એપ્રિલ ફૂલ : શરૂઆત કઇ રીતે થઇ?

- 1 એપ્રિલ ફૂલ્સ ડે

- મહિલા વૃક્ષ ઉપરથી સ્પેગેટી ઉતારતી હોય તેવું દ્રશ્ય


આજથી સદીઓ પહેલા ફ્રાન્સના નારમેડીમાં ૧ એપ્રિલના અનોખું સરઘસ નીકળતું, જેમાં એક ઘોડા ગાડીમાં સૌથી મેદસ્વી વ્યક્તિને આગળ બેસાડવામાં આવતી અને તેની સાથે શહેર ફરતે ચક્કર લગાવવામાં આવતા

સા માન્ય રીતે અન્ય કોઇ વ્યક્તિ મૂર્ખ બનાવી જાય, મજાક ઉડાવે તો આપણા માટે પચાવવું આસાન હોતું નથી. લેકિન...કિંતુ...પરંતુ...વર્ષના ૩૬૫ દિવસમાંથી એક દિવસ એવો પણ છે જ્યારે કોઇ આપણી મજાક ઉડાવીને જતું રહે તો આપણે પણ તેનો લુત્ફ ઉઠાવી લેતા હોઇએ છીએ. આ દિવસ એટલે ૧ એપ્રિલ. હવે ૧ એપ્રિલે જ શા માટે મજાક ઉડાડવાની પરંપરા છે તેના અંગે વિવિધ લોકવાયકાઓ છે. કેટલાક લોકોનું માનવું છે કે, ઈ.સ. ૧૫૮૨માં  એપ્રિલથી નવા વર્ષનો પ્રારંભ ગણવામાં આવતો હતો. એ સમયે લોકો નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે ૧ એપ્રિલના એકમેકને મૂર્ખ બનાવતા હતા. જે પણ વ્યક્તિ મૂર્ખ બની જતી તેને એપ્રિલ ફૂલથી સંબોધવામાં આવતો અને ત્યારથી આ ટ્રેન્ડ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયો હતો. એમ પણ કહેવામાં આવે છે કે, સદીઓ અગાઉ યુરોપના કેટલાક દેશમાં ૧ એપ્રિલના એક દિવસ માટે  માલિક નોકરની ભૂમિકા અદા કરતો અને પ્રત્યેક નોકર માલિક બનીને તેના પર હુકમ ચલાવતો હતો. માલિક તેના નોકરના આદેશ અનુસાર પ્રત્યેક કામ વિનમ્રતાથી કરતો હતો. આ મૂર્ખાઇભરેલી  પ્રથાને કારણે લોકો એકમેકને આ દિવસે મૂર્ખ બનાવવાનું શરૂ કર્યું. આજથી સદીઓ પહેલા ફ્રાન્સના નારમેડીમાં ૧ એપ્રિલના અનોખું સરઘસ નીકળતું, જેમાં એક ઘોડા ગાડીમાં સૌથી મેદસ્વી વ્યક્તિને આગળ બેસાડવામાં આવતી અને તેની સાથે શહેર ફરતે ચક્કર લગાવવામાં આવતા. આ મેદસ્વી વ્યક્તિને જોઇને લોકો ખડખડાટ હસી પડતા. 

આ તો થઇ સદીઓ અગાઉની વાત. હવે આજના સમય પ્રમાણે પરંપરાનું કારણ શોધવું હોય તો એમ કહી શકાય કે, માર્ચ એન્ડિંગનો હિસાબના બે છેડા ભેગા કરવાનો થાક ઉતારવા અને હસીને હળવાફૂલ થવા માટે ૧ એપ્રિલે એકમેકની મજાક ઉડાડવામાં આવે છે. કોઇ કોમનમેન તો એમ પણ બળાપો ઠાલવતો હોય છે કે, ૩૧ માર્ચે ટેક્સ ભરીને તે મૂર્ખ બન્યો હોવાથી ૧ એપ્રિલે તેની ઉજવણી કરવામાં આવે છે. કારણ કોઇ પણ હોય તે પરંતુ ૧ એપ્રિલે મૂર્ખ બનવાની અને બનાવવાની મજા જ અલગ છે. સ્વ. અમૃત્ત ઘાયલની જાણીતી પંક્તિ છે કે, 'જીવનમાં જો દુ:ખો હોય તો જીવન મદિરાધામ થઇ જાયે, આ દિલ સુરાહી ને નયન જામ થઇ જાયે...ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે, જળ હોય ઝાંઝવાના તો પણ મને ગમે છે, હસવું સદાય હસવું દુ:ખમાં અચૂક હસવું, દીવાનગીતપણું આ ડહાપણ મને ગમે છે....'  એપ્રિલ ફૂલની જ કમાલ છે કે ૧ એપ્રિલના દિવસે કોઇ મોટા નિર્ણય લેવાની જાહેરાત કરવાનું ટાળતા હોય છે. કેમકે, આવી દરેક જાહેરાતને લોકો પહેલા એપ્રિલ ફૂલમાં જ ખપાવી દે છે. આ જ કારણે ૧ એપ્રિલ ૧૯૪૬માં હવાઇ ખાતે એલેયુટિયન ટાપુમાં સુનામીની વારંવાર આપવામાં આવેલી ચેતાવણીને લોકોએ એપ્રિલ ફૂલની મજાકમાં ખપાવી દીધી અને જેના કારણે ૧૬૫ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. ૧ એપ્રિલ ૨૦૦૪માં ગૂગલ દ્વારા જી મેઇલનો શુભારંભ કરવાની જાહેરાતને પણ લોકોએ શરૂઆતમાં મજાકમાં ખપાવી હતી. 

એપ્રિલ ફૂલ બનાવવાના કેટલાક ક્લાસિક કિસ્સાઓ પણ છે. આ કિસ્સાઓ જાણ્યા બાદ આપણને થશે કે ગાંડાના ગામ જ્યારે એપ્રિલ ફૂલ બનનારા શહેર પણ હોય છે. વિખ્યાત ચેનલ બીબીસી ચેનલ પર ૧ એપ્રિલના ૩ મિનિટની એવી ડોક્યુમેન્ટરી પ્રસારિત કરવામાં આવી અને જેમાં એમ દર્શાવવામાં આવ્યું કે સ્વિત્ઝર્લેન્ડમાં એક સ્થળે સ્પેગેટીની ખેતી થાય છે. મુખ્યત્વે ઇટાલની આ વાનગી ત્યારે બ્રિટનમાં ધીરે-ધીરે લોકપ્રિય થઇ રહી હતી. જેના કારણે ખાસ્સા એવા વર્ગે એમ માની લીધું કે, ખરેખર વૃક્ષો પર સ્પેગેટીની લાંબી સેરો થાય છે. બીબીસીએ વળી દર્શકોને પૂરેપૂરા મૂર્ખ બનાવવા માટે એક મહિલા વૃક્ષ ઉપરથી સ્પેગેટી ઉતારતી હોય તેવું દ્રશ્ય પણ સામેલ કર્યું. આ ડોક્યુમેન્ટરી જોયા બાદ બીબીસીનું હેડક્વાર્ટર ફોનની રીંગથી ધમધમી ઉઠયું અને દરેકનો સવાલ હતો, 'અમારે પણ સ્પેગેટી ઉગાડવી છે, માર્ગદર્શન આપો ને...'આખરે સાંજે બીબીસીએ દર્શકોને આ મામલે કેવી રીતે એપ્રિલ ફૂલ બનાવ્યા તેની સ્પષ્ટતા કરી હતી. 

૧૯૬૨માં સ્વિડનની એક ચેનલે એવી જાહેરાત કરી કે, 'તમારા ટેલિવિઝનને બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલરમાં તબ્દીલ કરી શકાય છે. જેના માટે તમારે ટીવીથી થોડું દૂર બેસવાનું રહેશે.બેઠા બાદ તમારે માથું હલાવવાનું નથી.' જેની પાંચ મિનિટ બાદ આ ચેનલમાં મોટા અક્ષરમાં લખેલી સૂચના આવી 'એપ્રિલ ફૂલ'. ૧૯૯૮માં 'ન્યૂ મેક્સિકન ફોર સાયન્સ એન્ડ રિઝન્સ' નામના સામાયિકમાં એવો અહેવાલ આવ્યો કે રાજ્યની સેનેટ દ્વારા ગાણિતિક સંજ્ઞાાા પાઇનું મૂલ્ય ૩.૧૪થી બદલીને ૩ કરવામાં આવ્યું છે. પાઇનું મૂલ્ય બદલવાથી કેટલી મુશ્કેલી થશે તેને લઇને ભારે હો-હા મચી ગઇ, અનેક લોકોએ સેનેટરોને ખખડાવી પણ નાખ્યા. આ પછી સાચી વાત બહાર આવતા લોકોનો ગુસ્સો શાંત થયો. 

૧૯૭૬માં અવકાશયાત્રી પેટ્રિક મૂરેની બીબીસી રેડિયોમાં મુલાકાત આવી અને જેમાં તેમણે એવી જાહેરાત કરી કે, 'જાવિયા પ્લુટોનિયન ગ્રેવિએશ્નલ ઇફેક્ટનો પ્રારંભ થઇ ગયો છે અને જેના લીધે પૃથ્વીનું વજન પણ ઘટી ગયું છે. હવે ગુરુત્વાકર્ષણ બળની તીવ્રતા નહિવત્  થઇ ગઇ હોવાથી તમે કૂદકો મારશો તો તમે જમીન પર પગ નહીં મૂકી શકો અને સતત તરતા રહેશો. ' આ વાક્ય પૂર્ણ થયું કે અનેક લોકોએ વાતમાં તથ્ય છે કે કેમ તે ચકાસવા કૂદકા લગાવ્યા હતા અને પછી ખ્યાલ આવ્યો કે તેઓ એપ્રિલ ફૂલ બની ગયા છે. અમેરિકન અખબાર 'યુએસ ટુડે'જાહેરાત આવી કે ફાસ્ટફૂડ ચેઇન બર્ગર કિંગે ૩૨ લાખ જેટલા અમેરિકન ડાબોડીઓને ધ્યાનમાં રાખીને લેફ્ટ હેન્ડેડ સ્પેશિયલ સેન્ડવિચ, બર્ગર બનાવ્યા છે. આ જાહેરાત જોઇ અનેક ડાબોડીઓ એમ ઓર્ડર આપવા લાગ્યા કે, 'મને લેફ્ટી બર્ગર આપજો. 'બીજા દિવસે કંપનીએ જાહેરાતથી સ્પષ્ટતા કરી ત્યારે ગ્રાહકોને માલૂમ પડયું કે 'આપણે એપ્રિલ ફૂલ બની ગયા.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u5IkFC
Previous
Next Post »