- બ્રિટનમાં ભારતીય અસ્મિતાનું હડહડતું અપમાન : રશ્મિ સામંત ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઇતિહાસમાં સ્ટુડન્ટ યુનિયનની સૌપ્રથમ ભારતીય પ્રેસિડેન્ટ બની પણ ગણતરીના દિવસોમાં જ તેણે રાજીનામું આપી દેવું પડયું
- રશ્મિની ચાર વર્ષ જૂની પોસ્ટને વહેતી કરીને ભારત, ભારતીય અને હિંદુ ધર્મને બદનામ કરવામાં આવ્યો. માનસિક રીતે ભાંગી પડેલી અને ભયભીત બનેલી રશ્મિ હાલ તેના વતન કર્ણાટકના ઉડુપીમાં આવી ગઈ છે
- એક તરફ જે એન યુમાં વટ કે સાથ દેશદ્રોહી તત્ત્વોનું આંદોલન ચાલ્યું હતું બીજી તરફ રશ્મિની અસાધારણ પ્રતિભા છતાં પદ ત્યાગવું પડે છે
'ભા રતમાં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી, જાતિવાદ અને કોમવાદ પ્રવર્તે છે, ભારતમાં શાંતિથી રહી ન શકાય તેવું ભયભીત વાતાવરણ છે' જેવી સોશિયલ મીડિયા પર કાગારોળ મચાવતા સક્રિય સેલીબ્રીટીઓ અને એકટિવીસ્ટ બ્રિટનની જગવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતની રશ્મિ સામંતનું અને તેના કરતા પણ વધુ વિચારીએ તો ભારત દેશની એક અતિ હોનહાર વિદ્યાર્થિનીનું સરેઆમ હડહડતું અપમાન થયું છતાં એ હદે વિરોધ કરી હોબાળો મચાવવાથી દુર રહ્યા. રશ્મિ સામંત ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ઇતિહાસમાં આ વર્ષે સ્ટુડન્ટ યુનિયનની પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઇ આવનાર સૌ પ્રથમ ભારતીય વિદ્યાર્થી બની હતી. હજુ તો તેના પર આ અદ્વિતીય સિદ્ધી બદલ દેશ વિદેશથી અભિનંદનની વર્ષા ચાલી રહી હતી ત્યારે જ બ્રિટનનાં ગોરા અને ભારત-હિંદુ વિરોધી એશિયન વિદ્યાર્થીઓને પેટમાં બળતરા થવા લાગ્યા. અંદર ખાનેથી એવી વાત બહાર આવી કે ખુદ બ્રિટનના ગોરા શિક્ષણવિદ્દો અને શિક્ષણ જગતના મેનેજમેન્ટ સાથે જોડાયેલાઓનું પણ એક ભારતીય છોકરી વિશ્વની પ્રતિતિ યુનિવર્સિટીનાં જીનયસ વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડતું નેતૃત્વ કરે તે જોઇને નાકનું ટેરવું ચઢી ગયું. આ બધા વિઘ્નસંતોષીઓને એ વાતનો પણ ડર હતો કે હવે બ્રિટન અને અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ભારતના વિદ્યાર્થીઓ આ ટ્રેન્ડ જોઇને યુનિયન લીડર તરીકે ચૂંટાવા લાગશે તો વિશ્વના બહુરંગી અને ભારે ટેલેન્ટ ધરાવનારા વિદ્યાર્થીઓના જનમાનસનું ઘડતર ભારતીય અને હિંદુ સંસ્કૃતિની આભા વધારતું કરશે. વિશ્વમાં રંગભેદી માનસ ધરાવનારાઓ જ નહીં પણ 'ભારત અને હિન્દુઇઝમ( ઉચઅ ૈહ નૈકી)' જે રીતે ઉભરી રહ્યું છે તેથી પણ એક બહોળા વર્ગના પેટમાં તેલ રેડાયું છે. આવા એજેન્ડા ધરાવનાર એનજીઓ વિદ્યાર્થીઓને ઉશ્કેરીને કે હાથા બનાવીને તેઓમાં અસલામતીનું વાતાવરણ સર્જે છે.
ઓક્સફર્ડમાં પ્રમુખ તરીકેની ચુંટણીની ઉમેદવાર બનવું તે જ એક મોટી વાત છે. ઓક્સફર્ડના જગતભરના યુવા ભેજાઓનું દિલ અને મત જીતવા કેવું વિઝન અને પ્રેઝન્ટેશન રશ્મિનું રહ્યું હશે તે વિચારો. રશ્મિના વિજયની ઉજવણી હજુ પૂરી થઇ ત્યાં સુધીમાં તો યુનિવર્સિટી કેમ્પસમાં તેની અને ભારત વિરોધી લોબીએ રશ્મિની છેક ૨૦૧૭ની સાલની તેની સોશિયલ મીડિયા પરની પોસ્ટ શોધી કાઢી જેમાં રશ્મિએ તેની જર્મનીના બર્લિનની મુલાકાત વખતના હિટલરે જ્યાં નરસંહાર કર્યો હતો તે સ્થળોની તસ્વીરો મૂકી હતી અને તેની સાથે કોમેન્ટ કરી હતી કે 'નાઝીઓના અત્યાચાર છતાં તેઓનું જે સ્વપ્ન સાકાર ન થઇ શક્યું તે સ્મારક.' તેની આ કોમેન્ટને જ્યુ(યહૂદી)સમુદાય પરત્વે અસંવેદના વ્યક્ત કરતી ગણાવાઈ રહી છે. મલેશિયાની મુલાકાત વખતે ફેસ બુકમાં ફોટો મુકીને તેણે 'ચીંગ ચેંગ' એટલું જ લખ્યું. ચીંગ ચેંગનો મંદારીયન ભાષામાં અર્થ 'વૃક્ષની ડાળીઓ ખાનારા થાય' પણ તે શબ્દ પ્રયોગ માનસિક રીતે પછાત યુગના તે રીતે વ્યંગમાં થતો હોય છે. બીજો કટાક્ષ ખરેખર તેઓ કઈ હદે ઉબ આવી જાય તે રીતે માંસાહારી છે તેનો વિપરીત જાણે પ્રકૃતિજન્ય ભોજન આરોગનાર પ્રજા તરીકે કર્યો હતો. માત્ર મલેશિયા જ નહીં ચીન અને જ્યાં જ્યાં મંદારીયન ભાષા બોલાય છે તે દેશોની પ્રજા 'ચીંગ ચેંગ' પીપલ તરીકે કહો તો તેમની ટીખળ કે હાંસી તરીકે જુએ છે.ભારતમાં તો ગુજરાતીઓની 'દાળભાતીયા' તરીકેની મજાકને આપણે હળવાશથી લઈએ છીએ. ભારતમાં તો દરેક ગામ, જ્ઞાાતિ અને પ્રાંતના નાગરિકોની મિમિક્રી અને જોક્સ થતા જ રહે છે. ચીના કે મંદારીયન ભાષી પ્રજાને માટે રશ્મિ એક ભારતીય હોઈ તે જ રીતે 'ચીંગ ચેંગ' કહીને ટીખળ કરવા માંગતી હશે.
રશ્મિની ૨૦૧૮નાં અરસાની બીજી એક એવી પોસ્ટ શોધી કઢાઈ જેમાં તેણે સજાતીય અને ટ્રાન્સ વુમન સાથેના સંબંધો અંગે સંકુચિત વિચારો વહેતા કર્યા હતા.
રશ્મિ વિરોધી ટોળકીનાં મિશન માટે એવો પ્રશ્ન જરૂર થાય કે તેઓએ તે ચુંટણી જીતી ગઈ તે પછી ચાર વર્ષ પહેલાની આવી બધી પોસ્ટ ખણખોદ કરીને કેમ શોધી કાઢી ? રશ્મિની આવી પોસ્ટના વિરોધીઓએ બેનર બનાવ્યા, નારાઓ સાથે દેખાવ થયા. હારેલું જૂથ પણ તેમાં જોડાયું. બહુ જ સુવ્યવસ્થિત રીતે હવે રશ્મિ પર ખુબ જ અશ્લીલ અને ધમકીભરી ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો ચલાવવામાં આવ્યો. ભારતની કમનસીબી રહી છે કે દેશ હોય કે વિદેશ પોતાની જાતને તટસ્થ અને માનવ હક્કની જાળવણીના અવતાર માનનાર ભારતના જ બુદ્ધિજીવીઓ જ દેશના ગૌરવનું હનન કરે છે તેવા વિદેશી તત્ત્વો જોડે બેસીને આંદોલનમાં જોડાઈ જાય છે. ઓક્સફર્ડમાં પણ એવું જ થયું છે.
ઓક્સફર્ડના ઈતિહાસ વિષયના સન્માનીય પ્રોફેસર અમિતાભ સરકારે એવી પોસ્ટ મુકીને રશ્મિ વિરોધી જૂથોને ભડકાવ્યા કે 'રશ્મિ જે રાજ્યની વતની છે તે કર્ણાટક ઇસ્લામફોબીક છે, ઇસ્લામ ધર્મથી પીડાઈને આ બધા ઇસ્લામધર્મીઓને નફરત કરે છે. 'હદ તો ત્યારે થઇ કે અમિતાભ સરકારે આ પોસ્ટ જોડે રશ્મિના માતા પિતાની તસ્વીર પણ મુકી જેઓ ટીલા ટપકા સાથે યજ્ઞા કરતા બતાવાયા છે. રશ્મિને નાઝી જેવી સંહારક અને જેન્ડર હક્ક અને આત્મસન્માનને ભારે નુકસાન પહોચાડશે તેવી વિકૃત ગણાવી કેમ્પસ અને સોશિયલ મીડિયા ગાજી ઉઠયું. તમે જે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો મુદ્દો ઉઠાવીને લડતા હો તો સામી વ્યક્તિ પણ તે સ્વાતંત્ર્યતા તો ધરાવે જ ને. રશ્મિના ચાર વર્ષમાં વિચારો બદલાયા જ હોય અને ન બદલાયા હોય તો તે તેનું સ્વાતંત્ર્ય છે.તેના અંગત વિચારો માની લો કે હોય તો પણ તે સ્ટુડન્ટ લીડર તરીકે તેવી રીતે નેતૃત્વ કરે તેવું કેમ માની શકાય.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીમાં રશ્મિને ૩૭૦૮ માંથી ૧૯૬૬ મત મળ્યા હતા. તેના ચૂંટણી પ્રચાર કે મેનીફેસ્ટોમાં એક મુદ્દો 'ડિકોલનાઇઝેશન'નો હતો. તેણે વિદ્યાર્થીઓ સમક્ષ એવો વિચાર વહેતો કર્યો હતો કે સંસ્થાને રાજનૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત થવી જોઈએ તે બ્રિટિશ શાહી પ્રણાલીથી પ્રભાવિત ન હોવી જોઇએ. આવા રાજાઓ અને શાસકોના પૂતળા પણ હટાવી શકાય. આપણે ગુલામ હતા તેવી યાદ આપતા પ્રકરણો, સ્મારકો તેમજ તે પ્રથા અને પ્રભાવ નાબુદ કરવો જોઈએ. એવું મનાય છે કે આ જ વિચારોથી ઓક્સફર્ડ મેનેજમેન્ટને શાહી પરિવારની નારાજગી વહોરવાનો ડર પેસી ગયો હતો.
રશ્મિએ કોરોના સામે સજ્જથવા માટેનો એક શૈક્ષણિક કોર્સની પણ હિમાયત કરી હતી. વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં હાલના સંજોગોમાં સંસ્થાએ રહેવું જ પડે તેવી ફરજ ન પાડવા પણ તાકીદ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે અલગ ફંડ ફાળવવા અને વિદ્યાર્થીઓમાં જાતીય આવેગને નિયંત્રિત કરી શકાય તેવા કાઉન્સેલિંગની હિમાયત કરી હતી.
તે લોકશાહી ઢબે ચૂંટાયેલી વિદ્યાર્થી નેતા બની હતી. તો પછી તેની સામે વિરોધ કરનારા કોણ હતા ?
રશ્મિએ તેની ચાર વર્ષની જૂની પોસ્ટ અંગે ઓક્સફર્ડની લેખિત માફી પણ માંગી હતી કે તે વખતે તે વિચારોથી પાકટ નહતી. તે અંગ્રેજી ભાષી નહીં હોઈ જોડકણા, અને રમૂજ (પન) કરવા માંગતી હતી. તેની પોસ્ટનો આવો અર્થ નીકળશે તેનો તેને ક્યાંથી અંદાજ હોય. આમ છતાં મેનેજમેન્ટને વાત ગળે ન ઉતરી.
જ્યારે વિશ્વના હોનહાર વિદ્યાર્થીઓને રશ્મિમાં કૌવત દેખાયું હોય તો જ તેને ચૂંટી કાઢે ને. આમ છતાં રશ્મિને પાડી દેવાનું મિશન રાતોરાત હાથ ધરાયું. રશ્મિનું એ હદે માનસિક રેગીંગ થયું કે તેને આત્મઘાતી વિચારો આવવા માંડયા. લંડનમાં તેનું રહેવું પણ જોખમ ભર્યું બની ગયું વિદેશની ભૂમિમાં અને ઓક્સફર્ડના પ્રોફેસરોનો જે ભારતીય બૌદ્ધિક સમુદાય છે તેમાનાં ઘણા રશ્મિ જો સ્ટુન્ટ યુનિયનની પ્રેસિડેન્ટ રહેશે તો યુનિવર્સિટીના લઘુમતી અને વૈશ્વિક વિદ્યાર્થીઓ તેમજ ન્ય્મ્ના હક્કોનું હિત નહીં જળવાય તેવા નિવેદનો થવા માંડયા. ભારતની વર્તમાન યુવા પેઢી હિંદુ આતંકી બની ચુકી છે. ફેકલ્ટીના કેટલાક સભ્યોએ યુનિવર્સિટીને લેખિતમાં આપ્યું કે હિંદુઓ અન્ય ધર્મીઓ જ નહીં પણ દલિતો પર પણ અત્યાચાર કરે છે. અન્યધર્મીઓના સ્મારકો, પૂતળા તોડી નાખે છે. હિંદુઓ ભારતીય ગૌરવની એવી વિભાવનાથી પીડાઈ રહ્યા છે કે તેઓ અન્યને ધિક્કારે છે.
રશ્મિ પણ આવી જ માનસિકતા ધરાવે છે. છેક ઓક્સફર્ડના બોર્ડ મેનેજમેન્ટ સુધી મામલો ગયો. આ દરમ્યાન રશ્મિ એ હદે માનસિક રીતે પડી ભાંગી કે તે તેના કર્ણાટક સ્થિત વતન ઉડુપી પરત આવી ગઈ છે. ક્યારે સ્વસ્થ થઈને પરત જશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી.બ્રિટનના અગ્રગણ્ય અખબારોમાં રશ્મિના સમર્થન અને વિરોધમાં લેખો પ્રકાશિત થયા.ટીવી મીડિયામાં પણ ચર્ચા જામતી હતી પણ અફસોસ એ વાતનો છે કે ભારતમાંથી ઓક્સફર્ડની સૌપ્રથમ સ્ટુડન્ટ યુનિયન લીડર સુધી પહોંચી તેની સિદ્ધિની ન તો ખાસ નોંધ ન લેવાઈ પણ તેની સામે આ હદે એક ભારત વિરોધી લોબી સુઆયોજિત ષડયંત્ર રચે અને ઈરાદામાં સફળ થાય ત્યાં સુધી તેના બચાવમાં એ હદે કોઈએ સોશિયલ મીડીયામાં છેક બ્રિટન સુધી ગૂંજ ઉઠે તેવા પડઘા ન પાડયા. પુરબહાર પ્રેમ મેળવી ચૂકેલ કોઈ અન્ય ધર્મી સ્ટાર કે ખેલાડીઓ રશ્મિના કે ભારતના સમર્થનમાં એક શબ્દ પણ ન બોલ્યા. ભારતનાં બહુમતી વર્ગે પણ તે હદે અવાજ ન ઉઠાવ્યો. ભારે નિરાશા સાથે રશ્મિએ હજુ લીડર તરીકે કામગીરી સંભાળે તેના ૧૧ દિવસ પછી રાજીનામું આપી દીધું. રશ્મિ વિરોધી લોબી કઈ હદે પહોંચેલ છે તેનો અંદાજ તેના પરથી આવે કે વિવાદ વકરતા રશ્મિના સોશિયલ એકાઉન્ટ બંધ થઇ ગયા અને ફરી ચાલુ થયા ત્યારે શૂન્ય ફોલોઅર્સ અને ફ્રેન્ડસ સાથે થયા.
કહાનીમાં ફરી ટવીસ્ટ તો ત્યારે આવી કે એવો રીપોર્ટ બહાર આવ્યો કે ઓક્સફર્ડ યુનિવર્સીટીએ દબાણ સર્જીને રશ્મિનું રાજીનામું લઇ લીધું છે તે તો લડી લેવાના મુડમાં હતી.અમિતાભ સરકારની હલકાઇ જુઓ. રશ્મિનાં રાજીનામાં પછી તેણે વધુ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી કે 'હાશ, શાનમાં સમજીને લાંબી વળતી લડત આપવાની જગાએ ઝડપથી રાજીનામું આપી દીધું તે બહુ સારું કામ કર્યું.
બ્રિટનની સરકાર અને ઓક્સફર્ડ જેવી સંસ્થા પર પણ પસ્તાળ તો પડી જ કેમ કે રશ્મિની ચાર વર્ષ જૂની પોસ્ટનો વર્તમાન સંદર્ભ લઈને તેના વિરોધી શરુ થયેલી ઝૂંબેશને ડામી કેમ ન દેવાઈ. બ્રિટન સરકાર અને ઓક્સફર્ડ બંનેને મીડિયા સમક્ષ ખુલાસો આપવો પડયો છે કે અમે ભારત, ભારતીય કે હિંદુ વિરોધી નથી.અમે રંગભેદમાં પણ માનતા નથી. એક ભારતીય અમારી સંસ્થાનું નેતૃત્વ કરે તેનું અમને પણ ગૌરવ છે.
રશ્મિ સામે જે પણ પોસ્ટ થઇ છે તેમાં વર્તમાન ભારત, હિંદુ ધર્મ અને ધર્મીઓ પર ખુબ જ અપમાનજનક શબ્દ્પ્રયોગ થયા છે. લંડન સ્થિત ગ્લોબલ હિંદુ ફેડરેશને અમિતાભ સરકાર, કેટલાક ફેકલ્ટી સભ્યો અને આવી પોસ્ટ કરનારાઓની યાદી બનાવી પોલીસ ફરિયાદ કરી છે.બ્રિટનની સરકાર અને ઓક્સફર્ડ બ્રિટનમાં જે પણ ભારત અને હિંદુ ધર્મનાં ગૌરવ માટે સક્રિય છે તેવી સંસ્થાઓએ પણ આ મામલે હિલચાલ પ્રારંભી છે.
ભારતના વિદેશ મંત્રી એસ,જયશંકરે રાજ્ય સભામાં આ એપિસોડ બાબતના પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે ''અમે યોગ્ય સમયે બ્રિટીશ સત્તાવાળાઓ પાસે આ અંગે સ્પષ્ટતા માંગીશું. જે પણ આવા તત્ત્વો છે તેઓએ સમજવું જોઈએ કે ભારત ગાંધીજીના મૂલ્યોને આજે પણ વરેલું છે.''
દિલ્હીમાં જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીમાં જે ખરેખર અસામાજીક પ્રવૃત્તિ કરવા એક પછી શૈક્ષણિક કોર્સની ફી ભરતા રહીને વર્ષો સુધી પડયા રહે છે અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના નામે રાષ્ટ્રદ્રોહી સુધીની હરકતો અને ભાષણો ગજવે છે તેઓ પર જ્યારે કડક પગલા લેવાય અને ઘટના હિંસક આકાર ધારણ કરે ત્યારે દેશના શાસકો અને પોલીસ પર ટીકાઓ અને ઘિક્કારની ઝડી સોશિયલ મીડિયા પર વરસે છે.
કહેવાતા બુદ્ધિજીવીઓ ટીવી પર પેનલ ડિસ્કશનમાં બેસીને ટેબલ પછાડતા એ હદે ઉશ્કેરાયેલા હોય કે આપણને એમ લાગે કે આ ભારતની જ કોઈ ટીવી ચેનલ છે કે પછી દુશ્મન દેશની.નહેરુ યુનિવર્સિટીથી વિપરીત દ્રશ્ય ઓક્સફર્ડમાં જોવા મળ્યું. ત્યાં ભારતની ગૌરવ સમાન રશ્મિ સામંતે ઈતિહાસ સર્જ્યો અને સૌપ્રથમ ભારતીય સ્ટુડન્ટ યુનિયન લીડર તરીકેનો ધ્વજ લહેરાવ્યો પણસ ગોરા વિદેશીઓ,અન્ય ધર્મીઓ અને આપણા અમીચંદોએ જ ભારતના ગૌરવને અડધી કાઠીએ પણ લહેરાવવા ન દીધું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39pLigg
ConversionConversion EmoticonEmoticon