૂરજ અને મોટો ભાઈ દેવ તેની પડખે ઉભા રહ્યા. તેમના પ્રયાસો થકી જ દિવ્યાની કુસ્તી જારી રહેવા પામી હતી. મુશ્કેલીઓ અને વિરોધની વચ્ચે દેશમાં મહિલા કુસ્તી અને બોક્સિંગને વધુને વધુ સ્વીકૃતિ મળવા માંડી. જેના કારણે દિવ્યાને જુનિયર તેમજ સિનિયર લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળવા માંડી. અખાડાની માટીમાં ઘડાઈને તૈયાર થયેલી દિવ્યાને માટે મેટ પર કુસ્તી ખેલવાનો અનુભવ નવો હતો, પણ તેને આ ખેલના ઘણા રસપ્રદ અને અણધાર્યા દાવ આવડતાં હતા. જેની સામે ટકી રહેવું તેની સમવયસ્ક હરિફો માટે અતિ દુષ્કર હતુ. રાષ્ટ્રીય સ્તરની કુસ્તીમાં પણ દિવ્યાએ તેનો પ્રભાવ દેખાડયો હતો અને આ જ કારણે તેને ફ્રિસ્ટાઈલ કુસ્તીની ૬૯ કિગ્રા વજન વર્ગની સ્પર્ધા માટેની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. 

કારકિર્દીમાં પહેલીવાર તેણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતાં તેણે ૨૦૧૭માં ભારતમાં જ યોજાયેલી એશિયન કુસ્તી સ્પર્ધામાં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે રજત ચંદ્રક હાંસલ કર્યા  બાદ તેને ભારે નામના મળી અને ઈનામમાં સારી એવી રકમ પ્રાપ્ત થઈ હતી. જોકે, તેનો આ આનંદ લાંબો સમય ન ટકી શક્યો અને પથરીનું નિદાન થતાં તેને ત્રણ મહિના સુધી કુસ્તીથી દૂર રહેવું પડયું હતુ.

તેને કારકિર્દીના પ્રારંભે જ પથરીનું ઓપરેશન કરાવવું પડયું હતુ, જેના કારણે તેને માનસિક રીતે આઘાત અનુભવાયો. જોકે, સ્વસ્થ થતાં જ તે બમણા જોશથી પાછી ફરી અને તેણે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સૌપ્રથમ વખત સિનિયર લેવલે સુવર્ણચંદ્રક જીતી બતાવ્યો. દિવ્યાએ જ્યારે ગોલ્ડ મેડલ જીત્યો તે સમયે તેના પિતા સ્ટેડિયમની બહાર લંગોટ વેચવા માટે ઉભા હતા. જેઓ પુત્રીની સફળતાને નિહાળી ન શક્યા, પણ આ ચંદ્રકે તેની જિંદગીમાં મોટું પરિવર્તન આણ્યું.

૨૦૧૭માં સાઉથ આફ્રિકામાં યોજાયેલી કોમનવેલ્થ કુસ્તીમાં તેણે સુવર્ણ સફળતા મેળવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતુ. આ પછી તેને રેલવેમાં નોકરી મળી. આમ છતાં તેણે કુસ્તી પરથી તેનું ધ્યાન ખસવા ન દીધું. ૨૦૧૮માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ તેમજ ત્યાર બાદના જકાર્તા એશિયાડમાં તેને કાંસ્ય સફળતા હાંસલ થઈ. આ પછી ૨૦૧૯માં તેણે એશિયન ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો અને બીજા વર્ષે તેને ગોલ્ડ મેડલમાં ફેરવવામાં સફળતા હાંસલ કરી. 

ગત વર્ષના પ્રારંભે એશિયન કુસ્તી ચેમ્પિયનના સમાપન બાદ જ અચાનક કોરોનાનો કહેર વધી જતાં આખુ જગત થંભી ગયું હતુ. રમતજગતમાં શિરમોર એવા ઓલિમ્પિક સહિતની લગભગ તમામ મેજર ઈવેન્ટ્સમાં પણ કોરોનાનો સન્નાટો જોવા મળ્યો હતો. આ મુશ્કેલ સમયમાં પણ દિવ્યાએ લોકડાઉન વચ્ચે તેની ફિટનેસ જાળવવાની સાથે નિયમિત પ્રેક્ટિસ પણ ચાલુ રાખી હતી. હવે ફરી એક વખત દુનિયા ધમધમતી થઈ છે અને આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓ શરુ થઈ ચૂકી છે, ત્યારે દિવ્યાએ ટોકિયોમાં યોજાનારા રમતોના મહાકુંભ તરફ મીટ માંડી છે. કોરોનાના કારણે ઓલિમ્પિક સહિતની સ્પર્ધાઓનું ભાવિ અનિશ્ચિત છે. આમ છતાં દિવ્યાએ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની તૈયારીઓ જારી રાખી છે અને આવનારા દિવસોમાં તે દેશને વધુ સફળતા અપાવવા માટે કટિબદ્ધ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3efBB7f
Previous
Next Post »