- અનેક ચડાવ ઉતારનો સામનો કરીને સફળતા પ્રાપ્ત કરી
- દીપિકાએ જે રીતે હતાશા અને તાણનો સામનો કર્યો તેની વિશ્વએ નોંધ લઈને દાદ દીધી છે. દીપિકાની હતાશા સામેની લડાઈ અનેક યુવા માટે ગાઈડલાઈન સમી બની ગઈ છે.
સુડોળ કાયા અને મોહક સ્મિત ધરાવતી દીપિકા માત્ર પોતાની હિટ ફિલ્મોના બળે સુપરસ્ટારનું પદ નથી પામી પણ સિને જગતમાં જવલ્લે જ જોવા મળતું વ્યક્તિત્વ ધરાવવાને કારણે તેણે આ પદ હાંસલ કર્યું છે.
આમ તો દીપિકાએ બોલીવૂડમાં પ્રવેશ મેળવતા જ સફળતા ચાખી લીધી હતી. બોલીવૂડમાં તેના આગમન બાદ જાણે સૌદર્ય અને ફેશનની વ્યાખ્યા જ બદલાઈ ગઈ. પરંપરાગત હિરોઈનથી જૂદો જ લૂક ધરાવતી દીપિકા દર્શકોની નજરમાં શરૂઆતથી જ વસી ગઈ. બોલીવૂડના પ્રારંભિક પગથીયે દીપિકાએ થોડો જ સમય પસાર કરવો પડયો કારણ કે ટૂંકમાં જ તેને સુપર સ્ટાર શાહરુખ ખાન સામે રોલ ઓફર થયો. શાહરુખ સામે દીપિકાએ એક સુપરસ્ટારને છાજે એવો પરફોર્મન્સ આપ્યો. ત્યાર બાદ તેણે પાછુ વાળીને જોયું નથી.
ફેશન અને દેખાવની જેમ એક્ટિંગના ક્ષેત્રમાં પણ દીપિકાએ નવો ચીલો પાડયો છે. વૈવિધ્યતા તેનું જમા પાસુ રહ્યું છે. બોલીવૂડમાં રહીને પૈસા કમાવવા માટે આવી ભૂમિકા તમામ સ્ટારને કરવી જ પડી છે. પણ સમય જતા તેણે દમદાર ભૂમિકાઓમાં જાન પાથરી છે. ચેન્નઈ એક્સપ્રેસ પછી તેણે છપાક, પિકુ અને હાઉસફુલ જેવી ફિલ્મો પણ આપી છે. પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ઐતિહાસિક ભૂમિકા ધરાવતી ફિલ્મ હોય કે રામલીલા જેવી રોમાન્ટિક કે પછી ચેન્નઈ એક્સપ્રેસ જેવી મસાલા ફિલ્મ હોય, દીપિકાએ પોતાની ભૂમિકાને પૂરતો ન્યાય આપ્યો છે.
એમાં પણ રણવીર સિંઘ સામેની તેની કેમિસ્ટ્રી ગજબની સાબિત થઈ છે. હવે આ કપલ બોલીવૂડનું નં. ૧ કપલ તરીકે ઓળખાય છે. દીપિકા લાગણીઓથી છલકતી અભિનેત્રી છે જ્યારે રણવીર ઉત્સાહ અને ઉમંગનો સાગર.
દીપિકાએ જે રીતે હતાશા અને તાણનો સામનો કર્યો તેની વિશ્વએ નોંધ લઈને દાદ દીધી છે. ભારતના બેડમિન્ટનના સુપર સ્ટાર પ્રકાશ પાદુકોણની આ પુત્રીએ ગજબની હિંમત દેખાડી છે. પોતે જેમાં માને છે તેના સમર્થનમાં ઊભા રહેવાની તેણે હિંમત દાખવી છે.
આમ છતાં દીપિકા જણાવે છે કે હું કદી મને પોતાને સુપરસ્ટાર નથી ગણતી. મને એવું નથી લાગતું કે હું બધાથી જુદી છું. મને તો બસ મારુ પ્રિય પાત્ર મળી ગયું અને મારા તમામ પડાવમાં મારા પરિવારનો મને પૂરતો ટેકો મળ્યો એના માટે હું મારી જાતને સદ્નસીબ માનું છું. મને અસંખ્ય તક મળી છે અને એ તકોને સિધ્ધિમાં બદલી નાખવા મેં પૂરતી મહેનત કરી છે. મેં ભોગ પણ આપ્યા છે અને મેં સફળતા પણ ચાખી છે. આખરે તમામ સામાન્ય છોકરીઓની જેમ જ હું આમાંથી પસાર થઈ છું. હું જ્યારે મારી વિતેલી જીંદગી વિશે વિચારું છું તો મને કોઈ ફરક નથી દેખાતો સિવાય કે ત્યારે હું ૧૬ વર્ષની ટીનેજર હતી અને હવે ૩૫ વર્ષની પુખ્ત મહિલા છું. હજી પણ હું સવારે ઊઠીને સ્ટ્રગલ માટે તૈયાર થાઉ છું અને મારા કામ માટે મહેનત કરું છું.
ઉલ્લેખનીય છે કે દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ ભારતના સૌથી મોટા બેડમિન્ટન પ્લેયર હતા. આવા સંજોગોમાં અન્ય કોઈપણ છોકરીએ સ્પોર્ટમાં જ કારકિર્દી બનાવી હોત. દીપિકા માટે પણ એવું જ કહેવાતું કે તે બેડમિન્ટનમાં કારકિર્દી બનાવશે.
દીપિકાએ પણ કબૂલ કર્યું કે સ્કૂલમાં હું પ્રોફેશનલ બેડમિન્ટન રમતી હતી. પણ એક સમયે મને લાગ્યું કે રમતગમત મારા માટે નથી. મારે કંઈ જુદુ કરવું હતું. મને મોડેલિંગ, નૃત્ય અને સંગીતમાં રસ હતો. પણ એક્ટિંગ ક્ષેત્રમાં કેવી રીતે પદાર્પણ કરવું તેની મને કોઈ ગતાગમ નહોતી. મોડેલિંગ કરતા કરતા જ ૧૯ વર્ષની વયે મને ફરાહ ખાન તરફથી ઓમ શાંતિ ઓમ માટે ઓફર મળી અને પછી મેં પાછું વાળીને જોયું નથી.
કોરોનાકાળના લોકડાઉને અનેકની કારકિર્દી રોળી નાખી પણ દીપિકાને આ વર્ષે સૌથી વધુ લાભ થયો. દીપિકાની ૨૦૧૩ની રામલીલા અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી જ હિટ ફિલ્મો આ વર્ષે રજૂ થાય એવી શક્યતા છે.
આ વર્ષે રજૂ થનારી ફિલ્મો વિશે દીપિકા જણાવે છે કે શકુન બાત્રાની ફિલ્મ બોલીવૂડમાં અગાઉ ક્યારેય ન બની હોય એવા કથાનક પર છે. ઉપરાંત શાહરુખ સાથે એક્શન ફિલ્મ પઠાણ અને પ્રભાસ સાથે નાગ અશ્વિનની એકથી વધુ ભાષામાં બની રહેલી ફિલ્મો વિશે હું આશાવાદી છું. દીપિકાને એના હેથવેની ધી ઈન્ટર્ન પરથી બની રહેલી હિન્દી ફિલ્મ વિશે પણ ખૂબ જ ઉત્સુકતા છે. તે જણાવે છે કે આ ફિલ્મ આજના સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે. ઉપરાંત મહાભારતમાં મારુ સૌથી પ્રિય પાત્ર દ્રૌપદીથી પણ હું વિશ્વને ઘણું કહેવા માગુ છું.
કોકટેલની ગ્લેમર ગર્લ હોય કે પદ્માવતની મહારાણી કે પછી પિકુની આજ્ઞાાકિંત પુત્રી હોય, દીપિકાએ દરેક પાત્રને રૂપેરી પડદે જીવંત કર્યું છે. દીપિકા કહે છે કે મને ટાઈપકાસ્ટ થવાનો ભય સતાવતો હોવાથી કોઈ અલગ પ્રકારની ભૂમિકા મળે તો હું તુરંત સ્વીકારું છું. આવી વિવિધ ભૂમિકા માટે મારા પર વિશ્વાસ મુકવા બદલ હું દિગ્દર્શકો અને લેખકોનો હમેંશા આભાર માનુ છું. આમ તો બેંગલુરુ જેવા ભારતના ટેકનોલોજીકલ શહેરમાં ઉછરેલી દીપિકા ઘરખ્ખુ છોકરી છે. બેંગલુરુના દિવસોને હજી પણ દીપિકા યાદ કરે છે. દીપિકા કહે છે કે તમામ ઘરેલુ સ્ત્રીઓની જેમ મારા ઘરના કામ હું જ કરું છું. મને બીજી કોઈ રીતે વર્તવાની સમજ નથી. હું ઘરના કામ કરું ત્યારે રણવીરને નવાઈ લાગે છે પણ મારો ઉછેર આવી જ રીતે થયો છે. ઘર સંભાળવું એ કોઈ કામ નથી, મારા માટે એ એક સામાન્ય ક્રિયા છે જેનો મને આનંદ આવે છે. આ સંસ્કાર મારા લોહીમાં છે.
મોેડેલિંગ કારકિર્દીથી શરૂઆત કરનાર દીપિકા પોતાને મનપસંદ કામ કરવાની પ્રેરણા આપવા બદલ માતા-પિતાને પોતાની સફળતાનું શ્રેય આપતા કહે છે કે મને મોડેલિંગ ક્ષેત્રમાં તક આપવા બદલ હું નિર્માતા અનિલા આનંદની પણ ખાસ ઋણી છું. ફોટોગ્રાફર અતુલ કસ્બેકરે પણ મને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન આપ્યું. શાહરુખ અને ફારાહ ખાનનો પણ ઉપકાર હું ક્યારેય નહિ ભૂલુ. તેમણે ઓમ શાંતિ ઓમ બાદ મારું સંપુર્ણ ખ્યાલ રાખ્યો. કેવી ફિલ્મો સ્વીકારવી, મીડિયા સમક્ષ કેવી રીતે રજૂ થવું, મારકેટિંગ અને પ્રમોશનમાં કેવી રીતે ધ્યાન આપવું. આથી જ તેની સાથે સ્ક્રીન પર મારી કેમિસ્ટ્રી દર્શકોને જોવી ગમે છે.
પોતાના જીવનના બીજા તબક્કા એટલે કે રણવીર સાથેના લગ્ન બાબતે દીપિકા જણાવે છે કે અમારી વચ્ચેની મિત્રતા અમારા સંબંધનો મુખ્ય સેતુ છે. રણવીરના ચાહકો તેના ઉત્સાહ અને ઉમંગ માટે તેના પર ફિદા છે પણ દીપિકા કહે છે કે એના સિવાય પણ રણવીરના જે ગુણો છે તેના પ્રત્યે હું આકર્ષાઈ છું. અમારા આઠ વર્ષના સંબંધ પછી પણ અમે એકમેકને સમજવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ જ બાબત મને તેના પ્રત્યે આકર્ષે છે. રણવીરની કલા પર ફિદા થયેલા દીપિકા કહે છે કે રણવીર જ્યારે ભૂમિકામાં ઓતપ્રોત થાય છે ત્યારે તમને સ્ક્રીન પર એક અલગ જ વ્યક્તિ જોવા મળે છે. આજની પેઢીમાં આટલી વૈવિધ્યતા ધરાવતો કલાકાર ભાગ્યે જ કોઈ હશે. આમ છતાં વ્યક્તિગત સ્તરે રણવીર બાળક જેવો અને પ્રેમાળ છે.
દીપિકાના તેજસ્વી વ્યક્તિત્વ પાછળ એક બીજો સંઘર્ષ પણ છૂપાયેલો છે. એ છે હતાશા સામેની તેની લડાઈ. દીપિકા વિના કોઈ ખચકાટ એના વિશે વાત કરે છે જેથી આવી સમસ્યામાંથી પસાર થનારને તેમાંથી કોઈ માર્ગદર્શન મળે. હતાશાનો સામનો કરતા લોકોને દીપિકા સલાહ આપે છે કે આ સ્થિતિને કમજોરી નહિ પણ બીમારી સમજીને વિશેષજ્ઞા પાસેથી સલાહ લેવાનું ટાળવું ન જોઈએ. આમાં કંઈ જ ખરાબ નથી. તમે જ્યારે સંઘર્ષ કરતા હો અને માનસિક તાણનો અનુભવ કરો ત્યારે મદદ લેતા અચકાવવુ ન જોઈએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bf49vY
ConversionConversion EmoticonEmoticon