- ભારત સરકારે ગત વર્ષે સસ્તા ખરીદેલા ક્રુડ ઓઈલનો ઉપયોગ ભાવ ઘટાડવા માટે કરવો જોઈએ : સાઉદી
- મે 2014માં પેટ્રોલના બેઝ ભાવ લીટરના રૂ.47.12 હતા, એ ભાવ 38 ટકા ઘટીને 1,ફ્રેબુઆરી 2021ના રૂ.29.34 થયા, જેની સામે કેન્દ્ર અને રાજયોના વેરા રૂ.22.29 થી 137 ટકા વધીને રૂ.52.90 થઈ ગયા
પે ટ્રોલના લીટરે રૂ.૧૦૦ થઈ ગયા...૧૦૦ થઈ ગયા...૧૦૦ થઈ ગયાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાએ હવે ૧૦૦ની બૂમાબૂમ બંધ કરીને ટૂંક સમયમાં જ ૧૧૦ થી ૧૧૫ના ભડકા જોવાની તૈયારી રાખવી પડશે. કેમ કે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ટૂંકા સમયમાં ૧૦ ટકા જેટલો વધારો થઈ ગયો છે. જે નાયમેક્ષ ક્રુડના ૬૬ ડોલર અને બ્રેન્ટ ક્રુડના ૭૦ ડોલર નજીક પહોંચી ગયા છે. જેથી સરકાર ક્રુડના ભાવમાં વધારાના નામે જનતા પર આ વધારાનો બોજ ઠાલવવાનું ચૂકશે નહીં. ભલે સરકારે ક્રુડ ઓઈલના ભાવ ઘટાડાનો અત્યાર સુધી કોઈ લાભ જનતાને આપ્યો નથી અને આપશે એવી અપેક્ષા પણ રાખવી નહીં.
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પાછલા દિવસોમાં સ્થિર રહેવા છતાં અને ગત વર્ષમાં ઐતિહાસિક તળીયે ૧૯ ડોલર આવી જવા છતાં અને આટલા નીચા ભાવોએ જંગી માત્રામાં સસ્તું ક્રુડ એ સમયે ખરીદનાર સરકારે આ નીચા ભાવોનો લાભ જનતાને આપવાનું દૂર રહ્યું, પણ એક્સાઈઝ ડયુટી અને અન્ય વેરામાં તીવ્ર વધારો કરતી રહેલી સરકારો પેટ્રોલ, ડિઝલના ભાવોમાં સતત વધારો કરતાં આ બોજ જનતાના માથે જ ઠાલવ્યો છે. સરકારે ગત વર્ષે બેરલ દીઠ ૧૯ ડોલર જેટલા નીચા ભાવે ખરીદેલો ક્રુડ ઓઈલનો જંગી દલ્લો ખરેખર ગયો ક્યાં ? સરકારે આ દલ્લો કોની નફાખોરી માટે વાપર્યો ? ક્રુડ ઓઈલના આ દલ્લાને જો સરકારે ઉપયોગમાં જ લઈ લીધો હતો તો એ સસ્તા ક્રુડનો ફાયદો પેટ્રોલ, ડિઝલનાભાવમાંઘટાડા સ્વરૂપે શા માટે જનતાને અપાયો નહીં ? આ ક્રુડ ઓઈલનો દલ્લો કોઈ સરકારી કે ખાનગી ઓઈલ રીફાઈનરીઓના ચોપડે તો બતાવાયો નથી, તો ખરેખર આ ક્રુડ કોના લાભાર્થે સરકારે વાપર્યું ? સસ્તા ક્રુડનો ફાયદો આપવાના બદલે આ બોજ આમ જનતાને માથે વેઢારી રહ્યા છે અને આમ જનતાએ તો માત્ર અસહ્ય મોંઘવારીમાં પિસાવવાનું જ છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાથે પેટ્રોલ, ડિઝલના ભાવને સાંકળી લેવાની અને એ મુજબ ભાવ નક્કી કરવાની ઓઈલ કંપનીઓને છૂટ આપવાની વાતો માત્ર કાગળ પર થતી હોવાની અને વાસ્તવમાં ક્રુડના ભાવમાં ઘટાડાનો કોઈ લાભ જનતાને નહીં આપીને ઉલટું ક્રુડના ભાવ વધે ત્યારે જનતા પાસેથી આ વધારો પડાવવાની નીતિ ક્યાં સુધી ચાલુ રહેશે?
ભારતના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ક્રુડ ઓઈલના પ્રમુખ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની ગુરૂવારે મીટિંગ પૂર્વે ઓપેકને ઉત્પાદન કાપના અંકુશો હળવા કરવા અને ઉત્પાદન વધારવા અરજ કરી છે. જેથી પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડો કરી શકાય. પરંતુ સાઉદી અરેબિયાએ આ પ્રધાનના નિવેદન-અરજનો સણસણતો જવાબ આપીને સાઉદીના એનજીૅ પ્રધાને ચોપડાવી દીધું અને વાસ્તવિકતા છત્તી કરી કહી દીધું કે નવી દિલ્હીમાં બેસેલી સરકારે ગત વર્ષે એપ્રિલ, મે અને જૂન ૨૦૨૦ દરમિયાન અત્યંત સસ્તા ભાવોએ ખરીદેલા સ્ટોરેજમાં પડેલા ક્રુડનો જથ્થો ઉપયોગમાં લઈને ભાવ અંકુશમાં લેવા જોઈએ. ઉલ્લેખીનીય છે કે ભારતે એપ્રિલ થી મે ૨૦૨૦માં ૧૬૭.૧૦ લાખ બેરલ ક્રુડની ખરીદી કરીને આ જથ્થો ભર્યો છે. આ ક્રુડ ઓઈલની ખરીદ કિંમત સરકારને સરેરાશ બેરલ દીઠ ૧૯ ડોલરની રહી હતી.
પેટ્રોલ, ડિઝલ પર રેકોર્ડ ટેક્ષ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ કોવિડ પૂર્વેના લેવલે આવવા સાથે પેટ્રોલના ભાવ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ રૂ.૧૦૦નો આંક પાર કરી ગયા છે. સરકારે માર્ચ ૨૦૨૦ થી મે ૨૦૨૦ દરમિયાન પેટ્રોલ એ ડિઝલ પરની એકસાઈઝ ડયુટી લીટરે રૂ.૧૩ અને રૂ.૧૬ વધારી હતી ઉલ્લેખનીય છે કે મે ૨૦૧૪માં દિલ્હીમાં પેટ્રોલના બેઝ ભાવ લીટરના રૂ.૪૭.૧૨ હતા. જે ભાવ ૩૮ ટકા ઘટીને ૧,ફ્રેબુઆરી ૨૦૨૧ના રૂ.૨૯.૩૪ થયા છે. જેની સામે કેન્દ્ર સરકાર અને રાજયોના વેરા લીટરના રૂ.૨૨.૨૯ થી ૧૩૭ ટકા વધીને રૂ.૫૨.૯૦ થઈ ગયા છે.
આમ પેટ્રોલના ભાવમાં અત્યારે સરકાર પેટ્રોલના બેઝ ભાવ રૂ.૨૯.૩૪ સામે ૬૬ ટકા જંગી વેરા તરીકે રૂ.૫૨.૯૦ વસૂલી રહી છે. આમ પેટ્રોલના લીટર દીઠ ૧,ફ્રેબુઆરી ૨૦૨૧ના રૂ.૮૬.૩૦ ભાવમાં બેઝ ભાવનો હિસ્સો ૩૬ ટકા, કેન્દ્રિય વેરો ૩૭ ટકા, રાજયોનો વેરો ૨૩ ટકા અને ડીલરોનું કમિશન ચાર ટકા છે. જે મે ૨૦૧૪માં લીટર દીઠ રૂ.૭૧.૪૧ ભાવમાં બેઝ ભાવનો હિસ્સો ૬૩ ટકા, કેન્દ્રિય વેરો ૧૬ ટકા, રાજયોનો વેરો ૧૮ ટકા, ડિલર કમિશન ત્રણ ટકા હતા.
ભારતની ક્રુડ ઓઈલ બાસ્કેટની આયાત ફ્રેબુઆરીમાં સરેરાશ બેરલ દીઠ ૬૧.૨૨ ડોલર અને જાન્યુઆરીમાં ૫૪.૭૯ ડોલર સરેરાશ રહી હતી. ક્રુડના ભાવ ગત વર્ષે એપ્રિલમાં ઘટીને ૧૯.૯૦ ડોલર થયા હતા અને જૂન અને ડિસેમ્બર દરમિયાન ભાવ ૪૦ ડોલર થી ૪૯ ડોલર વચ્ચે રહ્યા હતા. ભારત તેની ઓઈલની જરૂરીયાતના ૮૫ ટકા જેટલી આયાત કરે છે અને લોકલ રીટેલ ભાવો આંતરરાષ્ટ્રીય ભાવોને બેન્ચમાર્ક લઈ એ મુજબ નક્કી થતાં હોવાનું લેખાવાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qrfXzm
ConversionConversion EmoticonEmoticon