કામણગારી કલમકારી ચિત્રકળા


પૃથ્વીના પ્રાગટયની સાથે જ જન્મી છે આદિ કળાઓ

હજારો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં, વાદળોના ગડગડાટ અને ભારે વર્ષાને કારણે આકાશમાં, સાગરના શશી સાથેના સંબંધને કારણે ઊંચા દૈત્ય જેવા લોઢ ઉછળ્યા ઉદધિમાં જાણે કે ધમાસાણ યુદ્ધ ફાટી નીકળ્યું હોય એમ ભયંકર હલચલ મચી ગઈ. આખા ય બ્રહ્માંડમાં અને પર્વતના પેટમાં સમાયેલો લાવા ધરતી પર લાહ્ય પ્રસરાવતો વહેવા માંડયો ત્યારે ચારે કોર ઉથલપાથલ મચી ગઈ. પ્રકૃતિના આ સઘળાં ય તત્ત્વોના સ્થાન પરસ્પર ઉલટપુલટ થઈ ગયા. જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ જેવી અરાજકતા ફેલાઈ ગઈ. પવનના સૂસવાટા અને સપાટામાં ધરા સપડાઈ ગઈ.

સઘળું જ્યારે શાંત પડયું ત્યારે સ્મશાનવત્ શાંતિ પ્રસરી રહી. આ જ... બસ; આ જ સમય હતો જ્યારે સૂની નિર્જીવ ભાસતી ભોમકા જાણે કે સજીવ- ગર્ભિણી થવાની હોય એમ એનામાં સળવળાટ થવા માંડયો. લાવારસ ઠરતા જ, પવનની ગતિએ ખમૈયા કર્યા અને તેણે શીતળ લેપ લગાડીને નીર- તીર- સૌને ઠાર્યા. પર્વત પરના બરફને ધરતીની દયા આવી હોય એમ એણે જાતને ઓગાળીને ધરતીને આલિંગન આપ્યું. ઝરણાં, ધોધ, નદી, નાળા સૌએ સંપીને નક્કી કર્યું કે આ સૂકી ભઠ તપ્ત, તરસી, ધરતીને લીલી છમ કરી જ દેવી છે. ચમત્કાર ! ઇશ્વરીય સંકેત, કુદરતની કૃપા, ઇશના આશિષ સહકોઈ એક અણદીઠ- અજાણ્યો- અભરે ભર્યો ચિતારો; કલાકાર હાથમાં રંગપીછી અને રસકુપ્પીઓ લઈ ત્વરાથી ધરા પર ફરી વળ્યો અને ભોમ મા ભોમ બની ગઈ. તે અનેક જીવસોતી જેવી અત્યારે દેખાય છે તેવી થવા માંડી. તેની વર્જિન (કૌમાર્યસભર) સુંદરતી ખીલી, કૉળી અને બસ. આજ દિન સુધી તેની ફળદ્રુપતાનો પરચો પૃથ્વી વાસીઓને મળતો રહ્યો છે. પછી તો જીવન અને કળા બન્નેએ એકમેકના હાથ ઝાલી, સહિયારા સાથથી જીવંત કળાપ્રવાસ આરંભ્યો... તે આજની ક્ષણ સુધી સાદ્યંત સાતત્યપૂર્ણ.

પટચિત્રોના પ્રદેશમાંથી બહાર નીકળી ગયેલી ચિત્રકળા તે કલમકારી

અખંડ ધરતીના ખંડે ખંડ જુદા પડી ગયાં. સમુદ્રના મજિયારા ને ઇજારા વહેંચાયા. આકાશને તો વળી સીમામાં બાંધી જ કેવી રીતે શકાય ? તો ય.. કાલ્પનિક રેખાઓએ પોતાનું કામ કર્યું. નામ ને ઠામવળી કેવા ? પણ પૃથ્વીના પ્રત્યેક ટુકડાને ઓળખ મળી. પરંતુ એ પહેલા કળાઓએ પોતાનું કામ શરૂ જ કરી દીધેલુ તેથી એ વિવિધ દેશો મધ્યે સંક્રમિત થતી રહી. કળાને દેશ- કાળના સીમાડા થોડા જ હોય ? ભારત દેશમાં દક્ષિણ દિશાએથી પ્રવેશેલી કલમકારી ચિત્રકળાના ત્રણ હજાર વર્ષોથી સ્થાનિક કળા તરીકેની ઓળખ ધરાવે છે. મૂળ ઇરાનની આ કળા પર્શિયન શબ્દો 'કલમ' એટલે 'પેન' અને 'કારી' બરાબર 'કળા'નું સંયોજન છે. રોચક વાત તો એ છે કે પરદેશી કલમકારી કળાનું દ્વૈત ભારતીય ધર્મ અને સંસ્કૃતિની સાથે રચાયું ! પ્રાચીન સમયમાં સંગીતકારો અને ચિત્રકારો આન્ધ્રના ગામડે ગામડે હિંદુ મહાકાવ્યો, પુરાણો, ગીતા ઉપદેશ, દશાવતાર, રામ દરબાર, શિવ પંચાયતન અને કૃષ્ણલીલાઓના કથાગાન કરવા ફરતા. સમાંતરે પોતાની વાતને તેઓ ચિત્રસ્વરૂપે મોટા કેનવાસને ખીલા મારી, ગોઠવીને કરતા. સ્થળ ઉપર શીઘ્ર ચિત્રો સર્જવા ઓછામાં ઓછા સાધનો અને વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરતા.

એ જ કલાકૃતિઓને મોટી પેનલ્સરૂપે મંદિરોમાં રજૂ કરતા. આ ગરવી હસ્તકલા મંદિરનો શણગાર બનતી. અદ્વિતીય ધાર્મિક ઓળખના હેતુસર સ્ક્રોલ (વીંટા) તરીકે, ભીંત પર લટકાવવાના ચિત્ર તરીકે અને રથ ઉપરના બેનર્સ (પાટિયાં)ના રૂપમાં એનો ઉપયોગ થતો જેની ઉપર દેવી- દેવતાઓના નિરૂપણ સાહિત્ય આધારિત આકાર પામતા. ઐતિહાસિક પટચિત્ર તરીકે ઓળખાતા બંગાળ, ઓડિશાના અને નેપાળમાં પણ કરાતા આ ચિત્રો કાપડ ઉપર થતાં. બૌદ્ધ તેમજ જૈન સાહિત્યમાં પણ પટચિત્રો ધાર્મિક મહત્ત્વ ધરાવતા એવો ઉલ્લેખ મળે છે. ખેર, ચિત્રોમાં પ્રતીકાત્મક રજૂઆતને કારણે એ બુદ્ધિસ્ટ 'થેંગ્ઝ' (ારચહયંજ) જેવી જ કળા ગણાય. આ સર્વે પ્રકારની કળાને રાષ્ટ્રીય કક્ષાની ઓળખ મળી છે. અલબત્ત કલમકારી કળા બધા બંધનો ફગાવી અનેક ક્ષેત્રે પ્રવેશી પોતાનું આગવું વિશિષ્ટ સ્થાન બનાવી ચૂકી છે.

કાપડ, કુદરતી તત્ત્વો, કુદરતી રંગો અને લાંબી પ્રક્રિયા એટલે કલમકારી

મધ્યયુગીન ઇસ્લામકાળ દરમ્યાન - સત્તરમી સદીમાં કલમકારીને ગોલકોન્ડા સલ્તનતમાં રાજ્યાશ્રય મળેલો. એ સમયે આ રાજ સમૃદ્ધિના શિખરે હતું ત્યારે કલમકારી હૈદ્રાબાદમાં શોધાઈ. કોરામંડલામાં પણ એ પ્રમાણિત થઈ અને કલાકારોને તેઓ 'કલમકાર' કહેતા આ કળાની બે શૈલી પ્રચલિત થઈ : 'શ્રી કલાહસ્તી' અને 'મછલીપટ્ટમ' પર્શિયન અસર ઝીલતી આ કળાને અધવચ્ચે લૂણો લાગલો પરંતુ અઢારમી સદીમાં અંગ્રેજોના પ્રભાવ હેઠળ એનું પુનરૂત્થાન થયું. બંને શૈલીમાં ફરક એ છે કે મછલીપટ્ટમ શૈલીમાં પેનક્રાફ્ટ ઉપરાંત હાથેથી કોતરેલા ગીચ ભાતવાળા લાકડાના બ્લૉક્સ (બીબાં)નું પણ ચલણ રહ્યું છે જે ઇરાનમાં પણ છે. બન્ને શૈલી કાપડ ઉપર પરંપરાગત ચિત્રોના અંકનનું નેક કાર્ય કરે છે જે પ્રમાણભૂત છે અને ફ્રી હેન્ડવાળો પ્રત્યેક નમૂનો અદ્વિતીય છે. આ વંશ પરંપરાગત કળા પ્રાચીન કાળથી ગ્રામ્ય પ્રદેશોમાં, પાણીના કુદરતી પુરવઠા મળે ત્યાં સચવાયેલી છે. ગુજરાત સહિત તે ઘણા બધાં વિસ્તારોમાં વિભિન્ન અવતાર શ્વસે છે તો, કેરાલા મ્યુરલ્સ કલમકારી કળા સાથે મૈત્રીકરાર કરેલા છે. આધુનિક યુગમાં પારંપારિક પદ્ધતિની મદદ વડે ડિજીટલ ટેકનિક આવી છે. આજકાલ ટશર, રેશમ, મલમલ અને સિન્થેટિક કાપડ સુતરાઉકાપડ સાથે તાલ મિલાવે છે. લેધરક્રાફ્ટની પણ બોલબાલા છે. વૉલપીસ, પટ, પંજાબી ડ્રેસ- દુપટ્ટા, સાડી- બ્લાઉઝ, ગૃહ સુશોભન, ભેટ સોગાદ અને આભૂષણોમાં કલમકારીની કારી ફાવી ગઈ છે... ભરતકામ, લેસ અને મહેંદી ડિઝાઇને તેની શોભામાં ચાર ચાંદ લગાવ્યા છે. સુંદર રંગ આયોજન, પેટર્ન અને થીમની બોલબાલા છે. બ્લૂના શેઇડમાં ભગવાન, પીળા, રંગમાં સ્ત્રીઓ અને લાલ-લીલા રંગમાં રાક્ષસો આ કળામાં રાજ કરે છે. આ વિગતવાર જટિલ કળામાં ફૂલ, કળી, વેલ, પાન, ફળ, પશુ-પક્ષી અને દેવી-દેવતાઓ નાયક- નાયિકાના પાત્રો અદા કરે છે. આ ચિત્રોને પણ કિનારના શણગાર ઓપ આપે છે. અથથી ઇતિ સુધી કલમકારી ચિત્ર કળામાં પચીસથી વધુ પગથિયાવાળી લાંબી જટિલ પ્રક્રિયા હોય છે.

મહેંકી રહી ફૂલવારી, દેવો- માનવોની સવારી, હાથી ડોલે, મોર બોલે, ઝીણી ગૂંજે રંગ સિતારી

મનગમતાં, પોતીકાં, ચિત્રોની બારીકી અને કમનીય વળાંકો એવાં આકર્ષક હોય છે કે બે રેખાઓ અથવા બે બુટ્ટાઓની વચ્ચે ક્યાંય અવકાશ ન મળે. જોતાવેંત મન મોરલો ટહુકી ઉઠે એવા ચિત્રો કરવા કાપડને બ્લિચ કરવા માટે છાણ, પાણી, ભેંસનું દૂધ અને ખાસ રસાયણ વપરાય છે તેને સૂકવી નરમ પાડયા પછી ચિત્રની આઉટલાઇનના ગુંદર અને રસાયણ વડે 'કસામિ' એટલે કાળા રંગથી કરવામાં આવે ઇંડીગો, લીલો, લાલ, ચળકતો, પીળો, કથ્થાઈ, જામલી તેના ખાસ રંગો છે. કાપડને ધોઈને પછી મીણની મદદથી ડિઝાઇન ઉપર વારાફરતી ઇન્ડોનેશિયન બાટીક કરે. રંગપૂરણી માટે વાંસ, ખજૂરી અથવા આમલીની દાંડલીનો પેન કે પીંછી તરીકે ઉપયોગ કરે.

જેને અળિયાણા ભાગે વાળના ગુચ્છા બાંધ્યા હોય. એ પેનને ગૉળના પાણીમાં બોળી વારાફરતી બધી ડિઝાઇન ભરે અને ઓર્ગેનિક રંગો વાપરે. વનસ્પતિ, ખનિજ, મૂળિયાં, ફૂલ, પાન આદિનો ઉપયોગ રંગ બનાવવા માટે થાય. રંગ ઉતરે નહિ તે માટે ફરીથી 'એલમ' નામના સલ્ફેટનો ઉપયોગ કરે. 'મોર્ડન્ટ' નામનું રસાયણ રંગ પાકા કરે. રંગના ધાબા ન પડે તે માટેની પણ પ્રક્રિયા ! પાછું સૂકવવાનું. આમ, અનેક વાર ધોવાય પછી આ ચિત્ર થાય હવે તો ફેબ્રિક કે એક્રેલિક રંગો અને મીનાકારીનો ઉપયોગ પણ કલમકારીમાં થાય છે જેની ફેશન છે ! ચિત્રના બુટ્ટા, ભાત, પ્રસંગો, લકીરો, વળાંકો, કમનીય આકૃતિઓ, રંગો એકમેકના પૂરક છે. જીવંત પાત્રાલેખનમાંથી સંવાદ ટપકે અને પ્રકૃતિના જાયાની ગતિવિધિ ચિત્રમાં આલેખન અને રંગ થકી પ્રાણ પૂરે. એની સામુ જુઓ ને વાર્તા, વર્ણન સહજ રીતે નિષ્પન્ન થાય તે કલમકારી ચિત્રકળા.

લસરકો :

કાલાતીત ભવ્ય કળા, કસબીઓ થકી સરહદોને સ્પર્શી. તેને હાથતાળી દઈ વૈશ્વિક બની જાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qL5JKy
Previous
Next Post »