ખેડા જિલ્લામાં આજે પરંપરાગત હોલિકા દહન


- શનિવારથી ઠેર ઠેર તૈયારીઓ શરૂ થઇ ગઇઃ જોકે દર વર્ષ જેવો ભવ્ય માહોલ જોવા નહી મળેઃ આગલી સાંજે ખજૂર- ધાણીનું વેચાણ વધવા પામ્યું

નડિયાદ

ખેડા જિલ્લામાં આજે ઠેરઠેર હોળીની ઉજવણી કરવામાં આવશે. જોકે  કોરોનાનો ભય અને સરકારી ગાઈડલાઈન પાળવાની હોવાને કારણે દર વર્ષ જેવો ભવ્ય માહોલ આ વરસે જોવા મળે તેવી શક્યતા ઓછી છે. આમ છતાં હોળીની આગલી સાંજે જિલ્લાના વડામથકમાં હોલિકાદહનની તડામાર તૈયારીઓ થવા લાગી છે.

જોકે સરકારી આદેશ અનુસાર જિલ્લામાં ભક્તો ટોળા ભેગા કર્યા વગર હોળીકાદહનનો કાર્યક્રમ અને તેને લગતી ધાર્મિક વિધિઓ કરી શકશે. હોળી સાથે જોડાયેલી ધાર્મિક પ્રક્રિયાઓ પૂરી કરવાની પરવાનગી આપવામાં આવી છે, પણ તેમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે જોવાનું રહેશે.

૨૮ માર્ચે સાંજે ૭ વાગ્યા પછી જિલ્લામાં ઠેરઠેર હોળીકાદહનના કાર્યક્રમ જોવા મળશે, તે માટેની તૈયારીઓ એક દિવસ પહેલાંથી જોવા મળી રહી છે. જોકે ઘણી સોસાયટીઓ અને સમુહે કોરોનાની સ્થિતિ જોતા હોળીકાદહન ન કરવાનો નિર્ણય કર્યો છે, એટલી દર વરસ જેટલી સંખ્યામાં હોળીઓ પ્રગટતી જોવા નહીં મળે. આમ છતાં શહેરમાં ઘણેસ્થાને હોળીકાદહનની તૈયારીઓ જોવા મળી હતી. બજારોમાં કોરોના અને સરકારી આદેશને લીધે વેપારી આલમમાં ઉદાસી છવાયેલી છે અને દુકાનોને ખાસ ગ્રાહકો સાંપડયા નથી. જોકે હોળીની આગલી સાંજે ખજૂર, ધાણી વગેરેનું વેચાણ થવા લાગ્યું હતું.

ધાર્મિક વિધિ સિવાયનાં આયોજનો પર મનાઇ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ધાર્મિક વિધિ સિવાય કોઈ જ પ્રકારના આયોજનોની પરવાનગી આપવામાં આવી નથી. સરકારી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવા પોલીસ ફોર્સ સજ્જ રહેશે. હોળીના કાર્યક્રમ દરમિયાન ગાઈડલાઈનનું ઉલ્લંઘન અને અણછાજતી ઘટના ટાળવા શહેરમાં ઠેરઠેર પોલીસની ચાંપતી નજર રહેશે તેવી માહિતી પણ પોલીસ સૂત્રો પાસેથી મળી રહી છે.

કઇ વસ્તુના કેટલા ભાવ

ધાણી - ૧૪૦ રૂપિયે કિલો

નાની ધાણી - ૮૦ રૂપિયે કિલો

ખજૂર - ૬૦થી ૭૦ રૂપિયે કિલો

હારડા - ૮૦ રૂપિયે કિલો

સેવ - ૧૦૦ રૂપિયે કિલો

ચણા - ૧૪૦ રૂપિયે કિલો

રંગ અને પિચકારીઓની દુકાનો અને લારીઓ સુમસામ

હોળીના આગલે દિવસે પણ બજારોમાં રોનક જોવા મળી ન હતી. રંગ અને પિચકારીની દુકાનો અને લારીઓ ખાલીખમ રહી હતી. હોળીની આગલી સાંજે૧૦-૨૦ રૂપિયામાં રંગની નાની કોથળીઓ વેચાતી હતી, તેમ છતાં વેપારીઓને ગ્રાહકો સાંપડયા ન હતા. નાની પિચકારીઓ ૨૦થી ૫૦ રૂપિયા સુધીમાં વેચાઈ રહી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dc68kq
Previous
Next Post »