ત્રીજા ત્રિમાસિકના જીડીપીના આંકડા ઉજવણી કરવા માટે હજુ પૂરતા નથી

- અમેરિકાની થિન્ક ટેન્ક ફ્રીડમ હાઉસના મત પ્રમાણે, ભારતમાં સ્વતંત્રતા ઘટી ગઈ છે


ભા રતનું અર્થતંત્ર રિકવરીના પંથે છે કે નહીં  તે એક ચર્ચાનો વિષય છે. વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના ૦.૪૦ ટકા  આર્થિક વિકાસ દર જોઈને સરકાર ઉત્સાહમાં આવી ગઈ છે. આંકડાકીય ભૂલને મંજુર રાખીએ તો આ દર શૂન્ય પણ હોઈ શકે છે અથવા ૦.૮૦ ટકા પણ હોઈ શકે છે. આ અંદાજોમાં ધરખમ સુધારો આવી શકે છે એવી સરકારે પણ પાણી પહેલા પાળ બાંધી દીધી છે. 

અર્થતંત્રમાં ઝડપી સુધારો  થાય અને તે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના રૂપિયા ૧૪૦.૦૩ લાખ કરોડના અંદાજ  અથવા નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે અંદાજાયેલા રૂપિયા ૧૪૫.૬૯ લાખ કરોડના આંકને આંબી જાય તેવું અમે પણ ઈચ્છીએ છીએ. આ બન્ને વર્ષોમાં વિકાસ દર  અનુક્રમે  ૬.૧૦ ટકા અને ૪.૦૦ ટકા જેટલો નીચો રહ્યો હતો. નબળા આર્થિક સંચાલનને કારણે અર્થતંત્રને પડેલા ઘાને વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧માં મહામારીએ  વધુ ઘેરા બનાવ્યા છે અને દેશનું અર્થતંત્ર છેલ્લા ૪૦ વર્ષમાં પહેલી વખત સત્તાવાર રીતે મંદીમાં ધકેલાઈ ગયું હતું. એનએસઓના અંદાજ પ્રમાણે વર્તમાન નાણાં વર્ષનું જીડીપી (કોન્સ્ટન્ટ પ્રાઈસ પર) રૂપિયા ૧૩૪.૦૯ લાખ કરોડ રહેશે જે પાછલા નાણાં વર્ષની સરખામણીએ ૮ ટકા નીચું હશે. આ એકદમ ખરાબ સ્થિતિ કહી શકાય. 

શરતી રિકવરી?

દરમિયાન ત્રીજા ત્રિમાસિક ગાળાની આર્થિક વિકાસ દરની કામચલાઉ રાહત ૨૦૨૦-૨૧ના સંપૂર્ણ વર્ષ માટેના અંદાજોમાં કેટલાક ચિંતાપ્રેરક  ઘટાડા સાથે આવી છે. 

૧. કૃષિ, ફોરેસ્ટ્રી તથા ફિશિંગ દ્વારા નોંધાવાયેલા ૩.૯૦ ટકાના તથા બાંધકામ ક્ષેત્રના ૬.૨૦ ટકાના વિકાસને કારણે ૦.૪૦ ટકાનો વિકાસ દર જોવા મળ્યો છે. જો કે માઈનિંગ, મેન્યુફેકચરિંગ અને ટ્રેડ, હોટેલ્સ તથા ટ્રાન્સપોર્ટમાં ઘટાડો ચાલુ રહ્યો છે. 

૨. રૂપિયા ૪૧,૪૪,૯૫૭  કરોડના ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (જીએફસીએફ) ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦ની સરખામણીએ નીચું છે. જીડીપીના તે ૩૦.૯૦ ટકા છે. 

૩. નિકાસ આંક રૂપિયા ૨૫,૯૮,૧૬૨ કરોડ જ્યારે આયાત  આંક રૂપિયા ૨૭,૩૩,૧૪૪ કરોડ મુકાયો છે. અગાઉને બે વર્ષો કરતા આ આંક નીચા છે. જીડીપીના તે અનુક્રમે ૧૯.૪૦ ટકા અને ૨૦.૪૦ ટકા છે. 

૪. માથા દીઠ જીડીપીનો આંક ઘટી રૂપિયા એક લાખથી નીચે રૂપિયા ૯૮૯૨૮  મુકાયો  છે. સ્વાભાવિક નિષ્કર્ષ એ છે કે, દરેક જણ પ્રમાણમાં ગરીબ થઈ  ગયા છે (સિવાય કે અબજોપતિઓ જેમની સંખ્યામાં ૨૦૨૦માં ૪૦ જેટલો વધારો થયો છે) ત્યારે લાખો લોકો ગરીબી રેખાની નીચે ધકેલાઈ ગયા છે. જે લોકો અગાઉથી જ ગરીબી રેખાની નીચે હતા તેઓ દરિદ્ર થઈ ગયા છે અને દેવામાં વધારો થયો છે. 

૫. મંદી અને મહામારીએ અર્થતંત્ર ઉપરાંત અન્યત્ર પણ ગંભીર અસર કરી છે. મહામારીએ લોકોના શિક્ષણ, પોષણઆહાર તથા  આરોગ્ય પર અસર કરી છે. ગરીબો તથા તેમના બાળકો પર આની ઘણી જ ગંભીર અસર પડી છે. 

આરબીઆઈ એકદમ સાવચેત છે

દેશની આર્થિક સ્થિતિ સંબંધે  રિઝર્વ બેન્ક તેની આકારણીમાં એકદમ  નિષ્પક્ષ  રહી છે. બજેટ તથા સરકારના વિવિધ પગલાંઓની ટીકા  કર્યા વગર અભિપ્રાય અપાયો   હોવા છતાં ફેબુ્રઆરી ૨૦૨૧ના બુલેટિનમાં આ વિષયે આવેલા લેખમાં નીચે પ્રમાણે તારણ  અપાયું છેઃ 

''ઉપભોગમાં વધારાને કારણે રિકવરી થઈ રહી હોવાની ધારણાં સામે હજુપણ થોડી શંકા છે. આ રિકવરી છીછરી અને ટૂંકજીવી છે તેમ જણાય રહ્યું છે. ઈન્વેસ્ટમેન્ટ માટેની રુચી વધવી મહત્વની છે. એકંદર માગ માટેના દરેક પરિબળો  ગતિમાન થયા છે માત્ર ખાનગી ઈન્વેસ્ટમેન્ટની હજુ ગેરહાજરી  જોવા મળી રહી છે. ખાનગી ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે હાલનો સમય સાનુકૂળ છે. ........ભારતના ઉદ્યોગો તથા સાહસિકો શું આ આહવાનને સ્વીકારશે?''

આમ છીછરી અને ટૂંકજીવી રિકવરી તથા ખાનગી ઈન્વેસ્ટમેન્ટની ગેરહાજરી વચ્ચે  કોઈ પણ પ્રકારની ઉજવણી વહેલી ગણાશે. આપણે ચોથા ત્રિમાસિક ગાળા તથા સંપૂર્ણ વર્ષ માટેના અંદાજો તથા આરોગ્ય અને શિક્ષણના નિર્દેશાંકો માટે રાહ જોવી જોઈએ. 

સ્વતંત્રતા છીનવાતી જાય છે

દેશની આર્થિક બાબતને લઈને આપણે ચિંતીત છીએ ત્યારે અન્ય મોરચે ખરાબ સમાચાર જોવા મળી રહ્યા છે. સ્વતંત્રતાના ઈન્ડેકસમાં ભારતની રેન્ક નીચે સરકી ગઈ છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેકસમાં ભારતની રેન્ક ૧૮૦ દેશોમાં ૧૪૨મી છે અને હ્યુમન ફ્રીડમ ઈન્ડેકસમાં ૧૬૨ દેશોમાં ભારતની રેન્ક ૧૧૧મી છે. અમેરિકાની થિન્ક ટેન્ક ફ્રીડમ હાઉસના મત પ્રમાણે, ભારતમાં સ્વતંત્રતા ઘટી ગઈ છે.  

કોઈ ચોક્કસ આંક અથવા રેન્ક મહત્વની નથી. પરંતુ સમજશક્તિમાં થઈ રહેલો ઘટાડો અને લાખો લોકો પર તેની પડી રહેલી અસર ચિંતાજનક કહી શકાય. મહિલાઓ, પછાત જાતિઓ, દલિતો વિરુદ્ધ અત્યાચારો વધી ગયા છે તે વાતને  રદિયો આપી શકાય ખરા? દરેક પ્રકારના ત્રાસવાદ માટે  ચોક્કસ કોમને બલીનો બકરો બનાવાઈ રહી છે તેને રદિયો આપી શકાય? કેન્દ્રની નીતિઓ ગરીબો કરતા શ્રીમંતો માટે જ વધુ બની રહે છે તેને નકારી શકાય ખરા? 

અર્થતંત્રમાં ઘટાડો અને છીનવાતી જતી સ્વતંત્રતા વિસ્ફોટક સ્થિતિ ઊભી કરી શકે છે. આ   ઘટાડો અટકવો રહ્યો. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશના ખેડૂતોએ વિરોધનો એક માર્ગ પસંદ કર્યો છે, ત્યારે  આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, પુડુચેરી તથા તામિલનાડૂના મતદારો સમક્ષ અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qyOv33
Previous
Next Post »