- રશ્મિએ તો આ બધા પ્રસ્તાવને નકારતાં કહ્યું : 'મને વડોદરા સુધી મૂકવા આવવાની જરૂર ખરી ? મને વડોદરા અજાણ્યું છે ? બે અઢી કલાકમાં તો નિરાંતે પહોંચી જઇશ...
ર શ્મિનાં મમ્મી પપ્પાની, દીકરીને મળવાની આતુરતા સમજાય તેવી હતી. તેને સાસરે આવ્યાને ઠીકઠીક સમય થઇ ગયો હતો. સાસરામાં એ એના સુશીલ સ્વભાવથી પરિવારમાં સહુનો પ્રેમ સંપાદન કરી શકી હતી.
વિશાલના પપ્પાને શરૂશરૂમાં થોડોક એતરાજ હતો તેને રશ્મિએ સ્નેહ અને સુશીલતાથી નિર્મૂલ કરી દીધો હતો. એ પોતે પણ એને દીકરી-દીકરી કરતા થઇ ગયા હતા.
વિશાલના મુગ્ધ મનમાં તો જાણે હવે રશ્મિને ક્યારેય સાસરે જવાનું ના હોય તેવી પ્રતીતિ થઇ ચૂકી હતી. રશ્મિ જાય એ એની કલ્પનામાં નહોતું આવતું અને એટલે જ જ્યારે રશ્મિની વડોદરા જવાની વાત પરિવારમાં આવી ત્યારે એ દિગ્મુઢ જેવો બની ગયો હતો.
રશ્મિને સાસરુ નહોતું ગમતું એવું તો હતું જ નહિ. સાસરામાં એનું સન્માન કોઈ પણ પરિચિતને જરા નવાઈ ભર્યું લાગતું હતું.
પ્રોફેસર પ્યારેલાલ કહેતા હતા ને કે સાસરુ ગમે તેટલું સોહામણું પણ પિયર તો લોભામણું જ.
રશ્મિની અતિશય ઉત્કંઠા જોઈ. વિશાલે પણ છેવટે મન કાઠું કર્યું.
થોડીક ચર્ચા વિચારણાઓ થયા પછી રશ્મિે વડોદરા જવાનું નિશ્ચિત બન્યું.
રવિવારે પરિવારમાં સભ્યોને મોટે ભાગે રજા હતી. પેથાભાઈની ઓફિસ બંધ, વિશાલના પપ્પાને ય રજા. વિશાલનું વ્યવસાયનું કામકાજ બંધ. વહુને વડોદરાની વાટે વિદાય આપવાનું નક્કી થઇ ગયું એટલે શનિવારે સાંજે પરિવાર આગળના મોટા ખંડમાં મુખ્ય કામ માટે એકત્રિત થયો. સહુનાં ધ્યાન કેન્દ્રમાં રશ્મિ અને એને વડોદરા વિદાય જ હતી.
વિશાલને તો વડોદરા સારી પેઠે પરિચિત હતું. એનું માનસિક ઘડતર, ફેન્સના મામાની દીકરીના સંપર્કમાં ઘડાયું હતું.
પરિવારની વાતોમાં એને વડોદરામાં પોતે કેવો ખીલ્યો, ખુલ્યો તેની માહિતી આપતાં એ ખુશ થઇ જતો હતો. પેથાભાઈ કશાક વિચારમા તકિયાને અટેલીને બેઠા હતા. એમનો સુપુત્ર બાબલો (જયેશ) કશાંક વિચારમાં હતો.
રશ્મિએ વડોદરા કારમાં જવું કે ટ્રેનમાં જવું, રશ્મિને વડોદરા મૂકવા કોઇએ જવું તો કોણે જવું ? રશ્મિનાં મમ્મી પપ્પાને ભાવભીનું આમંત્રણ આપવું, વગેરે વાતો દરમ્યાન અચાનક વિશાલના પપ્પાએ સૂચન કર્યું : 'વિશાલ બેટા રશ્મિને આપણી કારમાં તું જ વડોદરા મૂકી આવ. એ બધી રીતે સારું પડશે.'
પપ્પાનો આ પ્રસ્તાવ વિશાલના મુખ પર આનંદની સુરખી પ્રગટાવી ગયો. કારમાં રશ્મિની સોબતમાં - એના 'સત્સંગ'માં બે અઢી કલાક પસાર કરવામાં તો એને આનંદની અવધિ હતી. રશ્મિની લગોલગ બેસી કાર હંકારવી. એને જરાક પજવવી, એ બધા મઝાના ખ્યાલમાં વિશાલ ઝૂમતો હતો. પણ...પણ... પટલાણીેદીકરા જયેશનો પ્રસ્તાવ નામંજૂર કર્યો. વિશાલ કારમાં રશ્મીને મૂકવા જાય તો પેટ્રોલ કેટલું બળે ? અને ફેન્ટાએ પણ અનુમોદન આપતાં કહ્યું કે પાછા વળતાં તો વિશાલ એકલો જ ને ? બેઅઢી કલાક કંટાળો ના આવે ? વિશાલને મોટાં બા કે મમ્મી બેમાંથી એકેયની સૂચના પસંદ પડી નહિ. એ કોચવાયો પણ ખરો પણ વિરોધ કરવા જતાં પોતાને માટે ગેરસમજ થાય એ વિચારે એણે સૂચનનો વિરોધ કરવાનું માંડી વાળ્યું.
રશ્મિએ તો આ બધા પ્રસ્તાવને નકારતાં કહ્યું : 'મને વડોદરા સુધી મૂકવા આવવાની જરૂર ખરી ? મને વડોદરા અજાણ્યું છે ? બે અઢી કલાકમાં તો નિરાંતે પહોંચી જઇશ અને પપ્પા મને લેવા આવ્યા જ હશે : અરે ! કદાચ ના આવ્યા હોય - જો કે એવું તો બને જ નહિ - તો વડોદરાના ખૂણે ખૂણાની હું જાણકાર છું એટલે મને મૂકવા આવવાની કોઇને જરૂર નથી. હું વડોદરા પહોંચીને તરત તમને ફોન કરી દઈશ.'
હું એકલી છું, સ્ત્રી છું એટલા માટે મારી ચિંતા કરશો નહિ. હું એવી મુશ્કેલીઓને પહોંચી વળવા સક્ષમ છું. મારામાં એટલી હિંમત છે અને સામનો કરવાની સજ્જતા પણ છે.
રશ્મિના બોલવા પર બધા જ તાજ્જુબ થઇ ગયાં. અને સામે જ રશ્મિ એવી રીતે કેળવાયેલી હતી. પપ્પાનો વારસો તો ખરો જ. પણ દુનિયાદારીની, મુશ્કેલીનો સામનો કરવાની હિંમત પણ હતી. જો કે એમના વિસ્તારોમાં એવો પ્રશ્ન ક્યારેય ઉભો થયો નહોતો.
રશ્મિને વડોદરા કઇ રીતે મોકલવી તેની ચર્ચા ચાલતી હતી તેવામાં પ્રોફેસર પ્યારેલાલ આવ્યા. રશ્મિ રવિવારે વડોદરા જવાની હતી તેની તેમને જાણ હતી. એમણે આવીને વાતવાતમાં બધી જ ચર્ચા વિચારણા સમજી લીધી.
પેથાભાઈએ પ્રોફેસર પ્યારેલાલને બધી સુઝાવની વાત કરી એટલે પ્યારેલાલે પોતાનો સૂઝાવ આપતાં કહ્યું : 'રશ્મિને મૂકવા જવાની કોઇને જરૂર નથી. અમદાવાદથી વડોદરા સુધીની ટ્રેન ચાલે જ છે. એમાં મુસાફરી બિલકુલ સલામત છે. થોડી ભીડ હોય, ડબામાં અવર જવર હોય એટલે પૂરી સલામતી. જો કે રશ્મિ પોતે જ 'ખબરદાર' છે.'
રશ્મિનું મુખ મલકી ગયું. એણે અન્કલ પ્રત્યે આભારનો ભાવ પ્રગટ કર્યો.
રશ્મિને વડોદરા મૂકવા જવાની યોજના જવા દો. વિશાલ એને અમદાવાદ સ્ટેશન પર છોડી આવે, ટ્રેન ઉપડે ત્યાં સુધી એ ત્યાં રશ્મિ સાથે રોકાય. એ રીતે એમને થોડી વાતચીતનો અવકાશ મળશે અને બંને ને એ ગમશે.
પ્રોફેસર પ્યારેલાલની વાત સહુને ગમી ગઈ.
વિશાલે પણ સંતોષ માની લીધો કે અહીંથી અમદાવાદ સ્ટેશન સુધી રશ્મિની લગોલગ બેસીને મઝાની વાતો કરવાનો અવકાશ તો મળશે.
એણે પ્રસ્તાવ વધાવી લીધો અને રવિવારે બપોરની ટ્રેનમાં વિદાય પર મહોર વાગી ગઈ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38C1Mlf
ConversionConversion EmoticonEmoticon