આજની તારીખમાં માત્ર જુવાન છોકરીઓ જ નહીંં, બે-ચાર વર્ષની બાળકીઓ પણ પુરુષોની બદનિયતથી બાકાત નથી રહી. આનું મૂળ કારણ છે મહિલાઓની શારીરિક નબળાઇ. ઇશ્વરે સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શારીરિક રીતે ઘણી નાજુક -નમણી ઘડી છે. તેથી પુરુષો હંમેશાંથી મહિલાઓ પર બળજોરી કરતાં આવ્યાં છે. પરંતુ હવે સમય પાકી ગયો છે કે મહિલાઓ પોતાને નબળી સમજવાને બદલે પોતાની સુરક્ષા જાતે જ કરતાં શીખે. શારિરીક રીતે નાજુક-નમણાં હોવાનો અર્થ નબળા હોવું એવો ન હોઇ શકે. તે ચાહે તો પોતાની કાયાને કસીને ખડતલ પુરુષોને પણ પાણીને ભૂ કહેવડાવી શકે. આપણોઇતિહાસ આવા અનેક ઉદાહરણોથી ભરેલો છે. અલબત્ત, આજની તારીખમાં પણ એવી ઘણી મહિલાઓ છે જે પોતાની કસાયેલી કાયા અને લડાઇના દાવપેચોની આવડતને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહી છે. આવી એક યુવતી એટલે રેસલિંગ ચેમ્પિયન રિતુ ફોગાટ.તે કહે છે ક જાતે જ ે પોતાની સુરક્ષા કરતાં શીખો. અન્ય કોઇ પર આધાર રાખવાને બદલે જરૂર પડયે સામી વ્યક્તિને ચિત્ત કરીને તમારું રક્ષણ સ્વયં કરો. આને માટે માર્શલ આર્ટ્સથી રૂડું શું?
આજની તારીખમાં મિક્સ માર્શલ આર્ટ્સમાં ઊભરી રહેલા દુનિયાભરના સિતારાઓમાંની એક રિતુ ફોગાટ કહે છે કે માર્શલ આર્ટ્સ(લડાઇની રમતગમતો) ના બેશુમાર ફાયદા છે. તેમાં માત્ર તમારી કાયા જ નથી કેળવતી, બલ્કે તમારું મગજ પણ સતેજ બને છે. તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા , રોગપ્રતિકારક શક્તિ તેમ જ જીવન પ્રત્યેનો અભિગમ વિકસે છે.જીવનને જોવાની તમારી દ્રષ્ટિમાં મોટું પરિવર્તન આવે છે.
જોકે રિતુ ફોગાટ માર્શલ આર્ટ્સની પ્રેક્ટિસ કરવા જિમમાં જવાનો આગ્રહ રાખે છે. તે કહે છે કે માર્શલ આર્ટ શીખવા માટે આ એક યોગ્ય સ્થળ છે. તેનું કારણ એ છે કે અહીં જ તમને તેની પ્રેક્ટિસ કરવાની છે. તમે લડાઇના દાવપેચ શીખી લીધાં એટલે તેને ગમે ત્યાં અજમાવવી ન શકો. તેની અજમાયશ તમારી સાથે તાલીમ લેતાં અન્ય લોકો પર પ્રેક્ટિસ તરીકે કરતાં રહેવાની રહે છે જેથી જરૂર પડયે તેનો પ્રયોગ કરી શકાય. વાસ્તવમાં જિમ બહારની દુનિયામાં તેનો અમલ માંડ વીસેક ટકા જેટલો જ થવાનો છે કે પછી કરવાનો છે. જ્યારે એંસી ટકાની અજમાઇશ જિમમાં જ કરવાની છે. વાસ્તવિક લડાઇ કરતાં તેની તૈયારી વધુ સમય અને ધીરજ માગી લે છે. અને આ ધીરજ જ તમને શીખવે છે કે જ્યાં સુધી છેલ્લા તબક્કાની નોબત ન આવે ત્યાં સુધી તમારે વાસ્તવિક જીવનમાં તમારી માર્શલ આર્ટ્સને પ્રત્યક્ષ રીતે અજમાવવાની નથી.
તે કહે છે કે જ્યારે તમે તમારા બચાવની સ્થિતિમાં આવો ત્યારે પણ સામી વ્યકિત પર સીધો જ હુમલો કરી દેવાને બદલે સંબંધિત સ્થળેથી છટકી જવાનો પ્રયાસ કરો. તે વખતે તમારું મગજ એકદમ શાંત રાખો. જો છટકી શકાય એવી સ્થિતિ ન હોય તો પોલીસની મદદ માગવાનો પ્રયાસ કરો. આજની તારીખમાં મોબાઇલ હાથવગું હોવાથી તમારું આ કામ ઘણું આસાન બની જશે. પરંતુ જ્યારે કોઇ માર્ગ ન બચે ત્યારે જ સ્વબચાવની તમારી આવડત અજમાવો. અહીં એ વાત યાદ રાખવી રહી કે તમે જ્યારે તમારા બચાવમાં સામી વ્યક્તિ પર હુમલો કરો ત્યારે તમારું શારીરિક રીતે મજબૂત હોવું પ્રથમ શરત બની જાય છે. વાસ્તવમાં માર્શલ આર્ટ્સ અને શારીરિક મજબૂતી એકમેકના પૂરક છે. જ્યાં સુધી તમે ફિઝિકલી ફિટ ન હો ત્યાં સુધી તમે તમારા લડાઇના દાવપેચ અજમાવી જ ન શકો. તમારું શરીર અને મગજ એકદમ સ્ફૂર્તિલા હોય તો કઇ સ્થિતિમાં કયો દાવ અજમાવવો તે તમે પળવારમાં નક્કી કરી શકો અને પૂરી તાકાતથી તેને અમલમાં પણ મૂકી શકો.
રિતુ ફોગાટ વધુમાં કહે છે કે શક્યત:કોઇપણ લડાઇ વખતે ફાસ્ટેસ્ટ એન્ડ અજમાવો. આમ કરવાથી તમને તેમ જ તમારી પજવણી કરનારને ઓછામાં ઓછું નુક્સાન થશે.
તમારે તમારો દાવ સામી વ્યકિતને નુક્સાન પહોંચાડવા કરવા કરતાં તેને પાછો પાડવા અજમાવવાનો છે. આમ કરીને તમે તમારી જાતને તેના સકંજામાંથી બચાવી લેવાની છે.અને જરૂર ન હોય ત્યાં તમારી શારીરિક શક્તિનો ઉપયોગ નથી કરવાનો. તેથી જ માર્શલ આર્ટસ શીખનારાઓને સૌથી પહેલા મગજ શાંત રાખવાનું શીખવવામાં આવે છે.
- વૈશાલી ઠક્કર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38n757Q
ConversionConversion EmoticonEmoticon