ટેસ્ટ ક્રિકેટને હવે કોઇ વેક્સિન બચાવી શકે તેમ નથી

- અમુક ટેસ્ટને બાદ કરતા હવે પ્રેક્ષકો કરતા પ્રેસ બોક્સમાં પત્રકારોની સંખ્યા વધુ હશે તે દિવસો દૂર નથી

- વિવિધા-ભવેન કચ્છી

- '80 અને '90ના દાયકાની ટેસ્ટ શ્રેણી વખતે અમદાવાદમાં 50000 પ્રેક્ષકો અને હવે માંડ 3000! : ટેસ્ટ ક્રિકેટ કેમ ખતમ થઇ રહ્યું છે?

- IPL અને T-20 ફોરમેટ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટરો માટે ટંકશાળ

- ક્રિકેટ જગતનો દંભ: 'ખરૂ ક્રિકેટ તો ટેસ્ટ ક્રિકેટ' તેમ કહેતા રહેવાનુ અને કમાણી ટી-20થી કરતા રહેવાની


કે વો જોગાનુજોગ, ૧૯૮૭ની અમદાવાદની જે ટેસ્ટમાં ગાવાસ્કરે પાકિસ્તાન સામે  ૧૦,૦૦૦ મો ટેસ્ટ રન ફટકારવાની સિદ્ધી મેળવી હતી તે ટેસ્ટ પુરા પાંચ દિવસ ચાલેલી અને પાકિસ્તાનની ગોકળગાય કરતા પણ ધીમી રમતથી કંટાળીને મોટેરા સ્ટેડીયમમાં ઉપસ્થિત ૫૦,૦૦૦ જેટલા પ્રેક્ષકોએ પાકિસ્તાનની ટીમ ફિલ્ડીંગ ભરતી હતી ત્યારે તેમના ખેલાડીઓનો  હૂરિયો બોલાવવા સાથે પથ્થર, પાણીની બોટલ જે  હાથમાં આવે તે મેદાન પર ફેંકયુ  હતું. પાકિસ્તાનનાં કેપ્ટન ઇમરાન ખાને પ્રેક્ષકોના આવા ભયજનક વર્તનને જોતા ભારે નારાજગી સાથે ટીમને પેવેલિયનમાં લઇ જવાનો નિર્ણય કર્યો હતો.તે ટીમ સાથે પેવેલિયનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે પણ પ્રેક્ષકોનો રોષ જારી હતો અને ચીજવસ્તુઓની ફેંકાફેંકી અને  'ઇમરાન હાય હાય 'નાં નારા તમામ સ્ટેન્ડથી ગાજતા હતા.

ગાવાસ્કર અને કપિલ દેવે સ્ટેડીયમ ફરતું રાઉન્ડ લગાવીને પ્રેક્ષકોને શિસ્ત સાથે વર્તન કરવા અપીલ કરી અને પરિસ્થિતિ કંઈક થાળે પડી હતી. ઇમરાન ખાન તે પછી ભારે આનાકાની સાથે ૫૦ મીનીટના રિસામણા બાદ ટીમ સાથે ફરી મેદાન પર ઉતર્યો ત્યારે તેના કેટલાક ફિલ્ડરોએ  માથે હેલ્મેટ  પહેરી હતી.એવું નહતું કે પાકિસ્તાન સામેનો રાજકીય તનાવ કે દુશ્મનાવટને લીધે પ્રેક્ષકો તેઓની સામે દ્વેષ ઠાલવતા હતા પણ અમદાવાદના પ્રેક્ષકોએ તો સાવ ઠીચૂક ઠીચૂક  રમતા હોય તેવા રવિ શાસ્ત્રીને  તે  ડિફેન્ડ કરે તે પ્રત્યેક બોલ બાદ  અહીં લખી ન શકાય તેવા બુમબરાડા સાથે રડવાનું જ બાકી રહે તેમ અપમાનિત કર્યો  હતો. તે આઉટ થયો ત્યારે તાળીઓના ગડગડાટથી પ્રેક્ષકોએ જાણે તેણે કોઈ મોટો કીર્તિમાન રચ્યો હોય તેમ ઉભા થઈ ચિચિયારીઓ સાથે ખુશી વ્યક્ત કરી હતી. તે અરસાના ક્રિકેટરો પણ સ્વીકારતા હતા કે કોલકાતા અને મુંબઈ કરતા પણ અમદાવાદના પ્રેક્ષકોનું ક્રિકેટ માણવાનું ઝૂનુન કંઇક જુદા જોશનું જ છે. અમદાવાદના પ્રેક્ષકોનાં ફેફસાની ક્ષમતાથી તબીબી જગતને આશ્ચર્ય થવું જોઈએ. તે વખતે દિવસની તમામ ઓવરોનો પ્રત્યેક બોલ ફેંકવા બોલર રન અપ શરૂ કરે ત્યારથી સ્ટેડિયમના બધા જ પ્રેક્ષકો બોલરને 'ચીઅર અપ' કરતા તાળીઓ પાડતા.

બેટ્સમેન બોલને ફટકારે તે સાથે જ તેમની સીટ પરથી ઉભા થઈ ચિચીયારી પાડે. કલ્પના કરો સ્ટેડિયમમાં કેવું દ્રશ્ય અને ઘોંઘાટ સર્જાતો હશે. ૫૦૦૦૦ પ્રેક્ષકો સ્ટેડિયમમાં હોય અને બે-પાંચ હજાર એમ જ સ્ટેડિયમની બહાર અંદર આવવા કે વાતાવરણની હવા પાણીમાં ઉભા રહેલા હોય. હવે તો સ્ટેડિયમમાં પણ ૩૦૦૦ પ્રેક્ષકો માંડ હોય છે. મોહાલીથી માંડી અબુ ધાબી કે વિન્ડિઝ, ન્યૂઝીલેન્ડ બધે જ ૧૦૦૦ પ્રેક્ષકો પણ ટેસ્ટ ક્રિકેટમાં નથી હોતા. એ દિવસો દૂર નથી કે ટેસ્ટ મેચમાં પ્રેસ બોક્સના પત્રકારો અને ટીવી સ્ટાફનો આંક પ્રેક્ષકો કરતા વધુ હોય. આ જ સ્ટેડિયમો આઈપીએલ કે ટી-૨૦ વખતે સ્ટેડિયમ ખીચોખીચ થઈ જશે.

જે પેઢીએ અમદાવાદની '૮૦ અને '૯૦ ના દાયકાની ટેસ્ટ મેચ પ્રેક્ષક તરીકે નથી માણી તેઓને એટલું કહી શકાય કે તમે આઈ.પી.એલ  કે વર્લ્ડ કપની મેચ ભલે જોઈ હોય પણ તે અરસાની ટેસ્ટ મેચ અને તેના પાંચેય દિવસનો એકપણ દિવસ હાલની  શોર્ટ ફોરમેટની તુલનામા ફિક્કો લાગે. કદાચ અગાઉ સિંગલ થીયેટરમાં ફિલ્મ જોવાની જે મજા આવતી અને હવે મલ્ટીપ્લેક્ષ ગમે તે ડીજીટલ ઈફેક્ટ કે પડદા સાથે ફિલ્મ બતાવે તો પણ તે મૂડ,માહોલ, તનાવ,ઉતેજના અને ઇન્તેજારી રહેતી તેના કરતા પણ ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ અનેરો હતો.પંગતનાં જમણની રંગત અને બુફે ભોજનની તુલના કરીએ છીએ તેમ. આ ફર્કની અનુભૂતિને બે પેઢી વચ્ચેના અંતરની જેમ ઉતારી પાડવાની ભૂલ ન કરતા પણ ટેસ્ટ ક્રિકેટની રમતને હવે શોર્ટ ફોર્મેટના ક્રિકેટ અને તેમાંથી થતી કરોડોની કમાણીએ ખતમ કરી દીધું છે તેમ જણાવવાનો આશય છે.

 અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં અને આખરી ચોથી ટેસ્ટ ત્રણ દિવસથી પણ ઓછા સમયમાં જીત્યું તો પણ આવડી વિરાટ સિદ્ધિને જોયા કરતા પ્રેક્ષકોને અને દેશ વિદેશના દર્શકોમાં  છેતરાયા હોવાની લાગણી વધુ જોઈ શકાય. અમદાવાદનું વિશ્વનું સૌથી મોટા  સ્ટેડિયમનો એક વખત નજારો લેવાના બહાને પણ પ્રેક્ષકોએ એક દિવસની રમત જોવાના રૂપિયા ૩૦૦ની ટીકીટ ખર્ચવામાં પણ રસ ન બતાવ્યો. અતિશયોક્તિ લાગે પણ મફતમાં હોત તો પણ આ જ રીતે ઠંડો પ્રતિસાદ મળ્યો હોત. ચાહકોને ભારતનો વિજય માત્ર નથી જોઈતો પણ ઉચ્ચ સ્તરના હરીફ હોય, જોરદાર મુકાબલો જામે અને અને આ રીતે મેચ ચાર દિવસ મેચ  ચાલે તો જમાવટ થાય.

ભારતનાં ખેલાડીઓની સફળતાનું મૂલ્ય ઓછું આંકવાનો આશય નથી પણ એક જમાનામાં એક એક વિકેટ જાણે  બોલરની જગાએ પોતે  લીધી હોય કે સચિનની જગાએ પોતે છગ્ગો ફટકારતા હોય તેવો ઉન્માદ પ્રેક્ષકો અનુભવતા આજે એક દિવસની રમતમાં ૧૫-૧૭ વિકેટ પડે તો પણ પ્રેક્ષક જગ્યા પરથી નથી ઉભો થતાં કે નથી તાળીઓ પાડવાનો જોશ જન્મી શકતો. અમદાવાદમાં ગણીને ૧,૧૦,૦૦૦ની ક્ષમતામાં ૩૦૦૦ પ્રેક્ષકો જ ભારતના વિજયને જોવા માટે હાજર હોય ત્યારે  ખરેખર તો  ક્રિકેટ એ રમત છે અને કાળો ધોળો ધંધો અને કાર્નિવલ નથી તે બતાવવાનાં ચહેરા તરીકે ટેસ્ટ ક્રિકેટનો  ઉપયોગ આઈસીસી કરતુ હોય તેમ વધુ લાગે છે.ડે-નાઈટ અને પિંક બોલથી ટેસ્ટ ક્રિકેટ રમાશે તોપણ હવે ટેસ્ટ ક્રિકેટ માટે એવું કહેવાનું દુર નથી કે 'ગુજરા હુઆ જમાના.'

વાત અમદાવાદની નથી. ક્રિકેટ વિશ્વમાં ટેસ્ટ ક્રિકેટ વગર કોરોનાએ આ જ રીતે પાંખી પ્રેક્ષકોની હાજરીમાં જ રમાતું જાય છે. એશિઝ જંગમાં ૨૬ ડીસેમ્બર બોકસિંગ ડે ટેસ્ટમાં પ્રથમ બે દિવસ તહેવારના પરંપરાગત માહોલમાં પ્રેક્ષકો મેચ જોવા આવે ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં થોડી કૂંપળો ફૂટેલી જોઈ શકાય. વર્ષે એકાદ ટેસ્ટ પાંચમા દિવસની છેલ્લી ઓવર સુધી ચાલે અને  લડાયક ડ્રોમાં પરિણમે  ત્યારે વિવેચકો એકની એક કોમેન્ટ કરે કે ખરું ક્રિકેટ તો ટેસ્ટ ક્રિકેટ જ છે.

પ્રિન્ટ કે ટીવી મીડીયાએ ક્યારેય ટેસ્ટ ક્રિકેટ શ્રેણીનો માહોલ જમાવવામાં કે કવરેજમાં ઉત્સાહ નથી ઘટાડયો. પ્રિવ્યુ ,રોજેરોજનું કવરેજ, સોશિયલ મીડિયા પરના ક્રિકેટ ચાહકોના ગુ્રપમાં લગભગ બોલ બાય બોલ ચર્ચા બધું જ છે. સારો દેખાવ કરનાર ટેસ્ટ ક્રિકેટરના મોટા કદના રંગીન એક્શન ફોટો પણ ચમકે જ છે. ફ્રન્ટ પેજ પર મેઈન હેડલાઈન પણ બને છે.ભારે હાઈપ ઉભો કરવા છતાં ટેસ્ટ ક્રિકેટ માટે ચાહકોની ઉદાસીનતામાં ઉત્તેજનાનું ઇન્જેક્શન બિનઅસરકારક અને બુઠ્ઠું પુરવાર થઇ રહ્યું છે. 

અગાઉના વર્ષોેમાં તો ક્રિકેટરો રહેતા હોય તે હોટલની બહાર ચાહકો ભીડને કાબુમાં રાખવી પડે તેમ હજારોની સંખ્યામાં ઉભા હોય.તેઓને ખબર છે ક્રિકેટરો મેચ રમવા માટે જે બસમાં બેસીને જશે તે બસની બારીના કાચ ડાર્ક હશે.એક પણ ક્રિકેટરનો ચહેરો જોવા નહીં મળે આમ છતાં અમે એ બસ જોઈ કે જેમાં ક્રિકેટરો બેઠા હતા તેવી સ્મૃતિનો સંગ્રહ કરવા તેઓ કલાકેક ઈન્તેજાર કરે.આજે ન ભૂતો ન ભવિષ્યતિ જેમ ભારતના અને ઇંગ્લેન્ડના ક્રિકેટરો અમદાવાદમાં સવા મહિનો રહેશે પણ ચાહકો નથી તેઓ માટે પાપારાઝી બનતા કે નથી 

તેમને દુરથી જોવા બાઉન્સરનો સામનો કરતા.ક્રિકેટના અતિરેકે પણ નુકશાન કર્યું છે. હા,ટવેન્ટી-૨૦માં જરૂર પડાપડી થશે.

ટેસ્ટ ક્રિકેટ તેનો ચાર્મ ગુમાવી રહ્યું છે તેનું કારણ એ પણ છે કે કિશોર વયથી આઈ.પી.એલ.માં કારકિર્દી બનાવવાનું જ  સ્વપ્ન સેવાતું જાય છે.ભારતની ૧૬ ખેલાડીઓની ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે તેના કરતા આઈ.પી.એલ.ની આઠ અને ભવિષ્યની દસ ટીમોનાં મળીને ૧૬૦ ખેલાડીઓની ખરીદી થાય.

બેન્ચમાં બેસવા માટે પણ કંપનીના સી.ઈ.ઓ. જેટલા રૂપિયા મળે. ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન મેળવવા ઘડતર કરવું તે તપશ્ચર્યા માંગી લે છે.ટેસ્ટ મેચ સ્પેશિયલ બનો એટલે આઇપી એલ કે વર્લ્ડ કપ વખતે તમારો કોઈ ભાવ ન પૂછે. ટેસ્ટ ક્રિકેટમાં ગમે તેવા ઝળકો, દેશ માટે લોહીનું પાણી કરી નાંખો તો પણ ચાહકો માથા પર નથી ચઢાવતા.પુજારા કે હનુમા વિહારીએ છેલ્લા ૧૫ વર્ષથી વધુ કારમી ખેતી જ કરી છે તો પણ બગીચામાં ટહેલવા આવતા હોય તેમ તેવટિયા અને પડ્ડીકલ જેવા હીરો બનીને પૂજાય છે અને હીરા સાથે તોલાય છે.

ભારતમાં જ નહીં ક્રિકેટ વિશ્વમાંપુજારા,  સ્ટીવ સ્મિથ, જો રુટ, વિલિયમ્સન જેવા પ્યોર મહાન  ક્રિકેટરોને કમાણીની રીતે કે ચાહકોની નજરે , બ્રાન્ડીંગ , જાહેરાતોની આવકની રીતે સહન કરવું જ પડે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ ટેસ્ટ ક્રિકેટને ઉગારી શકે તેમ નથી. હવે જે હાલના ૨૦થી૨૫ વર્ષના ક્રિકેટરો છે તેઓ ટેસ્ટ રમશે તો પણ વન ડે કે ટવેન્ટી-૨૦નાં મિજાજથી જ રમશે.પંત, ગીલ,પૃથ્વી શો. મયંક અગ્રવાલ અને આઇપીએલમાં રમતા ક્રિકેટરો જ ટેસ્ટમાં સ્થાન પામશે. ઓસ્ટ્રેલીયા ,ઇંગ્લેન્ડ ,સાઉથ આફ્રિકા, વિન્ડીઝ , બાંગ્લાદેશ , શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ બધે જ કિશોર વયથી પહેલીથી જ શોર્ટ ફોરમેટમાં ટ્રેનીંગ લેવાનું પસંદ કરાય છે.

આવા જ ક્રિકેટરોમાંથી ટેસ્ટ ટીમ પસંદ કર્યા  સિવાય જે તે ક્રિકેટ બોર્ડને છૂટકો નહી રહે. આ ખેલાડીઓ પાંચ દિવસની ટેસ્ટ પણ વન-ડે શૈલીથી રમતા થયા છે તેથી હવે ટેસ્ટ મેચ પુરા પાંચ દિવસ રમાય તેવું બહુ જ ઓછું જોવા મળશે. એક વખત ૩૦ કે ૩૦ પ્લસની પેઢીના ક્રિકેટરો વિદાય લેશે પછી તો ટેસ્ટ ક્રિકેટ તેનો આત્મા જ ગુમાવી દેશે ટેલેન્ટેડ યુવા ક્રિકેટરો ઘરઆંગણાની ટી- ૨૦ અને વન ડે  ટુર્નામેન્ટ જ રમશે.ભારતની ટીમમાં આવવાનું તેઓનું સ્વપ્ન કે લક્ષ્ય જ નહીં હોય.ફ્રેન્ચાઈઝી પણ કહેશે કે પૈસા જોઈએ તે લઇ લો પણ તમારી એનર્જી  અને ફિટનેસ આપણી લીગ માટે જાળવી રાખો. 

ક્રિકેટરોનું એક જમાનાનું સ્તર પણ કેટલું ઊંચા દરજ્જાનું હતું.આજના ક્રિકેટરોમાંથી જુજને બાદ કરતા કોઈ તે સ્તરે કે તે ટીમમાં સ્થાન ન પામે. ટેસ્ટ ક્રિકેટ ટીમમાં ભારતને બાદ કરો તો વિશ્વની અન્ય ટીમાનાં ત્રણેક ખેલાડીઓને બાદ કરતા ક્લબ કક્ષાની જ કહી શકાય. દરેક ટીમ પાંચમાંથી ચાર શ્રેણી તેના ઘરઆંગણે જીતે છે. હવે ચાહકોમાં  'ટેસ્ટ ક્રિકેટ ફીવર' નથી રહ્યો.હા,ટેસ્ટ ક્રિકેટ જરૂર જીવલેણ બીમારીમાં સપડાતો જાય છે. આઈ.સી.સી.તેને કાયમ માટે 'બ્રેઈન ડેડ' અવસ્થામાં પણ જીવાડશે. આઈસીસી ક્રિકેટની રમતનો વહીવટ કરે છે કેસીનો કે ડબલ્યુ. ડબલ્યુ. એફ. જેવા દંગલનો નહી તે બતાવવા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rCwIco
Previous
Next Post »