કપડવંજના નાયબ મામલતદાર પર પથ્થરમારો કરીને ચપ્પુની અણીએ લૂંટી લીધા


- બાઇકની ઓવરટેક કરીને ત્રણ શખ્સોએ મામલતદારને નીચે પાડી દીધા : નવ હજાર રોકડ, દસ્તાવેજો સહિતની ૧૫ હજારની મતા લૂંટી  

અમદાવાદ


હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની અને હાલ કપડવંજમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા આ સરકારી કર્મચારીને ગુરૂવારે રાત્રે તેઓ બાઈક લઈને કડોલી જઈ રહ્યા હતા ત્યારે એક બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રાત્રે અંધારામાં તેમના બાઈકની ઓવરટેક કરી નાયબ મામલતદારના બાઈકને રોકવા પથ્થરમારો કરી ચપ્પુ બતાવીને ઉભા રખાવ્યા બાદ તેમની પાસેથી રોકડ સહિત અન્ય દસ્તાવેજો મળી રૂા.૧૫ હજારની મત્તાની લૂંટ કરી ભાગી ગયા હતાં.

આ અંગે નાયબ મામલતદારે શુક્રવારે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરીયાદ નોધાવી હતી. આ અંગે નાયબ મામલતદાર યુનિક શંકરલાલ પટેલે નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ તા.૨૬ માર્ચના રોજ રાત્રીના સુમારે તેઓ બાઈક લઈને કાનડા-કડોલી રોડ પર થઈને જતા હતા ત્યારે પાછળથી આવતા એક બાઈક પર બેઠેલા અંદાજે ૨૦ થી ૩૦ વર્ષના અજાણ્યા શખ્સોએ બાઈકની ઓવરટેક કરી લીધી હતી. ત્યારબાદ યુનિક પટેલને ઉભા રહેવા માટે કારણ વગર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને લઈને યુનિક પટેલને પરાણે ઉભા રહેવુ પડયુ હતું.ત્યારબાદ આ અજાણ્યા શખ્સો પૈકી એક શખ્સે ચપ્પુ બતાવીને તેમને જમીન પર પાડી દીધા હતાં. ત્યારબાદ તેમની પાસેની બેગ આંચકી લીધી હતી. આ બેગમાં અંદાજે રૂા.૯ હજાર રોકડ તથા ત્રણ એટીએમ કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ત્રણ જોડ કપડા ભરેલો થેલો પડાવી લીધો હતો. જેમાં અંદાજે રૂા.૧૫ હજારની મત્તા હતી. જેની લૂંટ થયા બાદ નાયબ મામલતદારે શુક્રવારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ ફરીયાદ નોધાવી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w64R71
Previous
Next Post »